જટામાંસી (Nardus root)

January, 2012

જટામાંસી (Nardus root) : હિમાલયમાં કુમાઉંથી પૂર્વ સિક્કિમ સુધીના વિસ્તારમાં 3000થી 5000 મી.ની ઊંચાઈએ ઊગતા Spikenard અથવા Indian Nard(Nardostachys jatamansi, કુટુંબ Valerianaceae)ના સૂકા પ્રકંદ (rhizomes). તે વૅલેરિયનને બદલે વપરાય છે. આ પ્રકંદ 1થી 5 સેમી. લાંબા અને 0.5થી 3 સેમી. વ્યાસવાળા, નળાકાર, બદામીથી ભૂખરા રંગના હોય છે. તેના ઉપર લાલથી તપખીરિયા રંગના તંતુઓનું આવરણ હોય છે, જે પર્ણાધારનાં સંચિત કંકાલ છે. પક્વ પ્રકંદમાં બાહ્ય ત્વચા હોતી નથી. બાહ્યછાલનાં વલયો કેટલેક સ્થળે તૂટેલાં દેખાય છે. આંતરછાલ આ ઔષધિનું વિશિષ્ટ લક્ષણ છે.

પ્રકંદમાંથી મળતું બાષ્પશીલ તેલ (essential oil – સુગંધી તેલ) સ્પાઇકેનાર્ડ તેલ તરીકે ઓળખાય છે. તે વાળને કાળા અને લાંબા બનાવે છે. તેલમાં જટામાનસોન છે, જે વૅલેરિયનમાંથી મળતા વૅલેરોનીનને મળતું આવે છે. પ્રકંદનો સ્વાદ તીખો અને સહેજ કડવો છે.

જટામાંસી હિસ્ટીરિયા, આંચકી અને હૃદયના ધબકારાના શામક તરીકે વપરાય છે. તે ઉદવેષ્ટહર (spasmolytic) તથા હૃદ્ અતાલતા(cardiac arrythmia)ના ઉપચાર તરીકે પણ વપરાય છે.

જટામાંસીના અપમિશ્રક તરીકે ભૂતજટા અથવા ભૂતકેશી વપરાય છે. તે 1800થી 3600 મી.ની ઊંચાઈએ થતા selinum veginatumનાં પ્રકંદ અને મૂળમાંથી મળે છે. તેનાં પ્રકંદ અને મૂળ જટામાંસી જેવાં દેખાય છે પણ તેમની વાસ કસ્તૂરી જેવી તથા સ્વાદ કડવો મસાલા જેવો હોય છે. સૂક્ષ્મદર્શકથી જોતાં ભૂતજટામાં અન્નવાહિની(phloem)ની ઉપરના ભાગમાં સ્રાવી નલિકાઓ દેખાય છે તથા મૃદુતક (parenchyma) કોષોમાં પંખા આકારના કૅલ્શિયમ ઑક્ઝેલેટના સ્ફટિક દેખાય છે, જે જટામાંસીમાં હોતા નથી.

ભૂતજટાના બાષ્પશીલ તેલમાં α – અને β – પાયનિન, લિમોનિન, કેમ્ફિન, β – ફિલાન્ડ્રિન, α -યુજેન, ફ્રેન્ચિલ, ટર્પિનિયોલ, ફૅન્યોન ઉપરાંત કુમારિન ઍન્ગેલેસીન અને ફલૅવેનોન સૅલિનોન છે. તેલ શામક છે અને વેદનાહર તરીકે વપરાય છે.

ચીનમાં Nardostachys tanensisના પ્રકંદ જટામાંસી તરીકે વપરાય છે. તેના બાષ્પશીલ તેલમાંથી નાર્ડોસિનોન નામનો કીટોન મળે છે જે જટામાંસીમાં નથી.

બજારમાં મળતું સ્પાઇકેનાર્ડ તેલ ઘણુંખરું ચીનમાંથી આવે છે. પણ કેટલીક વખત ભારતમાંથી પણ તે મેળવાય છે.

આયુર્વેદ અનુસાર જટામાંસી (બાલછડ), કડવી, સુગંધી, તીખી, તૂરી, ઠંડી, વાતદોષહર, સંકોચવિકાસપ્રતિબંધક, હૃદયબલ્ય, રક્તાભિસરણ-ઉત્તેજક, ત્વચારોગનાશક, તાવ મટાડનાર, વેદનાહર, કફઘ્ન, કેશવર્ધક, કાંતિવર્ધક, આનંદવર્ધક, ક્ષુધાવર્ધક, યકૃત (liver) ઉત્તેજક, પિત્તસ્રાવક, હૃદયોત્તેજક, રક્તસ્તંભક, સોજા મટાડનાર, કફસ્રાવક, મૂત્રલ, વાજીકર, આર્તવ ઉત્પન્નકર્તા, સ્વેદ લાવનાર, દેહવર્ણ સુધારનાર, સંજ્ઞાસ્થાપન, મેધ્ય, રક્તદોષ તથા વિષને હણનાર છે. તે તાવ, કોઢ, દાહ, વેદના, સ્મૃતિહ્રાસ, શિર:શૂલ, હોજરીનો સોજો, લિવરનો સોજો, કમળો, હૃદયની શિથિલતા, રક્તપિત્ત, ઉધરસ, શ્વાસ, મૂત્રની અટકાયત–પીડા, પેઢુનો સોજો, જીર્ણપ્રમેહ, નપુંસકતા, રતવા-વિસ્ફોટ, શીતળા, હિસ્ટીરિયા, વાઈ-ફેફરું, મૂર્ચ્છા, ખેંચ, બ્લડપ્રેશર (રક્તચાપ : લોહીનું દબાણ), હૃદયનાં સ્પંદનો વધી જવાં, છાતીમાં બેચેની જેવા અનેક રોગો મટાડે છે. જટામાંસી રક્ત, મગજ અને જ્ઞાનતંતુઓ પર ઉત્કૃષ્ટ પ્રભાવ પાડે છે. તેનાથી મન શાંત થાય છે. જ્ઞાનતંતુના વિકારો મટે છે. તેનાથી ઊંચું અને નીચું રહેતું લોહીનું દબાણ કાબૂમાં આવે છે. કેશ તેલમાં તેના ઉપયોગથી વાળ વધે છે, મગજને સારી ઠંડક મળે છે અને તેલ સુગંધી બને છે. તેનાથી શાંતનિદ્રા આવે છે.

કૃષ્ણકુમાર નરસિંહભાઈ પટેલ

 બળદેવપ્રસાદ પનારા