જગન્નાથ બુવા પુરોહિત

January, 2012

જગન્નાથ બુવા પુરોહિત (જ. હૈદરાબાદ; અ. 11 ઑક્ટોબર 1968, ડોંબિવલી, મુંબઈ) : જાણીતા ભારતીય શાસ્ત્રીય સંગીતકાર. જન્મ પુરોહિત કુટુંબમાં. બાળપણમાં માતાપિતાની છત્રછાયાથી વંચિત, અત્યંત દરિદ્રતામાં તેમણે બાળપણ વિતાવેલું. પરિણામે તેઓ શાળાકીય અભ્યાસથી વંચિત રહેલા.

બાળપણથી જ સંગીત પ્રત્યેની લગનના કારણે ગુરુની શોધમાં તેઓ રઝળપાટ કરતા. સંગીતની સર્વપ્રથમ શિક્ષા તેમણે ઘણી મુશ્કેલી વચ્ચે પાંચ વર્ષ સુધી હૈદરાબાદના શબ્બુખાન તથા મહમદઅલીખાન પાસે લીધેલી. ત્યારબાદ હૈદરાબાદ છોડીને તેઓ કોલ્હાપુર ગયા. પંજાબના ધ્રુપદગાયક ગુલામ અહમદ તલવંડી પાસે તેમણે તાલીમ લીધી. ત્યાર પછી આગ્રા ઘરાનાના લોકપ્રિય અને ખ્યાતનામ ગાયક ખાંસાહેબ વિલાયત હુસેનખાં પાસે ગાયનની તાલીમ શરૂ કરી. વિલાયત હુસેનખાંના શિષ્ય તરીકે સ્થાન પ્રાપ્ત થતાં બુવાએ હાશ અનુભવી. ખાંસાહેબ બુવાની સાધના તથા તેમના માનવીય ગુણોથી અત્યંત પ્રભાવિત હતા. બુવાની ભક્તિથી ખાંસાહેબે તેમના આ શિષ્યને ઉદ્દેશીને રાગ પટદીપમાં એક સુંદર બંદિશ રચેલી જેના શબ્દો નીચે પ્રમાણે છે :

સ્થાયી

સારો ગુરન કી સેવા કરત વોહી

અંતરા

પ્રેમ ભક્ત પ્રાણ કહત સુનો હુંગુનીદાસ

યા દોઉ જગમેં પ્રભુ દેત તોહે બડો નામ

ગુરુએ શિષ્યને ઉદ્દેશીને આશીર્વાદ આપતી બંદિશની રચના કરી હોય તે શાસ્ત્રીય સંગીતમાં એક વિરલ ઘટના છે. ખાંસાહેબે બુવાને ‘ગુનીદાસ’ નામથી સંબોધન કર્યું હતું.

જગન્નાથ બુવા એક સારા તબલાવાદક પણ હતા. તેમણે ખાંસાહેબ અહમદજાન થિરકવા તથા મિરજવાળા મહેબૂબ ખાન પાસે તબલાની તાલીમ લીધેલી. તેમનો મધુર અવાજ, સુંદર બંદિશો, તાલ અને સ્વરપ્રધાન ગાયકી તથા કઠિન રાગો ઉપરનું સહજ પ્રભુત્વ સંગીતક્ષેત્રમાં અજોડ ગણાતાં. તેમણે રચેલી બંદિશો અને રાગો આજે પણ અત્યંત લોકપ્રિય છે. સ્વભાવે અત્યંત શિસ્તના આગ્રહી; પરંતુ ઋજુ અને પરદુ:ખભંજન બુવાએ ગૃહસ્થજીવન સ્વીકારેલું નહોતું. તેમનું જીવન સ્વર, લય, બંદિશ, રાગ એ હતું. તેમણે રચેલા રાગોમાં, જોગકૌંસ અતિ લોકપ્રિય છે. ઉપરાંત તેમણે રચેલા સ્વાનંદી, મધુબસંત, જૌનભૈરવ, ભૈરવ ભટિયાર પણ પ્રચલિત છે. તેમની શિષ્યપરંપરામાં શ્રીમતી માણિક વર્મા, પંડિત સી. આર. વ્યાસ, પંડિત જિતેન્દ્ર અભિષેકી, પંડિત રામ મરાઠે અને યશવંત બુવા જોશી મુખ્ય છે. તેમના ગ્રંથ ‘સ્વાનંદિની’માં તેમણે રચેલી 150 જેટલી બંદિશોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

પ્રતિમા જી. શાહ