છલના (malingering) : ફરજપૂર્વકનું કે અનિવાર્ય કાર્ય કરવાની જવાબદારીમાંથી છટકવા માટે કોઈ રોગ કે ઈજા થયેલ છે એવો દેખાવ કરીને છેતરપિંડી કરવી તે. ક્યારેક જો કોઈ રોગ કે ઈજા હોય તો તેની અસર વધુ પડતી થઈ રહી છે તેવી પણ છેતરપિંડી કરવામાં આવે છે. તેનું પ્રમાણ વ્યાપક છે. સૈનિકો કે પોલીસના માણસો તેમની ફરજમાંથી મુક્ત થવા, કેદીઓ ભારે શ્રમવાળા કાર્યમાંથી મુક્ત થવા, ગુનેગારો કે આરોપીઓ કાયદાની ચુંગાલમાંથી બચવા, કામદારો ખોટી રીતે વળતર મેળવવા, ભિખારીઓ દયાવાન ઉદાર નાગરિકો પાસેથી પૈસા પડાવવા તથા અન્ય ઘણી વિવિધ રીતે છલનાનો ઉપયોગ કરે છે. તેવી રીતે કોઈ વ્યક્તિ પર હુમલો થયો હોય કે તેને અકસ્માત નડ્યો હોય તો તે પણ છલનાનો આશ્રય લઈને વધુ પડતો ફાયદો લેવા જાય છે. ક્યારેક છલના માટે ડિજીટાલિસ કે જુલાબની દવાનો ઉપયોગ પણ કરાય છે. સામાન્ય રીતે આંખોની તકલીફ, અજીર્ણ, પેટમાં ચૂંક કે દુખાવો, મધુપ્રમેહ, થૂંક કે ગળફામાં લોહી, ચાંદાં, દાહ, છલનાયુક્ત ગર્ભપાત, વાનો દુખાવો, કેડમાં દુખાવો, ચામડીમાં ઝણઝણાટી — બહેરાશ, લકવો, અવાક્તા (aphasia) અથવા બોલી ન શકાવું, પાદપીડા, ચક્કર, માથું દુખવું, ખેંચ (આંચકી, convulsion) આવવી, ગાંડપણ હોવું, ઉઝરડા, ઘા કે શરીરની અંદરના અવયવોને ઈજા થઈ હોય તેવી વિવિધ પ્રકારની ફરિયાદો અને દેખાવ કરીને છલના કરવામાં આવે છે. ઘણી વખત આ છેતરપિંડી સહેલાઈથી જાણી શકાય છે; પરંતુ ક્યારેક તે ઘણું મુશ્કેલ પણ હોય છે. તે સમયે ડૉક્ટર કેટલાક મુદ્દાઓને ધ્યાનમાં રાખે છે; જેમ કે, (1) દર્દીને હૉસ્પિટલમાં દાખલ કરીને તેની જાણ બહાર અને વારંવાર તેની મુલાકાત લઈને તેના પર ધ્યાન રાખવામાં આવે છે, (2) દર્દીની તકલીફોને ધ્યાનપૂર્વક સાંભળીને તે કોઈ રોગ કે રોગોના જૂથ સાથે સંકળાયેલા છે કે નહિ તેની નોંધ લેવાય છે, (3) દર્દીના બધા જ પાટાપિંડી અને દવાઓના લેપને દૂર કરીને તેની ઈજાઓનું નિરીક્ષણ કરાય છે, (4) સગાંસંબંધીઓ અને સ્થળ પરની અન્ય હાજર વ્યક્તિઓની વાતને ધ્યાનમાં લઈને છેતરપિંડીના શક્ય ઇરાદાની જાણ મેળવાય છે, (5) દર્દીને ભારે, મોટી, થોડીક તકલીફ કે કુરૂપતા લાવે તેવી શસ્ત્રક્રિયા કે અન્ય ઉપચારપદ્ધતિ વડે સારવાર કરવાની વાત સહજપણે કરીને તેનો પ્રતિભાવ નોંધવામાં આવે છે, વગેરે. દર્દીની છલનાને ઉઘાડી પાડવા તેની રજા વગર તેને બેહોશ કરવાની કે અન્ય પદ્ધતિ વડે તેનું મન જાણવાની ક્રિયા કરવામાં કાયદેસરનાં જોખમો રહેલાં હોય છે.

શિલીન નં. શુક્લ