છત્રપુર : મધ્યપ્રદેશના ઉત્તર ભાગમાં આવેલું શહેર તથા જિલ્લો. બુંદેલખંડ પ્રદેશના છ જિલ્લાઓ છે તેમાં છત્રપુર જિલ્લાનો સમાવેશ થાય છે. જિલ્લાનો વિસ્તાર 8687 ચોકિમી. છે. 240 55’ ઉત્તર અક્ષાંશ અને 790 35’ પૂર્વ રેખાંશ પર છત્રપુર આવેલું છે. આજુબાજુનો વિસ્તાર જૂનો છે. નાઇસ અને ગ્રૅનાઇટ કાળના ખડકોનો બનેલો છે, જેની ઊંચાઈ 300થી 600 મી. છે. છત્રપુર સમુદ્રથી વધુ દૂર હોવાથી વાર્ષિક તાપમાનનો ગાળો 160 સે. જેટલો ઊંચો જોવા મળે છે. અહીં વરસાદ 1000 મિમી. જેટલો થાય છે.

રાજપૂત યુગ દરમિયાન ઉત્તર ભારતના રાજપૂતો સત્તા પર આવ્યા. ગુર્જર અને પ્રતિહાર રાજ્યના વિઘટનથી પાંચ રાજપૂત રાજ્યો રચાયાં. આમાં એક રાજ્ય માળવાના પરમારોએ બનાવ્યું. રાજપૂત રાજવી છત્રસિંહ બુંદેલાએ છત્રપુર નગર અગિયારમી સદીમાં વસાવ્યું. રાજપૂત રાજવીઓએ સુંદર મહેલ અને કિલ્લો બનાવ્યા છે. છત્રપુરનાં જૂનાં મકાનો મજબૂત પથ્થરોનાં છે. આ શહેરનું રાજકીય, સાંસ્કૃતિક અને સામાજિક રીતે વિશેષ મહત્વ છે. આજુબાજુનો ભૂપૃષ્ઠનો વિસ્તાર મોટે ભાગે ઉચ્ચપ્રદેશનો હોવાથી અહીંના લોકો વધુ પરિશ્રમી અને સાહસિક જોવા મળે છે. છત્રપુરની વસ્તી ખેતીના વ્યવસાય અને જંગલની પેદાશો એકત્ર કરવામાં રોકાયેલી હોય છે. અહીંની વસ્તી : 17,62,855 (2011) છે.

ગોવિંદભાઈ વિસરામભાઈ પટેલ