ચૌધરી, પ્રમથ (જ. 7 ઑગસ્ટ 1868 જાસોર, બાંગ્લાદેશ; અ.  1948) : બંગાળી સામયિક ‘સબુજપત્ર’ના તંત્રી, નિબંધકાર, કવિ. કલકત્તા યુનિવર્સિટીમાંથી 1889માં તત્વચિંતનના વિષય સાથે પ્રથમ વર્ગમાં બી.એ. અને 1890માં અંગ્રેજી સાથે એમ.એ. થયા. ઇંગ્લૅન્ડ જઈ બૅરિસ્ટર થયા અને થોડો સમય કોલકાતાની હાઈકોર્ટના સભ્ય રહ્યા. તેમનું લગ્ન રવીન્દ્રનાથની ભત્રીજી ઇન્દિરાદેવી સાથે થયું હતું. શરૂઆતમાં ‘ભારતી’ અને ‘સાહિત્ય’ સામયિકો માટે તેમણે ગદ્ય લખાણ તેમજ કવિતાની રચના કરી હતી. તે રચનાઓ અભિવ્યક્તિની તીવ્રતા, બુદ્ધિની તેજસ્વિતા અને વિચારની ચોકસાઈને કારણે વિશિષ્ટ હતી. પણ તેમનું સૌથી મોટું પ્રદાન તે ચલિત (બોલચાલની) બંગાળી ભાષાને સાહિત્યિક બંગાળી ગદ્યમાં લાવવા માટેના તેમના પ્રયાસો. તેમની સામે ભારે વિરોધ થયેલો. પણ તે અ-ચળ રહ્યા અને 1913માં ‘સબુજપત્ર’ સામયિક પ્રકટ કર્યું. પછી તો રવીન્દ્રનાથ પણ એમની સાથે આ વિચારમાં અને તેને અનુરૂપ લેખનમાં જોડાયા. થોડા જ સમયમાં ‘સબુજપત્ર’ નવા મૌલિક વિચાર અને નવી સાહિત્યિક શૈલીનું સામયિક બની ગયું. પ્રમથ ચૌધરી અને ‘સબુજપત્ર’ સમાનઅર્થી-સમાનધર્મી બન્યાં. તેમના ઉગ્ર શૈલીના નિબંધો તેમના ઉપનામ ‘બિરબલ’ હેઠળ પ્રકાશિત કરવામાં આવતા. અકબરના પ્રસિદ્ધ દરબારીની માફક તેમણે પણ પોતાના ચતુર વિનોદથી શ્રોતાઓને અને વાચકોને ઉત્તેજિત કરવાનો પ્રયત્ન કર્યો હતો. તે જુનવાણી અને રૂઢિચુસ્ત વિચારસરણીની સીધી જ આકરી ટીકાઓ કરતા. કહેવાય છે કે ફ્રેન્ચ ભાષા-સાહિત્યના પરિચયને કારણે તેમનું બંગાળી ગદ્ય ધારદાર, નર્મ-મર્મયુક્ત બન્યું હતું. પ્રગતિશીલતાનું પ્રાધાન્ય અને લાગણીવેડા તેમજ સ્થિતિચુસ્તતાના વિરોધને કારણે પત્રનું વેચાણ ઓછું થતું. આર્થિક લાભ તેમનું મુખ્ય લક્ષ્ય ન હતું; થોડાં વર્ષોમાં ‘સબુજપત્ર’ બંધ થયું, પણ એ દ્વારા મહત્વનો ઐતિહાસિક હેતુ સિદ્ધ થયો – ‘સંસ્કૃતપ્રચુર’ ‘સાધુભાષા’ને સ્થાને ‘ચલિતભાષા’નો સ્વીકાર, ‘ચલિતભાષા’ના નવા લયનું ગદ્યમાં અવતરણ.

તેમનો કાવ્યસંગ્રહ ‘સૉનેટ પંચશત’ (1913) બંગાળી સૉનેટમાં નવી ભાત પાડે છે. કારણ કે ઇટાલિયન નહિ, પણ ફ્રેન્ચ મૉડલને તે અનુસર્યા છે. ‘પદચારણ’(1919)માં પણ ઘણાં સૉનેટ છે. તેમની ટૂંકી વાર્તાઓ ‘સબુજપત્ર’માં પ્રકટ કરવામાં આવતી, જે માર્મિક અને ચોટદાર ટીકાઓથી ભરેલી છે. અહીં પણ તે ફ્રેન્ચ વાર્તાકારથી પ્રભાવિત થયેલા છે. જીવન પ્રત્યેનો તેમનો અભિગમ લાગણીપ્રધાન નહિ, પણ વાસ્તવિકતા પ્રત્યેની ઉષ્માભરી સમજણવાળો છે. ‘ચાર યારી-કથા’ (1916) તેમની ટૂંકી વાર્તાનું એક ઉત્તમ ઉદાહરણ છે; જોકે તેમનો વાર્તાસંગ્રહ છેક 1941માં પ્રકટ થયો હતો. નિબંધક્ષેત્રે તે સૌથી ઉત્તમ રીતે નીખરી ઊઠ્યા છે. તેમની બહુમુખી પ્રતિભાના ભિન્ન ભિન્ન રંગો તેમના નિબંધોમાં જોવા મળે છે. તેમણે સાહિત્યિક, રાજકીય, સામાજિક તેમજ કલાવિષયક નિબંધો લખ્યા છે, ‘તેલ નૂન લકડી’ (1906), ‘બિરબલેર હાલખાતા’ (1917), ‘નાના-કથા’ (1919), ‘દૂ-યારકિ’ (1920), ‘નાના ચર્ચા’ (1932) વગેરે નિબંધસંગ્રહો છે. પ્રમથ ચૌધરી તેમના વિચારોમાં એટલા તો મૌલિક હતા કે ‘રવીન્દ્રનાથના અનુગામીઓમાં તે એકલાએ જ, કવિના પ્રભાવ હેઠળ આવ્યા વિના, કવિને પ્રભાવિત કર્યા છે’, એમ કહેવાય છે.

અનિલા દલાલ