ચોટીલા : સુરેન્દ્રનગર જિલ્લાનો એક તાલુકો અને તાલુકામથક. આ તાલુકામાં ચોટીલા અને થાન બે શહેરો અને 112 ગામો આવેલાં છે. થાનગઢ તાલુકાનું વહીવટીમથક છે. ચોટીલાનો પ્રદેશ પાંચાલ તરીકે ઓળખાય છે. ચોટીલા ગામ મૂળીના જગાસિયા પરમાર પાસેથી કાઠીઓએ જીતી લઈ તેના ચાર ટીલા કે ભાગ પાડ્યા હતા. તે ઉપરથી ચોટીલા નામ પડ્યું હોવાનો સંભવ છે.

આ તાલુકો 22° 45’ ઉ. અ. અને 71°થી 71° 30’ પૂ. રે. વચ્ચે આવેલો છે. તાલુકાનો વિસ્તાર 1058.3 ચોકિમી. છે. આ તાલુકાની પૂર્વ દિશાએ સાયલા તાલુકો, ઈશાન ખૂણે મૂળી તાલુકો અને પશ્ચિમ તથા દક્ષિણે રાજકોટ જિલ્લો આવેલો છે.

આ તાલુકાનો ઈશાન અને વાયવ્ય ખૂણે આવેલો પ્રદેશ ડુંગરાળ છે. ચોટીલા નજીકનો ડુંગર 365.76 મી. ઊંચો છે. તેનું શિખર શંકુ આકારનું છે. ચોટીલાની ઉત્તરે માંડવ તથા ઠાંગા, ભીમોરા વગેરે અન્ય ડુંગરમાળા આવી છે.

આ તાલુકામાં ભોગાવો, સુકભાદર અને બ્રાહ્મણી નદીઓ આવેલી છે. આ નદીઓ ઉપર સિંચાઈ માટેના બંધો બંધાયા છે.

આ તાલુકાની ઉત્તરે કર્કવૃત્ત પસાર થાય છે. સરાસરી વાર્ષિક ગુરુતમ અને લઘુતમ તાપમાન અનુક્રમે 41° અને 26° સે. રહે છે. આ તાલુકામાં 500 મિમી. વરસાદ ચોમાસામાં પડે છે.

સુરેન્દ્રનગર જિલ્લાના 137.32 કિમી. વિસ્તારનાં જંગલો પૈકી મોટા ભાગનાં જંગલો ચોટીલા તાલુકામાં છે. તેનો વિસ્તાર 46,000 હેક્ટર છે.

આ તાલુકામાં ઘેટાં-બકરાંની વસ્તી વધારે હોઈ અહીં ઘેટાં અને ઊન વિસ્તરણનાં બે કેન્દ્રો છે.

આ તાલુકામાં ચૂનાખડકો; અગ્નિજિત મૃદ અને ગોલક મૃદ, કંકર, મુરમ વગેરે મળે છે. કાચરેતી, રંગીન માટી અને કોલસા મુખ્ય ખનિજો છે.

આ તાલુકાના 50 % વિસ્તારમાં અનાજનું વાવેતર થાય છે, જ્યારે બાકીના વિસ્તારમાં કપાસ, મગફળી અને ઘાસચારો થાય છે. આશરે 18 % જમીનને કૂવા દ્વારા સિંચાઈનો લાભ મળે છે.

આ તાલુકામાં થાન, બામણબોર અને ચોટીલામાં ઔદ્યોગિક વસાહતો આવી છે. થાન સિરૅમિક ઉદ્યોગનું કેન્દ્ર છે. બામણબોર ઔદ્યોગિક વસાહતમાં કાપડ, કાગળ, ચામડાં વગેરેને લગતા ઉદ્યોગો સ્થપાયા છે. બધાં ગામોનું વીજળીકરણ થયું છે.

ચોટીલા તાલુકામાં 2001માં 1,72,422 વસ્તી હતી. આ તાલુકામાં કોળી, કાઠી, હરિજનો વગેરેની વધુ વસ્તી છે.

ચોટીલા નજીક ડુંગર ઉપર ચામુંડા માતાનું અને તેનાથી 8 કિમી. દૂર ઝરિયા મહાદેવનું મંદિર છે. થાનમાં નવું અને જૂનું સૂરજદેવળ છે. અહીં આઠમી સદીનું સૂર્યમંદિર ભગ્નાવસ્થામાં છે. તરણેતર કે ત્રિનેત્રેશ્વરના મંદિરના પ્રાંગણમાં ભાદરવા સુદ ચોથથી છઠ સુધી મેળો ભરાય છે.

ચોટીલા શહેર 22° 55’ ઉ. અ. અને 71° 12’ પૂ. રે. ઉપર આવેલું તાલુકામથક છે. તે સુરેન્દ્રનગરથી 63 કિમી. નૈર્ઋત્યે અને રાજકોટથી ઈશાન ખૂણામાં 49 કિમી. દૂર આવેલું છે. અમદાવાદ-રાજકોટ રાષ્ટ્રીય ધોરી માર્ગ તથા રેલવે દ્વારા સૌરાષ્ટ્રનાં વેપારી અને ઔદ્યોગિક કેન્દ્રો સાથે તે જોડાયેલું છે. તે ઘીના વેપારનું મથક છે. આ શહેર રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીનું જન્મસ્થળ છે. થાનગઢ 22° 35’ ઉ. અ. અને 71° 12’ પૂ. રે. ઉપર આવેલું સુરેન્દ્રનગર-ઓખા રેલવેનું જંક્શન અને સિરૅમિક ઉદ્યોગનું કેન્દ્ર છે. અહીં રકાબીપ્યાલા, બરણીઓ, ઇન્સ્યુલેટર વગેરે બને છે. શહેર નજીક બાંડિયાબેલી બંધ છે. અહીં વાસુકિ નાગનું સ્થાનક છે. થાનની 2001માં 36,877 વસ્તી હતી. થાન ઔદ્યોગિક અને વેપારી કેન્દ્ર હોઈ બધી જ્ઞાતિઓની અહીં વસ્તી છે.

ગોવિંદભાઈ વિસરામભાઈ પટેલ