ચેર્સ (The Chairs, Les Chaises)

2012-01-14 00:15:00

ચેર્સ (The Chairs, Les Chaises) : 1951, પ્રખ્યાત ફ્રાન્સિસી નાટ્યકાર યુજીન આયોનેસ્કોનું લાંબું નાટક. 1952માં સિલ્વેન ધોખે નામના દિગ્દર્શકે થિયેટર લેન્ક્રાઇમાં પ્રથમ રજૂ કર્યું ત્યારે દરરોજ માત્ર પાંચ-છ ટિકિટો વેચાતી; ચાર વર્ષ પછી જેન મેન્ક્લેર દ્વારા એના દિગ્દર્શન પછી આ નાટકને ભારે સફળતા મળી. યુરોપીય ઉદભટ (absurd) નાટ્યપ્રવાહનું આ ખૂબ મહત્વનું નાટક ગણાય છે. એક વૃદ્ધ દંપતી કોઈ ટાપુ પર સાવ સામાન્ય જીવન વિતાવી રહ્યાં છે. પત્નીની પ્રેરણાથી વૃદ્ધ પતિ આ જગતને પોતાનો સંદેશો સંભળાવવા સમગ્ર માનવજાતને નિમંત્રે છે. અલબત્ત, કોઈ આવતું નથી, માત્ર આ દંપતી તેમને ‘પ્રવેશતાં વર્ણવે’ છે અને દરેકને બેસવા ખુરશી આપે છે. તખ્તો ખુરશીઓથી ભરાઈ જાય ત્યારે આ દંપતી સદેહે પ્રવેશેલ ‘વક્તા’ને પોતાનો સંદેશો સંભળાવવા મૂકી સમુદ્રમાં કૂદી પડે છે. આ વક્તા ખુદ મૂંગો હોવાથી કશુંક અસ્પષ્ટ ઉચ્ચારણ માત્ર કરે છે. એના ગયા પછી સમુદ્રતરંગોની પછડાટો માત્ર સાંભળવી બાકી રહે છે. આ નાટકનાં સ્વાભાવિક જ અનેક અર્થઘટનો છે અને જગતની ગુજરાતી સહિત અનેક ભાષાઓમાં એના અનુવાદો થયા છે. નાટકની ભાષા અને એમાં પ્રસ્તુત થતું માનવ-વિશ્વ સૌથી વધુ નોંધપાત્ર છે. ‘આકાશભાષિત’ સંવાદશૈલી ધરાવતું ભાસનું ‘દૂતવાક્યમ્’ આ તકે યાદ આવે. દુર્યોધન એમાં માત્ર સંવાદોથી જ આખી રાજસભા ભરે છે, અને સદેહે પ્રવેશે છે માત્ર વિષ્ટિકાર કૃષ્ણ. ‘ચેર્સ’ નાટકનો ગુજરાતીમાં અનુવાદ દિગીશ મહેતાએ કર્યો છે.

હસમુખ બારાડી