ચલણ (currency)

કોઈ પણ દેશમાં વિનિમયના માધ્યમ તરીકે વપરાતી કાયદેસર અને સર્વસ્વીકૃત હોય એવી વસ્તુ અને તેની પ્રથા. દરેક દેશમાં વિનિમયના માધ્યમ તરીકે વપરાતી વસ્તુ કે ચલણ જુદું જુદું હોય છે. ચલણનો અર્થ નાણું નથી; પરંતુ કોઈ પણ એક જ દેશના સંદર્ભમાં ચલણ અને નાણું પર્યાય તરીકે વપરાય છે. જુદા જુદા દેશોમાં જે નાણું વપરાય તેની પ્રથા કે પદ્ધતિને જે તે દેશનું ચલણ કહેવાય છે.

દુનિયામાં માનવસૃષ્ટિના પ્રારંભમાં કે માનવો ચીજવસ્તુઓની આપલે કરતા થયા ત્યારે સીધી સાટાપદ્ધતિથી એટલે કે એક વસ્તુના બદલામાં બીજી વસ્તુની અદલાબદલીથી તેમનો વ્યવહાર ચાલતો હતો; પરંતુ જેમ જેમ લોકોની વસ્તુઓની જરૂરિયાતો વધતી ગઈ અને માણસો-માણસો વચ્ચે કાર્ય કે પ્રવૃત્તિઓનું વિભાજન વધુ વિસ્તારપૂર્વક અને સૂક્ષ્મ રીતે થતું ગયું, તેમ તેમ કોઈ એક સર્વસ્વીકૃત વિનિમય-માધ્યમની જરૂર ઊભી થઈ. આપણા દેશમાં વૈદિક સમયમાં ગાયો, ઢોરઢાંખર, અનાજ વગેરે અને ત્યારપછી વધારે ટકાઉ અને વધારે સગવડવાળી ધાતુ કે ધાતુમાંથી બનાવેલ સિક્કા (સોનામહોર) વિનિમયના માધ્યમ તરીકે વપરાતા હતા. ચીનમાં ઈ. પૂ. 1100માં કેટલાંક ઓજારો જેવાં કે કોદાળી, પાવડો વગેરે વિનિમયનાં માધ્યમ તરીકે વપરાતાં. ત્યારબાદ ઈ. પૂ. 500માં લીડિયા(હાલના પશ્ચિમ તુર્કસ્તાન)માં સોના અને રૂપાની મિશ્રધાતુના સિક્કા ચલણમાં વપરાતા હતા એમ ઇતિહાસકારો દર્શાવે છે.

કોઈ પણ દેશનું ચલણ વિનિમયના માધ્યમ તરીકે યોગ્ય કામગીરી કરી શકે તે માટે તેમાં કેટલાંક લક્ષણો કે ગુણો હોવાં જરૂરી છે : (1) વિશ્વસનીયતા : પ્રથમ તો ચલણમાં દેશના બધા લોકોને પૂરો વિશ્વાસ હોવો જોઈએ કે તે જુદી જુદી વસ્તુઓ અને સેવા ખરીદવા માટે સમગ્ર દેશમાં, ગમે ત્યારે ગમે તે જથ્થામાં વાપરી શકાશે. આ માટે દેશની સરકાર કે મધ્યસ્થ બૅંક અમુક ડિઝાઇન, કદ, આકાર, લખાણ, રંગ વગેરે સાથે નિશ્ચિત રૂપમાં ચલણ માટેના સિક્કા કે નોટો બહાર પાડે છે. (2) વહનીયતા : ચલણ તરીકે વપરાતી વસ્તુ એક જગાએથી બીજી જગાએ સરળતાથી લઈ જઈ શકાય એવી હોવી જોઈએ. (3) વિભાજ્યતા : ચલણનો એકમ બહુ જ મોટો કે બહુ જ નાનો ન હોવો જોઈએ અને તે એકમના નાના ભાગ કે તેના અમુક એકમો 5, 10, 15, 50, 100 વગેરે પણ ઉપલબ્ધ હોવા જોઈએ. તેથી જ સરકાર કે મધ્યસ્થ બૅંક દરેક દેશમાં જે ચલણ બહાર પાડે છે તેના પરચૂરણ કે નાના એકમો અને અમુકગણા મૂલ્યના એકમો પણ બહાર પાડે છે. (4) સ્થિતિસ્થાપકતા : ચલણ તરીકે વપરાતી વસ્તુ એવી હોવી જોઈએ કે જરૂર પડે ત્યારે તેનો જથ્થો સહેલાઈથી વધારી શકાય અને જરૂર ન હોય ત્યારે વિપરીત પરિણામ વગર તેના જથ્થામાં ઘટાડો પણ કરી શકાય. (5) મૂલ્યસ્થિરતા : કોઈ પણ દેશના ચલણનું સૌથી મહત્વનું લક્ષણ એ છે કે તેનું મૂલ્ય લાંબા સમય સુધી શક્ય તેટલું સ્થિર જ રહેતું હોવું જોઈએ. સોના અને રૂપાની ધાતુમાંથી ચલણના એકમો બનાવવામાં આવતા હતા ત્યારે તેના મૂલ્યમાં બહુ વધઘટ થતી ન હતી કારણ કે એ બંને ધાતુઓ દર વર્ષે ખાણોમાંથી કાઢવામાં આવતી જે દુનિયામાં રહેલા સોના અને રૂપાના જથ્થાનો બહુ જ અલ્પ ભાગ હતો. એટલે નવી ધાતુમાંથી ચલણી સિક્કાઓ બહુ ઓછા પ્રમાણમાં વધારી શકાતા હતા. પરંતુ જ્યારથી કાગદી નોટોને ચલણમાં વાપરવાનું શરૂ થયું ત્યારથી તેમાં સરકાર જરૂરિયાત મુજબ વધારો કરી શકતી હોવાથી અને તે વધારો ઉત્પાદનના વધારા કરતાં મહદ્અંશે ઘણો વધી જતો હોવાથી આવા ચલણનું મૂલ્ય ઘણું ઘટી જાય છે. (6) આંતરરાષ્ટ્રીય મૂલ્યમાં સ્થિરતા : જેવી રીતે દેશના ચલણી એકમનું મૂલ્ય દેશમાં સ્થિર હોવું જોઈએ તેવી રીતે તેનું આંતરરાષ્ટ્રીય મૂલ્ય એટલે કે તેનો ‘વિનિમયદર’ પણ સ્થિર રહેતો હોવો જોઈએ. વિનિમયદર એટલે કોઈ એક દેશના ચલણના એક એકમના બદલામાં વિદેશી ચલણના કેટલા એકમો કે તેના એક એકમનો કેટલામો ભાગ મળે છે તે દર. દુનિયાના બધા દેશોમાં ચલણી નાણું સોનામાંથી બનતું અને આંતરરાષ્ટ્રીય ચુકવણીમાં પણ સોનું અને તેના સિક્કા વપરાતા ત્યારે ચલણનું આંતરિક મૂલ્ય અને બાહ્ય મૂલ્ય લગભગ સ્થિર રહેતું; પરંતુ સમય જતાં સોનાના ધોરણની કેટલીક શરતો બધા દેશોએ માન્ય ન કરવાથી અને ઘણા દેશોમાં કાગદી ચલણ પ્રવર્તમાન થવાથી ચલણનું આંતરિક મૂલ્ય સ્થિર રાખવામાં આવે તો બાહ્ય મૂલ્યમાં ફેરફાર થવા દેવો પડે છે અને આંતરરાષ્ટ્રીય મૂલ્ય – વિનિમયદર સ્થિર રાખવામાં આવે તો આંતરિક મૂલ્યમાં ફેરફાર થવા દેવો પડે છે.

કોઈ પણ દેશના ચલણના આંતરિક મૂલ્યમાં ઘટાડો બે રીતે થઈ શકે છે. દેશમાં સોના કે રૂપાની ધાતુમાંથી ચલણી સિક્કાઓ બનાવવામાં આવતા હોય ત્યારે કેટલાક અપ્રામાણિક લોકો તે સિક્કાને ચારે બાજુથી ઘસીને તેમાં રહેલી ધાતુ કાઢી લે છે. આ ક્રિયાને ચલણ-ઘસારો (debasement) કહેવાય છે. બીજી રીતે જ્યારે સરકાર ચલણી નાણાંમાં (ખાસ કરીને ચલણી નોટોમાં જ આ શક્ય બને છે) ખૂબ જ વધારો કરે અને તે રકમ સરકાર વધારાના ખર્ચને પહોંચી વળવા માટે વાપરે ત્યારે દેશમાં ભાવસપાટી વધે છે અને તેને લીધે ચલણનું મૂલ્ય તેટલા પ્રમાણમાં ઘટી જાય છે.

ચલણના આંતરરાષ્ટ્રીય મૂલ્યમાં ઘટાડો બે રીતે થઈ શકે છે. એક તો કોઈ પણ દેશની આયાત નિકાસ કરતાં ઘણી વધી જાય તો વધારાની આયાતની વિદેશી ચલણમાં ચુકવણી કરવાની હોવાથી તે ચલણની માગ વધે છે અને તેથી વિદેશી ચલણના બદલામાં તે દેશના ચલણના વધારે એકમો આપવા પડે છે, એટલે કે તે દેશના ચલણનું વિદેશી ચલણમાં મૂલ્ય ઘટે છે. તેને ચલણનું અધોમૂલ્યન (depreciation) કહેવાય છે. બીજી રીતે, કોઈ પણ દેશમાં આયાત કરતાં નિકાસ લાંબા સમય સુધી એટલે કે ઘણાં વર્ષો સુધી સતત વધારે હોય અને તેથી વિદેશોને વધારાની આયાતની ચુકવણી કરવાનું મુશ્કેલ બને ત્યારે તે દેશની સરકાર પોતાના ચલણનું આંતરરાષ્ટ્રીય મૂલ્ય (બીજા દેશોના ચલણમાં કે સોનામાં) ઘટાડે છે. તેને અવમૂલ્યન (devaluation) કહેવાય છે.

જુદા જુદા દેશોમાં ચલણની પ્રથા, ચલણની ધાતુ, પ્રકાર અને એકમો જુદાં જુદાં હોય છે. દુનિયામાં જુદા જુદા સમયે અને જુદા જુદા દેશો કે વિસ્તારોમાં પ્રવર્તતી ચલણપદ્ધતિનું વર્ગીકરણ નીચે મુજબ કરી શકાય :

(1) દ્વિધાતુ ચલણ : કોઈ પણ દેશના ચલણનો મુખ્ય સિક્કો (standard coin) સોના અને ચાંદી બંને ધાતુમાંથી બનાવવામાં આવતો હોય તો તે પદ્ધતિને દ્વિ-ધાતુ ચલણ કહેવાય છે. આ પદ્ધતિમાં સરકાર દેશના સોનાના સિક્કાનું સોના-મૂલ્ય, રૂપાના સિક્કાનું રૂપા-મૂલ્ય અને સોનાના એક સિક્કા બરાબર રૂપાના કેટલા સિક્કા થાય એ પ્રમાણ નક્કી કરે છે અને જાળવી રાખે છે.

(2) એકધાતુ ચલણ : જો કોઈ પણ દેશના ચલણનો મુખ્ય સિક્કો એક જ ધાતુ એટલે કે સોનામાંથી અથવા રૂપામાંથી બનાવવામાં આવતો હોય તો તે પદ્ધતિને એક-ધાતુ ચલણ (mono-metalism) કહેવાય છે. આ પદ્ધતિમાં સરકાર ચલણના મુખ્ય સિક્કાનું મૂલ્ય સોનામાં અથવા રૂપામાં નક્કી કરે છે. એક-ધાતુ ચલણના મુખ્ય બે પ્રકાર છે : (i) સોના-ધોરણ અને (ii) ચાંદી-ધોરણ.

(3) સોનાધોરણ : કોઈ પણ દેશના ચલણનો મુખ્ય સિક્કો સોનામાંથી બનાવવામાં આવતો હોય ત્યારે તે પદ્ધતિને સોના-ધોરણ કહેવામાં આવે છે. તેમાં સરકાર દેશના ચલણના મુખ્ય સિક્કાનું મૂલ્ય નક્કી કરીને તે જાળવી રાખે છે. સોના-ધોરણ દુનિયામાં 1914 સુધી અને ત્યારબાદ 1925થી 1931 સુધી અસ્તિત્વમાં હતું. સોના-ધોરણના મુખ્ય ત્રણ પ્રકારો છે. જે નીચે ક્રમાંક (4), (5) અને (6)માં દર્શાવ્યા છે.

(4) સોનાચલણ ધોરણ : કોઈ પણ દેશના ચલણનો મુખ્ય સિક્કો સોનામાંથી બનાવાતો હોય અને લેવડદેવડમાં તે જ સર્વત્ર વપરાતો હોય તો તે પદ્ધતિને સોના-ચલણ ધોરણ કહેવામાં આવે છે.

(5) સોનાઅનામત ધોરણ (gold bullion standard) : કોઈ પણ દેશના ચલણનો મુખ્ય સિક્કો કાગળમાંથી બનાવેલ ચલણી નોટ જ હોય, પરંતુ તે નોટ કે નોટોના સમૂહને સરકાર કે મધ્યસ્થ બૅંક, અમર્યાદિત પ્રમાણમાં જ્યારે જોઈએ ત્યારે તેના મૂલ્ય જેટલા સોનામાં પરિવર્તિત કરી આપતી હોય તો તે પદ્ધતિને સોના-અનામત ધોરણ કહેવાય છે. આ પદ્ધતિમાં સરકારે કે મધ્યસ્થ બૅંકે જેટલી નોટો બહાર પાડી હોય તેના મૂલ્ય જેટલું સોનું અનામત તરીકે જમા રાખેલું હોય છે. તેથી ચલણમાં રહેલી દરેક ચલણી નોટ તેના મૂલ્ય જેટલા સોનાનું પ્રતિનિધિત્વ ધરાવતી હોય છે. બ્રિટને 1925થી 1931 સુધી આ સોના-અનામત ધોરણ સ્વીકાર્યું હતું અને તે મુજબ પાઉન્ડ 3–17 શિલિંગ -10½  (પેન્સ)ના બદલામાં બૅંક ઑવ્ ઇંગ્લૅન્ડ શુદ્ધતાવાળું 1 ઔંસ સોનું આપતી હતી. આ પદ્ધતિમાં સોના-ધાતુનો ઘસારો થતો નથી કારણ કે તેના સિક્કા બનાવાતા નથી.

(6) સોનાવિનિમય ધોરણ : કોઈ પણ દેશના ચલણનો મુખ્ય સિક્કો હલકી ધાતુ કે કાગદી નોટો રૂપે હોય અને તે જ્યાં સોના-ધોરણ પ્રવર્તતું હોય તેવા બીજા કોઈ પણ દેશના ચલણી મુખ્ય સિક્કામાં પરિવર્તનીય હોય તો તેને સોના-વિનિમય ધોરણ કહે છે. ભારતમાં 1914 પહેલાં ચલણનો મુખ્ય સિક્કો – રૂપિયો – બ્રિટનના પાઉન્ડમાં પરિવર્તનીય હતો અને પાઉન્ડને ઇંગ્લૅન્ડમાં સોનામાં પૂર્ણ રીતે પરિવર્તિત કરી શકાતો હતો. ત્યારબાદ 1925થી 1931 દરમિયાન બ્રિટનમાં સોના-અનામત ધોરણ હતું ત્યારે ભારતમાં સોના-વિનિમય ધોરણ અપનાવેલું હતું.

(7) રૂપાચલણ કે ચાંદીચલણ ધોરણ : કોઈ પણ દેશના ચલણનો મુખ્ય સિક્કો રૂપા કે ચાંદીમાંથી બનાવેલો હોય અને સમગ્ર દેશમાં તે જ વિનિમયના માધ્યમ તરીકે લેવડદેવડમાં વપરાતો હોય તો તેને રૂપા-ચલણ કે ચાંદી-ચલણ ધોરણ કહે છે. ભારતમાં 1835થી 1893 સુધી રૂપા-ચલણ કે ચાંદી-ચલણ ધોરણ પ્રવર્તતું હતું. આ પદ્ધતિ નીચે તે વખતની બ્રિટિશ સરકારે કરન્સી ઍક્ટ, 1835 નીચે શુદ્ધતાવાળા રૂપાના સિક્કાને સમગ્ર બ્રિટિશ ઇન્ડિયામાં કાયદેસર ચલણી બનાવ્યો હતો અને તે સિક્કા પરનું છાપેલું મૂલ્ય અને તે સિક્કામાં રહેલી ચાંદી-ધાતુનું મૂલ્ય એકસરખું જ હતું. બ્રિટિશ ઇન્ડિયામાંથી 1893માં આ ચલણ રદ કરવામાં આવ્યું હતું.

(8) કાગદી ચલણ : કોઈ પણ દેશના ચલણનો મુખ્ય સિક્કો કાગદી નોટ રૂપે બનાવવામાં આવ્યો હોય ત્યારે તે પદ્ધતિને ‘કાગદી ચલણ’ કહેવામાં આવે છે. ચીનમાં ઈ. સ. 600ની આસપાસ કાગદી નોટોનું ચલણ અસ્તિત્વ ધરાવતું હતું. ઈ. સ. 1200માં ઇટલીના વેપારી માર્કો પોલોએ ચીનની મુસાફરી કરી તેના વૃત્તાંતમાંથી જાણવા મળે છે કે તે વખતે પણ ચીનમાં કાગદી ચલણ વપરાતું હતું. યુરોપમાં કાગદી નોટો ચલણ તરીકે ઈ. સ. 1600ની આસપાસ વપરાવી શરૂ થઈ હતી. આ નોટો વ્યાપારી બૅંકો દ્વારા બહાર પાડવામાં આવતી હતી. અને તે નોટોના મૂલ્ય જેટલા સોના કે રૂપાની ધાતુ કે સિક્કા તે બૅંકો અનામત તરીકે જમા રાખીને જ આ કાગદી નોટો બહાર પાડતી હતી. આ પ્રમાણે ઈ. સ. 1800 સુધી તો યુરોપ અને ઉત્તર અમેરિકામાં ચલણી નોટો બૅંકો અને ખાનગી કંપનીઓ દ્વારા જ બહાર પડાતી હતી; પરંતુ 1890 પછી આ કામગીરી ત્યાંની સરકારો અથવા મધ્યસ્થ બૅંકોએ લઈ લીધી હતી.

ખાસ કરીને 1931 પછી દુનિયાના લગભગ બધા જ દેશોમાં કાગદી ચલણ અમલમાં મુકાયું છે. આ કાગદી ચલણના મુખ્ય 5 પ્રકારો પાડી શકાય : (i) 100 % અનામત પદ્ધતિ, (ii) પ્રમાણસર અનામત પદ્ધતિ, (iii) ન્યૂનતમ અનામત પદ્ધતિ, (iv) નિશ્ચિત બિન-અનામત પદ્ધતિ અને (v) સંચાલિત અનામત પદ્ધતિ.

(9) 100 % અનામત પદ્ધતિ : કોઈ પણ દેશમાં કાગળની નિશ્ચિત રંગ, આકાર, કદ, ડિઝાઇનની કાગદી નોટો જ ચલણના મુખ્ય સિક્કા તરીકે હોય અને આ રીતે જેટલી નોટો મધ્યસ્થ બૅંકે કે સરકારે બહાર પાડી હોય તેના કુલ મૂલ્ય જેટલું સોનું, રૂપું કે વિદેશી હૂંડિયામણ અનામત તરીકે રાખવામાં આવ્યું હોય તો તે પદ્ધતિને 100 % અનામત પદ્ધતિ કહેવાય છે. આ પદ્ધતિમાં અનામત તરીકે ફક્ત સોનું જ રાખવામાં આવતું હોય તો તેને સોના-અનામત પદ્ધતિ કહેવામાં આવે છે.

(10) પ્રમાણસર અનામત પદ્ધતિ : આ પદ્ધતિમાં સરકાર કે મધ્યસ્થ બૅંક જેટલી ચલણી નોટો બહાર પાડે છે તેના કુલ મૂલ્યના અમુક ટકા (40 %, 50 %, 60 %) જેટલા મૂલ્યનું સોનું, રૂપું કે વિદેશી હૂંડિયામણ અનામત તરીકે રાખવામાં આવે છે. આ પદ્ધતિ અમેરિકામાં કેટલાક વખત સુધી અમલમાં રહી હતી. ભારતમાં પણ રિઝર્વ બૅંક ઑવ્ ઇન્ડિયા ઍક્ટ, 1934થી રિઝર્વ બૅંકની સ્થાપના 1935માં થઈ. તેમાં રિઝર્વ બૅંક ચલણી નોટો બહાર પાડે તેના મૂલ્યના 40 % જેટલું સોનું કે સોનાના સિક્કાને સ્ટર્લિગ ચલણ અનામત તરીકે રાખવામાં આવતા હતા.

(11) ન્યૂનતમ અનામત પદ્ધતિ : કોઈ પણ દેશમાં મધ્યસ્થ બૅંક પાસે અમુક મૂલ્યનું સોનું, રૂપું કે વિદેશી હૂંડિયામણ અનામત તરીકે હોય અને તેના આધારે તે બૅંક ગમે તેટલી રકમની ચલણી નોટો છાપી શકે તેમ હોય, ત્યારે તે પદ્ધતિને ન્યૂનતમ અનામત પદ્ધતિ કહેવામાં આવે છે. ભારતમાં 1956માં રિઝર્વ બૅંક ઑવ્ ઇન્ડિયા ઍક્ટ સુધારવામાં આવ્યો; તે મુજબ આ ન્યૂનતમ અનામત પદ્ધતિ સ્વીકારવામાં આવી છે. હવે રિઝર્વ બૅંક પાસે કુલ રૂ. 515 કરોડની અનામતોથી રૂ.115 કરોડ સોના રૂપે હોવા જોઈએ અને બાકીના વિદેશી ચલણ રૂપે હોવા જોઈએ, તો તેના આધારે રિઝર્વ બૅંક અમર્યાદિત પ્રમાણમાં નોટો છાપી શકે. જોકે આ નોટો છાપવા માટે રિઝર્વ બૅંકે તે વધારાના મૂલ્ય જેટલી ભારત સરકારની જામીનગીરીઓ ખરીદવી જોઈએ.

(12) નિશ્ચિત ન્યૂનતમ બિનઅનામત પદ્ધતિ : કોઈ પણ દેશમાં મધ્યસ્થ બૅંક કોઈ પણ પ્રકારની અનામત વગર અમુક મૂલ્ય સુધીની ચલણી નોટો છાપીને બહાર પાડી શકતી હોય તો તે પદ્ધતિને નિશ્ચિત ન્યૂનતમ બિન-અનામત પદ્ધતિ (Fixed Fiduciary Issue System) કહેવામાં આવે છે; પરંતુ મધ્યસ્થ બૅંકે આ નિશ્ચિત ન્યૂનતમ રકમની નોટોથી વધારે રકમની નોટો છાપવી હોય તો તે વધારાની નોટોના મૂલ્ય જેટલી અનામતો સોના, રૂપા કે વિદેશી હૂંડિયામણ રૂપે જમા રાખવી પડે છે. આ પદ્ધતિ પીલ ઍક્ટ, 1944થી અમલમાં આવી હતી અને તે મુજબ બૅંક ઑવ્ ઇંગ્લૅન્ડ બ્રિટિશ સરકારની જામીનગીરીઓ ખરીદીને તેના મૂલ્ય જેટલી – પાઉન્ડ 140 લાખની નોટો છાપી શકતી હતી. પણ તેથી વધારે નોટો છાપવા માટે 100 % અનામતો સોના રૂપે રાખવી પડતી હતી.

(13) કેટલીક વખત પદ્ધતિમાં સરકાર મધ્યસ્થ બૅંકને અમુક અધિકતમ રકમની નોટો છાપવાની પરવાનગી આપે અને તે માટે સોના, રૂપા કે વિદેશી હૂંડિયામણની અનામતોની જરૂર ન પડતી હોય; પણ તે રકમથી વધારે નોટો સરકારની પરવાનગી વગર કે કાયદામાં ફેરફાર વગર છાપી શકે નહિ ત્યારે તેને નિશ્ચિત અધિકતમ બિન-અનામત પદ્ધતિ કહે છે. ફ્રાન્સમાં આવી પદ્ધતિ 1914થી 1928 સુધી અમલમાં રહી હતી.

(14) સંચાલિત બિનઅનામત પદ્ધતિ : કોઈ પણ દેશમાં સરકાર મધ્યસ્થ બૅંકને કોઈ પણ પ્રકારની અનામતો રાખ્યા વગર અમુક મૂલ્યની નોટો છાપવાની કાયદેસર પરવાનગી આપે છે અને સરકાર એ કાયદામાં અવારનવાર ફેરફાર કરીને અર્થતંત્રની જરૂરત પ્રમાણે આ મર્યાદામાં વધારો કે ઘટાડો કરે છે ત્યારે તે પદ્ધતિને સંચાલિત બિન-અનામત કાગદી પદ્ધતિ (managed paper currency system) કહેવાય છે. આ પદ્ધતિમાં મધ્યસ્થ બૅંક પાસે સોનું, રૂપું, વિદેશી હૂંડિયામણ વગેરેનો કુલ જથ્થો ચલણમાં બહાર પાડેલી નોટોનાં મૂલ્ય કરતાં ઘણો વધારે પણ હોઈ શકે અથવા નહિવત્ પણ હોઈ શકે; એટલે કે આ પદ્ધતિમાં ચલણી નોટો બહાર પાડવામાં આવે તેનાં મૂલ્ય અને અનામતો વચ્ચે સંબંધ હોતો નથી.

આ પદ્ધતિ અમેરિકાની સરકારે 1922માં અપનાવી હતી. પ્રથમ વિશ્વયુદ્ધ (1914–18) દરમિયાન અમેરિકાની નિકાસ ઘણી વધવાથી દુનિયામાં રહેલા સોનાના કુલ જથ્થાનો ઘણો મોટો ભાગ તેને પ્રાપ્ત થયો હતો, તેના આધારે ત્યાંની મધ્યસ્થ બૅંક ઘણી ચલણી નોટો છાપે તો ભયંકર ફુગાવો થવાનો ભય હતો. તેથી અમેરિકાની સરકારે આ સોનાના જથ્થા અને ચલણી નોટોના કુલ મૂલ્ય વચ્ચેના સંબંધનો વિચ્છેદ કર્યો.

બ્રિટનમાં પણ 1931માં સોના-ધોરણ નાબૂદ થયા પછી આ પદ્ધતિ અમલમાં મુકાઈ હતી અને ત્યાં મધ્યસ્થ બૅંક (બૅંક ઑવ્ ઇંગ્લૅન્ડ) કુલ કેટલી રકમની ચલણી નોટો છાપી શકે તે પાર્લમેન્ટના કાયદા વડે નક્કી કરવામાં આવતું હતું.

ચલણ, વૈશ્વિક : દરેક દેશમાં ચલણ એ જેમ વિનિમયનું માધ્યમ છે તે જ રીતે તે વૈશ્વિક કે આંતરરાષ્ટ્રીય વ્યાપાર, વ્યવહાર, ધિરાણ વગેરે માટે પણ વિનિમયનું માધ્યમ છે; પરંતુ સોના કે રૂપાની ધાતુ સિવાય સમગ્ર દુનિયાના બધા દેશોમાં સર્વસ્વીકૃત હોય એવું આંતરરાષ્ટ્રીય ચલણ હજુ શોધાયું નથી; પરંતુ તે માટે જે પ્રયત્નો થયા છે અને જે રીતે આંતરરાષ્ટ્રીય વ્યાપાર જુદા જુદા દેશોમાં ચલણોના આધારે શક્ય બને છે તે વ્યવસ્થાનો અભ્યાસ ઉપયોગી છે.

દરેક દેશમાં જુદું જુદું ચલણ હોવાથી એક દેશનું ચલણી નાણું બીજા દેશમાં વાપરી શકાતું નથી. પરંતુ 1914 સુધી તો દુનિયાના ઘણાખરા દેશોમાં સોના-ધોરણ પ્રવર્તતું હોવાથી આંતરરાષ્ટ્રીય ચુકવણીઓ સોનારૂપાની ધાતુ કે સિક્કાઓ દ્વારા શક્ય બનતી હતી. પરંતુ 1931 પછી કોઈ પણ દેશમાં સોના-ધોરણ રહ્યું નહિ અને બીજા વિશ્વયુદ્ધને અંતે તો દુનિયાના બધા દેશોમાં ભાવસપાટી જુદા જુદા પ્રમાણમાં વધી હોવાથી આંતરરાષ્ટ્રીય વ્યાપાર ખોરવાઈ જવાનો ભય હતો, તેથી તેને સુગમ અને વ્યવસ્થિત રાખવા માટે 1944માં બ્રેટન વુડ્ઝ ખાતે યોજાયેલ પરિષદના નિર્ણય મુજબ 1947માં આંતરરાષ્ટ્રીય નાણાભંડોળ (International Monetary Fund : IMF) નામની સંસ્થા શરૂ થઈ. તેણે આંતરરાષ્ટ્રીય ચુકવણી અને વ્યાપાર માટે જે પદ્ધતિ વિકસાવી તે ‘બ્રેટન વુડ્ઝ પદ્ધતિ’ કે ‘પાર વૅલ્યૂ પદ્ધતિ’ કહેવાય છે.

આ પદ્ધતિ પ્રમાણે આઇએમએફના દરેક સભ્યે પોતાના ચલણનું મૂલ્ય સોનામાં કે અમેરિકાના ડૉલર ચલણમાં નક્કી કરવાનું હતું અને દરેક દેશ માટે તે સંસ્થાએ નક્કી કરેલ ફાળો (quota) 25 % સોના રૂપે અને બાકીના 75 % તેના પોતાના ચલણમાં જમા કરાવવાનો હતો. કોઈ સભ્ય તેની પાર વૅલ્યૂમાં ± 1 %થી વધુ ફેરફાર કરી શકે નહિ. આ સંસ્થા સભ્ય દેશોની વ્યાપાર-તુલામાં રહેતી ખાધ જુદી જુદી યોજનાઓ નીચે વ્યાજના રાહતરૂપ દરે ધિરાણ આપીને પૂરી કરવામાં મદદ કરે છે.

અમેરિકાની સરકારે પોતાના ડૉલરનું મૂલ્ય  ઔંસ સોનું નક્કી કરેલું હતું. એટલે કે 35 ડૉલર માટે તે સરકારે એક ઔંસ સોનું આપવાની જવાબદારી સ્વીકારી હતી. તેથી સોનાની સાથે ડૉલર ચલણ પણ આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં વિનિમયનું માધ્યમ બન્યું હતું. બીજા વિશ્વયુદ્ધને અંતે અમેરિકા પાસે સમગ્ર દુનિયાના કુલ સોનાના જથ્થાનો 74 % ભાગ જમા થયો હતો તેથી ત્યાંની સરકાર માટે ડૉલરના બદલામાં સોનું આપવું સુગમ હતું. આ રીતે સોનામાં મૂલ્ય નિશ્ચિત થયું હોય એવાં ચલણ આંતરરાષ્ટ્રીય વ્યવહારમાં વપરાતાં હતાં. સોનું અને ડૉલર ચલણ દ્વારા આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં ચુકવણી થતી હતી તે 1971 સુધી ચાલુ રહી હતી.

પરંતુ 1971માં અમેરિકાની વ્યાપારતુલામાં ખાધ વધીને $ 29 બિલિયન ($ 2900 કરોડ) થઈ ગઈ હતી અને તેની પાસે સોનાનો જથ્થો જે 1949માં $ 25 બિલિયનનો હતો તે ઘટીને 1971માં $ 10 બિલિયન થઈ ગયો હતો. તેથી અમેરિકાની સરકારે 15 ઑગસ્ટ 1971થી ડૉલરના બદલામાં સોનું ચૂકવવાનું બંધ કર્યું. આથી આઇએમએફના સભ્ય દેશોનાં ચલણોનો જે વિનિમયદર લાંબા સમય સુધી લગભગ સ્થિર રહ્યો હતો તે ‘પાર વૅલ્યૂ’ની પદ્ધતિ પણ પડી ભાંગી. પરિણામે બધા દેશોનાં ચલણોના વિનિમયદરો તરતા થઈ ગયા, એટલે કે જે તે ચલણની માગ અને પુરવઠાના આધારે તેના વિનિમયદરોમાં ફેરફાર થવા માંડ્યા. તેથી લગભગ દરેક દેશની સરકારે વિનિમયદરોને સ્થિર રાખવા પોતાના ચલણના વિનિમયદર પર નિયંત્રણો મૂક્યાં. પરિણામે 1971 પછી આંતરરાષ્ટ્રીય ચુકવણી માટે જે પદ્ધતિ વિકસી તેને સંચાલિત તરતા વિનિમયદર પદ્ધતિ (managed float system) કહેવાય છે.

આઇએમએફની નવી ચુકવણી પદ્ધતિ (special drawing right, SDR વિશિષ્ટ ઉપાડ હકો) : બ્રેટન વુડ્ઝ પદ્ધતિ 1971માં પડી ભાંગી ત્યાર પહેલાંથી આઇએમએફના સપ્ટેમ્બર 1967માં રીઓ-ડી-જાનીરોમાં યોજાયેલા બાવીસમા અધિવેશનમાં એસડીઆર પદ્ધતિ અંગે નિર્ણય લેવાયો હતો. તે પદ્ધતિ જાન્યુઆરી 1970થી અમલમાં મુકાઈ હતી. આ પદ્ધતિ મુજબ આઇએમએફમાં એક ખાસ ઉપાડ ખાતું (Special Drawing Account) ખોલવામાં આવ્યું અને તેમાં એસડીઆરની લેવડદેવડનો હિસાબ રાખવાનો હતો.

આ એસડીઆર એ કોઈ ચલણનો સિક્કો નથી તથા કોઈ પણ સભ્ય દેશે તે માટે કોઈ અનામત આપવાની હોતી નથી; પરંતુ જરૂર પડે ત્યારે આઇએમએફ એસડીઆર પદ્ધતિમાં ભાગ લેતા હોય તેવા દરેક સભ્ય દેશના ખાસ ઉપાડ ખાતામાં તે દેશના આઇએમએફમાં રહેલા ક્વૉટા એટલે કે અનામતોના મૂલ્યના પ્રમાણમાં કુલ ઉપાર્જિત એસડીઆરની રકમ જમા કરે છે. આ મુજબ આઇએમએફ તરફથી જાન્યુઆરી 1970માં કુલ 3.5 બિલિયન જેટલા એસડીઆર 104 સભ્ય દેશો વચ્ચે તેમના ક્વૉટાની ટકાવારી પ્રમાણે ફાળવાયા હતા. આ રીતે 1970થી 1991 સુધીમાં આઇએમએફ તરફથી 6 વખત એસડીઆરની રકમો જુદા જુદા સભ્ય દેશોને ફાળવાઈ છે. એ રીતે કુલ 21.4 બિલિયન એસડીઆર ફાળવવામાં આવ્યા છે અને આઇએમએફમાં બધા સભ્યોની સંચિત થયેલી અનામતોના કુલ મૂલ્યના આ એસડીઆર- (21.4 બિલિયન)નું મૂલ્ય 3.6 % જેટલું છે.

એસડીઆરના ઉપાર્જન અને ફાળવણીને કોઈ પણ વ્યાપારી બૅંકની શાખસર્જનની પ્રક્રિયા સાથે સરખાવી શકાય. એસડીઆરને સોનામાં પરિવર્તિત કરી શકાય નહિ કે તે કોઈ પણ સંસ્થા કે દેશની જવાબદારી બનતી નથી. પણ જે દેશને આંતરરાષ્ટ્રીય વ્યાપારતુલામાં ઘણી ખાધ હોય તે પૂરવા માટે પોતાના આઇએમએફ ખાસ ઉપાડ ખાતામાં જમા થયેલા એસડીઆર ઘટાડી બીજા લેણદાર દેશના ખાતામાં જમા કરવા માટે અરજી કરે છે અને તે મુજબ લેણદાર દેશ પોતાના ખાતામાં વધેલા એસડીઆરના મૂલ્ય જેટલું પોતાનું ચલણ દેવાદાર દેશને આપે છે. લેણદાર દેશને પોતાના ક્વૉટા કરતાં એસડીઆર વધારે થવાથી તેના પર આઇએમએફ વાર્ષિક 1.5 % વ્યાજ આપે છે અને દેવાદાર દેશના ક્વૉટામાંથી જે એસડીઆર ઘટ્યું હોય છે તેના પર 1.5 % વ્યાજ વસૂલ કરે છે.

એસડીઆરના એક એકમનું મૂલ્ય આઇએમએફ તરફથી 0.888671 ગ્રામ સોના જેટલું નક્કી કરાયું છે અને 1 જુલાઈ 1944ના રોજ અમેરિકાના એક ડૉલરનું સોના-મૂલ્ય પણ 0.888671 ગ્રામ હતું. તેથી 1 જાન્યુઆરી 1970ના દિવસે જ્યારે આ મૂલ્ય નક્કી થયું ત્યારે 1 ડૉલર = 1 એસડીઆર = 0.888671 ગ્રામ સોનું હતું; પરંતુ અમેરિકાની સરકારે 1971માં ડૉલરનું સોનામાં પરિવર્તન બંધ કર્યું હોવાથી આઇએમએફ તરફથી 1 જુલાઈ 1974ના રોજ એસડીઆરના એક એકમનું મૂલ્ય 16 દેશોનાં ચલણમાં તે દરેકને અમુક ટકા ભારાંક આપીને તે ચલણસમૂહ(currency-basket)ના આધારે નક્કી કરાયું અને તે મૂલ્ય 1 જાન્યુઆરી 1981 સુધી ચાલુ રહ્યું; પરંતુ ત્યારબાદ એસડીઆરના એક એકમનું મૂલ્ય 16 દેશોનાં ચલણના મૂલ્યના આધારે નક્કી કરવાને બદલે ફક્ત 5 દેશોનાં ચલણના આધારે તેને અમુક ભારાંક ફાળવીને નક્કી કર્યું. આ 5 ચલણમાં અમેરિકાના ડૉલર (40 % ભારાંક), જર્મનીના ડૉઇચ માર્ક (21 %), જાપાનના યેન (17 %), ફ્રાન્સના ફ્રક (11 %) અને બ્રિટનના પાઉન્ડ(11 %)નો સમાવેશ કર્યો હતો. એસડીઆરના આ નવા મૂલ્યાંકન પ્રમાણે 7 સપ્ટેમ્બર 1993ના રોજ 1 એસડીઆર = $ 1.42 = ભારતના રૂ. 44.66 થતા હતા.

ચલણસમૂહ : ચલણસમૂહ શબ્દના બે અર્થ કરી શકાય : (1) બે કે વધારે દેશો પોતાનાં ચલણ વચ્ચેનો વિનિમયદર સ્થિર રાખીને બીજા દેશો સાથેના વ્યાપારમાં તે ચલણસમૂહના વિનિમયદરમાં જરૂર પ્રમાણે ફેરફાર કરે છે. આ પદ્ધતિને ‘ચલણસંઘ’ (monetary union) પણ કહેવામાં આવે છે. તેનું ઉદાહરણ ‘યુરકો’ (European Composite Unit) છે; જે યુરોપિયન દેશોએ પરસ્પર વ્યાપારનાં 16 ક્ષેત્રોમાં હિસાબના માધ્યમ તરીકે સ્વીકાર્યું છે. આ યુરકોમાં યુરોપના 16 દેશોના ચલણનું 1973ના અંતમાં જે સોના-મૂલ્ય હતું તેના આધારે દરેક ચલણને ભારાંક આપીને તે દરેક ચલણનો ‘યુરકો’ સાથે વિનિમયદર નક્કી કરવામાં આવે છે.

તેવી જ રીતે એશિયન ક્લિયરિંગ યુનિયન જે 7 ડિસેમ્બર 1974ના રોજ અસ્તિત્વમાં આવ્યું તેણે એશિયાના દેશો વચ્ચેની લેવડદેવડ માટે એએમયુ(Asian Monetary Unit)માં હિસાબ રાખવાનું સ્વીકાર્યું અને એક એએમયુનું મૂલ્ય 1 એસડીઆર જેટલું નક્કી કર્યું. તેથી હવે 1981થી જેમ એસડીઆરનું મૂલ્ય 5 દેશોના ચલણના વિનિમયદર પર આધાર રાખે છે તેમ એએમયુનું મૂલ્ય પણ તે જ દેશોના ચલણના વિનિમયદર પર આધાર રાખે છે.

(2) ચલણસમૂહનો બીજો અર્થ ‘ચલણ ટોપલો’ કે ‘કરન્સી બાસ્કેટ’ તરીકે લઈ શકાય. કોઈ પણ દેશ પોતાના ચલણના તરતા વિનિમયદરોની પદ્ધતિ સ્વીકારે અને તે માટે પોતાના ચલણનું મૂલ્ય કે વિનિમયદર એક દેશના ચલણ સાથે કે સોના સાથે સંકલિત કરવાને બદલે બે કે વધારે દેશોના ચલણના વિનિમયદર સાથે સંકલિત રાખે તો તે દેશોના ચલણના સમૂહને ‘કરન્સી બાસ્કેટ’ કહેવામાં આવે છે.

કરન્સી બાસ્કેટના ઉદાહરણ તરીકે એસડીઆરના મૂલ્યનિર્ધારણને જ દર્શાવી શકાય. અગાઉ જણાવ્યા પ્રમાણે આઇએમએફ તરફથી 1974માં એક એસડીઆર એકમનું મૂલ્ય 16 દેશોનાં ચલણના મૂલ્યના આધારે નક્કી કરવાનું સ્વીકાર્યું એટલે કે એક એસડીઆરનું મૂલ્ય 16 દેશોના ચલણસમૂહ એટલે કે કરન્સી બાસ્કેટ પર આધારિત હતું એમ કહી શકાય.

1971માં ‘પાર વૅલ્યૂ પદ્ધતિ’ પડી ભાંગવાથી ભારતે રૂપિયાનું મૂલ્ય સોના સાથે સંકલિત રાખવાને બદલે પાઉન્ડ-સ્ટર્લિંગ સાથે જ સંકલિત રાખ્યું. પછી 1975થી 1981 સુધી રૂપિયાનું મૂલ્ય 5 દેશોનાં ચલણના મૂલ્ય સાથે તેના અમુક ભારાંક નક્કી કરીને તે ચલણસમૂહ સાથે સંકલિત કરાયું હતું.

આ રીતે ચલણસમૂહને ‘મૉનિટરી યુનિયન’ના સંદર્ભમાં કે ‘કરન્સી બાસ્કેટ’ના સંદર્ભમાં સમજી શકાય છે. આ ચલણસમૂહમાં ભારત એક કે વધારે દેશોના ચલણને બે કે તેથી વધારે દેશોના ચલણના મૂલ્ય સાથે સંકલિત કરે છે.

ચલણવિનિમયના નિયમો : ચલણવિનિમયના નિયમો કે સિદ્ધાંતો વડે દુનિયામાં પ્રવર્તમાન આંતરરાષ્ટ્રીય ચુકવણી-પદ્ધતિઓ સમજી શકાય છે. સામાન્ય રીતે ચલણનાં જુદાં જુદાં ધોરણો કે પદ્ધતિઓ પ્રમાણે આ ચલણ-વિનિમયની પદ્ધતિઓ પણ જુદી જુદી હોય છે. તેથી આ પદ્ધતિઓના મુખ્ય 3 પ્રકારો પાડી શકાય : (1) સોના-ધોરણની ચુકવણી-પદ્ધતિ, (2) કાગદી ચલણ-ધોરણની ચુકવણી-પદ્ધતિ અને (3) તરતા દરો અથવા નિયંત્રિત ચલણની ચુકવણી-પદ્ધતિ.

(1) સોનાધોરણની ચુકવણીપદ્ધતિ : સોના-ધોરણની ચુકવણી બહુ જ સરળ હોય છે. દરેક વ્યાપારકર્તા દેશનું ચલણ સોના-ધાતુમાંથી બનેલું હોય છે. તેથી ચલણી સિક્કાના વજન અને શુદ્ધતાના આધારે બીજા દેશોનાં ચલણ સાથેનો વિનિમયદર નક્કી થઈ શકે છે. દા.ત., બ્રિટનનો ચલણી સિક્કો  શુદ્ધતાવાળા 2 ગ્રામ સોનામાંથી બનાવાતો હોય અને ભારતીય રૂપિયો  શુદ્ધતાવાળા 1 ગ્રામ સોનામાંથી બનાવાતો હોય તો બ્રિટનનો 1 સિક્કો (પાઉન્ડ) = ભારતના 2 સિક્કા (રૂપિયા) થાય છે.

(2) કાગદી ચલણધોરણની ચુકવણીપદ્ધતિ : આ માટે ગુસ્ટાવ કેસલે 1921માં પ્રસિદ્ધ કરેલા ખરીદશક્તિ સમતા સિદ્ધાંત (Purchasing Power Parity Theory : PPPT) પ્રમાણે જે બે દેશોમાં કાગદી ચલણ પ્રવર્તતું હોય, તે બે દેશોનાં ચલણ વચ્ચેનો વિનિમયદર તે બંને દેશોનાં ચલણી નાણાંની આંતરિક ખરીદશક્તિના આધારે નક્કી થાય છે. કોઈ પણ દેશના ચલણની આંતરિક ખરીદશક્તિ તે દેશમાં પ્રવર્તતી ભાવસપાટીના આધારે જાણી શકાય છે. ધારો કે અમેરિકા અને ભારત વચ્ચે શરૂઆતમાં વિનિમયદર $ 1 = રૂ. 5 છે અને ભારતમાં ભાવસપાટીનો આંક 300 થાય છે જ્યારે અમેરિકામાં તે 150 થાય છે. તો આ બંને દેશો વચ્ચે નવો વિનિમયદર જૂના વિનિમયદરને વડે ગુણવાથી મળે છે એટલે કે  તેથી હવે નવો વિનિમય દર $ 1 = રૂ. 10 થશે.

પરંતુ કોઈ પણ બે દેશો વચ્ચે જેમ વસ્તુઓ અને સેવાની આયાત-નિકાસ થતી હોય છે તેવી રીતે રોકાણ માટેનાં નાણાભંડોળોની પણ આપ-લે થતી હોય છે, જેને ‘કૅપિટલ મૂવમેન્ટ્સ’ કહેવાય છે અને તેની અસર તે બંને દેશોના ચલણનાં માગ અને પુરવઠા પર થતી હોય છે. આથી કોઈ પણ બે દેશોનાં ચલણનો વિનિમયદર તે બંને દેશોના ચલણનાં માગ અને પુરવઠાના આધારે નક્કી થાય છે.

(3) તરતા દરો અથવા નિયંત્રિત ચલણની ચુકવણીપદ્ધતિ : 1971 પછી દુનિયામાં ‘મૅનેજ્ડ ફ્લોટ સિસ્ટમ’ શરૂ થઈ; તેમાં 1973થી 1975 સુધીમાં દુનિયાના જુદા જુદા દેશોમાં 5 મુખ્ય પ્રકારના તરતા વિનિમયદરની પદ્ધતિ અમલમાં આવી.

(ક) 11 દેશોએ સ્વતંત્ર રીતે પોતાના ચલણના વિનિમયદર તરતા રાખ્યા (એટલે કે જરૂર પ્રમાણે ફેરફાર કર્યા).

(ખ) 81 દેશોએ બીજા મોટા કે મહત્વના દેશના ચલણ સાથે પોતાના ચલણના દર તરતા રાખ્યા.

(ગ) 19 દેશોએ બે કે વધુ દેશોના ચલણસમૂહના દર સાથે પોતાના ચલણદરને તરતા રાખ્યા.

(ઘ) 4 દેશોએ પોતાના ચલણને બીજા દેશોના ચલણમાં સ્થગિત રાખ્યું પણ તે સાથેના વિનિમયદરમાં અમુક નિયમ પ્રમાણે ફેરફાર કર્યા.

(ચ) બે કે વધારે દેશોનાં 7 જૂથોએ પોતાનાં ચલણને સંયુક્ત રીતે તરતા દર મુજબ રાખ્યા.

આ રીતે 1973 પછી આંતરરાષ્ટ્રીય ચુકવણી-પદ્ધતિ ઘણી ક્લિષ્ટ બની હતી અને તરતા વિનિમયદર હોવા છતાં લગભગ બધા દેશોની સરકારો વિદેશી હૂંડિયામણ, વિનિમયદર તથા આયાત અને નિકાસ પર અનેક પ્રકારનાં નિયંત્રણો મૂકે છે. તેથી આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં નોંધપાત્ર વધારો થતો નથી અને આંતરરાષ્ટ્રીય કાર્યવિભાજનના લાભો પ્રાપ્ત કરી શકાતા નથી.

ચલણવિસર્જન (flight from currency) : કોઈ પણ દેશની સરકાર કે મધ્યસ્થ બૅંક યુદ્ધ-ખર્ચ, આયોજન-ખર્ચ વગેરેને પહોંચી વળવા માટે ચલણી નાણાંના પુરવઠામાં એટલો બધો વધારો કરે કે તે દેશમાં ઉપલબ્ધ ચીજવસ્તુઓ અને સેવાના જથ્થા કરતાં ચલણનો જથ્થો અનેકગણો વધી જાય ત્યારે દેશમાં અત્યધિક ફુગાવો (hyper- inflation) થાય છે અને ભાવસપાટી એક વર્ષ કે તેથી ઓછા સમયમાં સોગણી, બસોગણી, ત્રણસોગણી કે તેથી વધારેગણી વધતી હોય છે. પરિણામે દેશનો કોઈ પણ નાગરિક આ ચલણને વિનિમયના માધ્યમ તરીકે સ્વીકારતો નથી અને બધા જ વિક્રેતા પોતાની ચીજો અને સેવાના બદલામાં પોતાને જરૂરી બીજી વસ્તુઓ જ માગે છે. આ પરિસ્થિતિને ‘ચલણ-વિસર્જન’ કહેવામાં આવે છે.

ઉદાહરણ તરીકે જર્મનીમાં ઑગસ્ટ 1922થી નવેમ્બર 1923ના 15 માસ દરમિયાન તે વખતની જર્મન સરકારે ચલણી નાણાંના પુરવઠામાં એટલો બધો વધારો કર્યો કે ભાવસપાટી 100 કરોડ ગણી વધી ગઈ ! પરિણામે જર્મનીના ચલણ માર્કને દેશમાં કે વિદેશમાં કોઈ પણ સ્વીકારતું ન હતું અને બધી ચુકવણી વસ્તુઓ રૂપે ને માધ્યમ દ્વારા જ થતી હતી.

તે જ રીતે બીજા વિશ્વયુદ્ધ (1939–1945) પછી પણ જર્મનીમાં અત્યધિક ફુગાવો ફરીથી થયો હતો, ત્યારે કોઈ પણ વ્યક્તિ જર્મન માર્ક સ્વીકારતી ન હતી અને લેવડદેવડ સાટાપદ્ધતિ કે સીધા વિનિમયથી થતી અને ક્યારેક સિગારેટ, ખાંડ, કૉફી જેવી ચીજોનાં માધ્યમ દ્વારા થતી હતી.

આવી પરિસ્થિતિમાંથી દેશને બહાર લાવવા માટે તે દેશની સરકારને નવું ચલણ બહાર પાડવું પડે છે અને આ નવા ચલણના એક એકમનું મૂલ્ય જૂના ચલણના 1 લાખ કે એક કરોડ એકમ જેટલું રાખીને એ મુજબ જ હિસાબ અને ચુકવણી કરવાનું ફરજિયાત કરવું પડે છે; તેને ચલણ-સુધારણા (currency reform) કહેવાય છે.

વિવિધ દેશોમાં પ્રચલિત ચલણ

દેશ

નાણાંનો મુખ્ય

એકમ

નાણાંનો લઘુ

એકમ

અફઘાનિસ્તાન અફઘાની પુલ
આયર્લૅન્ડ પાઉન્ડ પેન્સ
ઇજિપ્ત પાઉન્ડ પિઆસ્તર
ઇઝરાયલ શેકેલ સેન્ટેસિમી
ઇટલી લિરા
ઇન્ડોનેશિયા રૂપિયાહ સેન
ઇરાક દીનાર ફિલ
ઈરાન રિઆલ દીનાર
ઑસ્ટ્રેલિયા ડૉલર સેન્ટ
કુવૈત દીનાર ફિલ
કૅનેડા ડૉલર સેન્ટ
કેન્યા શિલિંગ સેન્ટ
કૉમનવેલ્થ ઑવ્ ઇન્ડિપેન્ડન્ટ

સ્ટેટ્સ (સીઆઈએસ)

 

રૂબલ

 

કૉપેક

કોરિયા વૉન જેઑન
ગ્રીસ ડ્રાક્મા લેપ્તા
ઘાના સેડી પેસેવા
ચીન યુઆન ફેન
ચીલી પેસો એસ્ક્યુડો
જર્મની માર્ક ફેનિગ
જાપાન યેન સેન
જૉર્ડન દીનાર ફિલ
ઝૈર ઝૈર માકુટા
ડેનમાર્ક ક્રોન ઓર
તાઇવાન ડૉલર સેન્ટ
તાન્ઝાનિયા શિલિંગ સેન્ટ
તુર્કી લિરા કુરુ
દક્ષિણ આફ્રિકા રેન્ડ સેન્ટ
નાઇજીરિયા નાઇરા કોબો
નેધરલૅન્ડ ગુલ્ડન/ગિલ્ડર/ફલોરિન સેન્ટ
નેપાળ રૂપિયો પૈસો
નૉર્વે ક્રોન ઓર
ન્યૂઝીલૅન્ડ ડૉલર સેન્ટ
પાકિસ્તાન રૂપિયો પૈસો
પોર્ટુગાલ એસ્ક્યુડો સેન્ટાવો
ફિલિપાઇન્સ પેસો સેન્ટાવો
ફ્રાન્સ ફ્રાન્ક સેન્ટાઇમ
બાંગ્લાદેશ ટાકા પૈસો
બ્રહ્મદેશ (મ્યાનમાર) કયાત પ્યા
બ્રાઝિલ ક્રુઝાડો સેન્ટાવો
ભારત રૂપિયો પૈસો
મલેશિયા રિંગિટ સેન્ટ
મેક્સિકો પેસો સેન્ટાવો
મોરિશિયસ રૂપિયો સેન્ટ
મોરોક્કો દિરહામ સેન્ટાઇમ
મૉંગોલિયા તુગરિક માગો
યુ.એસ.એ ડૉલર સેન્ટ
યુ.કે. પાઉન્ડ પેન્સ
વિયેટનામ ડૉંગ સૂ
શ્રીલંકા રૂપિયો સેન્ટ
સાઉદી અરેબિયા રિઆલ હાલાલા
સિંગાપોર ડૉલર સેન્ટ
સીરિયા પાઉન્ડ પિઆસ્તર
સ્પેન પેસેટા સેન્ટિમો
સ્વિટ્ઝર્લૅન્ડ ફ્રાન્ક સેન્ટાઇમ
સ્વીડન ક્રોન ઓર
હૉંગકૉંગ ડૉલર સેન્ટ

શાંતિભાઈ મહેતા