ચમત્કાર : ભૌતિક પરિબળો કે માનવશક્તિના પ્રભાવથી બની ન શકે તેવો આશ્ચર્યજનક બનાવ. ચમત્કારમાં ભૌતિક તેમજ માનસિક જગતના કુદરતી નિયમોનું કોઈ દૈવી તત્વ દ્વારા અતિક્રમણ થતું જણાય છે. આમ, ચમત્કાર હંમેશાં કોઈ દૈવી તત્વની ચમત્કારિક શક્તિને કારણે બને છે. આ દૈવી તત્વ કોઈ દેવ કે ઈશ્વર પણ હોઈ શકે અથવા માનવેતર શક્તિ ધરાવતા સિદ્ધ કે સંત પણ હોઈ શકે. જગતના તમામ ધર્મોમાં ચમત્કારો થાય છે એ હકીકતનો સ્વીકાર થયો છે અને જેમની વિશ્વસનીયતા નિર્વિવાદ હોય તેવા, જુદા જુદા દેશ અને કાળના અનેક લોકોએ ચમત્કારનો વાસ્તવિક અનુભવ કરેલો છે.

ચમત્કારની આ સમજૂતી પરથી સ્પષ્ટ થાય છે કે ભૌતિકવિજ્ઞાન કે મનોવિજ્ઞાનના નિયમોને આધારે ચમત્કારનો ખુલાસો આપી શકાતો નથી. કારણ કે આ નિયમોનું અતિક્રમણ થાય ત્યારે અને ત્યારે જ ચમત્કાર થયો એમ ચોકસાઈપૂર્વક કહી શકાય છે. ચમત્કાર શબ્દનો ઉપયોગ કરવામાં આવી ચોકસાઈ હંમેશાં જળવાતી નથી તેથી કેટલાક હાથચાલાકીના બનાવો અને વહેમ કે અંધશ્રદ્ધાનાં ર્દષ્ટાંતોને ચમત્કાર ગણી લેવામાં આવે છે. એ જ રીતે, વર્તમાનકાળે જ્ઞાત એવા વિજ્ઞાનના નિયમો વડે જે કુદરતી ઘટનાનો ખુલાસો આપી શકાતો ન હોય તેવી રહસ્યમય ઘટનાને પણ ઘણી વાર ચમત્કાર ગણી લેવામાં આવે છે. આવા ‘ચમત્કારાભાસો’ની ચમત્કારિતા લાંબો સમય ટકતી નથી. કારણ કે બુદ્ધિવાદી અભિગમથી કરવામાં આવતી સૂક્ષ્મ તપાસને પરિણામે વહેમ કે અંધશ્રદ્ધાનાં ર્દષ્ટાંતો ચમત્કારો નથી એમ સ્પષ્ટ થાય છે. એ જ રીતે, વૈજ્ઞાનિક જ્ઞાનનો વિકાસ થતાં રહસ્યમય જણાતી કુદરતી ઘટનાનું રહસ્ય ખુલ્લું થાય છે અને તેને પરિણામે તેની ચમત્કારિતા ચાલી જાય છે.

સૂર્યની ગતિને અટકાવવી; વાદળો ઉમટાવવાં કે સ્થગિત કરવાં; વરસાદ લાવવો કે અતિવૃષ્ટિને રોકવી; નદી કે સમુદ્રનું પાન કરી જવું, રોગ ઉત્પન્ન કરવો કે મટાડવો; આશીર્વાદથી મરેલાને જીવતો કરવો કે જીવંત વ્યક્તિને શાપ અથવા મંત્રથી મારવી; ર્દષ્ટિક્ષેપથી ખેતી-બાગ સૂકવવાં; વિવિધ રૂપ ધારણ કરવાં – માણસનો વાઘ કે કૂતરો બને, સ્ત્રીનો પુરુષ કે પુરુષની સ્ત્રી બને વગેરે; સ્પર્શ કે ર્દષ્ટિમાત્રથી રોગ દૂર કરવો; પરકાયાપ્રવેશ કરવો; પશુ કે પક્ષી ને મનુષ્યના ઉપદ્રવનું નિવારણ; આકાશમાં ઊડવું; અશ્ય થવું; ખાલી જગા કે હાથમાંથી અન્ન, વસ્ત્ર, અલંકાર, ફળફૂલ વગેરે કાઢવાં; દિવસની રાત કરવી કે રાતનો દિવસ કરવો; અન્યના વિચારો જાણવા; મૂક વક્તા બને અને અંધને ર્દષ્ટિ મળે વગેરે જેવી કેટલીક અદભુત ઘટનાઓ ચમત્કાર ગણાય છે.

વિશ્વના સર્વ ધર્મગ્રંથોમાં, સંતોનાં ચરિત્રોમાં અને ધર્મના ઇતિહાસમાં ચમત્કારો વર્ણવેલા છે.

માનવજાતની આદિમ અવસ્થાથી ચમત્કારો બનતા આવ્યા છે અને આજે પણ બનતા હોય છે.

ખ્રિસ્તી ધર્મમાં ઈસુ, યહૂદી ધર્મમાં મોઝિઝ અને અન્ય પયગંબરો તથા હિંદુ ધર્મના અનેક મહાપુરુષોએ ચમત્કારો કર્યા હોવાનાં ર્દષ્ટાંતો મળે છે. ઈસુનો જન્મ એ જ મોટો ચમત્કાર માનવામાં આવે છે. ઈસુએ દર્દ મટાડ્યાના અનેક ચમત્કારો બાઇબલના નવા કરારમાં નોંધાયા છે, અવતાર (incarnation) અને પુનર્જીવન (resurrection) એ બે મુખ્ય ઘટના પર ખ્રિસ્તી ધર્મની શ્રદ્ધા ટકેલી છે.

ઇજિપ્તમાંથી યહૂદીઓનું નિષ્ક્રમણ (exodus) અને રાતા સમુદ્રના પાણીનું વિભાજન એ બે મુખ્ય ઘટના પર ઘણું યહૂદી સાહિત્ય રચાયું છે. ફ્રાન્સના નગર લૂદમાં 1853માં ખેડૂતદીકરી બર્નેડેટો સોબ્રિઅસે અક્ષતા મેરીનાં દર્શન કરેલાં ત્યારે જે ઝરણું વહેતું થયેલું તેનાથી રોગ મટવાની માન્યતાને લીધે તે સ્થાન મુખ્ય યાત્રાધામ બન્યું છે. કૅથલિક યાત્રાળુઓ મેરીને પ્રાર્થના કરી પોતાને દેવોની કૃપા પ્રાપ્ત થાય તે સારુ વીનવે છે.

રોમન કૅથલિક ધર્મશાસ્ત્રમાં ચમત્કારને એના નિશ્ચિત અર્થમાં કુદરતની સર્વશક્તિને અતિક્રમીને દિવ્યઅંશના હસ્તક્ષેપથી બનતી ઘટના તરીકે ઓળખાવવામાં આવે છે. એમાં પ્રાકૃતિક નિયમો એની રીતે કામ કરે છે; પરંતુ એ નિયમોનો ઘડનાર સર્વશક્તિમાન ઈશ્વર ઇચ્છે ત્યારે તે નિયમોને ક્વચિત્ સ્થગિત કરી શકે છે અને તેથી કુદરતી નિયમોની અફરતાને બાધ આવતો નથી. એ નિયમોમાં ઈશ્વરના અગાધ સામર્થ્યનું દર્શન થાય છે. શ્રદ્ધાળુ આ રીતે ચમત્કારમાં માને છે અને તેને દૈવી કૃપા ગણે છે.

વૈયક્તિક ઈશ્વરની વિભાવનાનો અસ્વીકાર કરનારા અનીશ્વરવાદીઓ, ભૌતિકવાદીઓ અને પ્રકૃતિવાદીઓ આ પ્રકારના સત્યના આધ્યાત્મિક પાસાનો અસ્વીકાર કરે છે, જ્યારે નિશ્ચયવાદીઓ, કેટલાક બુદ્ધિવાદીઓ, અજ્ઞેયવાદીઓ અને પ્રત્યક્ષતાવાદીઓ ઈશ્વરનો સ્વીકાર કરતા હોવા છતાં એમ માને છે કે એક વખત પ્રસ્થાપિત થયેલા ઈશ્વરીય નિયમોમાં તેનો રચનાર કોઈ પરિવર્તન કરતો નથી. ડેવિડ હ્યૂમની ર્દષ્ટિએ ચમત્કાર એટલે કુદરતી નિયમોનું ઉલ્લંઘન અને તે શક્ય નથી. આ તર્કમાં એમ માની લેવામાં આવ્યું છે કે કુદરતી નિયમો વિશેનું મનુષ્યજ્ઞાન સંપૂર્ણ છે. સેંટ ઑગસ્ટિન ચમત્કારને કુદરત વિરુદ્ધની ઘટના નહિ પરંતુ માનવીની કુદરત વિશેની જાણકારીની મર્યાદા કહે છે. ચમત્કારમાં બિલકુલ નહિ માનનારો વર્ગ પણ છે અને તે માને છે કે કોઈ પણ ચમત્કારનો વૈજ્ઞાનિક કે મનોવૈજ્ઞાનિક ખુલાસો આપી શકાય છે.

આદિ શંકરાચાર્યે કરેલો પરકાયાપ્રવેશ, રામકૃષ્ણ પરમહંસે વિવેકાનંદને શક્તિપાતથી કરાવેલાં મહાકાલીનાં દર્શન, ભીષ્મનું ઇચ્છામૃત્યુ, સંજયને મળેલાં દિવ્યચક્ષુ, અસહાય દ્રૌપદીને મળેલો અખૂટ વસ્ત્રપુરવઠો, જયદ્રથવધ સારુ અકાળે સૂર્યાસ્ત, અત્રિપત્ની અનસૂયાએ તપોબળથી બ્રહ્મા, વિષ્ણુ અને મહેશને બાળકો બનાવી દીધાની ઘટના, આપન્નસત્ત્વા ત્રિશલાને રહસ્યમય સ્વપ્નદર્શન જેવી અસંખ્ય ચમત્કારિક ઘટનાઓ ભારતીય સંસ્કૃતિમાં સુવિદિત છે.

જ. આ. યાજ્ઞિક