‘ચકબસ્ત’ (બ્રિજનારાયણ લખનવી)

January, 2012

‘ચકબસ્ત’ (બ્રિજનારાયણ લખનવી) (જ. 19 જાન્યુઆરી 1882, ફૈઝાબાદ; અ. 12 ફેબ્રુઆરી 1926, રાયબરેલી) : ઉર્દૂના ખ્યાતનામ કવિ. મૂળ નામ બ્રિજનારાયણ. તખલ્લુસ ‘ચકબસ્ત’. તેમના પૂર્વજોનું વતન લખનૌ હતું. પ્રાથમિક શિક્ષણ મેળવી કૅનિંગ કૉલેજમાં દાખલ થયા. ત્યાંથી 1905માં બી.એ. અને 1908માં કાયદાની ઉપાધિઓ મેળવી વકીલાત શરૂ કરી અને એક સમર્થ વકીલ તરીકે ખ્યાતિ પામ્યા. તેમણે ભારે ખંત, મહેનત અને શ્રદ્ધાથી આ વ્યવસાયને ન્યાય આપ્યો અને તેમ કરતાં કરતાં એક દિવસે રાયબરેલીના રેલવે પ્લૅટફૉર્મ ઉપર મગજનો લકવો થયો. મુસાફરી કરવાનું અશક્ય બનતાં, પ્લૅટફૉર્મ ઉપર ઉતારી લેવામાં આવતાં, ત્યાં જ તેમણે પ્રાણ છોડ્યા. તેમના મોટા ભાઈ ડેપ્યુટી કમિશનર હતા. તેમણે મૈયતને લખનૌ લાવી અંતિમ સંસ્કાર કર્યો.

ઉચ્ચકોટિના વકીલ હોવા છતાં તેમનો જીવ સાચા કવિનો હતો. ગાલિબ અને આતિશ તેમના પ્રિય કવિ હતા. ચકબસ્ત આ બંનેની શૈલી, છંદ અને કાવ્યવિષયોથી ખૂબ પ્રભાવિત થયા હતા.

તે કાબેલ ધારાશાસ્ત્રી હતા. તેથી અંગ્રેજોના અન્યાય, અત્યાચાર અને શોષણને ખૂબ સારી રીતે પારખી શક્યા હતા અને તેમના કવિહૃદયે આ લાગણીઓને ઝીલી હતી. આથી એમની કવિતામાં રાષ્ટ્રપ્રેમ ને દેશભક્તિ સુંદર રીતે અંકિત થયાં છે. તેમના કાવ્યસંગ્રહોમાં ગઝલો છે પણ શૃંગારી કવિતા ઓછી જોવા મળે છે. તેમનાં આઝાદી વિશેનાં કાવ્યો ખૂબ જ લોકપ્રિય થયાં છે. આફ્રિકામાંના ગાંધીજીના આંદોલનથી પ્રેરાઈ લખેલ રચના ‘ફરિયાદે કૌમ’ તેમજ ફૈઝાબાદના ઉચ્ચ પંડિત પરિવારમાં ઊછર્યા હોવાના પ્રતાપે લખેલ ‘રામચંદ્રજી કા બનબાસ’ તેમનાં ઉત્તમ કાવ્યોમાં ગણાય છે. ચકબસ્ત નખશિખ લખનવી મિજાજના હતા. એમની કવિતામાં નજાકત અને દર્દનો અનુભવ થાય છે. દેશભક્તિવિષયક કવિતા તેમનું મોટું પ્રદાન ગણાય છે.

‘ખાકે હિન્દ’, ‘વતન કા રાગ’, ‘આવાઝે કૌમ’, ‘ફરિયાદે કૌમ’, ‘નાલ-ય-દર્દ’ વગેરે ઉર્દૂનાં ઉમદાં કાવ્યો ગણાયાં છે. લખનૌમાં આવેલ ઇમામબારા આવી સભ્યતાનું કેન્દ્ર હતું. મોહરમના દિવસોમાં લખનૌમાં ઇમામહુસેનની યાદમાં મરસિયા વંચાતા, ગવાતા અને લોકો માતમ કરતા. ચકબસ્તના વ્યક્તિત્વ ઉપર આ વાતાવરણે ઘેરી અસર કરી હતી. ચકબસ્તે દેશ માટે જાન ન્યોછાવર કરનાર ગોખલે તેમજ તિલક મહારાજના અતિસુંદર મરસિયા ઉર્દૂ સાહિત્યને આપ્યા છે. ચકબસ્ત સારા ગદ્યકાર પણ હતા. તેમણે લખેલા નિબંધો પ્રશંસાપાત્ર ઠર્યા છે. સુપ્રસિદ્ધ કવિ દયાશંકર નસીમની ‘ગુલમીરે નસીમ’ ઉપર ચકબસ્તે લખેલ સમીક્ષા ઐતિહાસિક મહત્વ ધરાવે છે.

મોહિયુદ્દીન બૉમ્બેવાલા