ચંપારણ સત્યાગ્રહ (1917)

January, 2012

ચંપારણ સત્યાગ્રહ (1917) : ગાંધીજીના ભારત આગમન પછીનો દેશવ્યાપી મહત્વ ધરાવતો પ્રથમ સત્યાગ્રહ. 1916માં ગાંધીજી કૉંગ્રેસના લખનૌ અધિવેશનમાં ગયા હતા ત્યારે તેમને બિહારમાં આવેલા ચંપારણના ગળીના વાવેતર બાબતમાં સ્થાનિક ગરીબ ખેડૂતો અને ગોરા જમીનદારો વચ્ચેની સમસ્યાનો અભ્યાસ કરવાનો પ્રસંગ આવ્યો. 1917માં ગાંધીજી ચંપારણ જવા માટે મોતીહારી પહોંચ્યા ત્યારે તેમને તે સ્થળ તાત્કાલિક ત્યજી દેવાની નોટિસ મળી. તેમણે આ હુકમનો અનાદર કર્યો. 18 એપ્રિલે અદાલતમાં તેમના ઉપર મુકદ્દમો ચાલ્યો. તેમને ગુનેગાર ઠરાવવામાં આવ્યા; પરંતુ ગવર્નરની સૂચનાથી સરકારે ગાંધીજી સામેનો કેસ પાછો ખેંચી લીધો. ખેડૂતોની ફરિયાદો સાંભળવા નીમેલી સમિતિમાં ગાંધીજીને સભ્ય તરીકે લીધા. ચંપારણમાં ‘તીન કઠિયા’ની પ્રથા નાબૂદ કરવા, ખેડૂતોના શોષણનો અંત લાવવા અને એમની દુર્દશા દૂર કરવા ગાંધીજીએ સત્યાગ્રહની લડત ઉપાડી. આ સત્યાગ્રહમાં અમદાવાદના પોતાના આશ્રમી સાથીઓ કસ્તૂરબા, મહાદેવભાઈ અને એમનાં પત્ની દુર્ગાબહેન, નરહરિ પરીખ અને એમનાં પત્ની મણિબહેન વગેરેનો સમાવેશ થતો હતો. રચનાત્મક અને પ્રતિકારાત્મક પ્રવૃત્તિની સાથે તેમણે 20,000 ખેડૂતોનાં લેખિત નિવેદનો લઈ સરકાર સમક્ષ ખેડૂતોની માગણીઓ રજૂ કરી. સરકારે છેવટે એક કમિશન નીમ્યું. કમિશને ખેડૂતોની ફરિયાદો વાજબી ઠેરવી. પરિણામે ‘તીન કઠિયા’નો કાયદો રદ કરવામાં આવ્યો. આ રીતે ચંપારણની પ્રથમ લડતમાં ગાંધીજીએ સમગ્ર દેશને પ્રતિકારાત્મક અને રચનાત્મક એવી દ્વિમુખી સત્યાગ્રહની શક્તિનો પરિચય કરાવ્યો હતો. ગાંધીજીએ લખ્યું : ‘‘ચંપારણની લડત એ સત્યની સાબિતી હતી કે કોઈ પણ ક્ષેત્રમાં નિ:સ્વાર્થી સેવા છેવટે દેશને રાજકીય ર્દષ્ટિએ લાભકારક નીવડે છે.’’

યતીન્દ્ર દીક્ષિત