ચંદ્રગુપ્ત (બીજો)

January, 2012

ચંદ્રગુપ્ત (બીજો) (શાસનકાળ : વિક્રમાદિત્ય 375–44) : ચંદ્રગુપ્ત (બીજા) તરીકે જાણીતો થયેલો સમુદ્રગુપ્ત અને દત્તદેવીનો રાજવીપુત્ર. રાજકીય શાસનો અને મહોરો પર તેના માટે ‘तत्परिगृहीत’ શબ્દ વાપરેલો. તે ગુપ્ત સંવત 56(ઈ. સ. 376–377)માં ગાદીએ આવ્યો. તે દેવગુપ્ત, દેવશ્રી કે દેવરાજ ઉપરાંત ચંદ્રગુપ્ત તરીકે વધારે જાણીતો થયો. તેણે પોતાના રાજ્યને મહારાજ્યમાં ફેરવી નાખ્યું. ગાદીએ આવ્યા પછી તેણે સૈનિકયાત્રા કાઢી રાજ્યમાં શાંતિ અને વ્યવસ્થા માટે પ્રયત્ન કર્યો અને પછી સરહદો પર ચડાઈ કરી. તેણે શકોને હરાવ્યા અને ત્યાં લોહસ્તંભ ઊભો કરાવ્યો. તેણે સપ્તસિંધુ પાર કરી બાહલીકો પર વિજય મેળવ્યો. તેનું રાજ્ય કાશ્મીર સુધી ફેલાયેલું હતું. તેણે માતૃગુપ્તની કાશ્મીરના ઉપરિક તરીકે નિયુક્તિ કરી હતી. પૂર્વમાં બંગાળ ઉપર અને દક્ષિણમાં સાગર સુધી સત્તા જમાવી હતી. કોસલ, ઔડ્ર, પુંડ, તામ્રલિપ્તિ અને પુરી સુધી તેની સત્તા ફેલાયેલી હતી. પશ્ચિમમાં માલવા, સૌરાષ્ટ્ર અને ગુજરાતના પ્રદેશો તેની સત્તા નીચે હતા. તેણે દક્ષિણમાં કૃષ્ણાને કિનારે ‘ચંદ્રગુપ્તપત્તન’ નામે નગર વસાવ્યું. ચક્રવર્તી, ચક્રવિક્રમ, પરમભાગવત, વિક્રમાદિત્ય, નરેન્દ્રસિંહ, સિંહવિક્રમ જેવાં બિરુદો તેણે ધારણ કર્યાં. મહાન કવિ કાલિદાસ એના દરબારમાં હતો. તેણે જુદા જુદા પ્રકારના સોનાના અને ચાંદીના સિક્કા પડાવ્યા હતા. તેના સમયમાં ચીની પ્રવાસી ફાહ્યાન (ઈ. સ. 400–411) લગભગ 10 વરસ ભારતમાં રહ્યો. તેણે ભારતનો પ્રવાસ કર્યો અને એની વિગતો આપી. ચંદ્રગુપ્ત(બીજા)ને બે રાણીઓ હતી : ધ્રુવદેવી અથવા ધ્રુવસ્વામિની અને બીજી કુબેરનાગા – નાગરાજ કુમારી હતી. ધ્રુવસ્વામિનીથી ગોવિંદગુપ્ત અને કુમારગુપ્ત(પહેલા)નો જન્મ થયો, જ્યારે કુબેરનાગાથી પ્રભાવતીગુપ્તા નામે એક રાજકુમારીનો જન્મ થયો. આ કન્યાનું લગ્ન વાકાટક વંશમાં થયું હતું.

જ. મ. શાહ