ચંદ્રકલા (phases of moon)

January, 2012

ચંદ્રકલા (phases of moon) : ચંદ્રના પૃથ્વીની આસપાસના પરિભ્રમણને કારણે, પૃથ્વી ઉપરથી ઓછાવત્તા પ્રમાણમાં દેખાતી ચંદ્રની પ્રકાશિત સપાટી. ચંદ્રનો પૃથ્વીની આસપાસના પરિભ્રમણનો સમય તથા તેની પોતાની ધરી ઉપરના પરિભ્રમણનો સમય, એ બંને એકસરખા હોવાને કારણે ચંદ્રની એક જ બાજુ હંમેશાં પૃથ્વી તરફ જણાય છે.

ઉત્તર ગોળાર્ધમાંથી જોવામાં આવતી ચંદ્રની કળાઓ

આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સૂર્યકિરણો ચંદ્રના અર્ધગોળાકાર ભાગને પ્રકાશિત કરે છે. સૂર્ય અને ચંદ્ર વચ્ચેનો ખૂણો જેમ બદલાતો રહે તેમ પૃથ્વી ઉપરથી ચંદ્રનો અર્ધગોળાકાર ભાગ ઓછાવત્તા પ્રમાણમાં દેખાય છે.

સૂર્ય અને ચંદ્ર એક સીધી રેખામાં આવે અને ચંદ્રનો અંધારપટવાળો અર્ધભાગ પૃથ્વી તરફ હોય ત્યારે પૃથ્વી ઉપરથી ચંદ્ર જોઈ શકાતો નથી. ત્યારબાદ બે-ત્રણ દિવસ પછી પૃથ્વીની કક્ષામાં થોડોક આગળ વધવાથી તે પાતળી રૂપેરી ધાર (crescent) તરીકે આકાશમાં દેખાય છે, જેને બીજ કહેવાય છે. ચંદ્ર સૂર્યથી 90°ને ખૂણે હોય ત્યારે આકાશમાં અર્ધચંદ્ર દેખાય છે. ત્યારબાદ થોડા દિવસ પછી તેની કળા વધીને તે લગભગ પોણા ભાગનો પ્રકાશિત દેખાય છે. ત્યારપછીના 7 દિવસ પછી તે સંપૂર્ણ પ્રકાશિત ગોળાકાર જણાય છે, જે પૂર્ણિમા (full moon) તરીકે ઓળખાય છે. તે વખતે ચંદ્રનું સ્થાન સૂર્યથી બરાબર સામેની દિશામાં હોય છે અને તેમની વચ્ચેનો ખૂણો 180° જેટલો હોય છે. જ્યારે સૂર્ય અસ્ત પામતો હોય ત્યારે સામેની દિશામાં ચંદ્રોદય જણાય છે. ત્યારબાદ ચંદ્ર તેની પૃથ્વીની આસપાસની કક્ષામાં આગળ વધે છે અને ફરી તેની કળા નાની થતી જાય છે; અને લગભગ 29.5 દિવસે તેની પૃથ્વીની આસપાસની એક કક્ષા પૂરી થાય છે. તે દિવસે ચંદ્ર લગભગ સૂર્યની સાથે જ ઊગે છે અને આથમે છે; જે અમાસ કે અમાવાસ્યા (new moon) તરીકે ઓળખાય છે.

દીપક ભદ્રશંકર વૈદ્ય