ચંદ્રકલા રસ

January, 2012

ચંદ્રકલા રસ : આયુર્વેદિક ઔષધ. શુદ્ધ પારો, તામ્ર ભસ્મ અને અભ્રક ભસ્મ 10-10 ગ્રામ તથા શુદ્ધ ગંધક 20 ગ્રામ લઈ, તે બધાંને ખરલમાં સાથે લઈ, સારી રીતે ઘૂંટીને કજ્જલી કરવામાં આવે છે. પછી તેને નાગરમોથ, દાડમ, દૂર્વા, કેતકી, સહદેવી (ઉપલસરી), કુંવાર, પિત્તપાપડો મરવો અને શતાવરીના રસની વારાફરતી ભાવના આપી, દવા સારી રીતે ઘૂંટવામાં આવે છે. તે પછી તેમાં કડુ, ગળોસત્વ, પિત્તપાપડો, વાળો, ચમેલીનાં ફૂલ, સફેદ ચંદન અને ઉપલસરી સરખે વજને લઈ ચૂર્ણ બનાવવામાં આવે છે. તે ચૂર્ણના વજન બરાબર દ્રાક્ષાદિગણનાં ઔષધો – દ્રાક્ષ, દાડમ, કેળાં, તાડફળી, બીલીનો ગર્ભ, જાંબુ અને કેરીના ક્વાથની કુલ 7 ભાવના એ ખરલની દવાને આપીને ઘૂંટાઈ કરી, તેનો એક ગોળો બનાવવામાં આવે છે. તે સુકાય એટલે તેને એરંડાના પાનમાં લપેટી અનાજની કોઠીમાં વચ્ચે દબાવી રાખી 7 દિવસ પછી તે કાઢી, ફરી વાટીને તેને ફરી દ્રાક્ષાદિગણના ઉકાળાની ભાવના આપીને તેની ચણા જેવડી ગોળીઓ બનાવાય છે. દર્દ મુજબ 1 થી 4 ગોળી દર્દીને દૂધ, ઘી કે દ્રાક્ષરસ સાથે અપાય છે.

ગુણધર્મ અને ઉપયોગ : ગરમીનાં કે પિત્તજન્ય દર્દો તથા રક્તસ્રાવનાં દર્દોમાં ખાસ વધુ વપરાતી આ આયુર્વેદિક ઔષધિ વૈદ્યોની પ્રિય દવા છે. આ દવા શરીરની અંદર બહારનાં રક્તસ્રાવ, દાહ-ગરમી, પિત્તવિકારનાં કે વાત-પિત્તનાં દર્દો, ભારે સંતાપ; ગરમીનો તાવ, ભ્રમ (ચક્કર) કે મૂર્ચ્છા; સ્ત્રીઓનાં વધુ પડતા માસિકસ્રાવ કે અત્યાર્તવ(લોહીવા)નાં દર્દો, મૂત્રદાહ, ખાસ કરી ઊર્ધ્વગ રક્તપિત્ત, પેશાબમાં દાહ તથા રક્તસ્રાવ, દૂઝતા હરસ તથા મૂત્રકૃચ્છ્ર રોગનો નાશ કરે છે. ગ્રીષ્મ ઋતુમાં આ દવાના સેવનથી પિત્ત પ્રકૃતિનાં કે ગરમીનાં દર્દની તાસીરવાળાને ખાસ શક્તિ આપે છે. ઉચ્ચરક્તચાપ, આંત્રિક જ્વર(typhoid)માં મગજમાં વધુ ગરમી થવી કે ગરમીના ઉન્માદ રોગમાં; વધુ મદ્યપાન કે તાપ-તડકામાં રહેવાથી કે વધુ વ્યાયામ-શ્રમથી થયેલાં દર્દોમાં; નસકોરી ફૂટવાના કે લોહીની ઊલટી થવાના વિકારો તથા વિષના તમામ ઉપદ્રવોમાં યોગ્ય અનુપાનથી આ દવા ઉત્તમ લાભ અવશ્ય કરે છે. ગરમીનાં દર્દોની તથા રક્તસ્રાવનાં દર્દોમાં તે સર્વોત્તમ ઔષધિ છે.

 મધુકાન્ત ભગવાનજી પંડ્યા

બળદેવપ્રસાદ પનારા