ઘેલો : સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના પાંચાલની ઉચ્ચ ભૂમિમાંથી નીકળી અમરેલી જિલ્લામાંથી વહીને ભાવનગર જિલ્લામાં પ્રવેશતી નદી. ભાવનગર જિલ્લામાં આ નદી ગઢડા અને વલભીપુર તાલુકામાંથી વહે છે. આ મોસમી નદીનું તળ ખડકાળ અને છીછરું છે. ચોમાસામાં પૂર આવે છે. તે દરમિયાન તેમાં પાણી હોય છે.

આ નદીનું મહત્વ તેના કાંઠે આવેલ સ્વામિનારાયણ સંપ્રદાયના મુખ્ય ધામ ગઢડાને કારણે છે. અક્ષરપુરુષોત્તમનું મંદિર તેના કાંઠે જ બાંધેલું છે. અહીં ભાદરવા સુદ અગિયારસે મેળો ભરાય છે. વલભીપુર પાસેથી વહીને આગળ જતાં ખંભાતના અખાતને મળતી કાળુભાર નદીને ઘેલો મળે છે.

ગિરીશ ભટ્ટ