ઘૂસણખોરી : અનધિકૃત તથા ગેરકાયદેસર પ્રવેશ. આવો પ્રવેશ અન્ય દેશની સરહદોમાં હોય તેમ સંસ્થા, મંડળ, સભા, સમુદાય, સમિતિ, રાજકીય પક્ષ કે કોઈની માલિકીની જમીન, ઘર વગેરેમાં હોઈ શકે. આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ કે પદ્ધતિ અસામાજિક તત્વો અપનાવે છે.

આજનું સામાજિક, આર્થિક અને રાજકીય જીવન સંકુલ બનતું રહ્યું છે અને વિવિધ પ્રશ્નો ઊભા થયા છે જેમાંનો એક તે ગેરકાયદેસર દેશાંતર કરવાની પ્રવૃત્તિ છે. ઘૂસણખોરી વૈશ્વિક પ્રશ્ન બન્યો છે. ગરીબ કે પછાત રાજ્યના લોકો આર્થિક તક કે લાભ લેવાની ઇચ્છાથી દેશાંતર કરતા હોય છે અને મોટે ભાગે તે ગેરકાયદેસર રીતે થાય છે. બાંગ્લાદેશના લોકો ભારતમાં, અલ્જિરિયાના લોકો ફ્રાન્સમાં, તુર્કીના જર્મનીમાં અને મેક્સિકોના અમેરિકામાં ગેરકાયદેસર ઘૂસણખોરી કરતા રહ્યા છે. એકંદરે જોઈએ તો એશિયા, આફ્રિકા અને દક્ષિણ અમેરિકાના લોકો આજીવિકા અને જીવનધોરણ ઊંચું લાવવાની ઇચ્છાથી વિકસિત દેશો તરફ આકર્ષાય છે અને તે દેશોમાં ગેરકાયદેસર પ્રવેશ કરતા હોય છે. આ પ્રકારની ઘૂસણખોરીના કારણે જ્યાં દેશાંતર થયું હોય તે દેશમાં વિવિધ પ્રકારના આર્થિક-સામાજિક પ્રશ્નો ઊભા થાય છે. પરિણામે વિકસિત દેશોએ આવી ઘૂસણખોરી રોકવા માટે કડક કાયદાઓ કર્યા છે.

વિશ્વભરમાં ચાલી રહેલી વૈશ્વિકીકરણ(globalization)ની પ્રક્રિયામાં જેટલી છૂટથી મૂડી એક દેશમાંથી બીજા દેશમાં પ્રવેશી  શકે છે એટલી છૂટ કે અનુકૂળતા મજૂરી કરવા ઇચ્છતા લોકોને દેશાંતર  કરવાની મળતી નથી. ઉત્તરદક્ષિણ વિવાદ(North-South Dialogue)નો આ એક મોટો પ્રશ્ન ઉપસ્થિત થયો છે. મોટે ભાગે દક્ષિણ(અલ્પવિકસિત)ના દેશોના લોકો ઉત્તર(વિકસિત)ના દેશોમાં જવાનો મોહ રાખે છે. મૂડીરોકાણની અનુકૂળતા ઉત્તરને ફાયદાકારક હોવાથી માન્ય છે; પરંતુ મજૂરી શોધતા લોકોને તે જાકારો આપે છે.

ભારતની વાત કરીએ તો આસામમાં એટલા મોટા પ્રમાણમાં ઘૂસણખોરી થવા પામી છે કે તેનાથી ખુદ અસમીઓ આસામમાં લઘુમતીમાં મુકાઈ ગયા ! તેનાથી આસામનું લોકજીવન વિક્ષુબ્ધ થઈ ગયું. અનેક રાજકીય આંદોલનો થતાં ઘૂસણખોરીનો પ્રતિકાર થયો.

ઘૂસણખોરીની સૌથી વિષમ અને ક્રૂર પદ્ધતિ પંજાબ અને કાશ્મીરમાં જોવા મળે છે. ત્યાં પાકિસ્તાનમાં તાલીમ લઈને આતંકવાદીઓ ગેરકાયદેસર પ્રવેશ કરી ત્રાસ અને આડેધડ હિંસા આચરી રાજકીય અસ્થિરતા ઊભી કરવાનો પ્રયાસ કરતા રહ્યા છે. ભારત સાથે સામસામેનું સીધું યુદ્ધ ટાળીને પાકિસ્તાન આતંકવાદીઓની ઘૂસણખોરી દ્વારા ધીમી ગતિનું યુદ્ધ (low intensity war) ચલાવી રહ્યું છે.

ઘૂસણખોરીનો વ્યાપ વધ્યો છે પરંતુ એક પ્રવૃત્તિ કે પદ્ધતિ તરીકે તે નવી નથી. અનધિકૃત રીતે બીજાની જમીન કે ખેતરમાં ઢોર સાથે ઘૂસી જવાની પ્રવૃત્તિ ભેળાણ તરીકે ઓળખાય છે અને તે જાણીતી છે. બકરાં, ઘેટાં કે ઢોરને લઈને ફરતા માલધારીઓ ખેતરમાં ભેળાણ કરતા હોય છે અને ઊભા પાકને ઘણું નુકસાન પહોંચાડતા હોય છે તે પણ ઘૂસણખોરીનો એક પ્રકાર છે.

ઘૂસણખોરીનાં વિવિધ સ્વરૂપો એ રીતે દેશની અંદર તેમજ દેશની બહાર આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે દેખાય છે.

દેવવ્રત પાઠક