ઘાસચારાના પાકો

February, 2011

ઘાસચારાના પાકો : પશુ-આહાર માટેના પાકો. ગુજરાત રાજ્યમાં થતા ઘાસચારાના વિવિધ પાકો નીચે મુજબ છે. તેની વિગતવાર માહિતી નીચે પ્રમાણે છે :

(ક) ધાન્ય વર્ગ : (1) જુવાર (Sorghum bicolor) : જુવારના પાકને ગુજરાત રાજ્યની દરેક પ્રકારની જમીન અને હવામાન અનુકૂળ આવે છે. ગુજરાતમાં આ પાકનો વિસ્તાર 8.94 લાખ હેક્ટર છે જેમાં દાણા માટે લેવાતા પાકના વિસ્તારનો પણ સમાવેશ થઈ જાય છે. આ પાક મુખ્યત્વે દાણા અને ઘાસચારા તરીકે અથવા ફક્ત ઘાસચારાના પાક તરીકે ઉગાડવામાં આવે છે. તેમાં અન્ય પાકોની સરખામણીમાં પોષક તત્વો વધુ હોવાથી પશુઓ લીલા ચારા, સૂકા ચારા કે સાઇલેજ (silage) તરીકે તેને વધુ પસંદ કરે છે. આ પાક પાણીની અછત સામે ટક્કર ઝીલી શકે છે, વધુ વરસાદ સામે પણ ટકી શકે છે અને ક્ષારવાળી જમીનમાં પણ થઈ શકે છે.

જુવારના પાકને ફક્ત ઘાસચારા (બાટુ) તરીકે ઉગાડવામાં આવે તો તેમાં દાણા લીધા બાદ રાખેલ ઘાસ (કડબ) કરતાં વધુ પોષક તત્વો હોય છે. લીલો ચારો પશુને ખવડાવવામાં આવે તો કડબની સરખામણીમાં તેમાંથી ક્રૂડ પ્રોટીન, ફૉસ્ફરસ અને કૅલ્શિયમ જેવાં તત્વો વધુ મળે છે. ઉપરાંત કૅરોટીન અને પ્રજીવકો જેવાં તત્વો પણ વધારાનાં મળી શકે છે. આના પરિણામે લીલી જુવાર પશુને નીરવાથી ગાય તથા ભેંસનું દૂધ-ઉત્પાદન વધે છે. એક કાપણીની જુવાર માટે સૂંઢિયા જુવાર (એસ. 1049), છાસટિયો (સી. 10.2) અને ગુજરાત ફોરિજ સોરગમ-3(આઇ. એસ. 5026)માંથી ગમે તે એક જાતની પસંદગી કરાય છે. આ જાતો મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત માટે અનુકૂળ છે. બહુ-કાપણીની જુવારની જાતો એમ.પી.ચારી, એસ.એસ.જી. 59-3 અને ગુજરાત ઘાસચારા જુવાર સંકર–1(ગુજરાત કૃષિ યુનિવર્સિટીએ 1991માં બહાર પાડી છે.) ઉપયોગી છે. ગુ.જી.ઓ.–1, એક-કાપણી અને બે-કાપણી એમ બંને માટે અનુકૂળ છે. તે ક્રૂડ પ્રોટીનનું ઉત્પાદન સારું આપે છે. પાયોનિયર હાઈબ્રિડ સમગ્ર ગુજરાતમાં અનુકૂળ આવે તેવી છે. ગુંદરી જાત ભાલ અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં વધુ અનુકૂળ આવે તેવી છે.

જુવારની વાવણી ચોમાસામાં જૂન–જુલાઈ માસમાં વરસાદ થયે કરાય છે, જ્યારે ઉનાળા માટે માર્ચ માસના પ્રથમ પખવાડિયામાં કરાય છે. બિયારણનો દર સ્થાનિક સુધારેલી જાતો માટે હેક્ટરે 60 કિગ્રા. અને હાઈબ્રિડ માટે 30 કિગ્રા. રાખી 25થી 30 સેમી.ના અંતરે વાવણી કરવી જોઈએ. જુવારના બીજને વાવણી પહેલાં ઍઝોટોબૅક્ટરનો પટ આપવો પડે છે તથા આર્થિક રીતે વધુ ઉત્પાદન મેળવવા હેક્ટરે 50 કિગ્રા. નાઇટ્રોજન (25 કિગ્રા. નાઇટ્રોજન વાવણી વખતે અને 25 કિગ્રા. નાઇટ્રોજન વાવણી પછી એક મહિને) એક-કાપણી પદ્ધતિ માટે આપવું જોઈએ. આ પ્રમાણે નાઇટ્રોજન ખાતરનું પ્રમાણ રાખવાથી એક રૂપિયાના ખર્ચ સામે ચોખ્ખું વળતર રૂ. 5.73 (1 : 5.73) મળે છે, જ્યારે બે-કાપણી પદ્ધતિમાં વધારાનો 125 કિગ્રા. નાઇટ્રોજન પ્રતિહેક્ટર પ્રથમ કાપણી બાદ તરત જ અપાય છે જેથી ચોખ્ખું વળતર 1 : 6.03 મળી શકે છે. જુવારનો પાક જસત આપવાથી પણ સારો પ્રતિભાવ આપે છે. ગુજરાત કૃષિ યુનિવર્સિટી, આણંદ કેન્દ્ર પર થયેલ સંશોધનના આધારે જાણવા મળ્યું છે કે જમીનમાં જસતનું પ્રમાણ ઓછું (0.5 પી.પી.એમ. કરતાં ઓછું) હોય તો ચોમાસુ અથવા ઉનાળુ ઘાસચારાની જુવાર જાત એસ.એસ.જી. 59-3ની વાવણી હેક્ટરે 25 કિગ્રા. ઝિંક સલ્ફેટ દર ત્રીજા વર્ષે અને હેક્ટરે 10 મેટ્રિક ટન છાણિયું ખાતર દર વર્ષે નાખીને કરવી જોઈએ. તેને લીધે જુવારની બે-કાપણીમાં લીલા ચારાનું આર્થિક રીતે વધુ ઉત્પાદન અને સારી ગુણવત્તાવાળો ચારો મળે છે. આ પ્રમાણે કરવાથી ચોમાસામાં ચોખ્ખું વળતર 1 : 2.19 મળે છે. ઓછા ખર્ચે ખેતી કરવામાં ચોખ્ખું વળતર 1 : 2.73 મેળવવા માટે હેક્ટરે 10 ટન છાણિયું ખાતર નાખવાની જરૂર નથી. જમીનમાં જસતની ઊણપ હોય તો જસત આપવાથી ઘાસચારાની જુવારનો પાક 4થી 5 દિવસ વહેલો તૈયાર થઈ જાય છે.

એક-કાપણી પદ્ધતિમાં હેક્ટરદીઠ લીલા ચારાનું સરેરાશ ઉત્પાદન 300થી 350 ક્વિન્ટલ, જ્યારે બે-કાપણીમાં 500થી 600 ક્વિન્ટલ જેટલું મળે છે. ઘાસચારા જુવારની કાપણી 50 % ફૂલ આવવાના સમયે કરવાથી સાઇનાઇડ અથવા હાઇડ્રૉસાઇનિક ઍસિડ(એચ.સી.એન.)નું પ્રમાણ પશુઓને નુકસાન કરતું નથી તથા લીલા ચારામાંથી વધુ પોષક તત્વો મળે છે. આથી આ સમય કાપણી માટે સર્વોત્તમ ગણાય છે. બે-કાપણી પદ્ધતિમાં પ્રથમ કાપણી વાવેતર બાદ બે મહિને અને ત્યારબાદ પ્રત્યેક 45 દિવસે કરવામાં આવે છે.

(2) રજકા બાજરી (Pennisetum americanum) : આ જાત મુખ્યત્વે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારમાં ઉગાડવામાં આવે છે. આ જાત રજકાની જેમ વધુ વાઢ આપતી હોવાથી તે રજકા બાજરી તરીકે ખેડૂતોમાં વધુ પ્રચલિત બની છે. આની બેથી ત્રણ વાઢ લેવામાં આવે છે. આની વાવણી ચોમાસામાં જૂન–જુલાઈ માસમાં વરસાદ થયે અને ઉનાળામાં ફેબ્રુઆરી–માર્ચ માસમાં બે હાર વચ્ચે 45 સેમી.ના અંતરે હેક્ટરદીઠ 10થી 12 કિગ્રા. બીજનું પ્રમાણ રાખી કરવામાં આવે છે. એક-કાપણીમાં પાકને પાયામાં 25 કિગ્રા. નાઇટ્રોજન અને 25 કિગ્રા. ફૉસ્ફરસ પ્રતિહેક્ટર આપવામાં આવે છે અને બાકીનો 25 કિગ્રા. નાઇટ્રોજન વાવણી બાદ એક માસે આપવામાં આવે છે. બેથી ત્રણ કાપણીમાં હેક્ટરે 25 કિગ્રા. નાઇટ્રોજન પ્રત્યેક કાપણી બાદ તરત જ અપાય છે. એક-કાપણી પદ્ધતિમાં 50 % છોડમાં ફૂલ આવે કે તરત જ કાપણી કરવી પડે છે, જ્યારે બે કાપણી લેવી હોય તો પ્રથમ કાપણી 50 % ફૂલ અવસ્થાએ અને બીજી કાપણી પ્રથમ કાપણી બાદ 30થી 40 દિવસના ગાળે કરવાની હોય છે. બાજરીમાં અરગટ વિષ જોવા મળે છે. વર્ષા ઋતુ દરમિયાન ડૂંડાં ગાભે આવે તે અવસ્થાએ હોય અને કુતુલનો રોગ આવેલ હોય તે સમયે આ વિષ જોવા મળે છે. આવા છોડ પશુને ખવડાવવાથી ખરી, કાન, નાક અને પૂંછડીના ભાગમાં સડો થાય છે અને કોઈક સમયે ગર્ભપાત થાય છે. આથી આવી અસર પામેલા છોડ ખેતરમાંથી કાઢી લઈને તેને બાળીને નાશ કરવો અને ત્યારબાદ જ ચારો પશુને ખવડાવવો આવશ્યક છે. એક- કાપણીમાં 300 થી 400 ક્વિન્ટલ પ્રતિહેક્ટર લીલા ચારાનું ઉત્પાદન મળે છે જ્યારે બે-કાપણીમાં 400થી 500 ક્વિન્ટલ જેટલું ઉત્પાદન મળી શકે છે.

(3) મકાઈ (Zea mays) : ઘાસચારાના ધાન્ય વર્ગના પાકોમાં મકાઈ સૌથી વધુ પોષક દ્રવ્યો ધરાવતો રસાળ પાક છે. ખૂબ જ સલામત હોઈ વૃદ્ધિના કોઈ પણ તબક્કે તે પશુને ખવડાવી શકાય છે. સાઇલેજ સંગ્રહ માટે પણ ઉત્તમ પાક છે. પાણીના વધુ ભરાવા તેમજ સૂકા વાતાવરણ સામે સંવેદનશીલ છે. મકાઈના દાણા તરીકેનો પાક મુખ્યત્વે પંચમહાલ, સાબરકાંઠા, વડોદરા અને બનાસકાંઠા વિસ્તારમાં વધુ પ્રમાણમાં કરવામાં આવે છે અને તેની સૂકી કડબ પશુને ખવડાવવામાં આવે છે. સૌરાષ્ટ્ર વિસ્તાર તથા ખેડા જિલ્લામાં આ પાકને ઘાસચારા તરીકે ઉગાડવામાં આવે છે. પાયોનિયર હાઈબ્રિડ મકાઈ વધુ ઉત્પાદનને લીધે ખેડૂતોમાં પ્રચલિત છે. આ સિવાય દાણાની જાતો ગંગા સફેદ-2, ગંગા-5, વિક્રમ અને ફાર્મ સમેરી પણ વાવવામાં આવે છે. ઠંડી સિવાયના દિવસોમાં આ પાકની વાવણી ગમે ત્યારે કરી શકાય છે. આ પાકની વાવણી હેક્ટરદીઠ 60 કિગ્રા. બીજનો દર રાખી બે હાર વચ્ચે 25થી 30 સેમી. અંતરે કરવી જોઈએ. મકાઈના પાકને હેક્ટરે 80 કિગ્રા. નાઇટ્રોજન (40 કિગ્રા. નાઇટ્રોજન વાવણી વખતે અને 40 કિગ્રા. નાઇટ્રોજન વાવણી પછી એક મહિને) આપવો જોઈએ. ગુજરાત કૃષિ યુનિવર્સિટીના સંશોધન પરથી જાણવા મળ્યું કે કાપણી દૂધિયા દાણા અવસ્થાએ કરવામાં આવે તો વધુ ચારાનું અને ક્રૂડ પ્રોટીનનું ઉત્પાદન તેમજ વધારે નફો મેળવી શકાય છે. હેક્ટરે 400થી 500 ક્વિન્ટલ જેટલું લીલા ચારાનું ઉત્પાદન મળે છે.

(4) ઓટ (Avena sativa) : ગુજરાત રાજ્યમાં દરેક જિલ્લામાં ડેરીનો ઉદ્યોગ વિકાસ પામ્યો છે. આથી ખેડૂતો એક-બે કે તેથી વધારે સંખ્યામાં પશુઓ રાખતા થયા છે. ખાસ કરીને મહેસાણા, ખેડા, સૂરત, વલસાડ, વડોદરા વગેરે જિલ્લાના ખેડૂતો પશુઓ વધુ રાખે છે. આ પશુઓને બારે માસ લીલો ચારો મળી શકે તે માટે ખેડૂતો હવે ઓટ અને ગજરાજ ઘાસ વાવતા થયા છે. ડિસેમ્બરથી ફેબ્રુઆરી સુધી ઓટ સિવાયના અન્ય ઘાસચારાના ધાન્ય પાકનું ઉત્પાદન ઓછું મળે છે કારણ કે આ ગાળા દરમિયાન ઠંડી વધુ હોવાના કારણે જુવાર, બાજરી, ગજરાજ ઘાસ અને મકાઈ જેવા પાકોનો વિકાસ ખૂબ જ ધીમો હોય છે, જ્યારે આ ગાળા દરમિયાન ઓટનું સારું ઉત્પાદન મળે છે. ઓટનો ચારો મીઠો અને પોષક તત્વોવાળો હોય છે. ઓટમાં ચરબી, પ્રોટીન, વિટામિન બી-2, ફૉસ્ફરસ અને લોહ સારા પ્રમાણમાં હોય છે. ઓટની બે-કાપણી પદ્ધતિમાં વાવણી 15 નવેમ્બર આસપાસ હેક્ટરે 100 કિગ્રા. બીજનો દર રાખી 125 સેમી.ના અંતરે કરવી જોઈએ. ગુજરાત કૃષિ યુનિવર્સિટી, આણંદ પર થયેલ સંશોધનના આધારે જાણવા મળ્યું છે કે ઓટના ચારાની એક-કાપણી પદ્ધતિમાં (50 % ફૂલ આવવાના સમયે કાપણી), પાકને જમીનમાં 50 % લભ્ય ભેજ હોવાના સમયે (ચાર પિયત, 20–25 દિવસના ગાળે) જ પિયત આપવાથી આર્થિક રીતે ચારાનું વધુ ઉત્પાદન અને ગુણવત્તા સારી મળે છે. આ પાકને 80 કિગ્રા. નાઇટ્રોજન પ્રતિહેક્ટર આપવો જોઈએ; જ્યારે બે-કાપણી પદ્ધતિમાં આણંદ કેન્દ્ર પર થયેલ સંશોધનનાં પરિણામો સૂચવે છે કે ઓટની જાત કેન્ટ અથવા જે.એચ.ઓ.-822થી વાવણી હેક્ટરે 80 કિગ્રા. નાઇટ્રોજન ખાતર નાખીને કરવાથી વધુ લીલો ચારો, સૂકો ચારો અને ક્રૂડ પ્રોટીનનું ઉત્પાદન મેળવી શકાય છે. ખાતર ત્રણ હપતામાં નંખાય છે. 50 % પાયામાં, 25 % વાવણી પછી એક મહિને અને બાકીનું 25 % પ્રથમ કાપણી પછી તરત જ આપવું જોઈએ. પાકની કાપણી બે વખત કરવી જોઈએ. પ્રથમ કાપણી વાવણી પછી 50 દિવસે અને બીજી કાપણી 50 % ફૂલ આવવાના સમયે કરવી જોઈએ. આ પ્રમાણે માવજતમાં એક રૂપિયાના ખર્ચ સામે ચોખ્ખું વળતર રૂ. 7.69 મળે છે. ખેતીનો ખર્ચ ઓછો કરવો હોય તો હેક્ટરે 40 કિગ્રા. નાઇટ્રોજન ત્રણ હપતામાં નંખાય. આ પ્રમાણેની માવજતમાં એક રૂપિયાના ખર્ચ સામે ચોખ્ખું વળતર રૂ. 8.95 મળે છે.

આ પાકની વાવણી ઑક્ટોબરથી શરૂ કરી દર 10–15 દિવસના ગાળે થોડા થોડા વિસ્તારમાં કરવામાં આવે તો સતત લીલો ચારો પશુને મળી શકે છે અને તેથી દૂધનું ઉત્પાદનખર્ચ ઘટાડી શકાય છે અને આર્થિક રીતે નફો થાય છે. ઓટના લીલા ચારાનું ઉત્પાદન એક હેક્ટરે એક-કાપણી કે બે-કાપણી પદ્ધતિમાં 500 ક્વિન્ટલ જેટલું મળે છે. આ પાકને મકાઈ ગંગા સફેદ–2 સાથે આડો-ઊભો 25 સેમી.ના અંતરે વાવવો જોઈએ જેથી લીલા ચારાનું અને ક્રૂડ પ્રોટીનનું ઉત્પાદન વધે તથા કુલ અને ચોખ્ખું વળતર વધુ મળે.

(ખ) કઠોળ વર્ગ : (1)  ચોળા (Vigna unguiculata) : ચોળાનો પાક ચોમાસુ તેમજ ઉનાળુ ઋતુમાં કરવામાં આવે છે. આ પાક ખેડા, વડોદરા, મહેસાણા અને સૂરત જિલ્લામાં વવાય છે. ચોળાના પાકમાં ખૂબ જ સારા પ્રમાણમાં પ્રોટીન અને કૅલ્શિયમ હોય છે, જે પશુઓ અને માવજત માટે ઘણું જ ઉપયોગી છે. ચોળાના મૂળ પર બૅક્ટેરિયા હોવાથી જમીનમાં નાઇટ્રોજનનો ઉમેરો કરે છે અને પરિણામે જમીનની ફળદ્રૂપતા વધે છે. ચોખાનો પાક ધાન્ય પાક સાથે મિશ્ર કે આંતરપાક તરીકે લેવામાં આવે છે. આ પાકને એકલો પણ વાવવામાં આવે છે. આ પાકની વાવણી ફેબ્રુઆરી માસથી ઑગસ્ટ માસ સુધી ગમે ત્યારે કરી શકાય છે. ચોમાસુ ઋતુ માટે ચોળા જી.એફ.સી.–1 જી.એફ.સી.–3 અને ઈ.સી.–4216 અને ઉનાળુ ઋતુ માટે જી.એફ.સી.–2, જી.એફ.સી.–4 અને ઈ.સી.–4216 અનુકૂળ છે. ચોળાની વાવણી હેક્ટરે 40 કિગ્રા. બિયારણનો દર રાખી 25 સેમી.ના અંતરે કરવી જોઈએ. આ પાકને હેક્ટરે 20 કિગ્રા. નાઇટ્રોજન તથા 40 કિગ્રા. ફૉસ્ફરસ પાયાના ખાતર તરીકે આપવામાં આવે છે. તેને મોલોમશીનો ઉપદ્રવ લાગે છે તે સામે સંરક્ષણ માટે શોષક દવા (મિથાઈલ-ઓ-ડીમેટોન-25 ઈ.સી. કે ડાઇમીથોએટ 30 ઈ.સી. 10 મિલી. દવા 10 લિટર પાણીમાં ઓગાળી જરૂર મુજબનું દ્રાવણ) છાંટી શકાય. ચોળાનો પાક 70-75 દિવસમાં કાપણી માટે તૈયાર થઈ જાય છે. 50 % ફૂલ આવવાના સમયે કે શિંગો બેસવાની શરૂઆત થાય ત્યારે કાપણી કરાય છે. ચોળાનું હેક્ટરે 250થી 300 ક્વિન્ટલ લીલા ચારાનું ઉત્પાદન મળે છે.

(2) રજકો (Medicago sativa) : રજકાનો પાક ગુજરાત રાજ્યમાં દરેક જિલ્લામાં જ્યાં પિયતની સગવડ હોય ત્યાં શિયાળામાં કરવામાં આવે છે. કચ્છ વિસ્તાર, મહેસાણા, બનાસકાંઠા, ખેડા, વડોદરા, સૌરાષ્ટ્ર વિસ્તાર (જૂનાગઢ, રાજકોટ, અમરેલી) અને દક્ષિણ ગુજરાત(સૂરત અને વલસાડ)માં વધુ પ્રમાણમાં કરવામાં આવે છે. રજકાના પાકમાં નત્રિલ પદાર્થનું પ્રમાણ વધારે હોય છે અને પોષણ ર્દષ્ટિએ નત્રિલ પદાર્થનું સ્થાન વધુ ઊંચું છે તેમજ તેમાં વધુ ખનિજ- તત્વો અને વિટામિન ‘એ’ અને ‘ડી’ હોવાથી આ પાકને ઘાસચારાનો રાજા કહે છે. આ પાક જમીનની ફળદ્રૂપતા સુધારે છે. તેને મોસમી, વાર્ષિક તેમજ બહુવાર્ષિક પાક તરીકે લઈ શકાય છે. તે ગરમી અને પાણી સામે ટક્કર ઝીલી શકે તેવો પાક છે; પરંતુ પાણી ભરાઈ રહે તેવી જમીન અને વધુ ભેજવાળી આબોહવા તેને અનુકૂળ હોતી નથી. રજકામાં આણંદ–2 અને એસ.એસ.–627 જાત ખેડૂતોમાં વધુ ઉત્પાદનના કારણે પ્રચલિત થઈ છે. ઘાસચારા સંશોધનકેન્દ્ર, ગુજરાત કૃષિ યુનિવર્સિટી, આણંદ પર થયેલ સંશોધનના આધારે જાણવા મળ્યું છે કે રજકા આણંદ–2 અને એસ. એસ.–627ની વાવણી, હરોળમાં 25 સેમી.ના અંતરે હેક્ટરે 10 કિગ્રા. બિયારણનો દર રાખી નવેમ્બર માસના બીજા અઠવાડિયામાં કરવાથી વધુ ઉત્પાદન મળે છે. જે ખેડૂતો પશુનો વ્યવસાય (તબેલો) કરે છે તેમણે રજકાની વાવણી ઑક્ટોબરના પ્રથમ અઠવાડિયાથી શરૂ કરીને નવેમ્બરના છેલ્લા અઠવાડિયા સુધી થોડા થોડા વિસ્તારમાં પંદર પંદર દિવસના ગાળે કરે તો પશુઓ માટે સતત પૌષ્ટિક લીલો ચારો મળી શકે છે. રજકાના પાકનું વાવેતર ખેતરમાં પ્રથમ વખત કરતા હોય તો બીજને વાવતાં પહેલાં રાઇઝોબિયમ સૂક્ષ્મ જીવાણુના કલ્ચરનો પટ આપવો આવશ્યક છે. હેક્ટરદીઠ બજારમાંથી તૈયાર મળતાં 3થી 4 પૅકેટ પૂરતાં છે. જે ખેતરમાં અગાઉ રજકો લીધો હોય અને તેમાં ફરીથી રજકો લેવાનો થાય તો બીજને રાઇઝોબિયમ કલ્ચરનો પટ આપવાની જરૂર રહેતી નથી. રજકાના પાકને હેક્ટરે 15થી 20 મેટ્રિક ટન છાણિયું ખાતર આપવાની જરૂરિયાત રહે છે. હેક્ટરે 20 કિગ્રા. નાઇટ્રોજન + 50 કિગ્રા. ફૉસ્ફરસ + 50 કિગ્રા. પોટાશ અપાય છે. પાકને બહુવર્ષીય તરીકે રાખવો હોય તો ફરીથી પ્રથમ વર્ષ જેટલું જ ખાતર નાખવું પડે છે. બોરૉનની ઊણપને લીધે પાન પીળાં થઈ જાય છે તેને ‘રજકાનો પીળિયો’ કહે છે. આના ઉપાય માટે હેક્ટરે 25થી 50 કિગ્રા. બૉરેક્સ જમીનમાં નાખવો પડે છે. ઉનાળામાં પિયતનો ગાળો 7થી 10 દિવસ તથા શિયાળામાં 12થી 15 દિવસનો રાખવો જોઈએ. મોસમી અને વાર્ષિક પાકને અનુક્રમે 16થી 17 અને 22થી 25 પિયતની જરૂર પડે છે. તેમ છતાં પિયતનો આધાર જમીનની પ્રત અને આબોહવા પર હોય છે. ચારામાંથી વધુ પોષક તત્વો મેળવવા માટે કાપણી 50 % ફૂલ આવવાના સમયે કરવી આવશ્યક ગણાય છે. પ્રથમ કાપણી વાવણી પછી બે મહિને જમીનની સપાટીથી 7થી 10 સેમી.ની ઊંચાઈ રાખીને કરાય છે. ત્યારબાદ પ્રત્યેક કાપણી શિયાળામાં 28થી 30 દિવસે અને ઉનાળામાં 20થી 25 દિવસે થાય છે. મોસમી, વાર્ષિક અને બહુવર્ષીય (બે વર્ષ) પાકમાં અનુક્રમે 7, 12 અને 24 કાપણી મળી શકે છે. રજકામાં સિપોનિન અને ઑઇસ્ટ્રોજન નામનાં ઝેરી તત્વો પાકની દરેક અવસ્થાએ જોવા મળે છે. આથી એકલા રજકાનું નીરણ કરાતું નથી; પરંતુ ધાન્ય અને કઠોળવર્ગના પાકના ઘાસનું પ્રમાણ  6 : 4 રાખી નીરણ કરાય છે. મોસમી, વાર્ષિક અને બહુવર્ષીય રજકાના લીલા ચારાનું ઉત્પાદન હેક્ટરે અનુક્રમે 70થી 80, 100થી 110 અને 180થી 200 મેટ્રિક ટન જેટલું મળી શકે છે.

(3) ગુવાર (Cyamopsis tetragonoloba) : આ પાક ગુજરાતની હલકી જમીનમાં ચોમાસાની ઋતુમાં અનુકૂળ આવે તેવો છે અને તે પાણીની અછત સામે ટક્કર ઝીલી શકે છે. ગુવારની જાત એફ.એસ.–277 ચારા માટે અનુકૂળ હોય છે. સંશોધન-પરિણામો પરથી માલૂમ પડ્યું છે કે 60 કિગ્રા. ફૉસ્ફેટ પ્રતિહેક્ટર આપવાથી આર્થિક રીતે પોસાય તેવું ઉત્પાદન મળે છે.

(4) સૂર્યમુખી (Helianthus annuus) : ટૂંકા ગાળામાં ઘણા પ્રકારની જમીનમાં પાણીની અછતમાં થઈ શકે તેવો વધુ ઉત્પાદન આપતો તેલીબિયાંનો પાક છે. આ પાકને લીલા ચારા કે અથાણાં બનાવવા માટે વર્ષમાં ગમે ત્યારે વાવી શકાય છે; પરંતુ ચોમાસામાં જુલાઈ-ઑગસ્ટ માસમાં વરસાદના કારણે બિયારણનો ઉગાવો ઓછો થાય છે. સૂર્યમુખીની ઈ.સી.–68414 જાત અનુકૂળ આવે તેવી છે. બીજનું પ્રમાણ હેક્ટરે 40 કિગ્રા. રાખી 45 સેમી.ના અંતરે વાવેતર કરવામાં આવે છે. આ પાકને હેક્ટરે 60 કિગ્રા. નાઇટ્રોજન અને 30 કિગ્રા. ફૉસ્ફરસની જરૂર પડે છે. આ પાકની લીલા ચારા માટેની કાપણી (ફૂલ) કળીઓ બેસે ત્યારે વાવણી પછી 40થી 45 દિવસે અથવા કણસલાના દાણા દૂધિયા અવસ્થાએ આવે ત્યારે કરવામાં આવે છે. લીલા ચારાનું ઉત્પાદન હેક્ટરે 200થી 250 ક્વિન્ટલ આવે છે.

(5) શેવરી (Sesbania sesban) : શેવરી કઠોળ વર્ગનો પાક છે. તેમાંથી સૂકા વાતાવરણમાં સૂકી પરિસ્થિતિમાં 15થી 20 ટનનો લીલો ચારો તેમજ થોડું સૂકું બળતણ મળી રહે છે. પવનથી રક્ષણ મેળવવા માટે તેને હદ પર વાવવામાં આવે છે. આની વાવણી જૂન–જુલાઈમાં વરસાદ થયે કરવામાં આવે છે. એક હેક્ટરે 10થી 15 કિલો બિયારણની જરૂર પડે છે. આની કાપણી વાવણી પછી 2.5થી 3 માસે જમીનની સપાટીથી 1 મીટરની ઊંચાઈ રાખીને કરાય છે અને તે પછી દર બે મહિને કાપણી થાય છે.

 (6) દશરથ ઘાસ (Desmanthus varigatus) : સૂકા વિસ્તારમાં હલકી તેમજ મધ્યમ પ્રકારની જમીનમાં આ પાક લેવાય છે. તેની વાવણી ચોમાસામાં જૂન–જુલાઈમાં વરસાદ થયે કરવામાં આવે છે. હેક્ટરે 7થી 10 કિગ્રા. બિયારણની જરૂરિયાત રહે છે. આની વાવણી 50 સેમી. × 15 સેમી.ના અંતરે કરવામાં આવે છે. તેની કાપણી જમીનથી 60 સેમી. ઊંચાઈ રાખીને કરાય છે. લીલા ચારાનું ઉત્પાદન હેક્ટરે 400થી 500 ક્વિન્ટલ મળે છે. આમાં રજકાની જેમ ક્રૂડ પ્રોટીન 18થી 22 % (સૂકા ચારા પર) હોય છે. આથી તેને ‘રજકાની વાડ’ પણ કહે છે.

આ સિવાય ચોમાસામાં કઠોળના પાક સિરાટ્રો અને સ્ટાઇલો પણ લઈ શકાય છે.

(ક) ઘાસ વર્ગ : ઘાસના વર્ગના પાકમાં ગજરાજ ઘાસ (હાથી ઘાસ), ગીનિયા ઘાસ, ઝીંઝવો (મારવેલ ઘાસ), અંજન ઘાસ, ધુસડો અને પેરા ઘાસ લઈ શકાય.

1. ગજરાજ ઘાસ (Pennisetum purpureum) : આ ઘાસ જ્યાં પિયતની પૂરતી સગવડ હોય ત્યાં લઈ શકાય છે. આ પાકનો વિકાસ હાથીની જેમ ઝડપથી થતો હોઈ તેને હાથી ઘાસ કે ગજરાજ ઘાસ કહે છે. આનું ઉત્પાદન અન્ય ઘાસની સરખામણીમાં ઘણું જ મળે છે. આ પાક થોડે અંશે છાંયડો સહન કરી શકે છે. આથી શરૂઆતમાં ફળઝાડની વાવણી કરવામાં આવે ત્યારે આંતરપાક તરીકે સફળતાપૂર્વક લઈ શકાય તેમ છે.

આ પાકની વૈજ્ઞાનિક ખેતીપદ્ધતિ નીચે મુજબ છે :

(i) સુધારેલી જાતો : નેપિયર બાજરા હાઈબ્રિડ 21 (એન.બી. 21) અને કોઇમ્બતૂર 1

(ii) સુધારેલી જાતોની વૈજ્ઞાનિક ખેતીપદ્ધતિ :

(ક) જમીન : સામાન્ય રીતે ગજરાજ ઘાસનું વાવેતર ગોરાડુ, બેસર અને સારા નિતારવાળી કાળી જમીનમાં થઈ શકે છે.

(ખ) જમીન તૈયાર કરવી : દાંતી અગર કરબની ખેડ કરી સમાર મારી રોપણી માટે જમીન તૈયાર કરવી.

(ગ) વાવણીનો સમય : ખરીફ ઋતુમાં જૂન-જુલાઈમાં વરસાદ થયે અને પિયતની સગવડ હોય તો ઉનાળામાં માર્ચ-એપ્રિલ માસમાં ગજરાજ ઘાસનાં જડિયાં રોપી શકાય છે.

(ઘ) બિયારણનો દર : ગજરાજ ઘાસનું પ્રજનન થડના ટુકડાથી કે મૂળવાળી ફૂટથી થાય છે. તેની સંખ્યાનો આધાર વાવણીના અંતર પર આધારિત છે.

વાવણીમાં અંતર (મીટરમાં)

થડના ટુકડા કે મૂળવાળી ફૂટની

સંખ્યા (હેક્ટરે)

0.60 × 0.60 27,777
0.90 × 0.90 12,345
1.00 × 1.00 10,000

(ઙ) વાવણીનું અંતર : ચોમાસામાં ચોળા જી.એફ.સી. 3 અને શિયાળામાં રજકા આણંદ 2 આંતરપાક લેવાના હોય તો ગજરાજ ઘાસની રોપણી 150 સેમી × 25 સેમી.ના અંતરે કરી આંતરપાક (ચોળા/રજકો) 25 સેમી.ના અંતરમાં વાવવામાં આવે છે.

ગજરાજ ઘાસનો એકલો પાક વાવવો હોય તો અંતર 0.90 મી. × 0.90 મી. રખાય છે, જેથી બળદ દ્વારા આંતરખેડ કરી શકાય અને ઓછા ખર્ચે વધુ ઉત્પાદન અને નફો મેળવી શકાય.

(ચ) ખાતર : ગજરાજ ઘાસની રોપણી અગાઉ જમીન તૈયાર કરતી વખતે હેક્ટરદીઠ 10 ટન છાણિયું ખાતર, 50 કિગ્રા. નાઇટ્રોજન, 30 કિગ્રા. ફૉસ્ફરસ અને 30 કિગ્રા. પોટાશ પાયાના ખાતર તરીકે અપાય છે. ત્યારબાદ ચોમાસાની શરૂઆતમાં દર વર્ષે એક વખત હેક્ટરે 30 કિગ્રા. ફૉસ્ફરસ આપવામાં આવે છે.

આ ઉપરાંત દરેક કાપણી પછી 50 કિગ્રા. નાઇટ્રોજન હેક્ટરદીઠ બે હપતામાં, 25 કિગ્રા. કાપણી પછી તુરત જ અને 25 કિગ્રા. કાપણી પછી 25 દિવસે અપાય છે, જેથી ચારાનું અને પ્રોટીનનું ઉત્પાદન વધુ મળી શકે. સંશોધનનાં પરિણામોના આધારે જાણવા મળ્યું છે કે કઠોળ પાક આંતરપાક તરીકે લેવાથી 40 % નાઇટ્રોજનનો બચાવ થાય છે.

(છ) પિયત : ચોમાસામાં વરસાદની ખેંચ હોય તો જરૂરિયાત મુજબ પિયત અપાય છે. શિયાળામાં 15–20 દિવસે અને ઉનાળામાં 10 દિવસે પિયત આપવામાં આવે છે; પરંતુ આનો આધાર જમીનની પ્રત અને આબોહવા પર રહે છે.

(જ) આંતરખેડ અને નીંદણ : દરેક ઋતુમાં એકથી બે વખત આંતરખેડ કરાય છે અને જરૂરિયાત પ્રમાણે નીંદણ થાય છે.

(iii) કાપણી : રોપણી પછી પ્રથમ કાપણી બે મહિને અને ત્યારબાદ પ્રત્યેક કાપણી 40–50 દિવસે થાય છે. કાપણી જમીનની સપાટીથી 25થી 30 સેમી. ઊંચાઈ રાખ્યા બાદ કરવામાં આવે છે. ગજરાજ ઘાસનાં કુમળાં પાનમાં 3.6 % ઑક્સોલેટ હોય છે તે પશુને માટે ઝેરી છે. આ ઝેરી અસરને ઓછી કરવા માટે ઘાસ 40–45 દિવસે કાપી બીજા કઠોળ વર્ગ કે ધાન્ય વર્ગ સાથે મિશ્ર કરી પશુને નીરણ કરવું પડે છે. આ ઘાસનું વાવેતર બે વર્ષ કરતાં વધુ રખાતું નથી, કારણ કે બે વર્ષ પછી છોડ નાશ પામવાને કારણે ઉત્પાદનમાં નોંધપાત્ર રીતે ઘટાડો થતો હોવાથી આર્થિક રીતે તે પોષણક્ષમ રહેતું નથી.

(iv) ઉત્પાદન : જમીન ફળદ્રૂપ હોય અને સારી માવજત આપવામાં આવે તો એક વર્ષ દરમિયાન હેક્ટરદીઠ 1500–2000 ક્વિન્ટલ જેટલું લીલા ચારાનું ઉત્પાદન મળે છે.

2. ગીનિયા ઘાસ (Panicum maximum) : આ ઘાસમાં છાંયડો સહન કરવાની શક્તિ સારી હોઈ ફળઝાડની વાડીઓ તથા જંગલ વિસ્તારમાં અનુકૂળ આવે છે. ફળઝાડની વાડીઓ સૂરત અને વલસાડ જિલ્લામાં વધુ હોઈ ત્યાં અનુકૂળ આવે તેમ છે. આમાં સુધારેલી જાતો હમિલ, કોલોનિયલ અને ગાલ્ટન છે. આની ખેતી-પદ્ધતિ ગજરાજ ઘાસ જેવી છે.

3. મારવેલ ઘાસ (ઝીંઝવો) (Dichanthium annulatum) : આ ઘાસ સૂકા પ્રદેશમાં વધુ અનુકૂળ આવે છે. આને ખાસ કરીને ગોચર-વિસ્તારમાં વાવવામાં આવે છે. જંગલ-વિસ્તારમાં પણ વાવવામાં આવે છે. તેના સૂકા ઘાસની ગાંસડીઓ બાંધવામાં આવે છે અને અછતવાળા વિસ્તારમાં મોકલવામાં આવે છે. દુષ્કાળના સમયમાં આ ઘાસ આશીર્વાદરૂપ છે. આ ઘાસને ખાસ કરીને પંચમહાલ, ખેડા, વડોદરા, અમદાવાદ, સૂરત અને વલસાડ જિલ્લામાં ગોચર તેમજ જંગલ-વિસ્તારમાં વાવવામાં આવે છે.

ગોચર માટે ઉત્તમ ગણાતાં ઘાસ પૈકીનું આ ઘાસ છે. આ ચારો જાનવરોને ખૂબ જ ભાવે છે. તેમાં 5 %થી 7 % પ્રોટીનનું પ્રમાણ હોય છે. આ ઘાસ બારે માસ ફૂટ્યાં જ કરે છે અને તેનું મૂળતંત્ર ખૂબ જ વિસ્તરેલું હોવાથી ઢોરથી ચગદાય છતાં તે ફૂટ્યાં કરે છે. લીલા તેમજ સૂકા ઘાસ માટે ઉત્તમ એવો ઝીંઝવો જમીનનું ધોવાણ પણ અટકાવે છે. ઝીંઝવાને હૂંફાળું તેમજ ભેજવાળું વાતાવરણ ખૂબ માફક આવે છે. 1979–80માં ગુજરાત કૃષિ યુનિવર્સિટીએ ગુજરાત મારવેલ ઘાસ 1 નામની જાત ખેડૂતોને વાવવા માટે બહાર પાડેલ છે. આ ઘાસનું સૂકા ચારાનું ઉત્પાદન સૂકી ખેતીમાં હેક્ટરે 60થી 80 ક્વિન્ટલ મળે છે અને સારા ભેજવાળા તથા વધુ વરસાદવાળા વિસ્તારમાં 100થી 120 ક્વિન્ટલ જેટલું મળે છે. પિયત હેઠળ સારી માવજત હોય તો હેક્ટરે 150થી 200 ક્વિન્ટલ જેટલું મળી શકે છે.

4. અન્જન ઘાસ (Cenchrus ciliaris) : ગૌચર માટેનું આ બહુવર્ષીય ઘાસ ઓછા વરસાદવાળા સખત ગરમીવાળા સૂકા પ્રદેશોને અનુરૂપ છે. પોષકદ્રવ્યોથી ભરપૂર, ખાવાલાયક ચારા ઉપરાંત તે જમીનનું ધોવાણ પણ અટકાવે છે. ઉનાળાની સખત ગરમીમાં પણ આ ઘાસ તેની લીલોતરી જાળવી રાખે છે. વળી, આ ઘાસ તદ્દન સલામત હોઈ જાનવરો પર કોઈ જ માઠી અસર થતી નથી. આની વાવણી ચોમાસામાં જૂનજુલાઈમાં થાય છે. જૂનની શરૂઆતમાં ધરુવાડિયું તૈયાર કરીને એક મહિના પછી ફેરરોપણી 60 × 60 સેમી.ના અંતરે કરવામાં આવે છે. હેક્ટરે 10 ટન છાણિયું ખાતર અને 30 કિગ્રા. નાઇટ્રોજન શરૂઆતમાં રોપણી પહેલાં અપાય છે. ઘાસને બરાબર જામતાં બે વર્ષ લાગે છે. તેથી આ ગાળા દરમિયાન જાનવરોને ચરવા દેવાતાં નથી. પ્રથમ વર્ષે વાવણી પછી ચાર મહિને એક કાપણી અને બીજા વર્ષે ત્રણ કાપણી અને તે પછી દરેક વર્ષે છ-છ કાપણી લઈ શકાય છે. પ્રતિ વર્ષ 400થી 500 ક્વિન્ટલ લીલા ચારાનું ઘાસ પ્રતિ હેક્ટરે મળી શકે છે. વરસાદ પર આધારિત ગૌચર ઘાસ તરીકે આશરે 150થી 200 ક્વિન્ટલ પ્રતિ હેક્ટરે લીલો ચારો મળે છે. પુસા જાયન્ટ, અન્જાન, આઇ.જી.એફ.આર.આઈ.–1 પુસા યલો અન્જાન તેમજ કોઇમ્બતૂર–1 વગેરે અન્જાન ઘાસની પ્રચલિત જાતો છે.

5. બ્લૂ પૅનિક ધૂસડો (Panicum antidotale) : આ પાકને હલકી, રેતાળ તેમજ કાળી જમીન અનકૂળ આવે છે. આ પાકને ખેતરના શેઢા પર જમીનનું ધોવાણ અટકાવવા માટે વાવવામાં આવે છે. આની રોપણી ધરુ નાખીને ચોમાસામાં કરવામાં આવે છે. એક હેક્ટરની રોપણી માટે 0.4થી 0.5 કિગ્રા. બિયારણ ધરુ નાખવા માટે પૂરતું છે. હેક્ટર 40 કિગ્રા. નાઇટ્રોજન આપી 60 સેમી. × 60 સેમી.ના અંતરે આ ઘાસની રોપણી કરવામાં આવે છે. લીલા ચારાનું ઉત્પાદન હેક્ટરે 150થી 200 ક્વિન્ટલ જેટલું આવે છે. આમાં 8 %થી 10 % પ્રોટીન સૂકા ચારા પર હોય છે.

6. પેરા ઘાસ (Brachiaria mutica) : આ ઘાસને ભારે ભેજવાળી હવામાં અને પાણી ભરાઈ રહે ત્યાં ઉગાડી શકાતું હોઈ સૂરત અને વલસાડ જિલ્લામાં મોટે ભાગે રોપવામાં આવે છે. આનાં જડિયાં રોપવામાં આવે છે. હેક્ટરે 20 કિગ્રા. નાઇટ્રોજન આપી, 50 સેમી. × 50 સેમી. કે 60 સેમી. × 60 સેમી.ના અંતરે ઘાસની રોપણી કરવામાં આવે છે ને તે માટે હેક્ટરે 30,000થી 40,000 જડિયાંની જરૂરિયાત રહે છે. આની રોપણી ઉત્તર ગુજરાતમાં 15 ફેબ્રુઆરી આસપાસ તથા દક્ષિણ ગુજરાતમાં વર્ષમાં ગમે તે સમયે કરી શકાય છે. આનું લીલા ચારાનું ઉત્પાદન હેક્ટરે 1000 ક્વિન્ટલ જેટલું આખા વર્ષમાં આવે છે. સૂએજનું પાણી હોય તો 2000થી 2500 ક્વિન્ટલ જેટલું ઉત્પાદન લઈ શકાય છે. અન્ય ઘાસની સરખામણીમાં આ ઘાસ ક્ષાર સામે ટક્કર લઈ શકે છે. આથી ક્ષારવાળી જમીનમાં પણ લીલા ચારાનું ઉત્પાદન મળી શકે છે. આ ઘાસમાં 8થી 10 ટકા ક્રૂડ પ્રોટીન સૂકા ચારા પર હોય છે.

જગદીશભાઈ પટેલ