ગ્રીનલૅન્ડ : દુનિયાનો સૌથી મોટો ટાપુ. કૅનેડાના ઈશાન ભાગમાં આવેલા એલ્સમેર ટાપુથી ગ્રીનલૅન્ડ માત્ર 25 કિમી. દૂર છે.
સ્થાન : ગ્રીનલૅન્ડ ઉત્તર ગોળાર્ધમાં આવેલો ટાપુ છે. તે 59.45° ઉ. અક્ષાંશથી 83.39° ઉ. અક્ષાંશ વચ્ચે તેમજ 20° પ. રેખાંશથી 70° પ. રેખાંશ વચ્ચે આવેલો છે. તેની ઉત્તરે આર્કિટક મહાસાગર, ઈશાને ગ્રીનલૅન્ડ સમુદ્ર, અગ્નિ ખૂણે નૉર્વેનો સમુદ્ર અને આઇસલૅન્ડ ટાપુ આવેલા છે. ટાપુની દક્ષિણે આટલાન્ટિક મહાસાગર તેમજ પશ્ચિમ બાજુએ ડેવિસની સામુદ્રધુની અને બેરિંગ ઉપસાગર આવેલાં છે.

ગ્રીનલૅન્ડ
વિસ્તાર : ગ્રીનલૅન્ડનો કુલ વિસ્તાર 21,66,086 ચોકિમી. જેટલો છે, જે ડેન્માર્ક કરતાં પચાસગણો અને બ્રિટનથી 10 ગણો છે. તે પૈકી હિમાવરણનો ભાગ 17,55,437 ચોકિમી. અને બરફયુક્ત ભાગ 4,10,449 ચોકિમી. જેટલો છે. આર્કિટક સર્કલના કુલ વિસ્તારના 2⁄3 કરતાં પણ વધુ વિસ્તાર રોકે છે. આ ટાપુ આશરે 2,960 કિમી. લાંબો અને 1,300 કિમી. પહોળો છે.
આ ટાપુનો 85% એટલે આશરે 17,55,437 ચોકિમી.નો વિસ્તાર બરફથી છવાયેલો રહે છે અને તેમાં 1,500 મીટરની ઊંડાઈ સુધી બરફના થરો આવેલા છે.
પ્રાકૃતિક રચના : આ ટાપુ પહાડી તેમજ મેદાનોવાળો છે. પશ્ચિમ વિભાગનો 1,16,550 કિમી. માર્ગ બરફથી મુક્ત છે. તેની સ્થાનભેદે ઊંચાઈ 609.3થી 1,828 મી. તથા મધ્યનો સૌથી ઊંચો ભાગ 1,523.3 મીટરથી વધુ ઊંચાઈવાળો છે. આ ટાપુનું સૌથી વધુ ઊંચાઈ ધરાવતું શિખર માઉન્ટ ગુનબ્યૉર્ન છે. તેની ઊંચાઈ 3,700 મી. છે. તે પૂર્વ કિનારે આવેલો છે. કિનારાના ભાગો સિવાય ટાપુ બારે માસ બરફથી છવાયેલો રહે છે. ગ્રીનલૅન્ડને 39,310 કિમી. લાંબો સમુદ્રકિનારો પ્રાપ્ત થયેલ છે. આ કિનારો હિમનદીને કારણે ખાંચાખૂંચીવાળો છે. કિનારે અનેક ફિયૉર્ડ પૈકી કોસંબી, ફૈઝ, જૉસેફ, કિંગ આસ્કર ગોથાલ અને ઉમિનાફ મુખ્ય છે. બરફના થરોની નીચેથી આવતાં બરફનાં ચોસલાં તૂટીને મોટી મોટી શિલાઓ રૂપે સમુદ્રમાં વહેવા લાગે છે. હિમશિલાઓ ઉત્તર અમેરિકાના કિનારા તરફ તરતી તરતી પહોંચે છે.
ટાપુની આબોહવા અતિશય ઠંડી છે. ઉત્તરના અને દક્ષિણના ભાગો વચ્ચે તાપમાનનો તફાવત બહુ થોડો છે. ઉત્તરના ભાગોમાં શિયાળામાં તાપમાન વધુ નીચું જાય છે. ગ્રીનલૅન્ડના કિનારાની આબોહવા અને ખંડીય પ્રદેશોની આબોહવામાં મોટો તફાવત જોવા મળે છે. ટાપુના દક્ષિણ કિનારાના પ્રદેશનું જાન્યુઆરીનું તાપમાન સરેરાશ 8° સે. અને જુલાઈનું તાપમાન 10° સે. હોય છે. ખંડીય પ્રદેશનું ફેબ્રુઆરીનું સરેરાશ તાપમાન –47° સે., જ્યારે જુલાઈનું તાપમાન સરેરાશ –12° સે. હોય છે. ગ્રીનલૅન્ડમાં સૌથી ઓછું તાપમાન –70° સે (–81° ફે.) નોંધાયેલું છે. અહીંયાં શિયાળા દરમિયાન તોફાનો, ભારે પવનો, હિમ અને વરસાદનો પણ અનુભવ થાય છે. દુનિયામાં સૌથી વધુ વાદળ અને ધુમ્મસવાળા વિસ્તાર તરીકે આ પ્રદેશની ગણતરી થાય છે.

ગ્રીનલૅન્ડની એક વસાહત
હિમાચ્છાદિત પ્રદેશો – હિમનદી : ગ્રીનલૅન્ડના દક્ષિણના વિસ્તારમાં 2,000 મી. અને ઉત્તરના વિસ્તારમાં 1,000 મી.ની ઊંચાઈના વિસ્તારમાં બરફ છવાયેલો જોવા મળે છે. આર્કિટકના વિભાગમાં સૌથી વધુ બરફનો સમૂહ ગ્રીનલૅન્ડના ખંડીય વિસ્તારમાં જોવા મળે છે. ઉત્તર ગોળાર્ધમાં સૌથી મોટો બરફનો જથ્થો પથરાયેલા વિસ્તારો ચોરસ આકારે આવેલા છે. સમુદ્રની સપાટીથી પણ 3,333 મી.ની ઊંચાઈ સુધી બરફના થરો આવેલા છે. ગ્રીનલૅન્ડમાં નિર્માણ થયેલી તરતી હિમશિલાઓ લાબ્રાડોરના પ્રવાહ સાથે ખેંચાઈને આટલાન્ટિકના જલવિસ્તારમાં ઢસડાઈ આવે છે.
વનસ્પતિ-પ્રાણીજીવન : ઉત્તર ધ્રુવના વાતાવરણને કારણે વનસ્પતિ અને પ્રાણીજીવન પ્રમાણમાં કુંઠિત છે. લીલ અને શેવાળ સમગ્ર પ્રદેશમાં જોવા મળે છે. આ ઉપરાંત કાલોપ્લા નામનું ઘાસનું પ્રમાણ પણ વધુ છે.
આ પ્રદેશના પ્રાણીજીવનમાં રેન્ડિયર, સફેદ સસલાં, રીંછ, કેરિબૂ, શિયાળ અને ઘેટાં મુખ્ય છે. ગ્રીનલૅન્ડમાં કેરિબૂ વધુ જોવા મળે છે. તે તેમની કામધેનુ ગણાય છે. સીલ, વહેલ, કૉડ અને ઝિંગા (prawn) જેવી માછલીઓ પણ આ વિસ્તારમાં મોટા પ્રમાણમાં છે.
અર્થતંત્ર : આ પ્રદેશમાં લોકોની આવકનો મુખ્ય સ્રોત મત્સ્યપાલન છે. બહુ લાંબો દરિયાકિનારો હોવાથી મત્સ્ય- ઉદ્યોગ મહત્ત્વનો છે. અહીં શ્રીમ્પ અને હેલીબટ (Halibut) પ્રકારનાં મત્સ્ય વધુ મળે છે. જે મત્સ્ય પકડાય છે તેના 90% મત્સ્યની નિકાસ કરવામાં આવે છે. આ સિવાય દક્ષિણના વિસ્તારમાં પારંપરિક ખેતી થાય છે. જેમાં મોટે ભાગે બટાટા, સ્ટ્રોબેરી, ગાજર, કોબીજ, દૂધી, બ્રોકોલી તેમજ ઠંડા પ્રદેશમાં થતા ખેતીપાકોની ખેતી થાય છે. ગ્રીનહાઉસ નિર્માણ કરીને ખેતપ્રવૃત્તિને વિકસાવાઈ છે. પશુપાલન પ્રવૃત્તિમાં મોટે ભાગે ઘેટાંનો ઉછેર મુખ્ય છે. આશરે 40 જેટલાં ઘેટાંઉછેરનાં ફાર્મ આવેલાં છે. પ્રવાસીઓના શિકારના શોખને લક્ષમાં રાખીને રેન્ડિયર, જંગલી કેરિબૂના શિકારની પ્રવૃત્તિ વિકસાવાઈ છે.
અહીં ખનીજોના વિપુલ ભંડારો સંગ્રહાયેલા છે. આશરે 38 જેટલી ખનિજો શોધી શકાઈ છે; જેમાં અબરખ, ફેલ્સપાર, સીસું, જસત, લોહઅયસ્ક, તાંબું, ગ્રૅફાઇટ અને અલભ્ય ખનીજો નિયોબિયમ, ટાઇટેનિયમ, નિયોડિમિયમ, પ્રેસિયોમિડિયમ જેવી ખનિજો રહેલી છે. આ સિવાય ખનિજ તેલ હોવાની સંભાવના વધુ છે. ગરમ વસ્ત્રો (ચામડાનાં), કલાત્મક વસ્તુઓ, સૂકી માછલીઓ, રેન્ડિયરનાં શિંગડાં વગેરેની નિકાસ થાય છે.
પરિવહન : આ દેશ બરફાચ્છાદિત હોવાથી કોઈ બસ કે રેલવેની સુવિધા ઉપલબ્ધ નથી. અહીં હવાઈ સેવા અને દરિયાઈ સેવા ઉપલબ્ધ છે. આંતરરાજ્યમાં મુસાફરી માટે આંતરિક વિમાનો જેમાં Air Greenland Utilizes Dash 8–200નો ઉપયોગ વધુ થાય છે. આ સિવાય નાનાં વિમાનો અને હેલિકૉપ્ટરનો ઉપયોગ થાય છે. અહીંનું નાનું ઍરપૉર્ટ નૂક છે. આ દેશની સરકારે ત્રણ મોટાં આંતરરાષ્ટ્રીય હવાઈ મથકો ઊભાં કરવાનો નિર્ણય લીધો છે. જે NUUK, llulissat અને Qaqortoq છે. દરિયાઈ સેવા માટે Sarfaq lttuk passenger ferry કંપની કાર્યરત છે.
વસ્તી : આ દેશની વસ્તી 2026 મુજબ આશરે 56,740 છે. વસ્તીગીચતા દર ચોકિમી.એ 0.14 છે. પુરુષની સંખ્યા 29,861 અને મહિલાની સંખ્યા 26,879 છે. શહેરી વસ્તી 91% અને સાક્ષરતા આશરે 100% છે. મુખ્ય ભાષા ગ્રીનલૅન્ડીક જે સરકારી ભાષા છે. જ્યારે મહત્તમ વપરાશ ડેનિશ ભાષાનો છે. 89% ગ્રીનલૅન્ડીક અને 7.5% ડેનિશ પ્રજા છે. અહીંની પ્રજા એસ્કિમો અથવા લેપ પ્રજા તરીકે જાણીતી છે. આ પ્રજાએ યુરોપિયન, કૅનેડિયન, અમેરિકન અને રશિયન સંસ્કૃતિ સાથે સમન્વય કર્યો છે. આ લોકો ખ્રિસ્તી ધર્મ પાળે છે. ગ્રીનલૅન્ડનું સૌથી મોટું શહેર સિસિમિયટ છે. જ્યારે પાટનગર નૂક છે. 2026 મુજબ આ શહેરની વસ્તી આશરે 18,300 છે.
ગ્રીનલૅન્ડ પર 1979 સુધી ડેન્માર્કનું આધિપત્ય હતું.
ખનિજ : ગ્રીનલૅન્ડમાં કોલસાના ભંડારો મળ્યા છે પણ હજુ ઉદ્યોગ તરીકે તેનો વિકાસ થયો નથી. 1948માં સીસા અને જસતની ખાણો પણ મળી છે. 1958માં સીસાનું ઉત્પાદન 8,460 મેટ્રિક ટન હતું. આ ટાપુની મુખ્ય આયાત મશીનરી, વીજળીશક્તિનાં સાધનો, પેટ્રોલિયમ પેદાશો, વાહનવ્યવહારનાં સાધનો અને કપડાં છે; જ્યારે નિકાસમાં માછલાં, માછલાંની પેદાશો, અબરખ, ફેલ્સપાર, ચામડાં વગેરે છે. રેલમાર્ગ વિકસી શક્યો નથી. સડકમાર્ગ વિકસી રહ્યો છે. મુખ્ય મથક ટૂલી છે.
ઇતિહાસ : 1953થી ગ્રીનલેન્ડના લોકો ડેનમાર્કના નાગરિકો બની ગયા. લગભગ 300 વર્ષથી આ ટાપુ પર ડેનમાર્કનું જ નિયંત્રણ છે. અનેક પ્રકારની સ્વાયત્તતા સાથે ગ્રીનલેન્ડનું અર્થતંત્ર ડેન્માર્કની સબસિડી કે સહાય પર આધારિત છે. આ રીતે ગ્રીનલેન્ડ ડેનમાર્કની રાજાશાહીને આધિન છે. 1979માં ડેનમાર્કે ગ્રીનલેન્ડને સ્વશાસન પ્રદાન કર્યું અને 2008માં ગ્રીનલેન્ડે સ્થાનિક સરકારને વધારે સ્વાયત્તતા આપવાની તરફેણમાં મતદાન કર્યું. આ રીતે ડેનમાર્કની રાજશાહી સરકારનો પ્રભાવ ફક્ત વિદેશી, સુરક્ષા અને આર્થિક નીતિ પૂરતો જ મર્યાદિત રહ્યો છે.
રાજકારણ : વ્યૂહાત્મક દ્રષ્ટિએ ગ્રીનલેન્ડ દુનિયાનો મહત્વપૂર્ણ ટાપુ છે. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન આ ટાપુએ હિટલરની નાઝી સેનાને રોકવા માટે દિવાલ બની ગયો હતો. શીતયુદ્ધ દરમિયાન યુરોપ અને ઉત્તર અમેરિકા વચ્ચે દરિયાઈ માર્ગો પર નિયંત્રણ કરવા ઉપયોગી ટાપુ તરીકે જોવામાં આવ્યો, કારણ કે આ ભૌગોલિક રીતે આર્કટિકની નજીક છે. અમેરિકા સૈન્ય દાયકાઓથી એટલાન્ટિક અને આર્કટિક મહાસાગરો વચ્ચે પિટફિક સ્પેસ બેઝનું સંચાલન કરહે છે. તેને અગાઉ થૂલે એરબેઝ તરીકે ઓળખવામાં આવતો હતો. આ બેઝનો ઉપયોગ બેલિસ્ટિક મિસાઇલ પર નજર રાખવા માટે થાય છે.
હાલ 21મી સદીમાં ગ્રીનલેન્ડ પર અમેરિકા અને ચીન બંનેની નજર સ્થિર થઈ છે. તેની પાછળનું મુખ્ય કારણ છે – ગ્રીનલેન્ડનાં ભૂગર્ભમાં છૂપાયેલો ખનીજોનો ખજાનો.
21મી સદીમાં દુનિયાનો દરેક દેશ ઇલેક્ટ્રિક વાહનોનું વધુને વધુ ઉત્પાદન કરવા અને સ્વચ્છ ઊર્જાનો ઉપયોગ કરવાની દિશામાં આગેકૂચ કરવા ઇચ્છે છે. આ સ્થિતિસંજોગોમાં ગ્રીનલેન્ડમાં ઉપલબ્ધ આ ખનિજોનો ભંડાર અતિ મહત્વપૂર્ણ બની ગયો છે.
વળી ગ્રીનલેન્ડમાં અતિ દુર્લભ ખનિજોનો ભંડાર પણ ઉપલબ્ધ છે. સમગ્ર દુનિયામાં અતિ દુર્લભ ખનિજોનો 25 ટકા હિસ્સો ગ્રીનલેન્ડમાં છે. આ ખનીજોનો અંદાજિત ભંડાર 15 લાખ ટન હોવાની ધારણા છે. હાલ અહીં દુર્લભ ખનિજોનું ઉત્ખનન કરતી બે ખાણખનીજ કંપનીઓ ઓસ્ટ્રેલિયન છે, પરંતુ એક કંપનીમાં ચીનની સરકારી ખાણખનીજ કંપની શાંધાઈ રિસોર્સિઝનું રોકાણ છે.
આ દેશમાં ચીન કિંમતી ખનીજ સંસાધનો મેળવવા પ્રયાસરત હોવાથી અમેરિકા સહિત પશ્ચિમ દેશોની ચિંતા વધી ગઈ છે. જ્યારે ટ્રમ્પે અમેરિકાના બીજી વાર રાષ્ટ્રપ્રમુખ બન્યાં પછી ગ્રીનલેન્ડને ખરીદવાની વાત કરી, ત્યારે દુનિયાને હાસ્યાસ્પદ લાગી હતી. પરંતુ હકીકત એ છે કે, આ પ્રકારની ઓફર કરનાર ટ્રમ્પ પ્રથમ અમેરિકન રાષ્ટ્રપ્રમુખ નથી. 1860ના દાયકામાં અમેરિકાના 17મા રાષ્ટ્રપ્રમુખ એન્ડ્રયૂ જ્હોન્સને પહેલી વાર આ વિચાર પ્રકટ કર્યો હતો. 1867માં અમેરિકન વિદેશ વિભાગે ગ્રીનલેન્ડ અમેરિકા માટે વ્યૂહાત્મક દ્રષ્ટિએ મહત્વપૂર્ણ હોવાનું જણાવ્યું હતું. એ સમયે વિદેશ વિભાગે અમેરિકાએ આઇસલેન્ડ અને ગ્રીનલેન્ડને ખરીદી લેવા જોઈએ એવું સૂચન પણ કર્યું હતું. આ માટે 1946માં અમેરિકાના તત્કાલિન રાષ્ટ્રપ્રમુખ હેરી ટ્રુમેને ગ્રીનલેન્ડ ખરીદવા માટે ડેનમાર્કને 10 કરોડ ડોલર (સોના સ્વરૂપે)ની ઓફર કરી હતી.
આર્કટિક સર્કલથી બેઇજિંગનું અંતર 3,000 કિલોમીટર છે, પરંતુ ચીને ત્યાં રોકાણ કરવા ધ્યાન કેન્દ્રિત કર્યું છે. આર્કટિકના બરફીલા માર્ગો પરથી સામાનની અવરજવર કરવા માટે માર્ગ બનાવવા અનેક આઇસબ્રેકર્સ (બરફ પર ચાલતાં જહાજ) ચીને ખરીદી લીધા છે અથવા ત્યાં મોકલી દીધા છે. તેમાં પરમાણુ ઊર્જાથી ચાલતા આઇસબ્રેકર્સ પણ સામેલ છે. અહીં ચીન પોતાના પોલર સિલ્ક રોડ પર સ્ટેશન બનાવવાની સંભાવના શોધી રહ્યો છે.
ગિરીશ ભટ્ટ
નીતિન કોઠારી
કેયૂર કોટક
