ગ્રામપંચાયત : પંચાયતીરાજનો પાયાનો એકમ. પંચવર્ષીય યોજનાના ભાગ રૂપે ગ્રામવિસ્તારના વિકાસ માટે સામૂહિક વિકાસ યોજના શરૂ કરવામાં આવી. ગામડાંના લોકોનો સહકાર મળી રહે તે માટે ઑક્ટોબર 1952થી સમગ્ર દેશમાં આ યોજના શરૂ કરવામાં આવી; પરંતુ સામૂહિક વિકાસયોજના ધાર્યાં પરિણામ લાવી શકી નહિ. તેનું મૂલ્યાંકન કરવા માટે એક પેટાસમિતિ ‘કમિટી ઑન પ્લાન પ્રોજેક્ટ્સ’ની (16, જાન્યુઆરી 1957) રચના કરવામાં આવી, જેના ચૅરમૅન તરીકે તે વખતના લોકસભાના સભ્ય અને પછીથી ગુજરાતના મુખ્યપ્રધાન બનેલા બળવંતરાય મહેતાની નિમણૂક કરવામાં આવી. આ સમિતિએ પંચાયતીરાજની રચના સાકાર કરી અને જણાવ્યું કે સ્થાનિક સ્વશાસન સંભાળતું પંચાયતીરાજનું ત્રિ-સ્તરીય માળખું હોવું જોઈએ, જેમાં સૌથી નીચે ગ્રામપંચાયત, વચ્ચે તાલુકા પંચાયત અને ઉપર જિલ્લા પંચાયત હોવી જોઈએ અને એ ત્રણેય વચ્ચે પરસ્પર આંગિક સંબંધો હોવા જોઈએ.

દરેક ગામને પોતાની પંચાયત હોય તેવું નક્કી થયું. ખૂબ નાનાં નાનાં ગામડાં હોય તો તેવાં ગામોને ભેગાં કરીને જૂથ કે સમૂહ પંચાયત પણ રચી શકાય. દરેક ગ્રામપંચાયતની રચના પુખ્તવય મતાધિકારના ધોરણે સીધી ચૂંટણી દ્વારા કરવામાં આવે છે. ગ્રામપંચાયતના વિસ્તારના લોકોના સર્વાંગી વિકાસ અને કલ્યાણ માટે પ્રતિનિધિઓને ચૂંટવામાં આવે છે.

પંચાયતીરાજને મજબૂત અને વ્યવસ્થિત બનાવવા માટે સપ્ટેમ્બર 1989માં એક વિધેયક લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતું. ઉપરાંત 72મું બંધારણીય સુધારા વિધેયક સપ્ટેમ્બર 1991માં લોકસભામાં રજૂ કરાયું હતું અને સંસદની એક સંયુક્ત સમિતિને સોંપાયું હતું. જેના અહેવાલના આધારે લોકસભાએ 22, ડિસેમ્બર 1992ના રોજ આ વિધેયક પસાર કર્યું હતું. રાષ્ટ્રપતિએ 20 એપ્રિલ 1993ના રોજ આ વિધેયકને મંજૂરી આપી અને 24 એપ્રિલ 1993ના રોજ એક જાહેરનામા દ્વારા પંચાયતીરાજ સુધારા ધારાને અમલી બનાવાયો.

આ નવી બંધારણીય જોગવાઈઓ ભારતના ગ્રામીણ ઇતિહાસ અને જીવનમાં એક અગત્યનું સીમાચિહન પુરવાર થશે. સ્વશાસન અને સ્વાવલંબનનું ક્ષેત્ર વિસ્તરશે અને તમામ લોકોની ભાગીદારી શક્ય બનશે.

આ સુધારા અન્વયે ગ્રામપંચાયતો જીવંત સંસ્થાઓ બનશે. ચૂંટાયેલા પ્રતિનિધિઓ લોકોના કલ્યાણ માટે વિવિધ કાર્યક્રમો ચલાવશે અને તેમના આયોજન અને અમલમાં લોકોને સામેલ કરશે. પંચાયતો જરૂરી, વિકાસલક્ષી, નિયમનકારી અને સામાન્ય વહીવટી કાર્યો બજાવતી થશે. કૃષિ, જમીનસુધારા, પશુપાલન, ગ્રામઉદ્યોગો, કુટિર-ઉદ્યોગો, પીવાનું પાણી, ગરીબીનાબૂદી કાર્યક્રમો, આરોગ્ય, સફાઈ-સ્વચ્છતા, કુટુંબકલ્યાણ વગેરે કાર્યો ગ્રામપંચાયતોનાં પાયાનાં કાર્યો બનશે.

ગામડાંના લોકોની ગરીબી અને બેરોજગારીની નાબૂદીનું કાર્ય ગ્રામપંચાયતોને શિરે રહે છે. કુદરતી આફતો જેવી કે ચોમાસું નિષ્ફળ જવું, અતિવૃષ્ટિ, અછતની પરિસ્થિતિ, પૂર, વાવાઝોડું વગેરેના સમયે ગ્રામપંચાયતો અસરકારક કામ કરી શકે છે. ગ્રામપંચાયતોની ભાગીદારી અને સામેલગીરી દ્વારા જ રાહતકાર્યક્રમોનું વ્યવસ્થાતંત્ર સુંદર રીતે ગોઠવી શકાય છે.

73મા પંચાયતીરાજ બંધારણીય સુધારાનાં મુખ્ય પાસાં જોઈએ તો (1) ગ્રામસભા પંચાયત વિસ્તારોમાં મતદારો તરીકે નોંધણી પામેલા બધા જ પુખ્ત વયના સભ્યોની બનેલી એક સંસ્થા થશે. (2) પંચાયતની ગ્રામ, મધ્યસ્થ અને જિલ્લા સ્તર એમ ત્રિ-સ્તરીય પદ્ધતિ હશે. (3) આ ત્રણેય સ્તરોએ પંચાયતોની બેઠકો સીધેસીધી ચૂંટણીથી ભરાશે અને ગ્રામપંચાયતોના સરપંચો મધ્યસ્થ સ્તરની પંચાયતના સભ્ય બની શકશે. (4) બધી જ પંચાયતોમાં અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓ માટે તેમની વસ્તીના પ્રમાણમાં બેઠકો અનામત રખાશે. (5) કુલ બેઠકોની એક તૃતીયાંશ બેઠકો મહિલાઓ માટે આરક્ષિત રહેશે. અનુસૂચિત જાતિઓ અને જનજાતિઓ માટે અનામત રખાયેલી એક-તૃતીયાંશ બેઠકો મહિલાઓ માટે અનામત રહેશે. (6) બધા જ સ્તરોની પંચાયતોમાં અધ્યક્ષોની બેઠકો અનુસૂચિત જાતિઓ અને જનજાતિઓ માટે રાજ્યમાંની તેમની વસ્તીના પ્રમાણમાં અનામત રહેશે. તમામ સ્તરોની પંચાયતોમાં અધ્યક્ષોના એક-તૃતીયાંશ હોદ્દા મહિલાઓ માટે અનામત રહેશે. (7) દરેક પંચાયતની એક સમાન પાંચ વર્ષની મુદત રહેશે. પંચાયતનું વિસર્જન કરવામાં આવ્યું હશે તો તેવા સંજોગોમાં ચૂંટણીઓ ફરજિયાત રીતે છ માસના ગાળામાં કરવાની રહેશે. (8) વર્તમાન પંચાયતોની મુદત પૂરી થાય ત્યાં સુધી તે ચાલુ રહેશે. કોઈ પણ કાયદો ઘડીને તેમનું વિસર્જન થઈ શકશે નહિ. (9) રાજ્યની વિધાનસભાની ચૂંટણીઓ માટે કે પછી બીજા કોઈ કાનૂન હેઠળ અપાત્ર ઠરેલી વ્યક્તિ પંચાયતોની સભ્ય બની શકશે નહિ. (10) પંચાયતોની ચૂંટણીઓ માટે, મતદારયાદીઓ તૈયાર કરવા અને ચૂંટણીપ્રક્રિયા ઉપર દેખરેખ અને અંકુશ રાખવા તેમજ માર્ગદર્શન કરવા દરેક રાજ્યમાં એક સ્વતંત્ર ચૂંટણી પંચ સ્થપાશે. (11) આર્થિક વિકાસ અને સામાજિક ન્યાય માટેની યોજનાઓ તૈયાર કરવા પંચાયતોને અમુક ચોક્કસ જવાબદારીઓ સોંપાશે. વિકાસ-યોજનાઓના અમલની મુખ્ય જવાબદારી પંચાયતની રહેશે. (12) પંચાયતને તેમનાં કાર્યો માટે પૂરતું નાણાભંડોળ અપાશે, જેનો મુખ્ય સ્રોત રાજ્ય સરકાર તરફથી મળતી ગ્રાન્ટ રૂપે હશે. કેટલાક વેરાઓની આવક પણ પંચાયતોને આપવામાં આવશે ત્યારે કેટલાક કિસ્સાઓમાં પંચાયતને પણ મહેસૂલ એકત્ર કરીને પોતાની પાસે જાળવી રાખવાની પરવાનગી અપાશે.

ઉપર પ્રમાણે 73મા પંચાયતીરાજ બંધારણીય સુધારા પર નજર નાખતાં એ સ્પષ્ટપણે જણાઈ આવે છે કે તેનો મુખ્ય હેતુ લોકોને તેમની વિકાસની પ્રક્રિયામાં વધુ ને વધુ ભાગીદાર બનાવવાનો છે. લોકોની વધુમાં વધુ સહભાગીદારી પંચાયતીરાજના કાર્યક્રમોના અમલમાં પણ સારો ફેરફાર કરી શકશે અને કાર્યક્રમોની ગુણવત્તા અને અસર વધશે. ગ્રામપંચાયતો ગામડાંના આર્થિક અને સામાજિક વિકાસના પાયાનું પરિબળ બની રહેશે.

ધર્મેન્દ્રસિંહ દિ. ઝાલા