ગ્રામદક્ષિણામૂર્તિ

February, 2011

ગ્રામદક્ષિણામૂર્તિ : 1938માં ભાવનગર પાસે આંબલા ગામમાં નાનાભાઈ ભટ્ટ દ્વારા સ્થાપવામાં આવેલી સંસ્થા. 1910માં ભાવનગરમાં દક્ષિણામૂર્તિ વિદ્યાર્થીભવન સ્થાપી શિક્ષણમાં ચારિત્ર્યઘડતરને અને વિદ્યાર્થીને મહત્વનું સ્થાન આપનાર નાનાભાઈ ભટ્ટ દેશમાં જાણીતા કેળવણીકાર હતા. ગાંધીવિચારે રાષ્ટ્રીય કેળવણી દ્વારા ગ્રામવિકાસની અનિવાર્યતા પ્રતીત થતાં તેમણે એકલાએ દક્ષિણામૂર્તિ સંસ્થા સ્થાપીને પ્રસ્થાન કર્યું હતું.

આ સંસ્થા મૂળમાં દક્ષિણામૂર્તિનું અંગ હોવાથી એ દક્ષિણામૂર્તિની વિશિષ્ટતાઓ – છાત્રાલય, બાળકની સ્વયંસ્ફુરણા અને વિદ્યાર્થી-કેન્દ્રી શિક્ષણ – આંબલાની સંસ્થામાં પણ કેન્દ્રમાં રહી.

1939માં દક્ષિણામૂર્તિ બંધ થતાં સંસ્થાને સ્વતંત્ર કરી ગ્રામદક્ષિણામૂર્તિ નામ આપ્યું.

નાનાભાઈ સાથે શરૂથી જ મનુભાઈ પંચોળી (‘દર્શક’) જોડાયેલા. 1945 અને 1948માં અનુક્રમે મૂળશંકરભાઈ ભટ્ટ અને નટવરલાલ બુચ ગ્રામદક્ષિણામૂર્તિમાં જોડાયા અને પછી લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સ્થાપી તેમાં પણ સાથીદારો બની રહ્યા.

1939માં નાનાભાઈએ પ્રાથમિક-માધ્યમિક ધોરણો ધરાવતી આ લોકશાળા શરૂ કરી હતી, આજે તેમાં ઉચ્ચ માધ્યમિક કક્ષા સુધીનું શિક્ષણ અપાય છે અને આવી જ બીજી લોકશાળા 1956માં તળાજા તાલુકાના મણાર ગામે શરૂ કરેલ છે.

આ લોકશાળાને ગામડાંમાં નહિ પણ ગામડાંની કેળવણી આપતી બનાવવી હતી એટલે વિદ્યાર્થીઓને ગામડાંના વિકાસમાં મદદરૂપ જ નહિ પણ ગ્રામવાસી રાખીને ગામડાંના સમર્થકો બનાવવા હતા એટલે શિક્ષણ દ્વારા ગામડાં પ્રત્યે અનુરાગ થાય, ગામડાંને સમજે અને ગામડાંના પ્રશ્નો ઉકેલવા તત્પર બને તેમ કરવાનું હતું. એટલે ઉદ્યોગમાં કૃષિગોવિદ્યાની આ દેશમાં સૌપ્રથમ નાનાભાઈએ શરૂઆત કરી. ગ્રામલક્ષી પર્યાવરણ ઊભું થાય તે માટે તેને અનુરૂપ મકાનો, ભોજન, ગ્રામસમસ્યાઓનો અભ્યાસ અને ઉકેલો તેમજ ઉત્સવોને શિક્ષણનાં અંગ બનાવ્યાં.

ગાંધીજીના કેળવણી-વિચારનો તેમણે આજન્મ કેળવણીકારની હેસિયતથી પોતાના ર્દષ્ટિકોણ મુજબ ઉદ્યોગ દ્વારા સ્વાવલંબનની તેજાબી કસોટી પડતી મૂકી, કારણ કે શિક્ષક માટે ઉત્પાદનના વાજબી ભાવો મેળવવાનું શક્ય ન બને તે સહજ હતું. ઉદ્યોગ દ્વારા રસપૂર્ણ અનુબંધવાળું, વૈજ્ઞાનિક પદ્ધતિએ શિક્ષણ અને કાર્ય થાય અને તેથી સારું ઉત્પાદન થાય તે સ્વીકાર્યું; અને આજે આંબલા-મણારની ખેતી નમૂનેદાર અને ઉપજાઉ પણ છે.

તે જ રીતે ત્યારના પ્રચલિત ઉદ્યોગ દ્વારા જ શિક્ષણનો અભિગમ પણ નાનાભાઈને સંકુચિત લાગ્યો; તેમણે જીવન દ્વારા શિક્ષણ અને જીવન સાથે અનુબંધની વાત સ્વીકારી લોકશાળાની શિક્ષણવ્યવસ્થા ઊભી કરી છે એટલે સમાજસેવા દ્વારા સામાજિક જીવનને પણ કેળવણીનું અંગ બનાવ્યું.

એથી શાળા-છાત્રાલય એક છે, શિક્ષણનો અનુબંધ ચોવીસ કલાકના જીવન સાથે થાય છે, ઉત્સવો, રમત, શિબિર, ઉદ્યોગ, ભોજન, રાત્રિપ્રવૃત્તિ તેનાં જીવન અને શિક્ષણનાં અંગો છે, શાળા સવારના પાંચથી રાતના દસ સુધી ચાલે છે. દરરોજ અઢી કલાકનો શ્રમ સૌ કરે જ છે. આમ છતાં, લોકશાળાની જાહેર પરીક્ષાઓનું સરાસરી પરિણામ 80 % ઉપર રહ્યું છે અને આ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓમાંથી 65 % જેટલા ગામડાંના સ્તરે જ કામ કરે છે.

આજે પલટાતા ગ્રામજીવનને લક્ષમાં લઈને ગ્રામયંત્રવિદ્યાના ઉદ્યોગની પણ સૌપ્રથમ શરૂઆત કરી છે. સહશિક્ષણ હોવાથી બહેનો માટે ગૃહજીવન વિદ્યાનો કાર્યક્રમ ચલાવાય છે. એ ખાસ નોંધપાત્ર છે કે આ મુખ્ય ઉદ્યોગો સાથે ગૌણ ઉદ્યોગ તરીકે ખેતી અને તેના પ્રશ્ર્નોનો લઘુસ્વરૂપમાં સૌએ અભ્યાસ કરવાનો હોય છે.

કાળક્રમે સૌરાષ્ટ્રમાં ગ્રામદક્ષિણામૂર્તિની પ્રેરણાથી લોકશાળાઓ ઊભી થઈ. તેનો એક સંઘ રચાયેલો છે.

નઈ તાલીમની આ શાળાઓનાં સુંદર કામ પ્રત્યેના આદરે 1962માં સરકારે ચાલુ શિક્ષણપ્રવાહમાં સામેલ થવા આ સંસ્થાને આમંત્રણ આપ્યું. ભાનોટ સમિતિ રચાઈ, ઉત્તર-બુનિયાદીના વિષયોનું માળખું ઠરાવ્યું. તેના પાયામાં પણ ગ્રામદક્ષિણામૂર્તિનું માળખું અને અનુભવ રહેલાં છે. આ રીતે નઈ તાલીમનાં તત્વો જાળવીને નઈ તાલીમનું ચાલુ માળખા સાથે સૌપ્રથમ એકમાત્ર જોડાણ થયું છે તેના પાયામાં પણ ગ્રામદક્ષિણામૂર્તિનો આ નઈ તાલીમનો ઉત્તમ વ્યવહારુ પ્રયોગ રહેલો છે.

ગ્રામદક્ષિણામૂર્તિએ પોતાના શિક્ષણના ભાગ રૂપે ભારતના વિવિધ ભાગોમાંથી નવાં બીજો તથા કલમો વગેરે આણીને ખેતી કરી તેને આજુબાજુ ફેલાવ્યાં છે તેથી આજે માત્ર આંબલા ગામમાં જ ફળઝાડ અને શાકભાજીની ખેતી કરી લાખોની આવક મેળવાય છે.

રામચંદ્ર પંચોળી