ગ્રંથાલય

લિખિત-મુદ્રિત ગ્રંથોના સંગ્રહ અને વિતરણની વ્યવસ્થા ધરાવતી સંસ્થા.

સમાજનો વિકાસ વ્યક્તિગત જ્ઞાનને સમષ્ટિગત કરવાના વ્યવહાર અને વિનિમય પર આધારિત છે. જ્ઞાનના વ્યવહાર અને વિનિમય માટેનું મુખ્ય સાધન વાણી છે. તેના ઉપયોગથી તૈયાર થયેલાં સાધનો વર્તમાનયુગમાં અનેક છે. એમાં ‘ગ્રંથ’ મુખ્ય અને અસરકારક સાધન છે, જેમાં જ્ઞાન વિવિધ રૂપે નિહિત હોય છે.

લેખનકળાની શોધ થઈ ત્યાં સુધી માનવીનું ગ્રંથાલય તેની સ્મૃતિમાં અને તેની જીભે વસેલું હતું. લેખનકળાની મદદથી એ સ્મૃતિગત અને કંઠસ્થ સાહિત્ય પત્રસ્થ થવા લાગ્યું. આ સાહિત્ય જુદા જુદા દેશોમાં જુદા જુદા પ્રકારના પદાર્થો જેવા કે, ભૂર્જપત્ર, તાડપત્ર, તામ્રપત્ર, ચર્મપત્ર, રેશમી કાપડ, માટીની ચકતીઓ, ધાતુ, મીણ, લાકડું, પપાઇરસ વગેરે ઉપર પત્રસ્થ થયું; પરંતુ આ સાધનો પૈકી કેટલાંક લાંબા સમય સુધી ટકી શકે અને ગ્રંથનું સ્થાન લઈ શકે તેવા પ્રકારનાં ન હતાં. કાગળની શોધ થયા પછી આ મુશ્કેલી કાયમને માટે દૂર થઈ.

ઈ. સ. 105ના અરસામાં સૌપ્રથમ ચીનમાં કાગળ શોધાયો. કાગળની શોધના પરિણામે મનુષ્યને પોતાની સ્મૃતિમાં માહિતી સાચવી રાખવાનું કામ સરળ બન્યું. મુદ્રણકળાની શોધ થઈ ન હતી ત્યારે ગ્રંથો હાથે લખવામાં આવતા અને તેની નકલો પણ હાથે જ થતી. લહિયાઓ રોકીને હસ્તપ્રતો તૈયાર કરાવવાનું કામ ખૂબ જ સમય માગી લે તેવું અને ખર્ચાળ બની રહેતું. રાજા-રજવાડાં અને અમીરઉમરાવો જ તેને માટે ખર્ચ કરી શકતા, તેથી તે હસ્તપ્રતો તેમની અંગત માલિકીની ગણાતી. આવા કીમતી ગ્રંથોની સાચવણી માટે સ્થળની આવશ્યકતા ઊભી થઈ તેમાંથી ‘ગ્રંથાલય’નો જન્મ થયો તેમ કહી શકાય.

પાષાણયુગથી અંતરિક્ષયુગ સુધી મનુષ્યે જે પ્રગતિ કરી છે તેનો જીવતો ભંડાર (અભિલેખાગાર) આપણાં ગ્રંથાલયો છે. ગ્રંથાલયોના માધ્યમ દ્વારા મનુષ્યે પોતાના ર્દષ્ટિકોણો, વિચારો તેમજ અનુભવોને એક પેઢીથી બીજી પેઢી સુધી વારસામાં આપ્યા છે. તેથી તે ભૂતકાળ અને વર્તમાનની સાંકળ બનીને ભવિષ્યની પૃષ્ઠભૂમિ તૈયાર કરવામાં મહત્વનું કાર્ય કરે છે.

ગ્રંથાલયના ઇતિહાસની સર્વગ્રાહી માહિતી જુદા જુદા દેશોમાં થયેલા ગ્રંથાલયના ઉદભવ અને વિકાસ પરથી મળી રહે છે.

બ્રિટન : બ્રિટનમાં જે સાર્વજનિક સંસ્થાઓ છે તે પૈકી સૌથી વધારે જાણીતી અને વધુ લોકભોગ્ય સંસ્થાઓ ત્યાંનાં ગ્રંથાલયો છે. અઢારમી સદીના અંતમાં અને ઓગણીસમી સદીની શરૂઆતમાં ગરીબ વર્ગોમાં જ્ઞાનપ્રસાર માટે જે સામાજિક પ્રવૃત્તિઓ થઈ તેમાં ગ્રંથાલયોની સ્થાપના અને તેમનો વિકાસ મુખ્ય છે. શરૂઆતમાં બ્રિટનમાં ગ્રંથાલયોનો ઉપયોગ અમીરો, ધર્મગુરુઓ અને નામાંકિત વ્યક્તિઓ પૂરતો જ મર્યાદિત હતો; પરંતુ ઈ. સ. 1870માં પ્રાથમિક શિક્ષણધારો પસાર થયો અને એને લીધે શિક્ષણનો પ્રસાર થયો, તેથી લોકોની વાંચવા માટેની માગ ઊભી થઈ.

સામાન્ય રીતે મોટા ભાગના દેશોમાં શિક્ષણની અનિવાર્યતાને મહત્વ આપીને પ્રથમ શિક્ષણધારો અમલમાં આવ્યો છે અને ત્યારબાદ શિક્ષણના પૂરક સાધન તરીકે ગ્રંથાલયોને અનિવાર્ય સમજીને ગ્રંથાલયધારો અસ્તિત્વમાં આવ્યો છે. જ્યારે બ્રિટનમાં આ ક્રમ ઊલટો જોવા મળે છે. ત્યાં સૌપ્રથમ ઈ. સ. 1850માં ગ્રંથાલય ધારો આવ્યો અને બે દાયકા બાદ ઈ. સ. 1870માં શિક્ષણધારો પસાર થયો.

ગ્રંથાલય ધારો : બ્રિટનની ભૂમિ પર જ વિશ્વના સૌપ્રથમ ગ્રંથાલય ધારાનું નિર્માણ થયું હતું. આ ધારો ઈ. સ. 1850માં અનેક અંતરાયો છતાં ભારે કુનેહથી પસાર કરાવી લેવામાં તે સમયના સંસદસભ્ય વિલિયમ ઈવાર્ટ અને તેમના સાથી સંસદ-સભ્ય જૉસેફ બ્રોયરટને મહત્વનો ભાગ ભજવ્યો. આ ધારાની જરૂરિયાત અંગે પ્રેરણા આપવા માટે એડવર્ડ એડવર્ડ્ઝ નામના એક સામાન્ય નાગરિકનું જગત ઋણી છે.

તે સમયનાં પ્રમુખ ગ્રંથાલયોમાં પાદરીઓના વિસ્તારનાં દેવળ-ગ્રંથાલય (parish library), ફરતાં ગ્રંથાલય (itinerant library), લવાજમી ગ્રંથાલય અને મિકૅનિક ઇન્સ્ટિટ્યૂટનો સમાવેશ થાય છે.

દેવળગ્રંથાલય : પાદરીઓ માટે સ્થપાયેલાં આ ગ્રંથાલયોના જનક ડૉ. થૉમસ બ્રે હતા. પાદરીઓ ઉપરાંત સમાજમાં માનભર્યું સ્થાન ધરાવનાર અને ઓળખાણ લાવી આપનાર વ્યક્તિઓને આ ગ્રંથાલયોનો લાભ મળી શકતો હતો. તેમાં ધાર્મિક સાહિત્ય વિશેષ પ્રમાણમાં હતું. તેમાં નવાં પુસ્તકોનો ઉમેરો નહિ થતાં તેનો ઉપયોગ ઓછો થવા લાગ્યો અને તે નામશેષ થઈ ગયાં.

ફરતાં ગ્રંથાલય : સૅમ્યુઅલ બ્રાઉન આ પ્રકારનાં ગ્રંથાલયોના પ્રેરક ગણાય છે. તેમનો ખ્યાલ હતો કે દેશના દરેક રહેવાસીને માત્ર 2.4 કિમી. અંતરની અંદર ગ્રંથાલયની સેવાઓ મળી રહે તેવું હોવું જોઈએ. ફરતા પુસ્તકાલય જેવી આ પ્રવૃત્તિમાં દરેક ગામમાં 50 પુસ્તકોનો સેટ આપી તેને એકબીજા ગામ વચ્ચે ફરતાં રાખવામાં આવતાં હતાં. શિક્ષકો, દુકાનદારો વગેરે જે કોઈ આ કાર્ય કરતા હોય તેને ત્યાં આવું કેન્દ્ર સ્થાપવામાં આવતું. કાયમી ફંડ અને વ્યવસ્થિત તંત્રના અભાવે આ પ્રકારનાં ગ્રંથાલયો ધીમે ધીમે અર્દશ્ય થવા લાગ્યાં.

લવાજમી ગ્રંથાલય : બ્રિટનમાં વેરાઆધારિત ગ્રંથાલયો શરૂ થયાં તે પહેલાં લવાજમી ગ્રંથાલયો હતાં અને તે ફરતાં પુસ્તકાલયો કરતાં વિશેષ સફળ રહ્યાં હતાં. પુસ્તક-વિક્રેતાઓ પણ લવાજમ લઈને પુસ્તકો વાંચવા આપતા હતા. છેક અઢારમી સદી સુધી આ પ્રકારનાં ગ્રંથાલયો અસ્તિત્વમાં હતાં.

મિકૅનિક ઇન્સ્ટિટ્યૂટો : ઈ. સ. 1823માં લંડન, એડિનબરો અને ગ્લાસગો જેવાં ઔદ્યોગિક શહેરોમાં મિકૅનિક ઇન્સ્ટિટ્યૂટ શરૂ થયાં. શાળાઓમાં નહિ અપાતાં અને ધંધામાં ઉપયોગી થાય તેવાં પ્રવચનો આપી કારીગર-વર્ગને તેમના કાર્યની નિપુણતામાં વધારો થાય તે હેતુથી સાંજે કે રાત્રે વર્ગો ચલાવવામાં આવતા. તેમાં વિજ્ઞાન, યંત્રવિદ્યા તથા કારીગરી કલા વિશે શિક્ષણ આપવામાં આવતું હતું. આ સંસ્થાઓનાં પોતાનાં ગ્રંથાલયો અને સંગ્રહાલયો હતાં. આ પ્રકારની સંસ્થાઓ શરૂ કરનાર ડૉ. જ્યૉર્જ બર્કબૅક હતા.

ઈ. સ. 1850ના ગ્રંથાલય-ધારાના અમલ બાદ ગ્રંથાલયોની સંખ્યા અને સેવાઓમાં સુધારો થયો. તેની અસર સમાજ પર થઈ. સમાજમાં સામાજિક દૂષણોનું પ્રમાણ ઘટ્યું અને લોકોની વાચન પ્રત્યેની અભિરુચિ વધતાં લોકો વધુ ને વધુ ગ્રંથાલયાભિમુખ થવા લાગ્યા.

ગ્રંથાલય-ધારાના અમલ પછી ગ્રંથાલયની સેવાઓ સુવ્યવસ્થિત કેમ બને તેનો અભ્યાસ કરવા જુદી જુદી સમિતિઓની રચના કરવામાં આવી, જેમાં કેન્યૉન સમિતિ  (1927), મેકોલ્વિન સમિતિ (1938) તથા રૉબર્ટ સમિતિ (1957) મુખ્ય હતી.

બ્રિટનની ગ્રંથાલયપ્રવૃત્તિને ઉત્તમ અને સફળ બનાવવાનું શ્રેય ‘કાર્નેગી યુનાઇટેડ કિંગ્ડમ ટ્રસ્ટ’ને ફાળે જાય છે. ‘કાર્નેગી યુનાઇટેડ કિંગ્ડમ ટ્રસ્ટ’ની સ્થાપના ઈ. સ. 1913માં શ્રી ઍન્ડ્ર્યૂ કાર્નેગી દ્વારા કરવામાં આવી. આ ટ્રસ્ટ દ્વારા વિશેષ કરીને કાઉન્ટી ગ્રંથાલયસેવાઓ વધુ ગતિશીલ બની. આ ટ્રસ્ટે બ્રિટિશ ગ્રંથાલયોને મકાન માટે ઉદારતાથી અઢળક દાન આપ્યું છે.

ઈ. સ. 1973માં સમગ્ર રાષ્ટ્ર તેમજ વિશ્વભરના દેશોમાંથી સહકારી ધોરણે પુસ્તક-આપ-લેની યોજના અસ્તિત્વમાં આવી. ‘નૅશનલ સેન્ટ્રલ લાઇબ્રેરી’ લંડનથી ખસેડી બૉસ્ટનમાં રાખેલ ‘નૅશનલ લેન્ડિંગ લાઇબ્રેરી ફૉર સાયન્સ ઍન્ડ ટૅક્નૉલૉજી’માં ભેળવી દેવાથી ‘બ્રિટિશ લાઇબ્રેરી લેન્ડિંગ ડિવિઝન’નો જન્મ થયો. હાલમાં તેનું નામ બદલીને ‘બ્રિટિશ લાઇબ્રેરી ડૉક્યુમેન્ટ સપ્લાય સેન્ટર’ રાખવામાં આવ્યું છે. આને પરિણામે બ્રિટનમાં કેન્દ્રવર્તી ગ્રંથ-આપ-લેની પદ્ધતિ ઊભી કરવામાં આવી, જે વિશ્વભરનાં ગ્રંથાલયોમાં એક મહત્વનું સીમાચિહન બની રહેલ છે.

બ્રિટિશ લાઇબ્રેરી ડૉક્યુમેન્ટ સપ્લાય સેન્ટર : ‘બ્રિટિશ લાઇબ્રેરી ડૉક્યુમેન્ટ સપ્લાય સેન્ટર’ પોતાના 84 કિમી. લાંબા ગ્રંથસંગ્રહ વડે 650 કર્મચારીઓ દ્વારા રોજનાં 10,000થી વધારે પુસ્તકોની આપ-લે અને માગણી માટે કાર્ય કરે છે. પોતાના સંગ્રહમાં ન હોય તેવું સાહિત્ય આંતરરાષ્ટ્રીય આપ-લેના સહકારી ધોરણ દ્વારા અન્ય દેશોમાંથી પણ પ્રાપ્ત કરી આપે છે. સંશોધકો અને વિદ્યાર્થીઓ આ યોજનાનો લાભ વધુ લે છે.

બ્રિટનની ગ્રંથાલયપ્રવૃત્તિને પરિણામે સમાજમાં શૈક્ષણિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિકાસ થયો છે. ગ્રંથાલયોનો ઉપયોગ અને તેના દ્વારા અપાતી સેવાની તકો એ રાષ્ટ્રીય સાક્ષરતાના વિકાસનું મહત્વનું સોપાન બન્યું છે. બ્રિટિશ સમાજજીવનનું પોત ગ્રંથાલયસેવાઓ સાથે ઓતપ્રોત થઈ ગયેલું છે.

અમેરિકામાં ગ્રંથાલયોનો ઉદભવ અને વિકાસ : વિશ્વમાં અમેરિકાને ‘ગ્રંથાલયોના દેશ’ તરીકે ઓળખવામાં આવે છે. વિજ્ઞાન, ટૅક્નૉલૉજી, શિક્ષણ વગેરે અનેક ક્ષેત્રોની જેમ ગ્રંથાલયક્ષેત્રમાં પણ આ દેશ અગ્રસ્થાને છે. લોકશાહીનો વિકાસ, ઔદ્યોગિક ક્રાંતિ તથા ઉચ્ચ જીવન એ ત્રણેય સ્તરે આ દેશમાં ગ્રંથાલયે આંદોલન દ્વારા પોષક બળ પૂરું પાડ્યું છે. સત્તરમી સદીમાં ખ્રિસ્તી ધર્મના પ્રચાર માટે આવેલા ઇંગ્લૅન્ડના વસાહતીઓએ અમેરિકામાં ધાર્મિક ગ્રંથાલયો સ્થાપ્યાં હતાં. શિક્ષણના વિકાસની સાથે ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે હાર્વર્ડ, કિંગ્ઝ અને કોલંબિયા યુનિવર્સિટીઓમાં અને કૉલેજોમાં ગ્રંથાલયો શરૂ કરવામાં આવ્યાં. અઢારમી સદીમાં બેન્જામિન ફ્રૅંકલિને ‘લાઇબ્રેરી કંપની’ની સ્થાપના કરી અને લવાજમી ગ્રંથાલયો ઊભાં કરવા શૅરભંડોળ ઊભું કર્યું હતું. આ શૅરભંડોળમાંથી કંપની-ગ્રંથાલયો ઊભાં થયાં. આ પ્રકારનું સૌથી જૂનું ગ્રંથાલય ‘કંપની-લાઇબ્રેરી’ ફિલાડેલ્ફિયાના સાર્વજનિક ગ્રંથાલયના એક ભાગ તરીકે અદ્યાપિ સેવા આપે છે.

અમેરિકાનું સૌથી પહેલું સાર્વજનિક ગ્રંથાલય પિટ્સબર્ગ શહેરમાં 1833માં સ્થપાયું, જેનો નિભાવ મ્યુનિસિપલ કર દ્વારા થતો હતો. ઈ. સ. 1848માં પ્રખ્યાત બૉસ્ટન લાઇબ્રેરી સ્થપાઈ હતી. આ આરંભના પ્રયત્નોને વેગ અને બળ મળે તે હેતુથી આર્થિક સહાય કરવા માટે ઍન્ડ્ર્યૂ કાર્નેગીએ ઈ. સ. 1911માં કાર્નેગી કૉર્પોરેશનની સ્થાપના કરી. આ કૉર્પોરેશને ઉચ્ચ શિક્ષણ, સંશોધન અને શૈક્ષણિક સુધારણા માટે કૉલેજો, યુનિવર્સિટીઓ જેવી શૈક્ષણિક સંસ્થાઓ અને વ્યાવસાયિક મંડળોના અનેક કાર્યક્રમોમાં અનુદાન આપવાનો પ્રારંભ કર્યો.

કાર્નેગી કૉર્પોરેશન : કાર્નેગી કૉર્પોરેશને ગ્રંથાલયશિક્ષણ, સંશોધન અને તાલીમ-કાર્યક્રમનો અભ્યાસ કરીને ઉદાર સખાવતો આપી જેને કારણે અમેરિકામાં ગ્રંથાલયશાસ્ત્રની તાલીમશાળાઓ ઊભી થઈ અને સંશોધકોને ફેલોશિપનો લાભ મળ્યો. ઈ. સ. 1926માં ગ્રંથાલયસેવાનું દસ વર્ષીય આયોજન કરીને તે પૂર્ણ કરવા માટે 50 લાખ ડૉલરની નાણાકીય મદદ પૂરી પાડી. આ આયોજનનો હેતુ એ હતો કે અમેરિકન લાઇબ્રેરી ઍસોસિયેશનને વિવિધ પ્રવૃત્તિઓમાં પીઠબળ પૂરું પાડવું, ગ્રંથાલય-તાલીમમાં સંશોધન અને સુધારણાને વેગ આપવો તથા કેન્દ્રવર્તી ગ્રંથાલયસેવાઓ અને એ માટેના કાર્યક્રમોમાં મદદરૂપ થવું. આમ અમેરિકાની ગ્રંથાલયપ્રવૃત્તિના વિકાસમાં કાર્નેગી કૉર્પોરેશનનો ફાળો ખૂબ જ મહત્વનો કહી શકાય.

ગ્રંથાલયધારો : અમેરિકામાં ગ્રંથાલયસેવાઓ એ રાજ્યની બાબત છે. આથી સમગ્ર રાષ્ટ્રમાં સમૃદ્ધ ગ્રંથાલયસેવા મળી રહે અને જ્યાં ગ્રંથાલયસેવા નથી અથવા અપૂર્ણ છે ત્યાં ગ્રંથાલયસેવા આપી શકાય તે માટે ‘લાઇબ્રેરી સર્વિસ ઍક્ટ’ (1956) દ્વારા ગ્રામવિસ્તારોમાં ગ્રંથાલયસેવા શરૂ કરવાની જોગવાઈ કરવામાં આવી. ત્યારબાદ 1964માં ‘લાઇબ્રેરી સર્વિસ ઍન્ડ કન્સ્ટ્રક્શન ઍક્ટ’ દ્વારા રાજ્ય ગ્રંથાલયસેવાઓ અને આંતરગ્રંથાલય ગ્રંથ-ઉદ્ધરણ-સેવા માટેની જોગવાઈ પૂરી પાડવામાં આવી.

ગ્રંથાલય અને માહિતીવિજ્ઞાન માટે કાયમી અને સ્વાયત્ત એકમ ધરાવતું રાષ્ટ્રીય પંચ યુ.એસ.ની સંસદે 1970માં ઊભું કર્યું. આ પંચ એન.સી.એલ.આઇ.એસ. (National Commission on Library and Information Science) એ ટૂંકા નામે ઓળખાય છે. આ પંચને અમેરિકાના નાગરિકોની જરૂરિયાતને ધ્યાનમાં રાખી ગ્રંથાલય અને માહિતીસેવાઓ પૂરી પાડવા માટેનું આયોજન કરવાની જવાબદારી સોંપી.

અમેરિકામાં માહિતીસેવા અને રેફરલ સેવાઓ વિકસાવવા કેન્દ્રીય બજેટમાંથી નાણાં ખર્ચવા અને જૂનાં ગ્રંથાલયો માટે નવાં ભવનો તૈયાર કરવા માટે આર્થિક મદદ કરવામાં આવે છે. અમેરિકન ગ્રંથાલય-પ્રવૃત્તિના ચાર વિશિષ્ટ એકમો છે :

(1) લાઇબ્રેરી ઑવ્ કૉંગ્રેસ, (2) અમેરિકન લાઇબ્રેરી ઍસોસિયેશન, (3) ગ્રંથાલય-તાલીમ, (4) ફરતાં ગ્રંથાલયો.

(1) લાઇબ્રેરી ઑવ્ કૉંગ્રેસ : અમેરિકાનું લાઇબ્રેરી ઑવ્ કૉંગ્રેસ ગ્રંથાલય જગતનાં વિશાળ ગ્રંથાલયોમાંનું એક છે. ઈ. સ. 1800માં કૉંગ્રેસ(સંસદ)ના સભ્યોને ગ્રંથાલયસેવા પૂરી પાડવા માટે તેની સ્થાપના કરવામાં આવી હતી. સંયુક્ત રાજ્ય અમેરિકાની રાજધાની વૉશિંગ્ટન ડી.સી.માં આ ગ્રંથાલય આવેલું છે. આ ગ્રંથાલયે ગ્રંથસંગ્રહના વર્ગીકરણ માટે પોતાની આગવી ગ્રંથવર્ગીકરણ-પદ્ધતિ શોધી છે, જેનું નામ લાઇબ્રેરી ઑવ્ કૉંગ્રેસ પદ્ધતિ છે. આ ગ્રંથાલયનું મુદ્રિત કૅટલૉગ અમેરિકા અને વિદેશોમાં સૌથી વધુ જાણીતું અને ઉપયોગી છે. લાઇબ્રેરી ઑફ કૉંગ્રેસ દ્વારા ગ્રંથાલયક્ષેત્રે પ્રદાન કહી શકાય તેવી મહત્વની બાબત તેનું ઑનલાઇન કૅટલૉગ છે. કોઈ પણ વ્યક્તિ પોતાના ગ્રંથાલયના પુસ્તકોનું વર્ગીકરણ લાઇબ્રેરી ઑફ કૉંગ્રેસના ઑનલાઇન કૅટલૉગને આધારભૂત ગણીને કરી શકે છે. ડીડીસી (ડ્યૂઇ ડેસિમલ ક્લાસિફિકેશન) તથા યુડીસી (યુનિવર્સલ ડેસિમલ ક્લાસિફિકેશન) પ્રમાણેના વર્ગાંક ઉપરાંત પુસ્તકની સંપૂર્ણ માહિતી પણ તેમાંથી મળી શકે છે. પુસ્તક વિશેની માહિતી મેળવવી હોય તો એક કરતાં વધારે રીતે તેની શોધ (search) દ્વારા મેળવી શકાય છે. આ ગ્રંથાલય સરકારી ગ્રંથાલય હોવા ઉપરાંત રાષ્ટ્રીય ગ્રંથાલય, સંશોધન-ગ્રંથાલય અને સાર્વજનિક ગ્રંથાલય તરીકે ફરજ બજાવે છે. આ ગ્રંથાલય આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ‘રાષ્ટ્રીય ગ્રંથાલય’ તરીકે સેવા આપતું દુનિયાનું અજોડ અને મહત્વનું ગ્રંથાલય છે.

(2) અમેરિકન લાઇબ્રેરી ઍસોસિયેશન : અમેરિકન લાઇબ્રેરી ઍસોસિયેશનની સ્થાપના મેલ્વિલ ડ્યૂઈએ 4 ઑક્ટોબર 1876ના રોજ કરી. ગ્રંથાલયમાં રસ ધરાવતી કોઈ પણ વ્યક્તિ કે સંસ્થા આ મંડળની સભ્ય બની શકે છે. આ ઍસોસિયેશન ગ્રંથાલયસેવા સુધારવા માટે શાળા, કૉલેજ અને સંશોધન-ગ્રંથાલયોના વિકાસ માટે, આંતરરાષ્ટ્રીય ગ્રંથાલય સહકાર માટે, ફરતાં પુસ્તકાલયો દ્વારા ગ્રંથાલયસેવાઓ બહારના વિસ્તારો સુધી પહોંચાડવા માટે, ગ્રંથપાલોને વ્યાવસાયિક તાલીમ વિધિસર મળે અને સારો પગાર મળે તે માટે સતત પ્રયત્નશીલ રહે છે. આ ઍસોસિયેશન દ્વારા પ્રતિવર્ષ ‘રાષ્ટ્રીય ગ્રંથાલય સપ્તાહ’નું આયોજન કરવામાં આવે છે, અને ‘એ.એલ.એ. બુલેટિન’, ‘લાઇબ્રેરી બિલ ઑવ્ રાઇટ્સ’ તથા ‘ફ્રીડમ ટુ રીડ’ વગેરે સામયિકોનું પ્રકાશન કરવામાં આવે છે.

(3) ગ્રંથાલયતાલીમ : ગ્રંથાલયવિજ્ઞાનની તાલીમનો પ્રારંભ કદાચ અમેરિકામાં સર્વપ્રથમ થયો. ગ્રંથાલયનું પ્રથમ તાલીમકેન્દ્ર ઈ. સ. 1887માં કોલંબિયા યુનિવર્સિટીમાં શરૂ કરવાનું શ્રેય મેલ્વિલ ડ્યૂઈને જાય છે. ઈ.સ. 1915માં ઍસોસિયેશન ઑવ્ અમેરિકન લાઇબ્રેરી સ્કૂલની સ્થાપના કરવામાં આવી. ઈ. સ. 1920 સુધીમાં 14 ગ્રંથાલય-તાલીમકેન્દ્રો શરૂ થયાં ઈ. સ. 1924માં અમેરિકન લાઇબ્રેરી ઍસોસિયેશન દ્વારા ‘બોર્ડ ઑવ્ એજ્યુકેશન ફૉર લાઇબ્રેરિયનશિપ’ની રચના કરવામાં આવી, જેનું કાર્ય દેશમાં ઉચ્ચ સ્તરનાં ગ્રંથાલય-તાલીમ-કેન્દ્રોની સ્થાપના કરવાનું અને તેનાં મૂલ્યાંકનો માટેના માનકો તૈયાર કરવાનું છે.

(4) ફરતાં ગ્રંથાલયો : નાગરિકોને કેન્દ્રીય કે શાખા-ગ્રંથાલયોમાં ગયા વિના વિવિધ વિષયનાં પુસ્તકો તેમના ઘર સુધી ફરતાં ગ્રંથાલયો દ્વારા પહોંચાડવામાં આવે છે. ફરતાં ગ્રંથાલયો શહેરી કે ગ્રામવિસ્તારોમાં અસરકારક ગ્રંથાલયસેવા આપવાનું સાધન છે. આ ગ્રંથાલયો લોકો ભેગા થતા હોય તેવાં શૉપિંગ-સેન્ટર, દવાખાનાં, કૉમ્યુનિટી સેન્ટર, પાર્ક વગેરે સ્થળોએ પહોંચી જાય છે. આ ગ્રંથાલયોની વાચનસામગ્રીમાં પુસ્તકો ઉપરાંત સંગીત રેકર્ડ, વિડિયો કૅસેટ વગેરે ર્દશ્યશ્રાવ્ય સાધનો પણ હોય છે. રાષ્ટ્રીય ગ્રંથાલયસેવાના ભાગ રૂપે અંધજનો અને અપંગોને પણ આ સેવાનો લાભ આપવામાં આવે છે.

આમ, અમેરિકા ગ્રંથાલયસેવાના ક્ષેત્રે અગ્રેસર રહેલું છે.

ભારતમાં ગ્રંથાલયોનો ઉદભવ અને વિકાસ : ભારતીય સંસ્કાર અને સંસ્કૃતિનો ઇતિહાસ ઘણો જ ગૌરવપૂર્ણ છે તે હકીકત વૈદિક કાળ, બૌદ્ધ કાળ અને મુઘલ કાળનાં પ્રખ્યાત અને સમૃદ્ધ એવાં અનેક ગ્રંથાલયોના ઇતિહાસમાંથી જાણવા મળે છે.

વૈદિક કાળ : ચારેક હજાર વર્ષ પૂર્વેથી ભારતમાં નગરોથી દૂર નૈસર્ગિક વાતાવરણમાં ગુરુકુળ સ્થપાયાં હતાં. તેમાં પઠન-પાઠનની શિક્ષા મળતી હતી. ગુરુના કથનને આધારે જે નોંધ તૈયાર થતી તેની નકલો કરવામાં આવતી, તે ગ્રંથસ્વરૂપ ધારણ કરતી અને તેનો સંગ્રહ કરી તેને સાચવવામાં આવતાં તે સ્થાન ગ્રંથાલયોનું સ્વરૂપ ધારણ કરતાં.

બૌદ્ધ કાળ : વૈદિક ધર્મની કર્મકાંડીય પ્રથામાંથી ધાર્મિક ક્રાંતિ થઈ અને ઈ. સ. પૂર્વે છઠ્ઠી સદીમાં જૈન અને બૌદ્ધ ધર્મનો ઉદય થયો. આ બંને ધર્મોની સાધુપરંપરામાંથી લેખન-વાચન-પ્રવાસની જે પ્રક્રિયા ગોઠવાઈ તેમાંથી ગ્રંથાલયોની ભાવનાને જોમ મળ્યું અને આ બન્ને ધર્મોનાં કેન્દ્રો ગ્રંથાલયોથી વિભૂષિત બન્યાં.

બૌદ્ધોનાં પ્રમુખ શિક્ષાકેન્દ્રોમાં તક્ષશિલા, નાલંદા અને વલભી મુખ્ય હતાં. તેમાં વિશાળ ગ્રંથાલયો હતાં. આ શિક્ષાકેન્દ્રો અને તેમનાં ગ્રંથાલયો દેશવિદેશોમાં ખૂબ પ્રખ્યાત હતાં.

આવી રીતે જૈન ધર્મનાં સ્થાનકો પણ ગ્રંથાલયપ્રવૃત્તિથી શોભવા લાગ્યાં. જ્યાં જિનાલય હોય ત્યાં ગ્રંથભંડાર હોય; દા.ત., પાટણ, ખંભાત, અમદાવાદ, જેસલમેર વગેરે. પાટણના જૈન ગ્રંથભંડારનું ગ્રંથાલય 24,000 હસ્તલિખિત ગ્રંથો સાથે આજે પણ સારી સ્થિતિમાં અસ્તિત્વ ધરાવે છે.

મુઘલ કાળ : મુઘલ સમય દરમિયાન દિલ્હી સામ્રાજ્યના બાદશાહો, મુસ્લિમ સૂબાઓ અને મુસ્લિમ સમાજની અગ્રગણ્ય વ્યક્તિઓએ મુસ્લિમ ધર્મ અને શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે મકતબ, મદરેસા અને મસ્જિદો તથા તે સાથે સંલગ્ન ગ્રંથાલયો સ્થાપવામાં અગત્યનો ફાળો આપ્યો છે. આ સમયમાં કલા અને સાહિત્યને પોષક એવાં ઘણાં ગ્રંથાલયો અસ્તિત્વ ધરાવતાં હતાં.

આ સમયમાં હિંદુ રાજાઓનાં પણ સારાં ગ્રંથાલયો હતાં. તાંજોર રાજ્યના ‘તાંજોર ગ્રંથાલય’માં 44,000થી વધારે તાડપત્રો તથા કાગળની હસ્તપ્રતો ભારતીય તથા યુરોપીયન ભાષામાં છે. જેમાંથી 80 %થી વધારે હસ્તપ્રતો સંસ્કૃતમાં છે. મોટા ભાગની હસ્તપ્રતો તાડપત્રોમાં છે અને તે અદ્વિતીય છે.

સંક્રાંતિ કાળ : ઇસ્લામી શાસનનો અંત અને અંગ્રેજોના આગમન વચ્ચેના સમયને ‘સંક્રાંતિ કાળ’ કહેવામાં આવે છે. આ કાળ ગ્રંથાલય-વિકાસની ર્દષ્ટિએ અપ્રગતિશીલ રહ્યો છે.

અંગ્રેજોએ રાજકીય આવશ્યકતાઓ પૂરી કરવા માટે ઈ. સ. 1681માં ‘કૉલકાતા મદરેસા’, ઈ. સ. 1791માં ‘બનારસ સંસ્કૃત કૉલેજ’ તથા ઈ. સ. 1800માં ‘ફૉર્ટ વિલિયમ કૉલેજ’ની સ્થાપના કરી અને એની સાથે ગ્રંથાલયો પણ શરૂ કરવામાં આવ્યાં, જે ધીરે ધીરે ગણનાપાત્ર ગ્રંથાલયો ગણાવા લાગ્યાં.

બ્રિટિશ કાળ : યુરોપીય પ્રજાના આગમન પછી ભારતમાં અર્વાચીન ગ્રંથાલયપ્રવૃત્તિનાં બીજ રોપાયાં; જેમાં મુખ્યત્વે (1) છાપખાનાની પ્રવૃત્તિનો પ્રારંભ, (2) મુદ્રિત ગ્રંથોની ઉપલબ્ધિ, (3) પાશ્ચાત્ય ઢબના શિક્ષણની શરૂઆત, (4) ગ્રંથાલય સામાજિક સંસ્થા હોવાનો ખ્યાલ, – આ ચાર મુદ્દાઓનો સમાવેશ થાય છે.

છાપખાનાની શોધ અને પ્રસારની સાથે સાથે ગ્રંથો, માસિક-પત્રિકાઓ અને સમાચારપત્રોની સંખ્યામાં વધારો થયો. ઈ. સ. 1867માં તે સમયની બ્રિટિશ સરકારે કાયદો ઘડ્યો જેને ‘ધ પ્રેસ ઍન્ડ રજિસ્ટ્રેશન ઑવ્ બુક્સ ઍક્ટ’ કહેવામાં આવે છે. આ કાયદાની કલમ 9 અન્વયે મુદ્રિત પુસ્તકો સરકારને અને અધિસૂચિત પુસ્તકાલયોને  મફત મોકલવાની જોગવાઈ છે. તદ્ઉપરાંત આ કાયદાના ભાગ 6માં કલમ 20ની જોગવાઈથી રાજ્ય સરકારોને અધિનિયમના ઉદ્દેશોને પાર પાડવા માટે નિયમો ઘડવાની સત્તા આપવામાં આવી છે. તે અન્વયે ગૃહવિભાગના તા. 16–9–68ના જાહેરનામાથી ગુજરાત પ્રેસ અને પુસ્તક રજિસ્ટ્રેશન નિયમો, 1968 બનાવવામાં આવ્યા છે. આ નિયમના નિયમ-9 પ્રમાણે દરેક મુદ્રકે મુદ્રિત પ્રકાશનોની નકલ નીચે પ્રમાણે મોકલવાની રહે છે.

1. રાજ્ય મધ્યસ્થ ગ્રંથાલય (ગાંધીનગર) 2 નકલ

2. મધ્યવર્તી પુસ્તકાલય (વડોદરા) 1 નકલ

3. ગૂજરાત વિદ્યાપીઠ ગ્રંથાલય (અમદાવાદ) 1 નકલ

4. માહિતી કમિશનરની કચેરી (ગાંધીનગર) 1 નકલ

ધ ડિલિવરી ઑવ્ બુક્સ ઍન્ડ ન્યૂઝપેપર્સ (પબ્લિક લાઇબ્રેરીઝ) ઍક્ટ, 1954 : આ કાયદો સમગ્ર ભારતમાંથી પ્રકાશિત થતાં પુસ્તકો, સામયિકો, દૈનિક સમાચારપત્રો વગેરે માટે છે. આ કાયદા મુજબ પ્રકાશિત સાહિત્યની નકલ નીચેની વિગતે મોકલવાની હોય છે :

1. દિલ્હી પબ્લિક લાઇબ્રેરી (જૂની દિલ્હી) 1 નકલ

2. કેનમેરા પબ્લિક લાઇબ્રેરી (ચેન્નાઈ) 1 નકલ

3. એશિયાટિક લાઇબ્રેરી (મુંબઈ) 1 નકલ

4. ધ નૅશનલ લાઇબ્રેરી ઑવ્ ઇન્ડિયા (કૉલકાતા) 1 નકલ

કૉપીરાઇટ ઍક્ટ (Copyright Act, 1957) : ભારતમાં 1957માં આ કાયદો પસાર કરવામાં આવ્યો અને તેનો અમલ જાન્યુઆરી 1958થી કરવામાં આવ્યો છે. આ કાયદો કેન્દ્ર સરકારનો છે. તેના નિયમો કેન્દ્રના ગૃહખાતાએ બનાવ્યા છે. આ કાયદા મુજબ જે વ્યક્તિએ પોતાની બુદ્ધિ કે કાર્યકુશળતાથી કે કલ્પનાશક્તિથી અમુક વસ્તુનું કૃતિ-સર્જન કર્યું હોય તેના પર આર્થિક કે બીજા કોઈ પણ પ્રકારના લાભ મેળવવાનો સૌપ્રથમ હક તેનો પોતાનો રહે છે.

મુદ્રિત પ્રકાશનો ઉપરાંત ડિજિટલ સ્વરૂપનાં પ્રકાશનોના રક્ષણ માટે ડિજિટલ વૉટર માર્કિંગ પદ્ધતિ પણ અમલમાં છે.

આજે જેને ‘રાષ્ટ્રીય ગ્રંથાલય’ તરીકે ઓળખવામાં આવે છે તેની સ્થાપના બ્રિટિશ કાળમાં ‘ઇમ્પીરિયલ લાઇબ્રેરી’ના નામે થઈ હતી.

મુંબઈની ‘સેન્ટ્રલ લાઇબ્રેરી’ અને ચેન્નાઈમાં કેનમેરા સાર્વજનિક ગ્રંથાલયનું પણ પોતાનું આગવું મહત્વ છે.

ઇન્ડિયા ઑફિસ લાઇબ્રેરી : ભારતમાં બ્રિટિશ શાસનકાળ દરમિયાન ઈ. સ. 1801માં ઇન્ડિયા ઑફિસ લાઇબ્રેરીની સ્થાપના થઈ. ઈ. સ. 1799માં લૉર્ડ વેલેસ્લીએ ટીપુ સુલતાનને હાર આપી, ત્યારે ટીપુ સુલતાનની 2,000 હસ્તપ્રતોનો સંગ્રહ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ હિંદથી ઇંગ્લૅન્ડ રવાના કરી દીધો. ઈ. સ. 1857ના સ્વાતંત્ર્યસંગ્રામ બાદ જ્યારે બ્રિટિશ તાજે હિંદુસ્તાનની સત્તા હાથમાં લીધી ત્યારે આ લાઇબ્રેરી પણ તાજને હસ્તક જવા પામી.

આ લાઇબ્રેરીના માલિકીહક માટે ભારત તથા પાકિસ્તાન સરકારે માગણી કરી છે; પરંતુ આ સંગ્રહ હાલ જ્યાં સુરક્ષિત અને સુવ્યવસ્થિત છે ત્યાં જ તેને રાખી ઉપયોગ કરવા માટે બ્રિટને આગ્રહ સેવેલો છે. આજે પણ આ ગ્રંથાલય ઇંગ્લૅન્ડમાં સુવ્યવસ્થિત રીતે કાર્ય કરે છે અને તેના સંશોધકોને તમામ સુવિધાઓ પૂરી પાડે છે.

બ્રિટિશ કાળ દરમિયાન ભારતમાં વડોદરા, પંજાબ, બંગાળ, આંધ્ર, ચેન્નાઈ, બિહાર, મુંબઈ, દિલ્હી વગેરે રાજ્યોમાં પણ ગ્રંથાલયપ્રવૃત્તિનો વિકાસ થયેલો જોવા મળે છે.

બ્રિટિશ હિંદમાં ન્યાયાધીશો, કલેક્ટરો, કૉલેજના આચાર્યો અને ઉદારમતવાદી મુલકી અધિકારીઓએ સુધારાવાદી હિંદીઓની સાથે મળી દેશની પ્રજા માટે ગ્રંથાલયોની સ્થાપના કરી હતી. દેશી રાજ્યોના ર્દષ્ટિવંત રાજ્યકર્તાઓએ પોતાના રાજ્યમાં ગ્રંથાલયો અને ગ્રંથાલય-સેવાનો આરંભ કર્યો હતો.

હોમરૂલની ચળવળ શરૂ થઈ તે સાથે ખાસ કરીને ગુજરાતમાં અનેક સ્થળોએ ગ્રંથાલયો શરૂ કરવામાં આવ્યાં હતાં. આ ગ્રંથાલયોમાં રાષ્ટ્રીયતાને પોષક એવું સાહિત્ય, દેશનેતાઓની કૃતિઓ, એમનાં જીવનચરિત્રો અને છબીઓ વસાવવામાં આવતાં હતાં. પ્રજા સ્વરાજ્યની લડત માટે તૈયાર થાય તે હેતુ આ ગ્રંથાલયોનો હતો.

સ્વાતંત્ર્યોત્તર કાળ : ઈ. સ. 1947માં ભારત સ્વતંત્ર થયું ત્યારપછી રાષ્ટ્રીય કક્ષાએ ગ્રંથાલયોની સ્થિતિ સુધારવા માટે પગલાં લેવાનું શરૂ થયું. ભારત સરકારે ઈ. સ. 1952–53 પછી ગ્રંથાલયસેવા સુધારવા માટે રાષ્ટ્રની પંચવર્ષીય યોજનામાં અનુદાન આપવાની યોજના પણ દાખલ કરી છે. ભારતનાં રાજ્યોમાં ગ્રંથાલયપ્રવૃત્તિ છૂટીછવાઈ વિકાસ પામી હતી. આ પ્રવૃત્તિમાં એકરૂપતા લાવવાના હેતુથી ઈ. સ. 1957માં ભારત સરકારે કે. પી. સિંહાના પ્રમુખસ્થાને છ સદસ્યવાળી ગ્રંથાલય સલાહકાર સમિતિ નીમી, જે સિંહા કમિટીના નામે ઓળખાય છે. આ કમિટીએ ઈ. સ. 1958માં કેન્દ્ર-સરકારને સુપરત કરેલા અહેવાલમાં ગ્રંથાલયોનું માળખું, તેની વ્યવસ્થા અને જોગવાઈ, ગ્રંથાલય-ધારો, નૅશનલ, સેન્ટ્રલ અને રેફરલ લાઇબ્રેરી, કર્મચારીગણ, તેમના માટેની વ્યાવસાયિક તાલીમ વગેરે ભલામણોનો સમાવેશ કરેલો છે.

ગ્રંથાલય ધારો : ગ્રંથાલયના વિષયને વિજ્ઞાનના સ્તરે લઈ જનાર ડૉ. એસ. આર. રંગનાથને પોતાના વતન ચેન્નાઈમાં ઈ. સ. 1948માં ગ્રંથાલય-ધારો લાવવા માટે સારો પરિશ્રમ કર્યો અને ભારતમાં સર્વપ્રથમ ગ્રંથાલય ધારો અમલમાં આવ્યો.

ઈ. સ. 1963માં કેન્દ્ર સરકારે દરેક રાજ્યને ‘લાઇબ્રેરી ઍક્ટ’ સ્વીકારવા ભલામણ કરી અને તેની સાથે એક આદર્શ (નમૂનાનો) ગ્રંથાલય ધારો (મૉડેલ પબ્લિક લાઇબ્રેરી ઍક્ટ) પણ મોકલી આપેલો. હાલમાં ભારતમાં કુલ 14 રાજ્યોએ ગ્રંથાલય ધારો અપનાવેલો છે જે આ પ્રમાણે છે : ચેન્નાઈ (1948), આંધ્રપ્રદેશ (1960), કર્ણાટક (1965), મહારાષ્ટ્ર (1967), બંગાળ (1979), મણિપુર (1988), કેરળ (1989), હરિયાણા (1989), મિઝોરમ (1993), ગોવા (1994), ગુજરાત (2001), ઉત્તરાંચલ (2005), રાજસ્થાન (2006), ઉત્તરપ્રદેશ (2006).

આ 14 રાજ્યોમાં ગ્રંથાલય ધારો અસ્તિત્વમાં છે તેથી ત્યાં ગ્રંથાલયોનો સારો વિકાસ જોવા મળે છે.

ગુજરાતમાં ગ્રંથાલયોનો ઉદભવ અને વિકાસ : નાલંદા, તક્ષશિલા, વિક્રમશિલા અને વલભી એ ચાર વિદ્યાપીઠો પ્રખ્યાત હતી. તેમાંની વલભી વિદ્યાપીઠ ગુજરાતમાં ભાવનગર નજીક આવેલ વલભીપુરમાં આવેલી હતી, તેમાં ગ્રંથાલય હોવાનો ઉલ્લેખ મળે છે. આ વિદ્યાપીઠના ગ્રંથાલયમાં ધર્મ તથા અભ્યાસનાં પાઠ્યપુસ્તકો સિવાય અન્ય વિષયો જેવા કે ઔષધિ, શલ્યચિકિત્સા, જાદુ, સર્પવિદ્યા વગેરે વિષયોના ગ્રંથોનો સંગ્રહ હતો. રાજ્યોની ખટપટ, સાંપ્રદાયિક ઝઘડા વગેરેને કારણે રાજ્યાશ્રય પામેલા આ ગ્રંથાલયનો વિનાશ થયો.

પૂર્વકાલીન ગુજરાતમાં વિવિધ જૈન જ્ઞાનભંડાર સ્થપાયા તેમાં પાટણનો ‘શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિર’ અને ખંભાતનો ‘શાંતિનાથનો તાડપત્રીય જ્ઞાનભંડાર’ સૌથી પ્રાચીન જ્ઞાનભંડાર છે.

મુસ્લિમ સલ્તનતની સ્થાપના સાથે ગુજરાતના ઇતિહાસની કરવટ બદલાય છે. ગુજરાતમાં મુસ્લિમ શાસન દરમિયાન ધાર્મિક મદરેસાઓ અને કુતુબખાનાં(ગ્રંથાલયો)ની પ્રવૃત્તિએ વેગ પકડ્યો. પંદરમી સદીમાં ખ્યાતનામ સંત હજરત શાહેઆલમનું કુતુબખાનું ઘણી ખ્યાતિ ધરાવતું હતું. પંદરમી અને સોળમી સદીમાં ગુજરાતમાં અમદાવાદ, સૂરત, ભરૂચ, આમોદ, ઉમરેઠ, પાટણ, કુતિયાણા, જૂનાગઢ વગેરે સ્થળોએ પણ સારાં ગ્રંથાલયો હતાં. અઢારમી સદીમાં પીર મહમદશાહ અને મૌલાના હિદાયત બક્ષનાં કુતુબખાનાં પ્રખ્યાત હતાં.

ઈ. સ. 1848માં ‘ગુજરાત વર્નાક્યુલર સોસાયટી’ સ્થપાઈ. તેનું ગ્રંથાલય જૂનું છે. આજે તે ‘ગુજરાત વિદ્યાસભા’ના નામથી ઓળખાય છે. અમદાવાદમાં વસતા ગોરા લોકોએ પોતાની વાચનની જરૂરિયાત સંતોષવા ઈ. સ. 1849માં ‘નેટિવ લાઇબ્રેરી’ની સ્થાપના કરી જે આજે ‘હિમાભાઈ ઇન્સ્ટિટ્યૂટ’ના નામે સેવા આપે છે. ઈ. સ. 1869માં ભોળાનાથ સારાભાઈ તરફથી રૂ. 10,000નું દાન મળતાં તેમના પુત્રની સ્મૃતિમાં ઈ. સ. 1870માં શ્રી આપારાવ ભોળાનાથ પુસ્તકાલયની સ્થાપના થઈ. ઈ.સ. 1898માં સાક્ષર મન:સુખરામ સૂર્યરામ ત્રિપાઠી તરફથી રૂ. 90,000નું દાન મળવાથી નડિયાદમાં ‘શ્રીમતી ડાહીલક્ષ્મી લાઇબ્રેરી’ અસ્તિત્વમાં આવી. આ જ અરસામાં ભરૂચમાં ‘રાયચંદ દીપચંદ લાઇબ્રેરી’ (1857),  ગોધરામાં ‘સ્ટુઅર્ટ લાઇબ્રેરી’ (1866) અને અંકલેશ્વરમાં ‘જે. એન. પિટીટ લાઇબ્રેરી’ (1897) અસ્તિત્વમાં આવી.

અંગ્રેજોના સમયમાં ગુજરાતમાં તે સમયે જુદાં જુદાં દેશી રાજ્યો હતાં. ભાવનગર, જૂનાગઢ, ગોંડલ, જામનગર, વડોદરા વગેરે દેશી રાજ્યોનાં મુખ્ય શહેરોમાં ત્યાંના રાજાઓએ અને અંગ્રેજ અમલદારોએ ગ્રંથાલયો સ્થાપ્યાં તો ક્યાંક ગ્રંથાલયો સ્થાપવામાં સહાય કરી. ઓગણીસમી સદીમાં સૌરાષ્ટ્રમાં પણ ઘણાં ગ્રંથાલયો સ્થપાયાં.

ગુજરાતની ગ્રંથાલયપ્રવૃત્તિનાં મૂળ વડોદરા રાજ્યની ગ્રંથાલય-પ્રવૃત્તિમાં રહેલાં છે. શ્રીમંત મહારાજા સયાજીરાવ ગાયકવાડ(ત્રીજા)નો શાસનકાળ ગ્રંથાલય અને શિક્ષણ માટે સુવર્ણકાળ હતો. શ્રીમંત સયાજીરાવે તેમની પ્રજાની દરેક વ્યક્તિ શિક્ષિત બને તે માટે ફરજિયાત કેળવણીનો કાયદો કરી તેના પૂરક સાધન તરીકે મફત વાચનાલય અને ગ્રંથાલયની યોજના કરી અને ‘જ્યાં ગામ ત્યાં શાળા અને શાળા ત્યાં ગ્રંથાલય’ એ સૂત્ર ગ્રંથાલયજગતને ભેટ આપ્યું. તેઓ ર્દઢપણે માનતા કે ગ્રંથાલયપ્રવૃત્તિ એ લોકશિક્ષણનું મહત્વનું કાર્ય કરે છે.

ઈ. સ. 1906માં શ્રીમંત સયાજીરાવ પ્રથમ વખત અમેરિકાની મુલાકાતે ગયા ત્યારે ત્યાંની ગ્રંથાલયપ્રવૃત્તિથી ખૂબ જ પ્રભાવિત થયા અને પોતાના રાજ્યમાં પણ ગ્રંથાલયપ્રવૃત્તિ વિકસાવવાનો ર્દઢપણે નિર્ણય કર્યો. તેના સફળ સંચાલન માટે ઈ. સ. 1910માં ગ્રંથાલયના વિશેષજ્ઞ ડબ્લ્યૂ. એ. બૉર્ડનને વડોદરામાં આવવા માટે આમંત્રણ આપ્યું. ઈ. સ. 1910થી 1913 સુધીમાં બૉર્ડને વડોદરા રાજ્યમાં બેનમૂન ગ્રંથાલયપદ્ધતિ સફળતાપૂર્વક અમલમાં મૂકી. ઈ. સ. 1911માં તેમણે ગ્રંથાલયવિજ્ઞાનની તાલીમ માટેના વર્ગો શરૂ કર્યા. ઈ. સ. 1910માં ‘સેન્ટ્રલ લાઇબ્રેરી’ની સ્થાપના કરી. તેમના સક્રિય સહકાર અને પ્રોત્સાહનથી સેન્ટ્રલ લાઇબ્રેરીના સ્ટાફે ઈ. સ. 1912થી 1919 સુધી ત્રિમાસિક સામયિક ‘લાઇબ્રેરી મિસેલિની’ અંગ્રેજી, ગુજરાતી, મરાઠી – એમ ત્રણ ભાષામાં પ્રગટ કર્યું. આખા વડોદરા રાજ્યમાં રાજ્યાશ્રયે ચાલતાં મફત ગ્રંથાલયો અને વાચનાલયોના એક વિશાળ સુગ્રથિત તંત્રની સ્થાપના કરી અને તેને વધારે સુર્દઢ બનાવ્યું. આ સુગ્રથિત તંત્રની જવાબદારી પેટલાદ હાઈસ્કૂલના આચાર્ય અને મિત્રમંડળ ગ્રંથાલયપ્રવૃત્તિના આદ્ય પ્રવર્તક મોતીભાઈ અમીનને સોંપવામાં આવી. ગ્રંથાલયોમાં અશિષ્ટ વાચનસામગ્રી ખરીદાય નહિ તેમજ પુસ્તક-પસંદગીમાં સહકારી વલણ અપનાવાય તે હેતુથી મોતીભાઈ અમીનની પ્રેરણાથી ઈ. સ. 1924માં ‘ગુજરાત પુસ્તકાલય સહાયક સહકારી મંડળ’ની સ્થાપના કરવામાં આવી. આ મંડળ ઈ. સ. 1925થી ‘પુસ્તકાલય’ નામનું માસિક પ્રસિદ્ધ કરે છે.

ઈ. સ. 1939માં તે સમયની મુંબઈ પ્રાંતની સરકારે ગ્રંથાલયના વિકાસ માટે એ.એ.એ. ફૈઝીના અધ્યક્ષપણા નીચે ‘ગ્રંથાલય વિકાસ સમિતિ’ની રચના કરી. આ સમિતિનો અહેવાલ ઈ. સ. 1941માં રજૂ થયો, જેમાં પ્રથમ તબક્કે સર્વોચ્ચ ગ્રંથાલયની સ્થાપના સાથે અંતિમ તબક્કે ગ્રામ-ગ્રંથાલયો થકી સમગ્ર રાજ્યને ત્રિસ્તરીય ગ્રંથાલય- સેવાઓમાં આવરી લેવાની ભલામણ કરી છે.

ઈ. સ. 1949માં વડોદરા રાજ્યનું મુંબઈ પ્રાંતમાં વિલીનીકરણ થતાં તેનાં અન્ય સરકારી ખાતાંઓનું હસ્તાંતરણ થયું; પરંતુ મુંબઈ રાજ્યે ગ્રંથાલયપ્રવૃત્તિને જોઈએ તેટલું મહત્વ નહિ આપતાં સફળ લોકભોગ્ય નીવડેલ વડોદરાની ગ્રંથાલયપ્રવૃત્તિ મૂરઝાઈ ગઈ. આ ઘટનાને વિલીનીકરણની એક ગંભીર ખોટ ગણાવી શકાય.

ઈ. સ. 1947માં રાજકીય સ્વતંત્રતા પ્રાપ્ત થઈ. ભારતની વિકાસલક્ષી પંચવર્ષીય યોજનાઓમાં ગ્રંથાલયપ્રવૃત્તિનો સમાવેશ થયો, જેમાં સરકારે પુરસ્કૃત કરેલી યોજનાઓ ‘ઇમ્પ્રૂવમેન્ટ ઑવ્ લાઇબ્રેરી સર્વિસ’ અને ‘ઇન્ટિગ્રેટેડ લાઇબ્રેરી સર્વિસ’નો તે સમયના સૌરાષ્ટ્ર રાજ્યે સુંદર લાભ લીધો. આ યોજના હેઠળ સરકારે રાજકોટ, ભાવનગર, જામનગર, જૂનાગઢ અને સુરેન્દ્રનગરમાં કુલ પાંચ જિલ્લા-ગ્રંથાલયો તથા ફરતા ગ્રંથાલયો સ્થાપ્યાં.

ઈ. સ. 1964માં ડૉ. રંગનાથનની ગુજરાતની મુલાકાતની ફળશ્રુતિ રૂપે ગુજરાતના માજી મુખ્યમંત્રી બળવંતરાય મહેતાએ ઈ. સ. 1965માં ‘પુસ્તકાલય સલાહકાર સમિતિ’ નીમી. ઇન્દુમતીબહેન શેઠ તેનાં અધ્યક્ષ હતાં. આ સમિતિએ ગુજરાતમાં ગ્રંથાલય-ધારો લાવવા વિશે વૈચારિક તૈયારી કરી હતી. ગુજરાતની પ્રજાને ગ્રંથાલય-ધારો મળે તે માટે આજદિન સુધી ઘણા પ્રયત્નો થયા. વર્ષ 2001માં ગ્રંથાલય ધારો ગુજરાતમાં વિધાનસભાએ પસાર કર્યો, પણ હજુ તેના નિયમો અસ્તિત્વમાં આવ્યા ન હોવાથી આ ધારાનો અમલ થતો નથી. ઈ. સ. 1972માં ગ્રંથાલયપ્રવૃત્તિનાં અનેકવિધ પાસાંઓનો તલસ્પર્શી અભ્યાસ કરી સરકારને સલાહ આપવા માટે ધારાસભ્ય મનોહરસિંહ જાડેજાના પ્રમુખપદે રાજ્યકક્ષાની એક સલાહકાર સમિતિની રચના કરવામાં આવી હતી. ઈ. સ. 1986માં ગુજરાત રાજ્ય ગ્રંથાલય-વિકાસ બોર્ડની પણ રચના કરવામાં આવી. ભારત સરકાર દ્વારા ડૉ. સામ પિત્રોડાના અધ્યક્ષપણા હેઠળ નૅશનલ નૉલેજ કમિશનની સ્થાપના કરવામાં આવી છે. આ પંચ હસ્તક ‘નૅશનલ નૉલેજ મિશન’ની રચના કરવામાં આવી છે. આ મિશનનું કાર્ય પાર પાડવા માટે વડાપ્રધાને રૂ. 1000 કરોડ ફાળવ્યા છે. આ મિશને સાર્વજનિક, શૈક્ષણિક, વિશિષ્ટ એમ સર્વ પ્રકારનાં ગ્રંથાલયોને જ્ઞાન-આધારિત કેન્દ્ર તરીકે વિકસાવવાની કામગીરી આરંભી લીધી છે. તે અન્વયે ગુજરાત સરકાર તરફથી ગાંધીનગર ખાતેના રાજ્ય મધ્યસ્થ ગ્રંથાલયને જ્ઞાનકેન્દ્ર તરીકે વિકસાવવાના કાર્યનો આરંભ થઈ ચૂક્યો છે. કેન્દ્ર સરકારના 11મા નાણાપંચે ગુજરાત રાજ્યની ગ્રંથાલય-પ્રવૃત્તિના વિકાસ માટે રૂ. 6 કરોડ ફાળવ્યા હતા તે રકમથી ગુજરાત રાજ્ય ગ્રંથાલય વિકાસ નિધિની સ્થાપના કરવામાં આવી છે. આ નિધિની વ્યાજની ઊપજની રકમ જાહેર ગ્રંથાલયોના વિકાસ માટે ઉપયોગમાં લેવામાં આવે છે. તેમજ 12મા નાણાપંચે પણ રૂ. 6 કરોડની ફાળવણી કરી હતી તે રકમમાંથી જાહેર ગ્રંથાલયોને કમ્પ્યૂટર્સ, ફર્નિચર અન્ય સાધનસામગ્રી પુરી પાડીને ગ્રંથાલયોને અદ્યતન બનાવવામાં આવ્યાં છે. હાલમાં ગુજરાતમાં ગાંધીનગર અને વડોદરાના રાજ્ય મધ્યસ્થ ગ્રંથાલયો અને જિલ્લા ગ્રંથાલયોનું કમ્પ્યૂટરીકરણનું કાર્ય પૂર્ણ થયું છે.

મીનળ ચૌહાણ

રમેશ ગાંધી

રાજલ રાજેન્દ્રભાઈ મહેતા

બકુલેશ ભૂતા

ગ્રંથાલયભવન

ગ્રંથાલય ચાર વસ્તુઓનો સમન્વય છે : (1) પુસ્તકો અથવા વાચનસામગ્રી, (2) વાચકો, (3) કર્મચારીઓ અને (4) ભવન. પુસ્તકો ગ્રંથાલયનો આત્મા છે અને ભવન ગ્રંથાલયનું શરીર છે. જેવી રીતે સ્વસ્થ અને કાર્યશીલ શરીરમાં આત્મા પ્રસન્ન રહે છે તેવી રીતે ઉત્તમ અને ક્રિયાશીલ ભવનમાં પુસ્તકો સુરક્ષિત, વ્યવસ્થિત અને ઉપયોગી બની રહે છે. ગ્રંથાલયસેવાનાં ધ્યેયોને સિદ્ધ કરવામાં ગ્રંથાલયભવન એક મહત્વનું અને અસરકારક પરિબળ છે. ગ્રંથાલયસેવાની વિવિધતાને ધ્યાનમાં રાખીને ગ્રંથાલયભવનની રચનામાં અને તેના વિભાગો તથા ઉપવિભાગોની આંતરિક રચનામાં ભિન્નતા હોઈ શકે છે. બધા જ પ્રકારનાં ગ્રંથાલયો માટે એક જ પ્રકારનાં ગ્રંથાલયભવનો યોગ્ય અને સુસંગત હોઈ શકે નહિ, તેમ છતાં તેમાં અમુક અંશે સામ્ય જોવા મળે છે.

ગ્રંથાલયભવન માટેના માનકો રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તર પર તૈયાર કરવામાં આવ્યા છે, જેથી ભવનનું નિર્માણ કરવામાં સુગમતા રહે. આંતરરાષ્ટ્રીય સ્તર પર ‘ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ ઑર્ગેનાઇઝેશન’ (આઇ.એસ.ઓ.) વિવિધ ક્ષેત્રના માનકો તૈયાર કરે છે. ભારતમાં ‘ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટ’ (બ્યૂરો ઑવ્ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ) વિવિધ માનકો તૈયાર કરે છે. આ સંસ્થા દ્વારા ઈ. સ. 1960માં ‘કોડ ફૉર પ્રાઇમરી એલિમેન્ટ્સ ઇન ડિઝાઇન ઑવ્ લાઇબ્રેરી બિલ્ડિંગ’ પ્રકાશિત કરવામાં આવ્યું હતું.

ગ્રંથાલયભવનની યોજના સ્થપતિ બનાવે છે. વર્ષોના અનુભવ બાદ આ યોજનામાં ગ્રંથપાલની સલાહ લેવાનું આવશ્યક જણાયું કારણ કે ગ્રંથપાલ ગ્રંથાલયની કાર્યપ્રણાલી અને વાચકોની જરૂરિયાતથી માહિતગાર હોય છે.

ગ્રંથાલયભવનનું આયોજન કરતી વખતે નીચે જણાવેલ મુદ્દાઓને ધ્યાનમાં રાખવા અતિ આવશ્યક ગણાય છે :

(1) ગ્રંથાલય અને ગ્રંથાલયસેવાનો પ્રકાર, (2) રમણીય સ્થળની પસંદગી, (3) આકર્ષક અને સ્વાગતશીલ દેખાવ, (4) ભવિષ્યમાં આવશ્યકતા અનુસાર તેનો વિસ્તાર અને પરિવર્તન કરવાની સુવિધા, (5) ઓછામાં ઓછી સ્થાયી રચના, (6) ગ્રંથાલયોનો ઉપયોગ કરનારાઓની સુવિધા, (7) કાર્યદક્ષતાના આધાર પરની રચના, (8) ભવનના ઉપયોગ અને જાળવણીના ખર્ચમાં ઓછામાં ઓછા કર્મચારીઓ વડે ઉત્તમોત્તમ વ્યવસ્થા અને સંચાલન, (9) કાર્યોની વિવિધતાને અનુરૂપ તેની રચના.

ડૉ. એસ. આર. રંગનાથનના જણાવ્યા અનુસાર ગ્રંથાલયના હેતુઓ અને કાર્યના સંદર્ભમાં ગ્રંથાલયભવનની રચના કરવી ઇચ્છનીય અને આવશ્યક છે. ગ્રંથાલયભવનની રચનાને બે ભાગમાં વહેંચી શકાય :

બાહ્ય રચના : (1) સ્થળની પસંદગી, (2) પ્રકાશ, (3) હવાઉજાસ, (4) વાતાનુકૂલન, (5) બાહ્ય પરિસર – બગીચો.

આંતરિક રચના : (1) પ્રવેશદ્વાર, (2) સામગ્રી પ્રતિષ્ઠાન, (3) વાચનાલય, (4) સૂચિવિભાગ, (5) ગ્રંથભંડાર, (6) આપ-લે-વિભાગ, (7) અધ્યયન-વિભાગ, (8) સંદર્ભસેવા-વિભાગ, (9) પ્રદર્શન-વિભાગ, (10) સભાખંડ, (11) સમિતિખંડ, (12) તાંત્રિકી વિભાગ, (13) પ્રતિનિર્માણસેવા-વિભાગ, (14) કાર્યાલય, (15) ગ્રંથપાલનું કાર્યાલય, (16) ગ્રંથબાંધણી-વિભાગ, (17) ડૉરમિટરી અને રદ વિભાગ, (18) અન્ય વિભાગો, (19) કર્મચારી વિશ્રાંતિ વિભાગ, (20) ફાયર સેફટી, (21) પાણીની ઓરડી, (22) શૌચાલય.

બાહ્ય રચના : ગ્રંથાલય-ભવનના આયોજનમાં, તેની બાહ્ય રચનામાં નીચેના મુદ્દાઓનો સમાવેશ થાય છે :

(1) સ્થળની પસંદગી : ગ્રંથાલયભવનના સ્થળ અંગેની પસંદગી ગ્રંથપાલે તે કયા પ્રકારનું ગ્રંથાલય છે તેને ધ્યાનમાં રાખીને કરવી જોઈએ. સાર્વજનિક ગ્રંથાલય જાહેર જગ્યાએ હોવું જોઈએ, શૈક્ષણિક ગ્રંથાલય શૈક્ષણિક સંસ્થાની વચ્ચે હોવું જોઈએ અને વિશિષ્ટ ગ્રંથાલય જે તે સંસ્થા સાથે સંકળાયેલું હોવાથી તે સંસ્થાની નજીકમાં અને એકાંતમાં હોવું જોઈએ. ગ્રંથાલયનો ઉપયોગ કરવા ઇચ્છતી વ્યક્તિ ઓછામાં ઓછા સમયમાં અને સહેલાઈથી ગ્રંથાલયમાં આવી શકે તેવા સ્થળે હોવું જોઈએ. ભવિષ્યમાં આવશ્યકતા અનુસાર તેનો વિસ્તાર કરી શકવાની સુવિધા હોય તેવી વિશાળ અને ખુલ્લી જગ્યાએ હોવું જોઈએ તથા બાહ્ય ઘોંઘાટ અને કોલાહલથી દૂર શાંત વિસ્તારમાં હોવું જોઈએ.

(2) પ્રકાશ : ગ્રંથાલયભવનની યોજનાને અમલમાં મૂકતાં પહેલાં કુદરતી પ્રકાશ યોગ્ય રીતે મળી રહે તેનો વિચાર કરવો જોઈએ. ગ્રંથાલયમાં બારીઓ અને વૅન્ટિલેશનની રચના એવી હોવી જોઈએ કે કુદરતી પ્રકાશ પૂરતા પ્રમાણમાં મળી રહે. સૂર્યપ્રકાશનાં સીધાં કિરણો પુસ્તકો કે અન્ય વાચનસામગ્રી પર પડીને તેને નુકસાન ન પહોંચાડે તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. કુદરતી અને કૃત્રિમ પ્રકાશની વ્યવસ્થા એવી રીતે કરવી જોઈએ કે જેથી ઓછામાં ઓછા કૃત્રિમ પ્રકાશનો ઉપયોગ કરીને તેનો મહત્તમ લાભ મેળવી શકાય. ગ્રંથભંડારમાં ઘોડાઓના સૌથી નીચેના ફલકો પર ગોઠવાયેલાં પુસ્તકોના સ્થાનાંકો સરળતાથી વાંચી શકાય તેવી અને વાચનાલયમાં બેઠેલા વાચકોને ડાબી બાજુએથી પ્રકાશ મળી રહે તેવી પ્રકાશકીય વ્યવસ્થા હોવી જોઈએ. પ્રકાશના વક્રીભવનને ધ્યાનમાં રાખીને ગ્રંથાલયમાં દીવાલો, બારીબારણાં અને અન્ય સાધનસામગ્રીના રંગોની પસંદગી કરવી જોઈએ. પસંદ કરવામાં આવેલા રંગો નયનરમ્ય, વાચનપોષક અને સાનુકૂળ હોવા જોઈએ.

(3) હવાઉજાસ : ગ્રંથાલયની વાચનસામગ્રી, વાચકો અને કર્મચારીઓ માટે શુદ્ધ હવાનો સતત સંચાર અતિ આવશ્યક છે. ગ્રંથાલયમાં બારીઓ અને વૅન્ટિલેશનની વ્યવસ્થા સામસામી હોવી જોઈએ, જેથી શુદ્ધ હવાની અવરજવર થઈ શકે. ગ્રંથજાળવણી અને સંરક્ષણને લક્ષમાં રાખીને બારીઓ તારની ઝીણી જાળીના આવરણવાળી હોવી જોઈએ. ગ્રંથાલયની વાચનસામગ્રીને કીટાણુમુક્ત રાખવા માટે પૂરતા પ્રમાણમાં હવાઉજાસની આવશ્યકતા રહે છે.

(4) વાતાનુકૂલન : વાતાવરણમાં તાપમાન અને ભેજમાં થતા વધુ પડતા ફેરફારને કારણે ધૂળ, ભેજ અને ઍસિડનું વાયુસ્વરૂપ પુસ્તકો અને અન્ય વાચનસામગ્રી માટે નુકસાનકારક હોય છે, તેથી ગ્રંથાલયભવન વાતાનુકૂલિત સુવિધાવાળું હોય તે ઇષ્ટ છે. વાતાનુકૂલનથી આકરો સૂર્યપ્રકાશ, કીટાણુઓ, ફૂગ તથા હાથનો પરસેવો વગેરેથી વાચનસામગ્રીનું રક્ષણ થાય છે અને તેનું આયુષ્ય વધારી શકાય છે. વાતાનુકૂલન શક્ય ન હોય ત્યાં વૃક્ષોના આવરણ અને બાગબગીચાથી ગ્રંથાલયભવનના તાપમાનને એકસરખું રાખવાનો પ્રયત્ન કરી શકાય.

(5) બાહ્ય પરિસર – બગીચો : ગ્રંથાલયની આસપાસ સુંદર બગીચો હોવો જરૂરી છે, જેથી તે હવાના શુદ્ધીકરણમાં ઉપયોગી બને અને વાચકો વિશેષ વાંચીને થાકી જાય, ગમગીન કે ગંભીર બની જાય ત્યારે ત્યાં જઈને આરામ કરી શકે તથા મનને પ્રફુલ્લિત રાખી શકે.

આંતરિક રચના : ગ્રંથાલયભવનના આયોજનમાં તેની આંતરિક રચનામાં ગ્રંથાલયનાં કાર્યો અને સેવાઓની સુવિધા વાચકોને પૂરી પાડી શકાય તે માટે નીચે દર્શાવેલ વિભાગોનો સમાવેશ કરવો જરૂરી છે :

(1) પ્રવેશદ્વાર : ગ્રંથાલયમાં પ્રવેશવા માટેનું દ્વાર આકર્ષક અને સ્વાગતશીલ હોવું જોઈએ. જે ગ્રંથાલયમાં મુક્તપ્રવેશ-પદ્ધતિ અપનાવેલી હોય તેમાં અવરજવર માટે એક જ પ્રવેશદ્વાર રાખવું આવશ્યક છે.

(2) સામગ્રીપ્રતિષ્ઠાન : ગ્રંથાલયમાં પ્રવેશદ્વાર પછી તરત જ સામગ્રીપ્રતિષ્ઠાન-વિભાગની રચના કરવી જરૂરી છે. ગ્રંથાલયમાં પ્રવેશતા વાચકની અંગત ચીજવસ્તુ જેવી કે લાકડી, છત્રી, થેલી, બૅગ વગેરે ત્યાં આગળ મૂકવાની વ્યવસ્થા કરવી જોઈએ. આ વિભાગ ગ્રંથાલયના પ્રવેશદ્વાર પાસે જ હોવો જોઈએ.

(3) વાચનાલય : ગ્રંથાલયમાં વાચનાલયનું સ્થાન વિશેષ મહત્વનું છે. સમાજની કોઈ પણ વ્યક્તિ ગ્રંથાલયનું સભ્યપદ મેળવ્યા વગર પણ આ વિભાગમાં પ્રવેશી શકે છે તેથી તે પ્રવેશદ્વારની નજદીકમાં હોવો જોઈએ. તેમાં કાચની બારીઓ હોવી જોઈએ, જેથી વાચન-વ્યસ્ત વાચકોને બહારની વ્યક્તિ પણ જોઈ શકે અને તેમાંથી વાચન માટેની પ્રેરણા મેળવી શકે. ભારતીય માનક સંસ્થાના માપ પ્રમાણે કુદરતી પ્રકાશ વાચન-ટેબલ પર પર્યાપ્ત પ્રમાણમાં આવી શકે તે માટે વાચનાલયની પહોળાઈ 10.5મી.થી વધુ ન હોવી જોઈએ. આ વિભાગમાં આધુનિક સગવડવાળું રાચરચીલું તથા અન્ય સાધનસામગ્રી હોવાં જરૂરી છે.

(4) સૂચિવિભાગ : ગ્રંથાલયની સૂચિ તે ગ્રંથાલયના ગ્રંથસંગ્રહને પ્રતિબિંબિત કરતો આયનો છે. ગ્રંથાલયમાં આવતો વાચક સૂચિ દ્વારા ગ્રંથાલયની વાચનસામગ્રીનું સ્થાન જાણી શકે છે. તેથી સૂચિવિભાગ ગ્રંથભંડારના પ્રવેશદ્વાર પાસે તથા આપ-લે-વિભાગની નજીકમાં હોવો જોઈએ. તેમાં સૂચિ-કૅબિનેટો વ્યવસ્થિત રીતે રાખી શકાય તેટલો મોટો હોવો જોઈએ.

(4.1) કમ્પ્યૂટરવિભાગ : સમૃદ્ધ અને મોટાં ગ્રંથાલયોમાં સૂચિવિભાગનું સ્થાન ઉપભોક્તા કમ્પ્યૂટર-ટર્મિનલોએ લીધું છે. આથી આજનાં નવા નિર્માણ થતા ગ્રંથાલયભવનમાં કમ્પ્યૂટરનાં હાર્ડવેર, સૉફ્ટવેર અને નેટવર્ક; સ્કૅનર, મલ્ટિમીડિયા માટેની સુવિધા ગોઠવી શકાય તેવા વિશિષ્ટ ખંડની વ્યવસ્થા કરવી જોઈએ. આ ખંડ વાતાનુકૂલિત રાખવો જોઈએ. ગ્રંથાલયના ઉપભોક્તાઓને માટે અને ગ્રંથાલયના કર્મચારીઓ કામ કરી શકે તે માટેનાં ટર્મિનલ-મથકો ઊભાં કરવાં અને તે માટેનું ખાસ રાચરચીલું વસાવવું જોઈએ.

(5) ગ્રંથભંડાર : ગ્રંથાલયનો પ્રકાર અને તેની વાચનસામગ્રીના સંદર્ભમાં ગ્રંથભંડારની લંબાઈ અને પહોળાઈ નક્કી કરવી જોઈએ. ગ્રંથભંડારનો ઓરડો મોટો, હવા-ઉજાસ અને પ્રકાશવાળો હોય તે ઇચ્છનીય છે. વાચકો સરળતાથી પુસ્તકોના સંપર્કમાં રહી શકે તેવી તેની રચના હોવી જોઈએ. ગ્રંથભંડારમાં વરસાદના પાણીથી નુકસાન ન થાય તે માટેની યોગ્ય વ્યવસ્થા કરવી જોઈએ તથા બારીઓને ઝીણી જાળીનું આવરણ રાખવું જોઈએ.

(6) આપલેવિભાગ : ગ્રંથાલયભવનના નિર્માણની યોજનામાં આ વિભાગનો સૌપ્રથમ વિચાર કરવો જોઈએ. ગ્રંથાલયમાં તેનું સ્થાન મધ્યવર્તી હોય છે, જેથી અહીં બેઠેલો કર્મચારી વધુમાં વધુ વિભાગો અને વાચકો ઉપર સામાન્ય નજર રાખી શકે. આ વિભાગ પ્રવેશદ્વારની નજીક હોવો જોઈએ.

(7) અધ્યયનવિભાગ : આ વિભાગનો ઉપયોગ કરનાર વાચકો, સંશોધકો અને અભ્યાસીઓ હોય છે. વારંવારની અવરજવર અને અવાજને કારણે તેમના કાર્યમાં અવરોધ ઊભો ના થાય તેથી આ વિભાગ ગ્રંથાલયની અંદરના શાંત ભાગમાં હોવો જોઈએ. આ વિભાગના વાચકો માટે અલગ કૅબિનની વ્યવસ્થા વધારે અનુકૂળ રહે છે.

(8) સંદર્ભસેવાવિભાગ : ગ્રંથાલયમાં સંદર્ભસેવા-વિભાગ મહત્વનો વિભાગ છે. ગ્રંથાલયસેવાનો મુખ્ય આધાર સંદર્ભસેવા પર રહેલો છે. નવ-આગંતુક વાચકનો ગ્રંથાલય સાથે આત્મીય સંબંધ સ્થપાય તથા તેને જરૂરી વાચનસામગ્રી અને સંદર્ભમાહિતી મળી રહે તે જોવાનું કાર્ય આ વિભાગનું છે, તેથી આ વિભાગ વાચકના પ્રવેશની સાથે સીધા સંપર્કમાં આવી શકે તેવી જગ્યાએ હોવો જોઈએ.

(9) પ્રદર્શનવિભાગ : ગ્રંથાલયસેવાની સૌરભ એવી હોવી જોઈએ કે એક વાર આવતો વાચક અનેક વાર આવે અને કોઈક વાર આવતો વાચક કાયમ આવતો થાય. વાચકોને ગ્રંથાલય પ્રત્યે આકર્ષવા માટે ગ્રંથાલયમાં પ્રસંગોપાત્ત, પ્રદર્શનો યોજવાં જોઈએ. પ્રદર્શનો દ્વારા વાચક ગ્રંથાલયની વાચનસામગ્રીથી વાકેફ થાય છે. તેથી પ્રદર્શન માટે અલાયદા ખંડની વ્યવસ્થા હોવી જોઈએ અને તે પ્રવેશદ્વારની નજીક હોવો જોઈએ.

(10) સભાખંડ : ગ્રંથાલય એ સંસ્કૃતિવિકાસનું અને વ્યક્તિત્વઘડતરનું સક્ષમ માધ્યમ છે, તેથી ગ્રંથાલયે ભાષણો, વક્તૃત્વ-સ્પર્ધાઓ, ફિલ્મ-શો, નાટકો, કૅસેટ-શ્રવણ વગેરે જેવી વિવિધ પ્રવૃત્તિઓ યોજવી જોઈએ. તે માટેનો ખંડ ગ્રંથાલયના અન્ય વિભાગથી અલગ હોવો જોઈએ અને તેનું દ્વાર પણ અલગ હોવું જરૂરી છે, જેથી વાચકોને તેમના અભ્યાસમાં ખલેલ ના પડે.

(11) સમિતિખંડ : ગ્રંથાલયનું સંચાલન યોગ્ય રીતે થાય તે માટે ગ્રંથાલયના કર્મચારીઓ સક્રિય હોય છે; તેમ છતાં અમુક પ્રશ્નોના ઉકેલ માટે અને નીતિવિષયક નિર્ણયો લેવા માટે સમિતિની રચના કરવામાં આવે છે. આ સમિતિ ચર્ચાવિચારણા કરવા માટે સમયાંતરે મળતી હોય છે; તેથી તેના માટે એક અલાયદા ખંડની વ્યવસ્થા હોવી જોઈએ અને તે ગ્રંથપાલના કાર્યાલયની નજીક હોવો જોઈએ.

(12) તાંત્રિક વિભાગ : આ વિભાગ વાચકો સાથે સીધા સંપર્કમાં આવતો નથી. તેમાં ગ્રંથપ્રાપ્તિ, વર્ગીકરણ, સૂચીકરણ, ગ્રંથસંસ્કાર, ડેટાએન્ટ્રી વગેરે કાર્યો થતાં હોય છે. તેથી આ વિભાગના કર્મચારીઓ ગ્રંથપાલ સાથે સતત સંપર્કમાં રહી શકે તેવા સ્થળે આ વિભાગ રાખવો જોઈએ.

(13) પ્રતિનિર્માણસેવાવિભાગ : ગ્રંથાલયમાં વાચકોને વાંછિત વાચનસામગ્રીની નકલ કે પ્રતિકૃતિ મળી રહે તે માટે આ સેવા આપવામાં આવે છે. આ સેવા માટે આધુનિક મશીનરીનો સમાવેશ થાય અને તેની યોગ્ય જાળવણી થાય તેવો વાતાનુકૂલિત ખંડ હોવો જોઈએ.

(14) કાર્યાલય : ગ્રંથાલયનાં વહીવટી કાર્યો જેવાં કે ઍસ્ટાબ્લિશમૅન્ટ, ઍકાઉન્ટ્સ, ઑડિટ, મેન્ટેનન્સ વગેરે માટે અલગ ખંડની વ્યવસ્થા હોવી જોઈએ. કાર્યસુવિધા અને કાર્યદક્ષતાને લક્ષમાં રાખતાં દરેક કર્મચારી માટે ઓછામાં ઓછી 9.3 ચોમી. (100 ચો.ફૂટ) જગ્યા ફાળવવી જોઈએ. બધા કર્મચારીઓને ગ્રંથપાલનું પ્રત્યક્ષ માર્ગદર્શન મળી રહે તેવી વ્યવસ્થા થાય તે ઇષ્ટ છે.

(15) ગ્રંથપાલનું કાર્યાલય : ગ્રંથાલયની ક્રિયાપ્રક્રિયામાં ગ્રંથપાલનું સ્થાન કેન્દ્રમાં હોય છે. ગ્રંથપાલ પોતાની જગ્યાએથી સરળતાપૂર્વક બધા વિભાગો સાથે સંપર્કમાં રહી શકે તથા ગ્રંથાલયના વાચકો, મુલાકાતીઓ વગેરે પણ ગ્રંથપાલનો સરળતાથી સંપર્ક સાધી શકે તેવી જગ્યા ગ્રંથપાલના કાર્યાલય માટે પસંદ કરવી જોઈએ.

(16) ગ્રંથબાંધણીવિભાગ : ગ્રંથાલયમાં ગ્રંથબાંધણીનું આગવું મહત્વ હોય છે. ફાટી ગયેલાં કે બાંધણીમાંથી તૂટી ગયેલાં પુસ્તકોને વ્યવસ્થિત કરવા માટે તેનું બાંધણીકામ જરૂરિયાત મુજબનું અને ઝડપી કરવાની સુવિધા હોવી જોઈએ. આ માટે અલગ ખંડની વ્યવસ્થા ગ્રંથાલયના અંદરના ભાગમાં હોવી જોઈએ.

(17) ડૉરમિટરી અને રદ વિભાગ : ગ્રંથાલયમાં સતત વધતી જતી વાચનસામગ્રીને લીધે જગ્યા માટેનો વિષમ પ્રશ્ન ઉપસ્થિત થાય છે. મોટે ભાગે નવી આવૃત્તિ આવતાં જૂની આવૃત્તિ નિરુપયોગી બને છે તેથી એવાં પુસ્તકોને ફલક પરથી વીણી લઈને અલગ ડૉરમિટરી વિભાગમાં મૂકવાં જોઈએ અને જ્યારે જરૂર પડે ત્યારે તેનો ઉપયોગ કરી શકાય તેવી વ્યવસ્થા કરવી જોઈએ.

નુકસાન પામેલાં અને જર્જરિત થયેલાં પુસ્તકો જે ફરી બંધાવી શકાય તેવાં ન હોય તેની યોગ્ય ચકાસણી કરીને રદ કરવાં જોઈએ. આ કાર્ય માટે અલગ ખંડની વ્યવસ્થા હોવી જોઈએ.

(18) અન્ય વિભાગો : સાર્વજનિક ગ્રંથાલયમાં સમાજના બધા જ સ્તરની કક્ષાના, વયના અને લિંગના વાચકો આવતા હોય છે. તેવા વાચકો માટે બાળવિભાગ, મહિલાવિભાગ, બ્રેઇલ અને ટૉકિંગ બુક લાઇબ્રેરી, આર્ટ અને પિક્ચર ગૅલરી વિભાગ વગેરેની રચના કરેલી હોવી જોઈએ. આ વિભાગો તેમના હેતુને પરિપૂર્ણ કરે તેવી વ્યવસ્થાવાળા સુંદર અને આકર્ષક હોવા જોઈએ.

(19) કર્મચારી વિશ્રાંતિ વિભાગ : ગ્રંથાલયના કર્મચારીઓ માટે વિરામના સમયે અલ્પાહાર તથા આરામ કરવા અલાયદા ખંડની વ્યવસ્થા જરૂરી સગવડો સાથે હોવી જોઈએ. કર્મચારી કે વાચકને ઈજા પહોંચે ત્યારે તાત્કાલિક પ્રાથમિક સારવાર આપી શકાય તેવી દવાઓ અને સાધનો રાખવાં જોઈએ. આ વિભાગ વાચકો સાથે સંકળાયેલો ન હોવાથી ગ્રંથાલયમાં અંદરના ભાગમાં હોવો જોઈએ.

(20) ફાયર સેફ્ટી : ગ્રંથાલયભવનના નિર્માણ વખતે અગ્નિશામકોની વ્યવસ્થાનું આયોજન કરવું જોઈએ.

(21) પાણીની ઓરડી : ગ્રંથાલયમાં આવતા વાચકોને માટે ચોખ્ખા અને ઠંડા પાણીની સગવડ ચોખ્ખી જગ્યામાં હોવી જોઈએ તથા તેઓ એક જગ્યાએ બેસીને અલ્પાહાર કરી શકે તેવા ખંડની વ્યવસ્થા હોવી જોઈએ. આ વિભાગ ગ્રંથાલયના પ્રવેશદ્વાર પાસે હોવો જોઈએ, જેથી ગ્રંથાલયના કાર્યમાં અવરોધ ઊભો ના થાય.

(22) શૌચાલય : ગ્રંથાલયમાં વાચકો સવારના સાત વાગ્યાથી આવતા હોય છે. કુદરતી હાજતોને રોકવી મુશ્કેલ છે. તેથી તેમને માટે ગ્રંથાલયના પ્રવેશદ્વાર પાસે એવી જગ્યાએ તેની વ્યવસ્થા કરવી જોઈએ કે જેથી તેને કારણે ગ્રંથાલયમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી ઊભી ના થાય. ગ્રંથાલયના કર્મચારીઓ માટે પણ શૌચાલયની અલગ વ્યવસ્થા ઊભી કરી શકાય.

આમ, આદર્શ ગ્રંથાલયભવન તૈયાર કરતી વખતે ઉપર દર્શાવેલ મુદ્દાઓને ધ્યાનમાં રાખવા જોઈએ, જેથી તે જીવંત ગ્રંથાલય બની તેની સેવાઓ દ્વારા સમાજ અને વ્યક્તિના વિકાસમાં મહત્વનો ફાળો આપતું રહે.

મીનળ  ચૌહાણ

રાજલ રાજેન્દ્રભાઈ મહેતા

ગ્રંથાલયના પ્રકારો

ગ્રંથાલયની આધુનિક સંકલ્પના બદલાઈ છે. તે માત્ર પુસ્તક-લેવડદેવડનું યંત્રવત્ કેન્દ્ર ન બની રહેતાં માહિતીનું વિનિમય-કેન્દ્ર બન્યું છે. સામાજિક, આર્થિક, શૈક્ષણિક અને સાંસ્કૃતિક ક્ષેત્રની સંસ્થાઓ માટે ગ્રંથાલય એક આવશ્યક અંગ બન્યું છે. તેની મહત્તા ક્રમશ: સ્વીકારાતી જાય છે તેમ તેમ તેની ઉપયોગિતા પણ વધી રહી છે.

ગ્રંથાલયની સેવાઓનો પ્રકાર, ગ્રંથાલયના સેવ્ય સમાજનો પ્રકાર, ગ્રંથાલયમાં સંગ્રહવામાં આવતી માહિતીનો પ્રકાર, વાચકોની વિવિધ વયકક્ષા, જ્ઞાનકક્ષા વગેરેની ભિન્નતા, ગ્રંથાલયસેવાઓ અને તેના વ્યાપમાં આવેલાં પરિવર્તનો, ગ્રંથાલયોનું વહીવટી માળખું વગેરે પરિબળોને આધારે ગ્રંથાલયોના નીચે જણાવેલ પ્રકારો પડે છે :

સાર્વજનિક ગ્રંથાલયો

સાર્વજનિક ગ્રંથાલય એ લોકો માટે, લોકો વડે ચાલતી સંસ્થા છે. સાર્વજનિક ગ્રંથાલયોનો ઉદ્દેશ પોતાના કાર્યવિસ્તારના સમસ્ત જનસમૂહમાં જ્ઞાતિ-જાતિ, લિંગ કે વયકક્ષાના ભેદભાવ વગર સંસ્કારસિંચન અને ચારિત્ર્યસિંચન માટે નિ:શુલ્ક જ્ઞાન-સેવા પ્રદાન કરવાનો છે. તે દ્વારા લોકશાહીની પ્રક્રિયા સુર્દઢ બને છે. આ માટે ગ્રંથાલયમાં જરૂરી વાચનસાહિત્ય સંગ્રહવામાં આવે છે. આવાં ગ્રંથાલયોનો વહીવટ સ્થાનિક કક્ષાની સ્વાયત્ત સમિતિઓ દ્વારા ચાલે છે. તેમને રાજ્ય-સરકાર અનુદાન દ્વારા સહાય કરે છે.

સાર્વજનિક ગ્રંથાલયો દેશની સંસ્કૃતિના વારસાને યોગ્ય રીતે સંગ્રહીને લોકો સુધી – નવી પેઢીઓ સુધી પહોંચાડે છે. એ રીતે બે પેઢીઓ વચ્ચેનું સંકલન અને અનુસંધાન પણ કરે છે. સાર્વજનિક ગ્રંથાલય એ જનશિક્ષણની જાગ્રત શક્તિના રૂપમાં લોક-વિશ્વવિદ્યાલય પણ છે. લોકોમાં નવું જ્ઞાન મેળવવાની ચેતના જગાવનાર ક્રિયાશીલ માધ્યમ પણ છે. તે શાળાના અભ્યાસક્રમોના પૂરક સાધન તરીકે વિદ્યાર્થીઓને સહાય કરે છે અને નિરક્ષરતાનિવારણ માટે વિવિધ રીતે મદદરૂપ બને છે. તે અનૌપચારિક શિક્ષણ માટે આજીવન સેવા આપે છે. સાર્વજનિક ગ્રંથાલયો દ્વારા વ્યક્તિ ફુરસદના સમયનો સમુચિત ઉપયોગ કરીને પોતાના વ્યક્તિત્વનો સર્વાંગી વિકાસ કરી શકે છે. ટૂંકમાં, સાર્વજનિક ગ્રંથાલય દેશની સમૃદ્ધિ માટે મહત્ત્વપૂર્ણ સાધન છે તેમજ સમાજની સભ્યતા  સંસ્કૃતિ તથા શિક્ષણની પ્રગતિ માટે આવશ્યક છે.

સાર્વજનિક ગ્રંથાલયોનો વ્યાપ, કાર્યવિસ્તાર, સેવ્ય સમાજ, સેવાનો પ્રકાર, વાચકોનો પ્રકાર વગેરે જોતાં નીચે પ્રમાણે પ્રકારો પાડી શકાય. આ પ્રકારો ભારત અને વિશેષત: ગુજરાતના સંદર્ભમાં પાડવામાં આવ્યા છે.

રાષ્ટ્રીય ગ્રંથાલય : રાષ્ટ્રીય ગ્રંથાલયને જે તે રાષ્ટ્રમાં વિશિષ્ટ મોભો હોય છે તે તેનાં કાર્યો અને ઉદ્દેશો પરથી જાણી શકાય છે. રાષ્ટ્રીય ગ્રંથાલય એ રાષ્ટ્રીય સંસ્કૃતિવારસાનું જતન કરતું વાચકલક્ષી અભિગમ ધરાવતું રાષ્ટ્રીય સંગ્રહસ્થાન છે. તેની સેવાઓનો વ્યાપ જોતાં તેને રાષ્ટ્રનું ઉચ્ચતમ કોટિનું સાર્વજનિક ગ્રંથાલય પણ કહી શકાય. આ ઉપરાંત આ રાષ્ટ્રીય ગ્રંથાલય રાષ્ટ્રનાં અન્ય પ્રકારનાં ગ્રંથાલયોને માહિતીસેવા, પ્રશિક્ષણ, આયોજન, વહીવટી સંકલન, સંગઠન વગેરે ક્ષેત્રોમાં માર્ગદર્શન પણ આપે છે.

રાષ્ટ્રીય ગ્રંથાલયને મળેલ દરજ્જા મુજબ તેનાં નીચે જણાવેલ વિશિષ્ટ કાર્યો પણ છે :

(1) જે તે રાષ્ટ્રમાં પ્રકાશિત થતાં પ્રકાશનોની પ્રાપ્તિ, સંગ્રહ, જાળવણી અને વિનિયોગ

(2) અન્ય રાષ્ટ્રોમાં પોતાના રાષ્ટ્ર વિશે લખાયેલ પ્રકાશનોની પ્રાપ્તિ, સંગ્રહ, જાળવણી અને વિનિયોગ

(3) માહિતીસેવા – માર્ગદર્શન

(4) રાષ્ટ્રીય વાઙ્મયસૂચિ નિર્માણ

(5) રાષ્ટ્રનાં અન્ય ગ્રંથાલયોને માહિતીસેવા, પ્રશિક્ષણ, વહીવટી માર્ગદર્શન

(6) અલભ્ય પ્રકાશનો – હસ્તપ્રતોનું જતન કરવું.

(7) ગ્રંથાલય વિજ્ઞાનનાં વિવિધ ક્ષેત્રોમાં સતત સંશોધન કરવું.

(8) ગ્રંથપાલોના વ્યાવસાયિક ઘડતર માટે પ્રશિક્ષણ કાર્યક્રમો કરવા.

(9) આંતર-ગ્રંથાલય સહકાર અંગેના માર્ગદર્શક સિદ્ધાંતો બનાવવા અને વ્યવહારમાં મૂકવા.

(10) ધ ડિલિવરી ઑવ્ બુક્સ ઍન્ડ ન્યૂઝપેપર્સ (પબ્લિક લાઇબ્રેરીઝ) ઍક્ટ, 1954 અન્વયે પ્રાપ્ત થતાં રાષ્ટ્રનાં પ્રકાશનોનો સંગ્રહ, જાળવણી અને તેનો સુયોગ્ય વિનિયોગ કરવો.

(11) દેશી-વિદેશી ઇનામી તથા ગણનાપાત્ર કૃતિઓનો સંગ્રહ કરવો.

(12) રાષ્ટ્રની સંઘસૂચિ-નિર્માણમાં સહાયભૂત થવું.

ભારતનું રાષ્ટ્રીય ગ્રંથાલય : ઈ. સ. 1835માં ‘કૉલકાતા સાર્વજનિક ગ્રંથાલય’ની સ્થાપના ભારતના ગ્રંથાલયક્ષેત્રે મહત્વની ઘટના છે. આ ગ્રંથાલયની સ્થાપના ફૉર્ટ વિલિયમ કૉલેજમાંથી પ્રાપ્ત થયેલ  4675 પુસ્તકોથી કરવામાં આવી હતી. 1844માં તેનું ફૉર્ટ વિલિયમ કૉલેજના કૅમ્પસમાંથી મેટકાફ હૉલમાં સ્થાનાંતર કરવામાં આવ્યુ હતું. ત્યારબાદ અન્ય ગ્રંથાલયોના વિલીનીકરણ સાથે આ ગ્રંથાલય 31–1–1902થી ઇમ્પીરિયલ લાઇબ્રેરી તરીકે ઓળખાતું થયું. તે ભારતની સ્વતંત્રતા સુધી એ રીતે ઓળખાયું. સ્વાતંત્ર્યપ્રાપ્તિ બાદ એને ભારતના રાષ્ટ્રીય

ગ્રંથાલય તરીકે અધિનિયમ દ્વારા પરિવર્તિત કરવામાં આવ્યું. ત્યારથી તે ભારતના રાષ્ટ્રીય ગ્રંથાલયનું નામાભિધાન પામ્યું છે અને જ્ઞાનપિપાસુઓની સેવામાં જોડાયેલું છે. આ ગ્રંથાલયને ‘રાષ્ટ્રીય’ કક્ષાનો દરજજો આપતી વખતે તેની પાસેથી નીચે પ્રમાણેની અપેક્ષાઓ રાખવામાં આવી હતી.

* તે સમગ્ર રાષ્ટ્રના સર્વાધિક મહત્વપૂર્ણ ગ્રંથાલયના રૂપમાં સેવા પ્રદાન કરે.

* રાષ્ટ્રમાં પ્રકાશિત સમગ્ર સાહિત્યનો સંગ્રહ અને જતન કરે.

* રાષ્ટ્રનાં અન્ય ગ્રંથાલયોને માર્ગદર્શન આપે.

* રાષ્ટ્રના અપ્રાપ્ય – અલભ્ય સાહિત્ય, હસ્તપ્રતો વગેરેનું કાળજીપૂર્વક જતન કરે.

ઉપર્યુક્ત ઉદ્દેશોની પૂર્તિ માટે આ ગ્રંથાલય એક આદર્શ જ્ઞાનપીઠના રૂપમાં અદ્યતન ગ્રંથાલય તરીકે વાચકોને સારી સેવા પ્રદાન કરે છે. ભારતના કોઈ પણ ખૂણામાં વાચકોને ઘેરબેઠાં ટપાલખર્ચ ચૂકવીને ઇચ્છિત પુસ્તક મોકલવાની વ્યવસ્થા કરે છે. પ્રતિવર્ષ આ રીતે 80 હજાર પુસ્તકો વાંચવા અપાય છે. ભારતના આ સૌથી વિશાળ ગ્રંથાલયમાં આજે 24 લાખથી પણ વધુ પુસ્તકો અને આશરે 600 જેટલા કર્મચારીઓ છે.

ભારતના ધ ડિલિવરી ઑવ્ બુક્સ ઍન્ડ ન્યૂઝપેપર્સ (પબ્લિક લાઇબ્રેરીઝ) ઍક્ટ, 1954 અનુસાર ભારતમાં પ્રકાશિત થતા પ્રત્યેક પુસ્તકની એક નકલ 30 દિવસની સમયાવધિમાં આ ગ્રંથાલયમાં નિ:શુલ્ક મોકલવાની હોય છે. આ ગ્રંથાલય રાષ્ટ્રનું સમૃદ્ધ, અદ્યતન અને વિશાળ સેવા આપતું મોટામાં મોટું ગ્રંથાલય છે. તેથી સંશોધકો માટે પણ ખૂબ જ મહત્વનું છે.

આ ગ્રંથાલય દ્વારા ભારતીય રાષ્ટ્રીય વાઙ્મયસૂચિ (Indian National Bibliography) પ્રકાશિત કરવામાં આવે છે. આ વાઙ્મયસૂચિમાં ધ ડિલિવરી ઑવ્ બુક્સ ઍન્ડ ન્યૂઝપેપર્સ (પબ્લિક લાઇબ્રેરીઝ) ઍક્ટ, 1954 અનુસાર પ્રાપ્ત થયેલ દરેક ભાષાનાં અને દરેક વિષયનાં પુસ્તકોનો સમાવેશ થયેલો હોય છે. આ વાઙ્મયસૂચિને ભારતીય સાહિત્યની પ્રમાણિત અને સર્વાંગીણ સૂચિ ગણવામાં આવે છે.

આ ઉપરાંત આ ગ્રંથાલયમાં વિદેશમાં પ્રકાશિત ભારત વિશેનાં પુસ્તકો તથા ભારતમાંથી પ્રાપ્ય હસ્તપ્રતો પણ સંગૃહીત છે. આવાં અલભ્ય પુસ્તકો કે હસ્તપ્રતોને ગ્રંથાલયની બહાર ન આપતાં તેની ફોટોસ્ટેટ કૉપી કે ઝૅરૉક્સ કૉપી કરી આપવાની સગવડ છે. બહારના વાચકો માટે આવાસની સુવિધાવાળા આ ગ્રંથાલયનો ઉપયોગ સંશોધનહેતુ માટે વિશેષ કરવામાં આવે છે. તેમાં 1958થી બાલવિભાગ પણ શરૂ કરવામાં આવ્યો છે.

રાજ્ય મધ્યસ્થ ગ્રંથાલય : વડોદરામાં આવેલ મધ્યવર્તી પુસ્તકાલય ગુજરાત રાજ્યનું આ પ્રકારનું ગ્રંથાલય છે. ગાંધીનગરમાં પણ અલગ રીતે રાજ્ય મધ્યસ્થ ગ્રંથાલયની રચના કરવામાં આવી છે. આ ગ્રંથાલયો રાજ્યના મુખ્ય ગ્રંથાલયો ઉપરાંત ગુજરાત પ્રેસ ઍન્ડ બુક્સ રજિસ્ટ્રેશન રુલ્સ, 1968 અનુસાર મેળવવામાં આવતાં પુસ્તકોના સંગ્રહનું કામ પણ કરે છે. આવાં મેળવેલ પુસ્તકોની સૂચિ પણ પ્રકાશિત કરવાની યોજના છે.

આ ગ્રંથાલય રાજ્યનાં અન્ય જિલ્લા તેમજ તાલુકા-ગ્રંથાલયોનું તકનીકી નિરીક્ષણ તેમજ મૂલ્યાંકન કરે છે અને તેમને માર્ગદર્શન પણ આપે છે.

સરકારી જિલ્લા ગ્રંથાલયો : ગુજરાત સરકારે દરેક જિલ્લામથકે સરકારી જિલ્લા ગ્રંથાલયોની રચના કરવાની યોજના કરી છે. તમામ 26 જિલ્લાગ્રંથાલયો હાલ (2010) અસ્તિત્વમાં છે. આ ગ્રંથાલયોનો સંપૂર્ણ વહીવટ સરકાર હસ્તક છે. તે ગ્રંથાલય-નિયામક અને રાજ્ય મધ્યસ્થ ગ્રંથાલયોને જવાબદાર હોય છે. આ ગ્રંથાલયો સરકારી તાલુકા ગ્રંથાલયો તથા અનુદાન લેતાં અન્ય ગ્રંથાલયોને માર્ગદર્શન આપે છે.

સરકારી તાલુકાગ્રંથાલયો : ગુજરાત સરકારે આદિવાસી-વિસ્તારો તથા અન્ય વિસ્તારો કે જ્યાં તાલુકામથકોએ સાર્વજનિક ગ્રંથાલયો અસ્તિત્વમાં ન હોય ત્યાં સરકારી તાલુકા-ગ્રંથાલયો સ્થાપવાનો અભિગમ રાખ્યો છે. આવાં 83 તાલુકા-ગ્રંથાલયો અસ્તિત્વમાં આવ્યાં છે. બાકીના તમામ તાલુકા મથકોએ અનુદાન મેળવતા ગ્રંથાલયો ચાલે છે.

ફરતાં ગ્રંથાલયો : રાજ્યના આદિવાસી અને પછાત વિસ્તારોના વધુ વસ્તી ધરાવતાં તથા દૂરદૂરનાં ગામો માટે ગુજરાત સરકારે ફરતાં ગ્રંથાલયોની યોજના શરૂ કરેલ છે. ગુજરાતના સાબરકાંઠા, વડોદરા, પંચમહાલ, સૂરત, ભાવનગર, સુરેન્દ્રનગર, ગાંધીનગર અને કચ્છ જિલ્લામાં સરકારી જિલ્લા ગ્રંથાલયોના તાબાહેઠળ ફરતાં ગ્રંથાલયો દ્વારા સેવા આપવામાં આવે છે. ગાંધીનગર જિલ્લાનાં ગામોને માટે રાજ્ય મધ્યસ્થ ગ્રંથાલય (ગાંધીનગર) દ્વારા સેવાઓ આપવામાં આવે છે. આ જિલ્લાઓના 80થી 100 ગામોમાં ફરતાં પુસ્તકાલયની સેવાઓ આપવામાં આવે છે.

કૉર્પોરેશન – મહાનગરોનાં ગ્રંથાલયો : 50,000 કે તેથી વધુ વસ્તી હોય તેવાં શહેરોમાં કૉર્પોરેશન – મહાનગરપાલિકા હસ્તક આવાં ગ્રંથાલયો હોય છે. આ ગ્રંથાલયોનો વહીવટ તથા ખર્ચ મહાનગરપાલિકા કરે છે, જ્યારે રાજ્યસરકાર તેને અનુદાન આપે છે. તેની સમગ્ર વહીવટી વ્યવસ્થા કૉર્પોરેશન દ્વારા જ થાય છે. આ ગ્રંથાલયનો ઉપયોગ કોઈ પણ જાતના ભેદભાવ વગર જે તે મહાનગરના નાગરિકો કરી શકે છે. અમદાવાદનું માણેકલાલ જેઠાભાઈ પુસ્તકાલય તથા સૂરતનું નર્મદ પુસ્તકાલય આનું ઉદાહરણ છે. મહાનગરમાં વસ્તીના ધોરણે નવાં શાખાગ્રંથાલયો પણ ખોલવામાં આવે છે. તે દ્વારા દૂરના વિસ્તારોના નાગરિકોને સેવા પ્રદાન કરવામાં આવે છે.

અનુદાની સાર્વજનિક ગ્રંથાલયો : ગુજરાતનાં સાર્વજનિક ગ્રંથાલયોની બે પ્રકારની તરાહ જોવા મળે છે : એક 100 % સરકાર દ્વારા નિભાવવામાં આવતાં ગ્રંથાલયો સરકારી સાર્વજનિક ગ્રંથાલયો તરીકે ઓળખાય છે અને બીજા પ્રકારનાં ગ્રંથાલયો અનુદાની ગ્રંથાલયો છે. ગુજરાત સરકાર અનુદાનના નિયમ હેઠળ વસ્તી અને કક્ષાના ધોરણે પ્રતિવર્ષ આ ગ્રંથાલયોને રાજ્યનું ગ્રંથાલય-ખાતું આર્થિક સહાય કરે છે. આ પ્રકારના અનુદાન મેળવતાં ગ્રંથાલયો નીચે પ્રમાણે છે :

અનુદાન હેઠળ નભતાં ગ્રંથાલયો (2009)

શહેર ગ્રંથાલયો

શહેર શાખા ગ્રંથાલયો

નગરકક્ષા–1નાં ગ્રંથાલયો

નગરકક્ષા–2નાં ગ્રંથાલયો

ગ્રામગ્રંથાલયો

કુલ ગ્રંથાલયો

46

86

107

251

3825

4315

નગરકક્ષા1નાં ગ્રંથાલયો : 25 હજારથી 50 હજાર સુધીની વસ્તી હોય તેવાં નગરોમાં સરકારના અનુદાનથી ચાલતાં સાર્વજનિક ગ્રંથાલયોને આ કક્ષાનાં ગ્રંથાલયો ગણવામાં આવે છે. ગુજરાતમાં અત્યારે આવાં 107 ગ્રંથાલયો અસ્તિત્વમાં છે.

નગરકક્ષા2નાં ગ્રંથાલયો : પાંચ હજારથી વધુ અને 25 હજારથી ઓછી વસ્તી હોય તે નગરોમાં સરકારના અનુદાનથી ચાલતાં સાર્વજનિક ગ્રંથાલયોને આ કક્ષા-પ્રકારમાં મૂકવામાં આવે છે. ગુજરાતમાં અત્યારે આવાં 251 ગ્રંથાલયો અસ્તિત્વમાં છે.

ગ્રામગ્રંથાલયો : 5000થી ઓછી વસ્તી હોય તેવાં ગામોમાં સરકારના અનુદાનથી ગ્રામગ્રંથાલય ચાલે છે. આવાં ગ્રંથાલયોમાં ગ્રામ-અર્થતંત્ર, વેપાર, હસ્તોદ્યોગ, ધાર્મિક-સ્થાનિક રીતરિવાજો વગેરેને લગતાં પુસ્તકોનો સંગ્રહ હોય છે. ગુજરાતમાં અત્યારે 3825 ગ્રામ-ગ્રંથાલયો અસ્તિત્વમાં છે.

લવાજમી ગ્રંથાલયો : સાર્વજનિક ગ્રંથાલયોનો લાભ આમજનતા કોઈ પણ જાતના ભેદભાવ વગર લઈ શકે છે; પરંતુ અમુક ખાનગી વ્યક્તિઓ કે સંસ્થાઓ લવાજમ લઈને ગ્રંથાલયસેવા આપે છે. જોકે આવાં ગ્રંથાલયો પ્રમાણમાં બહુ ઓછાં છે; પરંતુ એક વિશિષ્ટ પ્રકાર તરીકે અસ્તિત્વમાં છે. રાજ્યમાં પ્રજાજનોને વાંચન સેવા દ્વારા જ્ઞાન, માહિતી અને મનોરંજન પૂરા પાડતાં ગ્રંથાલયો આ દિશામાં હોંશપૂર્વક આગળ વધી શકે અને પ્રજાજનોની ઉમદા સેવા કરી શકે તે માટે સ્પર્ધાત્મક વાતાવરણ નિર્માણ કરવાની ર્દષ્ટિએ રાજ્ય સરકારશ્રી દ્વારા ‘શ્રી મોતીભાઈ અમીન ગ્રંથાલય સેવા પારિતોષિક અને ઉત્તમ ગ્રંથાલય સેવા પ્રમાણપત્ર સ્પર્ધા’ 1974થી શરૂ કરાયેલ છે. સમયાંતરે આ સ્પર્ધાના સ્વરૂપમાં ફેરફારો કરાયા છે અને ઍવૉર્ડની રકમમાં પણ વધારો કરાયેલ છે.

રાજ્યના અનુદાનિત ગ્રંથાલયો આ સ્પર્ધામાં ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યાં છે અને આ સ્પર્ધાને લીધે રાજ્યના જાહેર ગ્રંથાલયો તેમની સુવિધાઓ અને સેવાઓમાં ઉત્તરોત્તર વધારો કરવા પ્રેરાયા છે.

શૈક્ષણિક ગ્રંથાલયો

વિશ્વવિદ્યાલયગ્રંથાલય : વિશ્વવિદ્યાલયના મુખ્ય મથકે એક વિશાળ ગ્રંથાલય હોય છે. આ ગ્રંથાલય વિશ્વવિદ્યાલયના વિદ્યાર્થીઓ, અભ્યાસીઓ, અધ્યાપકો અને કર્મચારીઓને પોતાની સેવા પ્રદાન કરે છે. આ ગ્રંથાલયોમાં વિશ્વવિદ્યાલયના અભ્યાસક્રમને લક્ષમાં રાખીને પુસ્તકોની પસંદગી અને પ્રાપ્તિ કરવામાં આવે છે. આ ગ્રંથાલયનો ઉપયોગ અભ્યાસીઓ અને સંશોધકો વિશેષ પ્રમાણમાં કરતા હોવાથી તેમને ત્વરિત અને સુયોગ્ય ગ્રંથાલયસેવા મળે તે માટે પ્રયત્ન કરવામાં આવે છે.

મહાવિદ્યાલય(કૉલેજ)-ગ્રંથાલય : મહાવિદ્યાલય માટે ગ્રંથાલય અનિવાર્ય છે. આવી સંસ્થાઓમાં ગ્રંથાલયોના માધ્યમથી વિદ્યાર્થીઓને સ્વ-અધ્યયન પ્રત્યે અભિમુખ કરી શકાય છે અને એ દ્વારા વિદ્યાર્થીઓની શૈક્ષણિક અભિરુચિ કેળવી શકાય છે. આજના શૈક્ષણિક સ્પર્ધાના યુગમાં વિદ્યાર્થી માત્ર સામાન્ય પુસ્તકિયું જ્ઞાન પ્રાપ્ત કરે એ પૂરતું નથી. મહાવિદ્યાલયના ગ્રંથાલય દ્વારા આવા વિદ્યાર્થીઓને પોતાની પ્રતિભા ખીલવવાનો અવકાશ રહે છે.

ગુજરાતમાં પણ ઉપરના ઉદ્દેશોની પૂર્તિ માટે પ્રત્યેક કૉલેજમાં ગ્રંથાલયની જોગવાઈ કરવામાં આવે છે. તેમાં ઉચ્ચશિક્ષણ લેતા વિદ્યાર્થીઓ માટે જ્ઞાન અને સંશોધનને લગતાં પુસ્તકો અને અન્ય સાહિત્ય સંગૃહીત હોય છે.

શાળાગ્રંથાલય : (1) માધ્યમિકઉચ્ચતર માધ્યમિક શાળાગ્રંથાલયો : આ પ્રકારનાં ગ્રંથાલયો વિદ્યાર્થીઓ માટે માહિતી, મનોરંજન અને ફુરસદની પળોના ઉપયોગનું શક્તિશાળી માધ્યમ છે. ઉપરાંત સામાજિક અને નૈતિક ટેવોના ઘડતર માટેનું સુયોગ્ય સ્થળ પણ છે. આ પ્રકારનાં ગ્રંથાલયો અભ્યાસક્રમ તથા વિદ્યાર્થીઓની જરૂરિયાતોના સંદર્ભમાં પુસ્તકો અને અન્ય સામગ્રીનો અસરકારક ઉપયોગ થાય તે માટે પ્રયત્ન કરે છે અને અધ્યયનસામગ્રીની પસંદગીમાં મદદ કરે છે. વિદ્યાર્થીને તેના રસ, શોખ કે અભિરુચિને પ્રસ્થાપિત કરવામાં સહાયભૂત થાય છે. આવાં ગ્રંથાલયોમાં જ્યાં તાલીમ પામેલ ગ્રંથપાલ હોય છે ત્યાં વિદ્યાર્થીઓ દ્વારા ગ્રંથાલયનો સુયોગ્ય ઉપયોગ થાય છે.

(2) પ્રાથમિક શાળાગ્રંથાલયો : આ પ્રકારનાં ગ્રંથાલયો કેળવણીની પ્રક્રિયામાં મહત્ત્વના માધ્યમ તરીકે સ્વીકારાયાં છે અને તેનો કેળવણી સાથેનો પ્રગાઢ સંબંધ જોતાં તેનાં ધ્યેયો અને હેતુઓ કેળવણીનાં ધ્યેયો અને હેતુઓને અન્યોન્ય પૂરક પણ છે. આવાં ગ્રંથાલયો બાળકોમાં વાચનરસ ખીલવવા તથા પોષવા માટે પ્રયત્ન કરે છે.

(3) તાંત્રિકી તથા ધંધાકીય શિક્ષણ આપતી સંસ્થાઓનાં ગ્રંથાલયો : આધુનિક યુગમાં પ્રાથમિક-માધ્યમિક શાળાઓ, વિનયન, વાણિજ્ય અને વિજ્ઞાન કૉલેજનાં ગ્રંથાલયોથી ભિન્ન એવાં તાંત્રિકી શિક્ષણ તેમજ ધંધાકીય શિક્ષણ આપતી સંસ્થાઓનાં ગ્રંથાલયો પણ અસ્તિત્વ ધરાવે છે. ઔદ્યોગિક તાલીમસંસ્થાઓ, ઇજનેરી-તબીબી કૉલેજો, પૉલિટૅક્નિક, કૃષિ-કૉલેજો વગેરેનાં ગ્રંથાલયો આ પ્રકારનાં છે. આવાં ગ્રંથાલયોમાં પુસ્તકપસંદગી અને સંગ્રહ તાંત્રિકી અને ધંધાકીય વિષયોના સંદર્ભમાં જ થાય છે. આ ગ્રંથાલયનો ઉપયોગ તાંત્રિકી શિક્ષણ અને ધંધાકીય શિક્ષણના વિદ્યાર્થીઓ વિશેષ પ્રમાણમાં કરે છે.

વિશિષ્ટ ગ્રંથાલય

વિશિષ્ટ હેતુ માટેનાં ગ્રંથાલય : (1) સંશોધનસંસ્થાઓનાં ગ્રંથાલયો : વૈજ્ઞાનિક, શૈક્ષણિક કે અન્ય કોઈ સંશોધનસંસ્થાઓ પોતાના સંશોધનકાર્યમાં મદદરૂપ થાય તે માટે ઝડપી સંદર્ભસેવા આપતું ગ્રંથાલય પણ વિકસાવે છે.

ગ્રંથાલયક્ષેત્રે થતા નવીનતમ આવિષ્કારો તથા વિજ્ઞાન અને તકનીકીના વધતા જતા ઉપયોગને ધ્યાનમાં રાખીને આવાં ગ્રંથાલયોમાં સમયે સમયે પરિવર્તનો આવે છે. સંશોધકોને ઝડપી સેવા ઓછા સમયમાં પ્રદાન કરવાનો મુખ્ય આશય આ ગ્રંથાલયોનો હોય છે. અટીરા (અમદાવાદ), ફિઝિકલ રિસર્ચ લૅબોરેટરી (અમદાવાદ) જેવી સંશોધનસંસ્થાઓનાં ગ્રંથાલયો આ પ્રકારનાં છે.

વ્યાવસાયિક સંગઠનોનાં ગ્રંથાલયો : વકીલોનાં મંડળો, તબીબોનાં મંડળો, શિક્ષકોનાં મંડળો જેવાં કેટલાંક વ્યાવસાયિક મંડળો કે સંગઠનો પોતાના વ્યવસાયને લગતાં પુસ્તકો માટે આવાં અલાયદાં ગ્રંથાલયો રાખે છે. તેના વાચકો પણ જે તે વ્યાવસાયિક મંડળના સભ્ય હોય છે. તેના વાચકોનો તથા માગનો પ્રકાર નિશ્ચિત હોય છે.

ઔદ્યોગિક એકમોનાં ગ્રંથાલયો : મિલ-ઉદ્યોગ, રસાયણ-ઉદ્યોગ, દવા-ઉદ્યોગ, લોખંડ-ઉદ્યોગ જેવા ઉદ્યોગો પોતાની પ્રયોગશાળા અને ગ્રંથાલય અવશ્ય વિકસાવે છે. રોજબરોજ થતાં સંશોધનોનો લાભ પોતાના ઉદ્યોગમાં કેવી રીતે મેળવી શકાય, તેને લગતી માહિતી સવિશેષ એકત્ર કરવામાં આવે છે. ભારતમાં બધા જ મોટા ઔદ્યોગિક એકમો પોતાનાં આવાં ગ્રંથાલયો ધરાવે છે.

પુરાતત્વવિષયક ગ્રંથાલયો : પુરાતત્વખાતાનાં મ્યુઝિયમ પ્રકારનાં ગ્રંથાલયો તેમાં સંગ્રહવામાં આવતા સાહિત્યને લીધે વિશિષ્ટ હોય છે. આ ગ્રંથાલયોમાં મુદ્રિત પુસ્તકો કરતાં હસ્તપ્રતો, અપ્રાપ્ય અને દુર્લભ પુસ્તકો, સિક્કાઓ, દસ્તાવેજો, તામ્રપત્રો, માટીની તકતીઓ વગેરે હોય છે. આવાં ગ્રંથાલયોની સામગ્રી ગ્રંથાલયમાં જ બેસીને ઉપયોગ કરવા માટે હોય છે. હવે તો આવાં અપ્રાપ્ય પુસ્તકો, સામગ્રીઓનું માઇક્રો- ફિલ્મમાં રૂપાંતર પણ કરી શકાય છે.

વિદેશી એજન્સીઓનાં ગ્રંથાલયો : વિદેશી સંસ્થાઓ, પરદેશનાં એલચી ખાતાંઓ વગેરે દ્વારા આ પ્રકારનાં ગ્રંથાલયો ચલાવાય છે. બ્રિટિશ કાઉન્સિલનાં આવાં ગ્રંથાલયો ભારતનાં મહત્વનાં મહાનગરોમાં આવેલ છે. આ ગ્રંથાલયો સભ્ય થનાર સૌ કોઈને સેવા આપે છે. આવાં ગ્રંથાલયોમાં આધુનિકીકરણ વિશેષ જોવા મળે છે.

સરકારી ગ્રંથાલયો : રાજ્ય સરકારના સીધા વહીવટ હેઠળ આ ગ્રંથાલયો ચાલે છે. તેમનો સંપૂર્ણ વહીવટ સરકારી ધારાધોરણ પ્રમાણેનો હોય છે. આવાં ગ્રંથાલયોનું સંચાલન સરકારના અન્ય વિભાગોની જેમ 100 % અનુદાનથી તો હોય જ; પરંતુ તેમાં કર્મચારીની નિમણૂક, મકાન-ફર્નિચરની જાળવણી અને અન્ય વહીવટી વ્યવસ્થાનું માળખું પણ સરકારના વિનિયમો મુજબ હોય છે.

આ પ્રકારનાં ગ્રંથાલયો સાર્વજનિક ગ્રંથાલયોના જેવાં જ કાર્યો કરે છે. વળી સરકારી ગ્રંથાલયો હોવાને કારણે કેટલીક વિશિષ્ટ સેવાઓ પણ તેઓ આપે છે.

ગુજરાત રાજ્યના સંદર્ભમાં નીચે જણાવેલ ગ્રંથાલયો એ રાજ્યસરકારનાં ‘સરકારી ગ્રંથાલયો’ છે તેમાંથી પ્રથમ ત્રણ પ્રકારનાં ગ્રંથાલયો ‘સરકારી’ હોવા છતાં સાર્વજનિક ગ્રંથાલયોના ઉદ્દેશો મુજબ જ કાર્ય કરે છે. તેથી તેમને ‘સરકારી સાર્વજનિક ગ્રંથાલય’ પણ કહી શકાય.

1. રાજ્ય મધ્યસ્થ ગ્રંથાલયો

2. સરકારી જિલ્લા ગ્રંથાલયો

3. સરકારી તાલુકા ગ્રંથાલયો

4. સરકારી સંગ્રહાલય અને પુરાતત્ત્વ ગ્રંથાલયો

5. સરકારના વહીવટી વિભાગોનાં ગ્રંથાલયો

વિશિષ્ટ વર્ગ માટેનાં ગ્રંથાલય

(1) બાળગ્રંથાલય : બાળકોના માનસિક તથા શારીરિક વિકાસ દ્વારા તેમના વ્યક્તિત્વને પૂર્ણ રીતે ખીલવવા માટે જેમ બાળભવનો, બાળઉદ્યાનો, બાળક્લબો, બાળ-વિદ્યાલયો, બાળોપયોગી ચલચિત્રોની આવશ્યકતા છે તેવી રીતે બાળપુસ્તકાલયની પણ અત્યંત જરૂર છે. બાળકો માટે બાળગ્રંથાલયો એ માહિતી – જ્ઞાનવૃદ્ધિ, મનોરંજન અને આનંદપ્રમોદનું એક સાત્વિક માધ્યમ બની રહે છે. આવાં ગ્રંથાલયો બાળકોમાં જિજ્ઞાસા ઉત્પન્ન કરવાની સાથે ફુરસદના સમયના સમુચિત ઉપયોગ દ્વારા તેના સર્વાંગી વિકાસમાં સહાય કરે છે. ગુજરાત રાજ્યમાં અનુદાન લેતાં હાલ આ પ્રકારનાં કુલ 97 જેટલાં બાળગ્રંથાલયો છે.

(2) મહિલાગ્રંથાલયો : આજના પરિવર્તનશીલ યુગમાં મહિલાઓ પુરુષ-સમોવડી બનવા મથામણ કરે છે. મહિલાઓને આ માટે પ્રેરણા અને પ્રોત્સાહન આપતું જો કોઈ અનૌપચારિક માધ્યમ હોય તો તે ‘મહિલાગ્રંથાલય’ છે.

મહિલાઓ પોતાના કામકાજથી મુક્ત થઈને પોતાને અનુકૂળ સમયે પોતાના ક્ષેત્રનું પોતાની અભિરુચિ મુજબનું વાચનસાહિત્ય મેળવે છે. ગુજરાતમાં ઘણી સેવાભાવી સંસ્થાઓ પણ આવાં સાર્વજનિક ગ્રંથાલયો માટે પ્રયત્નશીલ છે. હાલ રાજ્યમાં અનુદાન લેતાં કુલ 113 મહિલાગ્રંથાલયો છે.

(3) પ્રૌઢશિક્ષણકેન્દ્રનાં ગ્રંથાલયો : દેશમાંથી નિરક્ષરતાનું પ્રમાણ ઓછું કરવા માટેના પ્રયત્નોમાં પ્રૌઢશિક્ષણ-કેન્દ્રો અગત્યનો ભાગ ભજવે છે. આવાં કેન્દ્રો રાજ્ય સરકારના અનુદાન ઉપર નિર્ભર હોય છે. આવાં કેન્દ્રોમાં પ્રૌઢોને અક્ષરજ્ઞાનથી માંડીને હળવા વાચનસાહિત્ય તરફ દોરી જતાં પુસ્તકોનો સંગ્રહ હોય છે. આવાં ગ્રંથાલયોમાં જેઓ ક્રમશ: અક્ષરજ્ઞાન મેળવીને લખતાંવાંચતાં શીખે છે તે વાચકો હોય છે.

(4) અંધજનોનાં ગ્રંથાલયો : અંધજનો માટે બ્રેઇલ લિપિના ગ્રંથો અલગ ગ્રંથાલયમાં સંગ્રહવામાં આવે છે. આ પ્રકારનું ગ્રંથાલય માત્ર અંધજનોને જ સેવા આપે છે. આ ગ્રંથાલયોમાં અંધજનોની મર્યાદાઓ અને સગવડોને ધ્યાનમાં રાખીને જ ગ્રંથસંગ્રહ તથા ગ્રંથાલયસેવાઓ પ્રદાન કરવામાં આવે છે. આવાં ગ્રંથાલયોમાં વ્યક્તિગત સેવાને ખૂબ મહત્ત્વ આપવામાં આવે છે. આવાં ગ્રંથાલયોને સરકારી અનુદાન 90 % મળતું હોય છે. હાલ રાજ્યમાં અનુદાન લેતાં કુલ 9 અંધજનોનાં ગ્રંથાલયો છે.

(5) રુગ્ણાલયોનાં ગ્રંથાલયો : રુગ્ણાલયો એટલે દવાખાનાં કે ઇસ્પિતાલોનાં ગ્રંથાલયો પણ વિશિષ્ટ સેવા અર્પણ કરે છે. માંદગી ભોગવતા દર્દીઓને એમના દર્દની પીડા અને માનસિક પરિતાપોનું શમન કરી માનસિક સ્વાસ્થ્ય મળે એ માટે હળવા તથા મનોરંજનપૂર્ણ સાહિત્યની જરૂર પડે છે. વળી જે તે સંસ્થાના કર્મચારીઓને સેવા અને શુશ્રૂષા માટે વધુ પ્રેરણા આપે તેવી વાચનસામગ્રીનો ત્યાં સંગ્રહ કરવામાં આવે છે.

(6) કારાગૃહોનાં ગ્રંથાલયો : કેદીઓનું ગુનાખોરીવાળું માનસ, વેરની આગથી બળતું માનસ વિશુદ્ધ કરવા સચ્ચરિત્રોવાળા ગ્રંથો આ ગ્રંથાલયોમાં સંગ્રહવામાં આવે છે.

(7) ધાર્મિક સંસ્થાઓનાં ગ્રંથાલયો : પુરાતન કાળથી ધાર્મિક સંસ્થાઓ શિક્ષણના પ્રચારનું કામ કરે છે. અત્યારે પણ આવી સંસ્થાઓમાં શિક્ષણની સાથે ગ્રંથાલયોનો પણ વિકાસ થયેલ જોવા મળે છે. આ ગ્રંથાલયોમાં જે તે ધર્મ કે સંપ્રદાયને લગતા વિશેષ સાહિત્યનો સંગ્રહ હોય છે. તેના વાચકો પણ તે જ સંપ્રદાયના હોય છે.

(8) મર્યાદિત સભ્યોનાં ગ્રંથાલયો : કેટલીક વ્યક્તિઓ પોતાને વધુ કાર્યક્ષમ સેવાઓ ઓછા સમયમાં ઝડપી, ઘેરબેઠાં અને વધુ સમય માટે મળી શકે તે માટે ભેગી મળીને પોતાની સંયુક્ત માલિકીનાં ગ્રંથાલયો સ્થાપે છે. તેમાં સભ્ય થનારને જ સેવાઓ આપવામાં આવે છે. જોકે આવાં ગ્રંથાલયો પ્રમાણમાં નાનાં અને ઓછાં છે; પરંતુ એક પ્રકાર તરીકે અસ્તિત્વમાં છે.

ફરતું ગ્રંથાલય : ફરતું ગ્રંથાલય એ સ્વયં વાચકો પાસે પહોંચી જનાર, ઘેરબેઠાં સેવા આપનારું ગ્રંથાલય છે. ભારત ગામડાંઓનો બનેલો દેશ છે. આવાં ગામડાંને ગ્રંથસેવા આપવા માટે ફરતા ગ્રંથાલયનું મહત્વ અવર્ણનીય છે. આવાં ગ્રંથાલયો બળદગાડાં, ઊંટગાડી, મોટર–બસમાં કે સાઇકલ પર રાખવામાં આવે છે. ગુજરાતમાં પણ હવે ફરતાં ગ્રંથાલયો શરૂ થયાં છે.

અનુદાન લેતી જાહેર સંસ્થાઓનાં ગ્રંથાલયો : ભારતમાં સત્-પ્રવૃત્તિઓ કરનાર સ્વૈચ્છિક સંસ્થાઓની પ્રવૃત્તિઓ ખૂબ જ પ્રશંસનીય રહી છે. આવી સંસ્થાઓ દ્વારા સાર્વજનિક ગ્રંથાલયો પણ ચલાવવામાં આવે છે. સરકાર આવી સંસ્થાઓને જાહેર સેવાઓ આપવાની શરતે અનુદાન પણ આપે છે તેથી આ પ્રકારનાં ગ્રંથાલયો ગુજરાતમાં સારી સેવાઓ આપે છે.

વિધાનસભા ગ્રંથાલય : આ ગ્રંથાલય વિશિષ્ટ સેવા આપતું સરકારી ગ્રંથાલય છે. તેનો ધારાસભ્યો, મંત્રીઓ, સરકારી કર્મચારીઓ વગેરે મર્યાદિત સભ્યો જ લાભ લેતા હોય છે. તેનું સમગ્ર સંચાલન સરકાર દ્વારા થાય છે. વિધાનસભાનું સત્ર ચાલુ હોય ત્યારે આ ગ્રંથાલયમાં ત્વરિત સંદર્ભસેવા આપવામાં આવે છે. આ ગ્રંથાલયમાં સરકારી પ્રકાશનો, સરકારી મુસદ્દાઓ, સરકારી ગેઝેટો, રાજપત્રો વગેરે સંગ્રહવામાં આવે છે.

વિવિધ સરકારી વિભાગોનાં ગ્રંથાલયો : સરકારનાં વિવિધ ખાતાંઓ – વિભાગો પોતાના સંદર્ભ માટે અલાયદું ગ્રંથાલય રાખે છે. આ ગ્રંથાલયોનો ઉપયોગ જે તે ખાતાના કર્મચારીઓ કરે છે.

કિશોર શુક્લ

મીનળ ચૌહાણ

રાજલ રાજેન્દ્રભાઈ મહેતા

વ્યવસ્થા

ગ્રંથાલયને સમૃદ્ધ અને સક્ષમ બનાવવા તેની સામેની સમસ્યાઓને ત્રણ વિભાગમાં વહેંચી શકાય : (1) સંસાધન-પસંદગી અને પ્રાપ્તિ. (2) સંસાધન-પ્રક્રિયા. (3) સંસાધનનો ઉપયોગ.

ગ્રંથાલય સ્વાયત્ત સંસ્થા નથી પણ શૈક્ષણિક, ખાનગી, જાહેર કે સંશોધનસંસ્થાનું મહત્વનું અંગ છે. સૌપ્રથમ સંસાધનપ્રાપ્તિ અંગેનાં સૂચનો તજ્જ્ઞો પાસેથી મેળવીને સંસાધનો વસાવવાની કાર્યવહી શરૂ થાય છે; પરંતુ તે અંગેના મતભેદ ઉપરાંત વિશ્વભરની વિવિધ જ્ઞાન-શાખાઓમાં જ્ઞાનનો એવો વિસ્ફોટ થઈ રહ્યો છે કે એ અંગેનાં ન્યૂનતમ સંસાધન બજેટના અભાવે કોઈ એક ગ્રંથાલય વસાવી શકે તેમ નથી. તેમ છતાં બજેટનો ઉત્તમમાં ઉત્તમ વિનિયોગ કઈ રીતે કરી શકાય તે ગ્રંથાલયોએ વિચારવાનું હોય છે. વિવિધ શાખાઓને નજરમાં રાખીને પ્રત્યેક શાખાના મહત્વના કાર્ય અંગેનાં સંસાધનોને અગ્રતા આપવી જોઈએ. જ્યાં વિવિધ વિદ્યાશાખાઓનું સરખું મહત્ત્વ હોય ત્યાં તેનાં સંસાધનોનો અગ્રતાક્રમ નક્કી કરવો જોઈએ. પસંદગી સમિતિના હોદ્દેદારોએ નિશ્ચિત બજેટમાં જે સંસાધનો ખરીદવાનાં હોય તેમાં તાટસ્થ્યપૂર્ણ ર્દષ્ટિબિન્દુ રાખવું જોઈએ. વિકસિત દેશોમાં પસંદગી, પ્રાપ્તિ અને સંગ્રહની પરિકલ્પનાઓ બદલાઈ છે. અધિકૃત અને વૈજ્ઞાનિક ઉપકરણોને આધારે પસંદગી કરવામાં આવે છે. જુદી જુદી સંસ્થાઓ પારસ્પરિક સમજથી સંસાધનો વસાવે તો ખર્ચમાં કાપ મૂકી શકાય અને એ નાણાં અન્ય સંસાધનો વસાવવામાં ખર્ચીને વિકાસ સાધી શકાય. આ અંગે ભારતમાં યોજનાબદ્ધ કાર્યક્રમ ઘડાવો જોઈએ. સંસાધન-પસંદગીમાં નિયુક્ત સમિતિ કાર્ય કરે પણ એમાં ગ્રંથપાલનો અવાજ મુખ્ય રહે. ગ્રંથપાલ સંસાધન-પ્રાપ્તિની સમગ્ર પ્રક્રિયાથી માહિતગાર હોય છે. પહેલાં વધારે વળતર આપનાર વિતરકો પાસેથી સંસાધનો ખરીદવામાં આવતાં હતાં, જ્યારે અત્યારે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ વળતર નિશ્ચિત કરવામાં આવ્યું છે. ભારતમાં એ માટે બુક પ્રમોશન ઍન્ડ કૉપીરાઇટ ડિવિઝન, મિનિસ્ટ્રી ઑવ્ હ્યૂમન રિસોર્સ ડેવલપમેન્ટ અને ગુડ ઑફિસીસ કમિટી નક્કી કરવામાં આવી છે જે સમયાંતરે વળતર–વિનિમય-દર વગેરેની શરતો નક્કી કરે છે. સંસાધનોમાં સામયિકોની પ્રાપ્તિનો પ્રશ્ન મૂંઝવણ ઊભી કરતો હોય છે. સામયિક શરૂ કરતાં પહેલાં તે માટેની શરતો નક્કી કરવી, અંકોના આદાનપ્રદાન માટે જૂથની રચના કરવી વગેરે બાબતો લક્ષમાં લેવાની રહે છે. સંસાધનપ્રાપ્તિ ભેટ દ્વારા, આદાનપ્રદાન દ્વારા અથવા સંસ્થાકીય સભ્યપદ દ્વારા પણ કરવામાં આવે છે.

સંસાધન પ્રાપ્ત કર્યા પછી તેના વ્યવસ્થિત સંચય માટે વિવિધ પ્રક્રિયા કરવી પડે છે. તેમાં પ્રથમ પ્રક્રિયા નોંધણીની છે. નોંધણી-રજિસ્ટરમાં નોંધણીની તારીખ, ક્રમાંક, આઇ.એસ.બી.એન., કર્તા, શીર્ષક, આવૃત્તિ, પ્રકાશનસ્થળ, પ્રકાશક, પ્રકાશનવર્ષ, બાંધણી, કદ, પૃષ્ઠસંખ્યા, સંસાધન પૂરાં પાડનારનું નામ અને સરનામું, કિંમત વગેરે નોંધવામાં આવે છે. જુદી જુદી સંસ્થાઓ વિવિધ રજિસ્ટરો રાખે છે. તેનો લાભ એ છે કે એકસાથે વધુ વ્યક્તિઓ કાર્ય કરી શકે છે. આધુનિક યુગમાં આ કાર્યમાં કમ્પ્યૂટરના ઉપયોગને લીધે ઝડપ અને ચોકસાઈ આવ્યાં છે.

બીજી પ્રક્રિયા ગોઠવણીની છે. ગોઠવણી વિષય પ્રમાણે કરવામાં આવે છે. વિષયનો ક્રમ નિશ્ચિત વર્ગીકરણપદ્ધતિ પ્રમાણે નક્કી કરવામાં આવે છે. ઈ. પૂ. 7મી સદીથી વર્ગીકરણપદ્ધતિ અમલમાં આવી. ઈ. સ. 1876માં મેલ્વિલ ડ્યૂઈએ આપેલી ‘ડેસિમલ ક્લાસિફિકેશન’ પદ્ધતિ દ્વારા પ્રથમ વાર સંસાધનને ગોઠવણીમાં સાપેક્ષ સ્થાન મળ્યું છે. આ વર્ગીકરણપદ્ધતિ પછી જુદા જુદા દેશોમાં અનેક વર્ગીકરણપદ્ધતિઓ શોધાઈ. આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે સાત પદ્ધતિઓ જાણીતી છે. એમાંની એક ડૉ. રંગનાથનની ‘કોલન ક્લાસિફિકેશન’ પદ્ધતિ પણ છે. અત્યારે બધી પદ્ધતિઓમાં ડ્યૂઈ ડેસિમલ ક્લાસિફિકેશન પદ્ધતિનો ઉપયોગ મોખરે છે. નવી અસ્તિત્વમાં આવેલી પદ્ધતિ તે બ્રૉડ સિસ્ટમ ઑવ્ ઑર્ડરિંગ છે.

આ ઉપરાંત ઘણા વિષયો માટે સૂક્ષ્મ વર્ગીકરણપદ્ધતિઓ પણ ઉપલબ્ધ છે જેને વિશિષ્ટ વર્ગીકરણપદ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. વર્ગીકરણ સિવાય અન્ય કોઈ પદ્ધતિથી ગોઠવણી થઈ શકે કે કેમ એ અંગે વિચારણા થાય છે. સંસાધન-સંગ્રહમાં શોધપ્રક્રિયા માટે નિર્દેશીકરણ(indexing)-પદ્ધતિના ઉપયોગ પર ભાર મૂકવામાં આવે છે. આ નિર્દેશ કરવાની પ્રક્રિયા હોઈ એને નિર્દેશીકરણપદ્ધતિ કહે છે. શોધપ્રક્રિયા-કમ્પ્યૂટર દ્વારા આ નિર્દેશીકરણ-પદ્ધતિ સફળ પુરવાર થઈ છે. નિર્દેશીકરણમાં પ્રાકૃતિક ભાષાનો ઉપયોગ થતો હોઈ શબ્દભંડોળ-નિયંત્રણની જરૂર રહે છે. એ માટે અધિકૃત સંસ્થાઓ દ્વારા શબ્દભંડોળ પ્રસિદ્ધ કરવામાં આવે છે અને સમયાંતરે એને અદ્યતન રાખવામાં આવે છે.

પ્રત્યેક ગ્રંથાલયમાં કયાં સંસાધનો છે તે ગ્રંથાલયની સૂચિ દ્વારા જાણી શકાય છે. આ સૂચિઓમાં કર્તાસૂચિ, વિષયસૂચિ, શીર્ષકસૂચિ, સાહિત્યના પ્રકાર પરત્વેની સૂચિ વગેરેનો સમાવેશ થાય છે. સૂચિ એટલે ગ્રંથાલયમાં સંગૃહીત સંસાધનોની યાદી. સૂચિ તૈયાર કરવાની પ્રક્રિયાને સૂચીકરણ કહે છે. વાઙ્મયસૂચિમાં જે તે ક્ષેત્રમાં પ્રકાશન થયેલ સમગ્ર સંસાધનોનો સમાવેશ કરવામાં આવે છે. ગ્રંથાલયની સૂચિ તૈયાર કરવા માટે જે તે ગ્રંથાલયે નિશ્ચિત કરેલી સૂચિસંહિતા અથવા સૂચીકરણ-નિયમાવલીને અનુસરે છે. સૂચીકરણ માટે પણ વિવિધ સૂચિસંહિતા અથવા સૂચીકરણ-નિયમાવલી શોધાઈ છે. આ સૂચિસંહિતાઓમાં ભારતના તજ્જ્ઞ ડૉ. રંગનાથનના ક્લાસિફાઇડ કૅટલૉગ-કોડનો સમાવેશ થાય છે. તેની પાંચમી સંશોધિત આવૃત્તિ 1964માં પ્રકાશિત થઈ છે. આ એક સંપૂર્ણ સૂચિસંહિતા છે. અમેરિકા અને યુરોપના તજ્જ્ઞોએ વિવિધ કૅટલૉગિંગના નિયમ આપ્યા છે. તેની સંશોધિત આવૃત્તિઓ સમયાંતરે પ્રસિદ્ધ થાય છે.

ઍંગ્લો-અમેરિકન રૂલ્સ (AAR) (1908);  અમેરિકન લાઇબ્રેરી ઍસોસિયેશન કૅટલૉગ રૂલ્સ. (ALACR) (1949); ઍંગ્લો-અમેરિકન કૅટલૉગિંગ રૂલ્સ (AACR) (1967); ઍંગ્લો-અમેરિકન કૅટલૅાગિંગ રૂલ્સ (AACR-2) (1978) સંશોધિત આવૃત્તિ (1988). ઉપયોગિતાની ર્દષ્ટિએ આજે AACR-2 મોખરે છે, તે વિવિધ સંસાધન માટે ઇફલા(International Federation of Library Association)એ આપેલા ઇન્ટરનૅશનલ સ્ટાન્ડર્ડ બિબ્લિયૉગ્રાફિક ડિસ્ક્રિપ્શનને અનુસરે છે. તેમાં કર્તા, અભિગમ, પસંદગી અને તેનાં મથાળાં આપવા અંગેના નિયમો આપેલા છે. સંસાધનમાં રહેલા વિષય-અભિગમ પરત્વે કાં તો વર્ગાંક ઉપર આધાર રાખવામાં આવે છે અથવા અધિકૃત વિષયમથાળાંની યાદીના આધારે વિષયમથાળાં આપવામાં આવે છે.

સૂચીકરણનો મુખ્ય હેતુ વાચકના અભિગમને ન્યાય આપવાનો અને સંસાધનમાં રહેલા વિષય નક્કી કરવાનો છે. ગ્રંથાલયની સૂચિનાં વિવિધ સ્વરૂપો અસ્તિત્વમાં આવ્યાં અને છેલ્લે પત્રક-સ્વરૂપની સૂચિ લાંબા સમય સુધી ઉપયોગમાં રહી. આજે સૂચીકરણક્ષેત્રે કમ્પ્યૂટરનો ઉપયોગ આવકારદાયક છે. નોંધમાં આપેલા કોઈ પણ શબ્દનો અભિગમ કમ્પ્યૂટરસૂચિમાં સંતોષાય છે. આજે ગ્રંથાલયની સૂચિ કમ્પ્યૂટરમાં તૈયાર થાય છે. વિકસિત દેશોમાં વ્યાપારી ધોરણે વાઙ્મયસૂચિઓ અને ગ્રંથાલયની સૂચિ કમ્પ્યૂટરમાં તૈયાર કરાય છે અને વ્યાપારી ધોરણે ટેલિકૉમ્યુનિકેશન લાઇન દ્વારા સ્થાનિક, પ્રાદેશિક, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય કક્ષાએ તેને લોકભોગ્ય બનાવાય છે. એને ઑનલાઇન પેટ્રન એક્સેસ કૅટલૉગ, ઑનલાઇન પબ્લિક એક્સેસ કૅટલૅાગ, ઑનલાઇન બિબ્લિયૉગ્રાફિક ડેટાબેઝ વગેરે નામથી ઓળખવામાં આવે છે. વાચક ગ્રંથાલયના કર્મચારીની મદદ સિવાય પણ જાતે આ સૂચિનો ઉપયોગ કરી શકે છે. સહકારી વાઙ્મયસૂચિઓ અને સૂચિઓને કમ્પ્યૂટર અને ટેલિકૉમ્યુનિકેશન નેટવર્ક દ્વારા વ્યાપક પ્રમાણમાં લોકભોગ્ય બનાવવા માટે સૂચીકરણમાં એકસૂત્રતા લાવવાના અને પ્રમાણીકરણ (uniformity and standardisation) માટેના ઘણા પ્રયત્નો થયા છે. તેમાં ઇફલાએ આપેલા આઇ.એસ.બી.ડી., રાષ્ટ્રીય માર્ક ફૉર્મેટ (MARC format – Machine Readable Catalog Format); અને યુનેસ્કોએ આપેલ કૉમન કૉમ્યુનિકેશન ફૉર્મેટ (CCF) ઉપલબ્ધ છે. ભારતમાં પોતાનું રાષ્ટ્રીય માર્ક ફૉર્મેટ નથી; પરંતુ સી.સી.એફ.ને અનુસરવાની વિચારણા થઈ રહી છે.

સંસાધનોની પસંદગી, પ્રાપ્તિ, નોંધણી, વર્ગીકરણ, સૂચીકરણ અને ગોઠવણી પછી જાળવણીનો પ્રશ્ન આવે છે. કેટલાંક સંસાધનો રદ-બાતલ કરવાની જરૂર ઊભી થાય ત્યારે ગ્રંથપાલ તે કાર્ય કરે છે અને તેને ગ્રંથાલય-કમિટી સમક્ષ મૂકવામાં આવે છે. રદ-બાતલ કરવામાં આવેલાં સંસાધનોની યથાસ્થાને નોંધ કરાય છે, જેથી વાચકને એની જાણ થઈ શકે. જે સંસાધનો રદ-બાતલ કરવા જેવાં ન હોય પણ જર્જરિત કે ફાટેલી અવસ્થામાં હોય એને માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે છે.

ગ્રંથાલયનાં સંસાધનો જાહેર પ્રજાના ઉપયોગ માટે હોઈ એનો હેતુ સિદ્ધ થાય એ માટે યોગ્ય પગલાં લેવાવાં જોઈએ. ગ્રંથાલયમાં સંગૃહીત જ્ઞાનભંડારમાંથી વાચકને તેને જરૂરી સંસાધન સમયસર મળી રહે તે જોવું જોઈએ. વાચક અભ્યાસ માટે સંસાધન ઇસ્યૂ કરાવી લઈ જાય છે. ગ્રંથાલયમાં તેની નોંધ રાખવામાં આવે છે; જેવી કે સંસાધનની વિગત, વાચકની વિગત, સંસાધન ક્યારે પરત આપવાનું છે એની વિગત વગેરે. આ કાર્યને ઇસ્યૂ-રિટર્ન કહે છે. આ કાર્યમાં કુશળતા, ચોકસાઈ અને ઝડપ રાખવા માટે અનેક પદ્ધતિઓ શોધાઈ છે. આજે કમ્પ્યૂટર-સંચાલિત અદ્યતન ઇસ્યૂ-રિટર્ન પદ્ધતિ એ બાર-કોડ પદ્ધતિ છે. કોઈ પણ સંજોગોમાં વાચક નિયત કરેલી તારીખે સંસાધન પરત ન કરે તો બીજા વાચકને એ ઉપલબ્ધ કરી શકાતું નથી માટે અતિદેય રાખવામાં આવે છે. આ ઉપરાંત સંસાધનોનો મહત્તમ ઉપયોગ થાય તે માટે વિવિધ સેવાઓ જેવી કે રેફરન્સ ઍન્ડ રેફરલ સર્વિસ, કરન્ટ અવેરનેસ સર્વિસ, સિલેક્ટિવ ડિસેમિનેશન ઑવ્ ઇન્ફર્મેશન સર્વિસ, બિબ્લિયૉગ્રાફિક સર્વિસ, ક્લિપિંગ્ઝ સર્વિસ, ઍબ્સ્ટ્રૅક્ટિંગ સર્વિસ, રિટ્રૉસ્પેક્ટિવ સર્ચ સર્વિસ, ટ્રાન્સલેશન સર્વિસ, ફોટોકૉપીઇંગ સર્વિસ, ઇન્ટરલાઇબ્રેરી લોન સર્વિસ વગેરે ઉપલબ્ધ કરવામાં આવે છે. આજે માહિતીસેવા ક્ષેત્રે ઇન્ફર્મેશન હૅન્ડલિંગ, ઇન્ફર્મેશન રીપૅકેજિંગ, ઇન્ફર્મેશન કન્સૉલિડેશન વગેરેના ખ્યાલ (concept) અમલી બનાવાય છે.

આધુનિક યુગમાં વિશ્વમાં સંસાધનોનું ઘોડાપૂર ધસી રહ્યું છે તો બીજી બાજુ સંસાધનોનો અભાવ પણ વરતાય છે. દરેક જ્ઞાનશાખા ક્ષેત્રે સંસાધનોની ઉપલબ્ધિની જાણકારી તેના તદ્વિદોને કેવી રીતે પ્રાપ્ત થાય એ પ્રશ્ન મૂંઝવી રહ્યો છે. આ માટે ઇફલાએ યુનિવર્સલ બિબ્લિયૉગ્રાફિક કન્ટ્રોલની યોજના કરી છે; તેને સફળ બનાવવાના પ્રયત્ન થઈ રહ્યા છે.

પ્રવર્તમાન સમયમાં ગ્રંથાલયસેવા માહિતીસેવામાં સમાવિષ્ટ થતી જોવા મળે છે. ગ્રંથાલયસેવાના વિકાસના વિવિધ સ્તર ઉપર નજર નાખતાં તેનો ખ્યાલ આવે છે. વિવિધ સ્તર આ પ્રમાણે છે :

(1) ડૉક્યુમેન્ટ પ્રોસેસિંગ, (2) ડેટા પ્રોસેસિંગ, (3) આઇડિયા પ્રોસેસિંગ. આજે ડેટા પ્રોસેસિંગમાંથી આઇડિયા પ્રોસેસિંગ તરફ ગતિ થઈ રહી છે. કમ્પ્યૂટરમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી દ્વારા આ દિશામાં પ્રયત્નો થઈ રહ્યા છે. આમ આધુનિક તકનીકી ઇન્ફર્મેશન ટૅક્નૉલૉજી ગ્રંથાલય અને માહિતીસેવાના ક્ષેત્રે પ્રવેશી ચૂકી છે અને એથી નવું ચિત્ર ઊભું થયું છે. સંસાધનનાં ભૌતિક સ્વરૂપો બદલાયાં છે એને કારણે એના વિવિધ પ્રવાહો અસ્તિત્વમાં આવ્યા છે.

ગ્રંથાલય એટલે પુસ્તકોનો સમૂહ એવો ખ્યાલ ઝડપથી બદલાતો જાય છે. વિવિધ મુદ્રિત સામગ્રી ઉપરાંત ઑડિયો ટેપ, વિડિયો ટેપ, ફ્લૉપી, સી.ડી. રૉમ, ડીવીડી વગેરે સ્વરૂપોમાં જ્ઞાન સંગૃહીત થાય છે. જ્ઞાનની જાળવણીની આ નવીન પદ્ધતિઓ જેમ જેમ વિકસશે તેમ તેમ ગ્રંથાલયમાં તેમની પ્રાપ્તિ, ગોઠવણી અને ઉપયોગના પ્રશ્નો ઝડપથી બદલાતા જશે.

દક્ષા સૂરતી

રાજલ રાજેન્દ્રભાઈ મહેતા

ગ્રંથાલયશાસ્ત્ર

માનવવિકાસના ઇતિહાસમાં ગ્રંથાલયશાસ્ત્ર સર્વહેતુલક્ષી વિજ્ઞાન તરીકે ઉદભવ પામ્યું છે અને તેના વિકાસ દ્વારા માનવીની બૌદ્ધિક, ભાવનાત્મક અને જીવનોપયોગી આવશ્યકતાઓ ઉત્તરોત્તર તેના ક્ષેત્રમાં આવરી લેવાઈ છે. 1928માં ડૉ. રંગનાથને આ શાસ્ત્રના પાયાના સિદ્ધાંતોને સૂત્ર રૂપે રજૂ કર્યા, જેને ગ્રંથાલયશાસ્ત્રનાં 5 સૂત્રો તરીકે ઓળખાવાયાં. આ સિદ્ધાંતોનો વિનિયોગ ગ્રંથાલયશાસ્ત્રમાં પૂર્વસંશોધન માટે આધાર તરીકે ઉપયોગી છે.

વિદ્યાશાખા તરીકે ગ્રંથાલયશાસ્ત્રનો વિધિસર વિકાસ 1876થી થયો અને ત્યારથી સૂચીકરણ, વર્ગીકરણ, સંગ્રહવિકાસ (ગ્રંથપ્રાપ્તિ), નિર્દેશીકરણ અને સંક્ષેપીકરણ, માહિતીવિજ્ઞાન વગેરે વિષયોમાં સિદ્ધાંતો આવ્યા; જ્યારે ઉત્તરોત્તર અદ્યતન સેવા ઉપલબ્ધ કરવા માટે સંદર્ભકાર્ય અને સેવા, માહિતીકાર્ય અને સેવા, માહિતીની પુન:પ્રાપ્તિ, માહિતી સંકલનની ટૅક્નિક વગેરે વિષયોનો વિકાસ થતો ગયો. ગ્રંથાલયસેવામાં અદ્યતનતા આવતી ગઈ તેમ તેમ તે વિશેની અપેક્ષાઓ વધવા લાગી અને તેમાં વિશેષ ટૅક્નિકનું આયોજન થવા લાગ્યું; આની વિકાસરેખા સ્પષ્ટ જોઈ શકાય છે. તેને પરિણામે ગ્રંથાલયશાસ્ત્રમાંથી માહિતીવિજ્ઞાન તરફ, ગ્રંથસંગ્રહમાંથી માહિતીસંચય તરફ, પુસ્તકની પુન:પ્રાપ્તિમાંથી માહિતીની પુન:પ્રાપ્તિ તરફ, સંદર્ભસેવામાંથી માહિતીસેવા તથા વિષયપૃથક્કરણમાંથી માહિતીપૃથક્કરણ તરફ પ્રસ્થાન થયું.

ગ્રંથાલયો, દસ્તાવેજીકરણ-કેન્દ્રો, માહિતીકેન્દ્રો અને માહિતીપદ્ધતિઓ વિશે ગ્રંથાલયશાસ્ત્ર તથા માહિતીશાસ્ત્રનો વિનિયોગ થતો ગયો તેમાં અન્ય વિદ્યાશાખાઓનો પણ પ્રત્યક્ષ કે પરોક્ષ ફાળો છે. સંગઠન અને વહીવટ – એ બે વિષય ગ્રંથાલયશાસ્ત્રના ક્ષેત્રે પ્રારંભથી જ છે. હવે વ્યવસ્થાનો વિષય પણ આ ક્ષેત્રે પ્રવેશ્યો છે અને તેના સિદ્ધાંતોનો પશ્ચિમમાં અમલ થયો છે. ભારતમાં તેના સ્વીકાર વિશે અભિપ્રાયભેદ પ્રવર્તે છે.

પુસ્તકોના સંગ્રહની બાબતમાં માઇક્રોફૉર્મ, મૅગ્નેટિક ટેપ, ફિલ્મ-કૅસેટ, સીડી, ડીવીડી જેવાં નવાં નવાં સાધનો હવે શોધાયાં હોઈ એની સમગ્ર વિભાવનામાં ફેરફાર થયો છે. ગ્રંથાલયો ગ્રંથસંગ્રહના નિર્માણને બદલે ગ્રંથસંગ્રહના પૃથક્કરણનો અભિગમ અપનાવી રહ્યાં છે. તે ગ્રંથાલયસંગ્રહની સુરક્ષિતતા કરતાં પ્રવેશ અને ઉપયોગના હકને વધારે મહત્વ આપી રહ્યાં છે. ગ્રંથાલયોનો કેવો ઉપયોગ થાય છે અને ત્યાં કેવી કેટલી સેવા અપાય છે તેના આધારે હવે ગ્રંથાલયોનું મૂલ્યાંકન થાય છે.

ઓગણીસમી સદીના મધ્યભાગથી ક્રમબદ્ધ સૂચિ-નિયમાવલીનો વિકાસ થતો રહ્યો છે. પ્રત્યેક નવી નિયમાવલી તેની પૂર્વેની નિયમાવલીમાં સુધારો કરવા તાકે છે. પ્રારંભિક નિયમાવલીઓ વ્યક્તિગત સાહસ હતી. પછીથી આવેલી નિયમાવલીઓ સંસ્થાકીય સાહસનું પરિણામ બની અને એ રીતે આંતરરાષ્ટ્રીય પ્રમાણીકરણ તરફ ગતિ થઈ. આંતરરાષ્ટ્રીય ધોરણે વર્ણનાત્મક સૂચીકરણના એકરૂપ પ્રયોગ માટે ઇન્ટરનેશનલ ફેડરેશન ઑવ્ લાઇબ્રેરી ઍસોસિયેશન (IFLA) તરફથી તૈયાર કરાયેલ ઇન્ટરનેશનલ સ્ટૅન્ડર્ડ બિબ્લિયૉગ્રાફિક ડિસ્ક્રિપ્શન(ISBD)માં લગભગ બધા પ્રકારની સામગ્રી માટે પ્રમાણભૂત વાઙ્મયી વર્ણનો તૈયાર કરવામાં આવ્યાં છે.

અમેરિકન નૅશનલ સ્ટૅન્ડર્ડ્ઝ ઇન્સ્ટિટ્યૂટ તથા ઇન્ટરનેશનલ ઑર્ગેનાઇઝેશન ફૉર સ્ટૅન્ડર્ડાઇઝેશન જેવી સંસ્થાઓએ સામગ્રી-સંગ્રહ માટે અનુક્રમે તૈયાર કરેલ માર્ગદર્શિકા ANSI : 13/39.2 તથા ISO. 2709, ગ્રંથસૂચિને લગતી માહિતીના વિનિમય માટે મશીન-ઉપયોગ માટેનાં ફૉર્મ તૈયાર કરવા સારુ ખૂબ પ્રમાણભૂત મનાય છે. આવા વિનિમય માટેનું પ્રમાણભૂત ધોરણ તૈયાર કરવાનો ઉદ્દેશ ગ્રંથસૂચિ- વિષયક સામગ્રીને મશીન-ઉપયોગ માટેનાં ફૉર્મમાં સુલભ કરી આપીને તેના વિનિમય મારફત આ પ્રકારની માહિતીનું મોકળાશથી વિતરણ કરવું તે છે. આંતરરાષ્ટ્રીય પ્રમાણીકરણના ક્ષેત્રે આવા ઘણા પ્રયાસો થયા છે. આમાં યુનેસ્કોએ પ્રયોજેલ કૉમન કૉમ્યુનિકેશન ફૉર્મૅટ (CCF) તથા IFLAએ તૈયાર કરેલ યુનિવર્સલ બિબ્લિયૉગ્રાફિક કંટ્રોલ (UBC) વિશ્વવ્યાપી આદાનપ્રદાન માટે ઉપયોગી બનેલ છે. પ્રત્યેક પ્રકાશિત વસ્તુનું પ્રમાણભૂત વાઙ્મયી વર્ણન તેના પોતાના રાષ્ટ્રમાં રાષ્ટ્રીય એજન્સી નક્કી કરી આખા રાષ્ટ્રમાં તેનું વિતરણ કરે છે. આ રીતે તમામ રાષ્ટ્રોના પ્રમાણભૂત સંકેતોનું સુગ્રથિત માળખું રચાય છે.

આવી સૂચિ અંગે હેતુનો, કાર્યોનો અને વાઙ્મયી સાધન તરીકેનો એમ કુલ 3 તબક્કા હોય છે; પરંતુ ગ્રંથોને સહાયક ક્રમમાં ગોઠવવાનું કાર્ય વર્ગીકરણ વડે થાય છે. સહાયક ક્રમ એટલે વાચકોને માટે સહાયક તેમજ ગ્રંથાલયના કર્મચારીઓને માટે પણ સહાયક. ગ્રંથાલયવિજ્ઞાનના નિષ્ણાતોએ સાબિત કર્યું છે કે પુસ્તકોની ગોઠવણી વિષય પ્રમાણે હોવી જોઈએ કેમ કે એ પ્રકારની ગોઠવણી જ વાચકોને ઉપયોગી થાય છે.

વર્ગીકરણનો વિષય સૌપ્રથમ 1876માં દાખલ થયો; એના પ્રથમ પ્રયોજક હતા મેલ્વિલ ડ્યૂઈ. ત્યારપછી સામાન્ય વર્ગીકરણપદ્ધતિ અને વિશિષ્ટ વર્ગીકરણપદ્ધતિ આવી. મુખ્ય 4 પ્રકારની વર્ગીકરણપદ્ધતિ છે – ગણનાક્ષમ વર્ગીકરણપદ્ધતિઓ, મુખકીય વર્ગીકરણપદ્ધતિઓ, મુખકીય વિશ્લેષણ સંયોજન વર્ગીકરણપદ્ધતિ અને મુક્ત મુખકીય વિશ્લેષણ સંયોજન વર્ગીકરણપદ્ધતિ. આમાં છેલ્લા બે પ્રકારની પદ્ધતિ ‘કોલન ક્લાસિફિકેશન’ તરીકે પ્રચલિત છે અને તે ભારતમાં ડૉ. રંગનાથન મારફત પ્રયોજાઈ છે.

જ્ઞાનવિજ્ઞાનની વિદ્યાશાખાઓ વધતી ગઈ તેમ વર્ગીકરણપદ્ધતિઓની મર્યાદા ઝડપથી દેખાવા માંડી છે. એટલે વિશ્વવ્યાપી પ્રચલિત વર્ગીકરણપદ્ધતિઓનું સંશોધન સતત ચાલુ રહે છે અને તેના આધારે નવી સંશોધિત આવૃત્તિઓનું પ્રકાશન થતું રહે છે; પરંતુ વર્ગીકરણનું મહત્વ ઘટતું જાય છે અને વિષય-નિર્દેશનનું મહત્વ વધતું જાય છે.

1876માં સી. એ. કટરે વર્ણનાત્મક સૂચિ માટેના નિયમો બનાવ્યા; તેમાં વિષય-મથાળાં માટેના નિયમોનો પણ સમાવેશ કરેલો હતો. આ વિભાવનાના આધારે વિષય-સૂચિનું નિર્માણ થયું. ત્યારબાદ વિષય-નિર્દેશીકરણનો વિકાસ થયો. કમ્પ્યૂટર-ટૅકનિકમાં ઉત્તરોત્તર વિકાસ થવાથી માહિતીનો સંચય અને તેની પુન:પ્રાપ્તિના ક્ષેત્રે પણ આધુનિક અભિગમ પ્રવેશ્યો છે. વિષયનિર્દેશીકરણ માટે પણ અવનવી ટૅકનિક અને પદ્ધતિઓનો ઉપયોગ થવા માંડ્યો છે. આથી હવે આંતરરાષ્ટ્રીય ઉપયોગ માટેની નિર્દેશીકરણ તથા સંક્ષેપીકરણસેવાનાં મુદ્રિત સ્વરૂપો જોવા મળે છે. માહિતીશોધ તથા તેની પુન:પ્રાપ્તિ માટે આ ડેટા બેઝ પ્રકારની પ્રયુક્તિઓ છે. એમાં વિષયની માહિતી કમ્પ્યૂટર-ફાઈલમાં સંચય કરેલી હોય છે અને તેનો ઉપયોગ રિમોટ ટર્મિનલ તથા ટેલિકૉમ્યુનિકેશન લિંક દ્વારા થાય છે. આમ ગ્રંથાલયસેવામાં માહિતી આવશ્યક અને ઉપયોગી સામગ્રી બની રહી છે; એટલું જ નહિ, જ્ઞાન અને માહિતીની ભૂમિકા વિસ્તૃત થતી હોવાથી એક નવી વિદ્યાશાખા અસ્તિત્વમાં આવી છે અને 1957થી તે માહિતીવિજ્ઞાન (information science) તરીકે ઓળખાય છે. હવે તેનો ગ્રંથાલયશાસ્ત્રની વિસ્તૃત વિભાવના તરીકે સ્વીકાર થયો છે. માહિતીવિજ્ઞાન અનેક વિદ્યાશાખાઓ સાથે સંકળાયેલું છે. વળી માહિતીપ્રસારણ કરતી જુદી જુદી સંસ્થાઓમાં પણ તેનો વિનિયોગ થઈ રહ્યો છે. માહિતીપ્રસારણની ટૅક્નૉલૉજીમાં હવે ભારે વિકાસ થયો હોવાથી માહિતીસેવાનો ઉપયોગ ગમે તેટલા અંતરેથી ઝડપથી કરી શકાય છે. કમ્પ્યૂટરના પ્રતાપે ખૂબ મોટા જથ્થામાં માહિતીનો સંચય અને તેની પુન:પ્રાપ્તિ શક્ય બન્યાં છે. માહિતીપ્રસારણની ટૅકનિકનો વિકાસ થવાથી આ માહિતી-સામગ્રીનો રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે વિનિયોગ શક્ય બન્યો છે. પરિણામે માહિતીપદ્ધતિઓ, માહિતીસેવાનાં કેન્દ્રો તથા માહિતી નેટવર્ક કામ કરતાં થયાં છે. વિશ્વભરમાં અત્યારે આવાં ઘણાંબધાં ડેટા બેઝ વેપારી ધોરણે પ્રવૃત્તિ કરી રહ્યાં છે. આમાંનાં લગભગ બધાં જ કેન્દ્રો વિકસિત રાષ્ટ્રોમાં છે; જ્યારે તકનીકક્ષમતાના અભાવને કારણે અલ્પવિકસિત રાષ્ટ્રો આવી ઉપયોગી સામગ્રીનો લાભ લઈ શકતાં નથી. દરેક દેશ રાષ્ટ્રીય સ્તરે માહિતીસંચયનું સેવા-માળખું રચી શકે તે માટે સંયુક્ત રાષ્ટ્રસંઘે ફળદાયી કામગીરી બજાવી છે. માહિતીના વિતરણ તથા વિનિમય માટે આ પ્રકારની માહિતીસેવા સંસ્થાઓની 1980માં યુનો તરફથી ડિરેક્ટરી પ્રગટ થઈ છે. તેમાં આ પ્રકારની 35 સંસ્થાઓની યાદી આપી છે; દા.ત., ઇન્ટરનૅશનલ ન્યૂક્લિયર ઇન્ફર્મેશન સિસ્ટમ (INIS), ઍગ્રિકલ્ચરલ ઇન્ફર્મેશન સિસ્ટમ્સ (AGRIS).

પ્રાદેશિક કક્ષાએ એશિયામાં આવાં ઘણાં માહિતીકેન્દ્રો કામ કરી રહ્યાં છે; દા.ત., ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ડેવલપિંગ ઇકૉનૉમીઝ (જાપાન). આ ઉપરાંત પ્રાદેશિક કક્ષાએ યુનેસ્કોપુરસ્કૃત કેન્દ્રો પણ કામગીરી બજાવે છે; દા.ત., એશિયા પૅસિફિક ઇન્ફર્મેશન નેટવર્ક ઇન સોશિયલ સાયન્સીઝ (APINSS).

ભારતમાં વિશિષ્ટ ગ્રંથાલયો દસ્તાવેજીકરણ-કેન્દ્રો, માહિતીકેન્દ્રો અને પદ્ધતિઓ, વિજ્ઞાન તથા ટૅકનૉલૉજીના ઉચ્ચતર શિક્ષણ તેમજ સામાજિક અને આર્થિક વિકાસના કાર્યક્રમો સાથે સંકળાયેલાં રહ્યાં છે. એશિયાનાં વિકાસશીલ રાષ્ટ્રોમાં આ ક્ષેત્રે ભારતની કામગીરી પ્રશસ્ય રહી છે. ભારતમાં આજે ગ્રંથાલયો સહિત હજાર માહિતીકેન્દ્રો પ્રવૃત્ત છે અને તે તમામ યુનિવર્સિટી, સરકારી વિભાગો, સંશોધનકેન્દ્રો તથા વાણિજ્ય-ઉપક્રમો સાથે સંકળાયેલાં છે; દા.ત., ભાભા ઍટમિક રિસર્ચ સેન્ટર લાઇબ્રેરી (મુંબઈ), નૅશનલ સોશિયલ સાયન્સ ડૉક્યુમેન્ટેશન સેન્ટર (નવી દિલ્હી) વગેરે. આવાં તમામ કેન્દ્રો દસ્તાવેજીકરણ કામગીરી માટેની સજ્જતા ધરાવે છે અને આ પ્રકારની અદ્યતન સેવા ઉત્તમ રીતે પૂરી પાડે છે. વિદેશનાં આવાં બીજાં કેન્દ્રો સાથે તે સંકળાયેલાં હોય છે.

યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન તરફથી બૅંગાલુરુમાં સાયન્સ ઇન્ફર્મેશન સેન્ટરની સ્થાપના કરાયા પછી, મુંબઈમાં એસ.એન.ડી.ટી. યુનિવર્સિટી તથા વડોદરામાં એમ.એસ. યુનિવર્સિટી ખાતે સોશિયલ સાયન્સ સેન્ટરની સ્થાપના કરવામાં આવી છે. આ ઉપરાંત ઇન્ડિયન કાઉન્સિલ ઑવ્ સોશિયલ સાયન્સ ઍન્ડ રિસર્ચ (ICSSR) તરફથી મુંબઈ, કૉલકાતા, ચંડીગઢ, દિલ્હી, હૈદરાબાદ તથા શિલોંગ એમ કુલ 6 સ્થળે પ્રાદેશિક કેન્દ્રો સ્થાપવામાં આવ્યાં છે અને તેમાં દસ્તાવેજીકરણ તથા માહિતીવિતરણની સુવિધા છે.

આ ઉપરાંત એકીકૃત માહિતીસેવા આપવા માટે માહિતીકેન્દ્રોનું માળખું પણ રચવામાં આવ્યું છે. NISSAT (નૅશનલ ઇન્ફર્મેશન સિસ્ટમ ફૉર સાયન્સ ઍન્ડ ટૅક્નૉલૉજી) કાર્યક્રમ 1977થી કાર્યરત છે. આ ઉપરાંત ENVIS (એન્વાઇરનમેન્ટલ ઇન્ફર્મેશન સિસ્ટમ), યુ.જી.સી.-સંચાલિત INFLIBNET (ઇન્ફર્મેશન ઍન્ડ લાઇબ્રેરી નેટવર્ક) જેવાં કેન્દ્રો રાષ્ટ્રીય કક્ષાએ કાર્ય કરી રહ્યાં છે જ્યારે CALIBNET કૉલકાતામાં, DELNET દિલ્હીમાં, BONET મુંબઈમાં તથા MALIBNET ચેન્નાઈમાં, પુણેમાં PUNENET, અમદાવાદમાં ADINET સ્થાનિક કક્ષાએ પણ માહિતીકેન્દ્રો તથા ગ્રંથાલયોને સાંકળવાનું કાર્ય કરી રહ્યાં છે.

જ્ઞાનવિજ્ઞાનના વિકાસની ર્દષ્ટિએ માહિતીના સંચય, સંકલન વગેરેનું મૂલ્ય તથા તેના વિનિમય અને પ્રસારણનું મહત્વ સમજાયું હોવાથી વિકાસશીલ રાષ્ટ્રોની કક્ષાએ પહોંચવાના પ્રયત્નો થઈ રહ્યા છે. તેમજ સાધનસામગ્રીની સુવિધામાં વધારો થઈ રહ્યો હોવાથી ભારત જેવા વિકાસશીલ દેશો તેનો ઉપયોગ કરતા થયા છે.

રમેશ ગાંધી

રાજલ રાજેન્દ્રભાઈ મહેતા

ગ્રંથાલયશિક્ષણ

ગ્રંથાલયશિક્ષણ એટલે ગ્રંથાલયવ્યવસ્થાનું શિક્ષણ. તે બે પ્રકારનું છે : (1) શિક્ષકો દ્વારા અપાતું તે શૈક્ષણિક અને (2) જાતઅભ્યાસ દ્વારા મેળવેલું તે પ્રાયોગિક.

શિક્ષણસંસ્થાઓમાં નીચે મુજબ ત્રણ ઘટકો છે : (1) વિદ્યાર્થી, (2) શીખવવાની પદ્ધતિ અને (3) શિક્ષક.

ગ્રંથાલયશિક્ષણ એક સર્વગ્રાહી શાખા છે. તેમાં કુદરતી વિજ્ઞાનો, માનવવિદ્યા ને સમાજવિદ્યાને લગતા ઘણા વિષયો છે. જ્ઞાનવિસ્ફોટ થતાં રાષ્ટ્રને માહિતીની જરૂરિયાત ઊભી થઈ. ગ્રંથાલય-સાધનોનો ઉપયોગ, ગ્રંથાલય સાથે સંકળાયેલી વ્યક્તિઓની માગણીઓની બહુવિધતા વગેરે બાબતો ગ્રંથાલયશિક્ષણ, અભ્યાસક્રમ ને શિક્ષણપદ્ધતિ પર અસર કરે છે.

ઇતિહાસ : ગ્રંથાલયશિક્ષણનો ઇતિહાસ આશરે 150 વર્ષથી વધુ જૂનો નથી. બ્રિટનમાં ઈ. સ. 1850માં ગ્રંથાલય-ધારો પસાર થયા પછી લંડન સ્કૂલ ઑવ્ લાઇબ્રેરિયનશિપની સ્થાપના થઈ. ઈ. સ. 1855માં ગ્રંથાલય મંડળ દ્વારા ગ્રંથાલયની પહેલી પરીક્ષા થઈ હતી. ઈ. સ. 1904માં પત્રવ્યવહાર દ્વારા ગ્રંથાલયવિજ્ઞાનના અભ્યાસનું સંચાલન શરૂ થયું. ઈ. સ. 1931થી ગ્રંથાલય મંડળ નીચેના ત્રણ સ્તરે પરીક્ષાનું સંચાલન કરે છે – (1) પ્રારંભિક પરીક્ષા, (2) માધ્યમિક પરીક્ષા અને (3) અંતિમ પરીક્ષા. ગ્રંથાલય મંડળની સૂચનાથી ‘કાર્નેગી બક્ષિસ અનુદાન’ દ્વારા 1919માં સૌપ્રથમ પૂર્ણ સમય માટે ગ્રંથાલય વિદ્યાભવનની સ્થાપના થઈ. તે આજે નવા સ્વરૂપે લંડન સ્કૂલ ઑવ્ લાઇબ્રેરિયનશિપ ઍન્ડ આર્કાઇવ્ઝના નામે જાણીતું છે. ગ્રંથાલયવિજ્ઞાનના સ્નાતક, અનુસ્નાતક તેમજ પીએચ.ડી. સુધીના અભ્યાસક્રમો ચાલે છે. શેફીલ્ડ અને ક્વીન્સ યુનિવર્સિટીમાં ઈ. સ. 1964થી ગ્રંથાલયવિજ્ઞાનનો અનુસ્નાતક અભ્યાસક્રમ શરૂ થયો. 1994થી યુ. કે.માં ગ્રંથાલયવિજ્ઞાનના પૂર્ણ સમયના 15 અભ્યાસક્રમ ચાલે છે. તેમાં સ્નાતકો માટે 1 વર્ષનો અભ્યાસક્રમ ને અનુસ્નાતકો માટે 2 વર્ષનો અભ્યાસક્રમ ચાલે છે.

અમેરિકામાં ડૉ. મેલ્વિલ ડ્યૂઈએ ગ્રંથાલયશિક્ષણના પ્રથમ પુરસ્કર્તા તરીકે નામના મેળવી છે. તેમણે ગ્રંથાલયશિક્ષણના પ્રથમ વર્ગની તેમજ અમેરિકાના રાષ્ટ્રીય ગ્રંથાલયની સ્થાપના કરી. ઈ.સ. 1887માં કોલંબિયા કૉલેજ, ન્યૂયૉર્કમાં વ્યાવસાયિક ગ્રંથવિદો માટે તેમણે ઔપચારિક શિક્ષણવર્ગની સ્થાપના કરી. તે સમયે ત્યાંના સમાજનો એક વર્ગ એમ માનતો હતો કે ગ્રંથાલયમાં અપાતી એપ્રેન્ટિસશિપની તાલીમ પૂરતી હતી. તેને માટે શિક્ષણના વર્ગની જરૂર નથી. આમ જોઈએ તો ગ્રંથાલયના કર્મચારીઓની તાલીમની વ્યવસ્થા અમેરિકામાં હતી. ત્યારબાદ અમેરિકામાં ઈ. સ. 1890, 1892 ને 1893માં ગ્રંથાલયશાસ્ત્રની ત્રણ શાળાઓ શરૂ થઈ. આમ સ્નાતક, અનુસ્નાતક અને સંશોધન-કક્ષાએ ગ્રંથાલયવિજ્ઞાનનો અભ્યાસક્રમ શરૂ કરવામાં અમેરિકા અગ્રેસર હતું. ઈ. સ. 1920માં ગ્રંથાલયશિક્ષણનાં 14 કેન્દ્રો સ્થાપવામાં આવ્યાં હતાં. તે પૈકી ત્રણ કેન્દ્રો અનુસ્નાતક-કક્ષાએ શિક્ષણ આપતાં હતાં. ઈ. સ. 1924માં અમેરિકન લાઇબ્રેરી ઍસોસિયેશને ગ્રંથાલય માટેના શિક્ષણબોર્ડની સ્થાપના કરી. આ બોર્ડે ગ્રંથાલય તાલીમ કેન્દ્રોના મૂલ્યાંકન માટે કેટલાંક ધોરણો પ્રસ્થાપિત કર્યાં. ઈ.સ. 1949 સુધીમાં અમેરિકામાં ગ્રંથાલયશિક્ષણની 21 સંસ્થાઓને પ્રમાણિત કરવામાં આવી. ઈ. સ. 1964માં ગ્રંથાલયશિક્ષણ આપતી કુલ 290 સંસ્થા હતી. તે પૈકી માત્ર 32 સંસ્થાઓને અમેરિકન લાઇબ્રેરી ઍસોસિયેશને માન્યતા આપી હતી. 1994માં 334 ગ્રંથાલય તાલીમકેન્દ્રો અમેરિકામાં હતા. તે પૈકી 42 કેન્દ્રોને અમેરિકન લાઇબ્રેરી ઍસોસિયેશનની માન્યતા મળી છે.

ભારતમાં સૌપ્રથમ તાલીમકેન્દ્ર ઈ. સ. 1911માં લાહોરમાં સ્થપાયું. 1911માં વડોદરામાં તે સમયના વડોદરાના મહારાજા સયાજીરાવ ત્રીજાએ તાલીમકેન્દ્ર શરૂ કર્યું. ઈ. સ. 1929માં ડૉ. રંગનાથને ચેન્નાઈ ગ્રંથાલય મંડળ દ્વારા ગ્રંથાલયશિક્ષણની શરૂઆત કરી. આમ ત્રણેય જગ્યાએ પ્રમાણપત્ર અભ્યાસક્રમની શરૂઆત થઈ હતી. ઈ. સ. 1931માં ચેન્નાઈ યુનિવર્સિટીમાં ડિપ્લોમા કૉર્સ ઇન લાઇબ્રેરી સાયન્સના નામાભિધાનથી અભ્યાસક્રમ શરૂ થયો. આ અભ્યાસક્રમ પૂર્ણ સમયનો પહેલો અભ્યાસક્રમ હતો એમ કહી શકાય. ઈ. સ. 1935માં આંધ્ર યુનિવર્સિટીએ ચેન્નાઈ યુનિવર્સિટીને સમાંતર અભ્યાસક્રમ ચાલુ કર્યો. આ જ વર્ષે કૉલકાતાની ઇમ્પીરિયલ લાઇબ્રેરી(જે આજનું રાષ્ટ્રીય ગ્રંથાલય છે)માં ગ્રંથાલયવિજ્ઞાનના આંશિક સમયના અભ્યાસક્રમની શરૂઆત થઈ. આ અભ્યાસક્રમ 1945 સુધી ચાલુ હતો. ઈ. સ. 1937માં બંગાળ લાઇબ્રેરી ઍસોસિયેશને ગ્રંથાલયવિજ્ઞાનનો પ્રમાણપત્ર અભ્યાસક્રમ ચાલુ કર્યો. અન્ય યુનિવર્સિટીઓએ આ મુજબ અભ્યાસક્રમો ચાલુ કર્યા : (1) બનારસ હિંદુ યુનિવર્સિટી – 1941, (2) મુંબઈ યુનિવર્સિટી – 1944, (3) કૉલકાતા યુનિવર્સિટી – 1946, (4) એમ. એસ. યુનિવર્સિટી, વડોદરા – 1956, (5) નાગપુર યુનિવર્સિટી – 1956, (6) વિક્રમ યુનિવર્સિટી, ઉજ્જન – 1957, (7) અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી – 1958, (8) પંજાબ યુનિવર્સિટી, ચંડીગઢ – 1960, (9) રાજસ્થાન યુનિવર્સિટી, જયપુર – 1961, (10) કેરળ યુનિવર્સિટી, તિરુવનંતપુરમ્ – 1961, (11) ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ – 1964, (12) સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ – 1976, (13) સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભવિદ્યાનગર – 1982, (14) ભાવનગર યુનિવર્સિટી, ભાવનગર – 1982, (15) વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સૂરત – 1987, (16) ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ – 1986, (17) હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ – 1992ના વર્ષથી સ્નાતક-કક્ષાનો ગ્રંથાલયવિજ્ઞાનનો અભ્યાસક્રમ શરૂ થયો.

ઈ. સ. 1957માં ગ્રંથાલયશિક્ષણ તેમજ તેને આનુષંગિક વિષયો અંગે સલાહ માટે યુ.જી.સી.એ ડૉ. રંગનાથનના ચૅરમૅનપદે ગ્રંથાલય-સમિતિની રચના કરી. તે પહેલાં ગ્રંથાલયશિક્ષણની સંસ્થાઓ, અભ્યાસક્રમનાં માળખાં, પરીક્ષાઓ, અભ્યાસની સમયાવધિ, વિદ્યાર્થીઓની સંખ્યા, અધ્યાપકોની યોગ્યતા વગેરેને અધિકૃતતા મળી ન હતી. આ બધી સમસ્યાના ઉકેલ માટે 1961માં યુ.જી.સી.એ સમીક્ષા-સમિતિની રચના કરી. ડૉ. રંગનાથનના અધ્યક્ષસ્થાને ઉપર જણાવેલ સમસ્યાના નિરાકરણ માટે ભલામણ કરવામાં આવી. આ સમિતિએ એક સર્વગ્રાહી અહેવાલ ઈ. સ. 1965માં રજૂ કર્યો. ભારત સરકારના શિક્ષણ અને સમાજકલ્યાણ ખાતા દ્વારા ઈ. સ. 1975માં એક સમિતિ નીમવામાં આવી. આ સમિતિએ પણ અભ્યાસક્રમના વિચારપૂર્ણ પ્રતિપાદન માટે તથા ગ્રંથાલયશિક્ષણના સુધારા માટે ઉપયોગી સૂચનો કર્યાં. ઈ. સ. 1977માં ગ્રંથાલયશિક્ષણ, સંશોધન-સુવિધા અને સુધારાના માપદંડનાં પરિણામો નક્કી કરવા તથા અન્ય ભલામણો કરવા નિષ્ણાતોની સમિતિ નીમી. ઉપર જણાવેલ બધા જ પ્રયત્નો ઉપરાંત શિક્ષણખાતું, વિવિધ સંસ્થાઓ તેમજ વ્યક્તિગત પ્રયાસોથી ગ્રંથાલયશિક્ષણક્ષેત્રે ભારતમાં નોંધપાત્ર પ્રગતિ થઈ. વિશ્વના પ્રગતિશીલ દેશોની સરખામણીમાં ભારતનું ગ્રંથાલયશિક્ષણ ઘણું પાછળ છે. યુ.જી.સી.એ ઈ. સ. 1985માં બધી જ યુનિવર્સિટીના ગ્રંથાલય અને માહિતીવિજ્ઞાન-વિભાગોને વ્યવસ્થિત કરવા માટે એક સમિતિ રચી.

હાલમાં ગ્રંથાલય અને માહિતીવિજ્ઞાનના આશરે 104 વિભાગો સ્નાતક-કક્ષાએ, 93 વિભાગો અનુસ્નાતક-કક્ષાએ અને 53 વિભાગોમાં પીએચ.ડી. માટે સંશોધનની સગવડ પૂરી પાડવામાં આવે છે. ગ્રંથાલય અને માહિતીવિજ્ઞાનમાં સ્નાતક-કક્ષાએ, અનુસ્નાતક-કક્ષાએ તેમજ પીએચ.ડી. કક્ષાએ પત્રવ્યવહારથી શિક્ષણ આપવાનું કાર્ય પણ ચાલુ છે. ઇન્દિરા ગાંધી નૅશનલ ઓપન યુનિવર્સિટી દ્વારા ગ્રંથાલયશાસ્ત્રનો અભ્યાસક્રમ અંગ્રેજી તથા હિન્દી માધ્યમમાં શરૂ કરવામાં આવ્યો છે. તેમજ બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી દ્વારા ગુજરાતી માધ્યમમાં સ્નાતક-કક્ષાએ અભ્યાસક્રમ શરૂ કરવામાં આવ્યો છે. ઉપરાંત ડી.આર.ટી.સી. બૅંગાલુરુ અને ઇન્સ્ડોક, દિલ્હીમાં અનુક્રમે ઈ. સ. 1962 ને 1964થી પ્રલેખન અને માહિતી પુનર્નિર્માણને ઝોક આપીને ગ્રંથાલય અને માહિતીવિજ્ઞાનના ક્રમિક અભ્યાસક્રમોનું સંચાલન શરૂ કરવામાં આવ્યું છે.

ભારતમાં નીચે જણાવેલ વિવિધ અભ્યાસક્રમો ચાલે છે :

(1) ગ્રંથાલય-વિજ્ઞાન પ્રમાણપત્ર અભ્યાસક્રમ, (2) ડિપ્લોમા અભ્યાસક્રમ (સ્નાતક અભ્યાસક્રમ), (3) અનુસ્નાતક અભ્યાસક્રમ, (4) એમ.ફિલ. અભ્યાસક્રમ, (5) પીએચ.ડી. અભ્યાસક્રમ, (6) વિશિષ્ટ ગ્રંથાલય અને પ્રલેખન તેમજ માહિતી પુનર્નિર્માણના અભ્યાસક્રમ, (7) પી. જી. ડિપ્લોમા – પોસ્ટ ગ્રૅજ્યુએટ ડિપ્લોમા કોર્ષિસ ઇન ઇન્ફર્મેશન સાયન્સ, (8) પી. જી. ડી. લેન – પોસ્ટ ગ્રૅજ્યુએટ ડિપ્લોમા ઇન લાઇબ્રેરી ઓટોમેશન નેટવર્કિગ, (9) પી. જી. ડી. આઇ. ટી. – પોસ્ટ ગ્રૅજ્યુએટ ડિપ્લોમા ઇન ઇન્ફર્મેશન ટૅક્નૉલૉજી.

રમેશ ગાંધી

રાજલ રાજેન્દ્રભાઈ મહેતા

ગ્રંથાલયમંડળો : ગ્રંથાલય-મંડળોની સ્થાપના પાછળનો મુખ્ય હેતુ ગ્રંથાલયોનો વિકાસ કરવાનો, ગ્રંથાલયના અભ્યાસક્રમો ચલાવવાનો, નવાં ગ્રંથાલયો ઊભાં કરવાનો તથા સમયાંતરે પરિષદો ભરીને ગ્રંથાલયને લગતા વિષયો વિશે વિચાર-વિનિમય કરવાનો રહેલો છે. ભારતમાં ગ્રંથાલય-વિજ્ઞાનના પ્રમાણપત્ર અભ્યાસક્રમની સૌપ્રથમ શરૂઆત ગ્રંથાલય-મંડળોએ કરી હતી. તેમાં, તે સમયના પંજાબ ગ્રંથાલય-મંડળ – લાહોર તથા ચેન્નાઈ ગ્રંથાલય-મંડળ – ચેન્નાઈનો ફાળો અગત્યનો છે. વડોદરાના મહારાજા ત્રીજાના સમયમાં અમેરિકન ગ્રંથાલય – વિશેષજ્ઞ ડબ્લ્યૂ. એ. બોર્ડને ઈ. સ. 1910–1913 દરમિયાન વડોદરા રાજ્યમાં ગ્રંથાલય-પદ્ધતિ સફળતાપૂર્વક અમલમાં મૂકી. ઈ. સ. 1911માં તેમણે ગ્રંથાલય-વિજ્ઞાનની તાલીમ માટેના વર્ગો શરૂ કર્યા. ઈ. સ. 1910માં વડોદરામાં ‘સેન્ટ્રલ લાઇબ્રેરી’ની સ્થાપના કરી. તેમના સક્રિય સહકાર અને પ્રોત્સાહનથી આ લાઇબ્રેરીએ ઈ. સ. 1912–1919 સુધી ‘લાઇબ્રેરી મિસેલીની’ સામયિક અંગ્રેજી, ગુજરાતી અને મરાઠી એમ ત્રણ ભાષામાં પ્રગટ કર્યું. ઈ. સ. 1924માં ગ્રંથાલયપ્રવૃત્તિના આદ્યપ્રણેતા શ્રી મોતીભાઈ અમીનની પ્રેરણાથી ગુજરાત પુસ્તકાલય સહાયક સહકારી મંડળની સ્થાપના કરવામાં આવી, જે દુનિયાની સૌથી જૂની પુસ્તકાલયોની એકમાત્ર સહકારી સંસ્થા છે. ઈ. સ. 1924માં ગુજરાત પુસ્તકાલય મંડળની પણ સ્થાપના કરવામાં આવી. આ મંડળ દ્વારા ઈ. સ. 1925માં મોતીભાઈ અમીનના પ્રયત્નથી ‘પુસ્તકાલય’ માસિક ગુજરાતી ભાષામાં પ્રગટ થાય છે. ઈ. સ. 1951માં ગુજરાત પુસ્તકાલય મંડળ તરફથી પાંચ સપ્તાહનો ગ્રંથાલય-વિજ્ઞાનનો પ્રમાણપત્ર અભ્યાસક્રમ શરૂ થયો. 1970થી ગુજરાત સરકારે આ અભ્યાસક્રમને છ માસના અભ્યાસક્રમમાં ફેરવ્યો, જેને ‘ગ્રંથાલય-વિજ્ઞાન તાલીમ વર્ગ’ નામ આપ્યું. આ અભ્યાસક્રમ 1994–1995 સુધી ચાલુ રહ્યો. ગુજરાત પુસ્તકાલય મંડળે શરૂઆતથી આજ સુધીમાં (વર્ષ 2010) કુલ 21 પરિષદો ભરી છે. આ પરિષદો બે દિવસની હોય છે. સંસ્થા દ્વારા નિમાયેલા પ્રચારકો ગ્રંથાલયમાં જઈને તેમને બજેટ કેવી રીતે બનાવવું, પુસ્તકોનું વર્ગીકરણ તથા સૂચીકરણ કેવી રીતે કરવું તેનું તથા ગ્રંથાલય વ્યવસ્થા અંગેનું પ્રત્યક્ષ કાર્યનિદર્શન આપે છે. આમ, મંડળ ગ્રામ, તાલુકા, શહેર તથા જિલ્લાકક્ષાનાં ગ્રંથાલયોને મદદરૂપ થાય છે.

ગુજરાતમાં ગુજરાત ગ્રંથાલય સેવા સંઘ પણ મહત્વનું ગ્રંથાલય-મંડળ ગણી શકાય. તેની સ્થાપના 1971માં અમદાવાદમાં કરવામાં આવી છે. સંઘ દ્વારા 1975થી ગ્રંથાલય અને માહિતીવિજ્ઞાનના પરિસંવાદ દર વર્ષે નિયમિત યોજવામાં આવે છે. તેના વિષયોની જાણ અગાઉથી કરવામાં આવે છે. પરિસંવાદમાં ગ્રંથાલયોના પ્રશ્ર્નો, તેમની સેવાઓમાં સુધાર કેવી રીતે લાવી શકાય વગેરે બાબતોની ચર્ચા કરવામાં આવે છે. ગુજરાતમાંથી આશરે 250થી 300 ગ્રંથપાલો તથા ગ્રંથાલયશાસ્ત્રના વિદ્યાર્થીઓ આમાં ભાગ લે છે. તેઓ પોતાના વિચારો સંશોધન-પેપર રજૂ કરીને દર્શાવે છે. પરિસંવાદમાં રજૂ થયેલ સંશોધન-પેપરોને પુસ્તક રૂપે બહાર પાડવામાં આવે છે – અત્યાર સુધીમાં (વર્ષ 2010) સંઘ દ્વારા 27 પરિસંવાદો યોજવામાં આવ્યા છે. ઈ. સ. 1976થી – ગુજરાત ગ્રંથાલય સેવા સંઘ દ્વારા ‘ગ્રંથાલોક’ ત્રિમાસિક પ્રસિદ્ધ કરવામાં આવે છે. તેમાં ગ્રંથાલયશાસ્ત્રને લગતા લેખો અંગ્રેજી, હિન્દી અને ગુજરાતી ભાષામાં પ્રસિદ્ધ કરવામાં આવે છે. ઈ. સ. 1981માં સંઘ દ્વારા ગ્રંથાલયોની માહિતી આપતી ડિરેક્ટરી ‘ડિરેક્ટરીઝ ઑવ્ લાઇબ્રેરીઝ ઍન્ડ ઇન્ફર્મેશન સેન્ટર્સ ઇન ગુજરાત’ તૈયાર કરવામાં આવી, જેની ત્રીજી આવૃત્તિ 2001માં પ્રસિદ્ધ થઈ છે.

ગ્રંથાલય અને માહિતીવિજ્ઞાનના ક્ષેત્રે સારા વક્તાઓનાં વ્યાખ્યાનો તેમજ તાલીમ-કાર્યક્રમો પણ આ સંઘ યોજે છે.

ઇન્ડિયન લાઇબ્રેરી ઍસોસિયેશન રાષ્ટ્રકક્ષાનું મંડળ છે. તેની સ્થાપના 12 સપ્ટેમ્બર 1933ના રોજ કૉલકાતામાં થઈ હતી. તેનું મુખ્ય કાર્ય નિયમિત પરિષદો ભરવી, ગ્રંથાલય-વિકાસ સાધવો તેમજ ગ્રંથાલયશિક્ષણના ભાગ રૂપે દર વર્ષે નક્કી કરેલી સંખ્યામાં ગ્રંથવિદોને વિદેશ-તાલીમ માટે મોકલવાનું છે. હાલમાં ભારતમાં ગ્રંથાલય અને માહિતીવિજ્ઞાનના ક્ષેત્રે આશરે 7000થી વધારે સભ્યસંખ્યા ધરાવતું સૌથી મોટું અને પ્રખ્યાત વ્યાવસાયિક મંડળ છે.

રાષ્ટ્રીય કક્ષાએ વિદેશમાં અમેરિકન લાઇબ્રેરી ઍસોસિયેશન મુખ્ય છે. તેની સ્થાપના 1876માં ફિલાડેલ્ફિયામાં મેલ્વિલ ડ્યૂઈ દ્વારા થઈ હતી. 1879થી તેનું મથક મૅસેચૂસેટ્માં અને અત્યારે તે શિકાગોમાં છે. આ મંડળની વિશેષતા એ રહી છે કે સરકારે રાજકીય કારણસર બહિષ્કૃત કરેલાં પુસ્તકો ફરી ચકાસી જઈને તેમાંનાં જે યોગ્ય જણાય તે વસાવવા માટે તે ગ્રંથાલયોને મંડળ સલાહ આપતું હતું. વળી પોતે પણ પુસ્તકો મેળવીને ગ્રંથાલયોને મોકલી આપતું હતું. આ મંડળ દુનિયામાં સૌથી જૂનું અને વિશાળ સભ્યસંખ્યા (આશરે 65,000 સભ્યસંખ્યા) ધરાવતું મંડળ છે.

ભારતમાં અગત્યનાં ગ્રંથાલયમંડળો નીચે મુજબ છે :

રાષ્ટ્રીય કક્ષાએ (National Level) :

1. ઇન્ડિયન ઍસોસિયેશન ઑવ્ સ્પેશિયલ લાઇબ્રેરીઝ ઍન્ડ ઇન્ફર્મેશન સેન્ટર્સ (IASLIC)

2. ઇન્ડિયન લાઇબ્રેરી ઍસોસિયેશન (ILA)

3. ઇન્ડિયન થિયૉલૉજિકલ લાઇબ્રેરી ઍસોસિયેશન

4. મેડિકલ લાઇબ્રેરી ઍસોસિયેશન ઑવ્ ઇન્ડિયા (MLAI)

5. સતીનદર કૌર રામદેવ મેમોરિયલ ટ્રસ્ટ ફૉર એડવાન્સમેન્ટ ઑવ્ લાઇબ્રેરિયનશિપ (SATKAL)

6. સોસાયટી ફૉર એડવાન્સમેન્ટ ઑવ્ લાઇબ્રેરી ઍન્ડ ઇન્ફર્મેશન સાયન્સ (SALIS)

7. સોસાયટી ફૉર ઇન્ફર્મેશન સાયન્સ (SIS)

8. સ્પેશિયલ લાઇબ્રેરીઝ ઍસોસિયેશન

ભારત સરકારના માનવસંસાધન વિભાગના સાંસ્કૃતિક ખાતા હેઠળ રાજારામમોહન રૉય લાઇબ્રેરી ફાઉન્ડેશન નામની સ્વાયત્ત સંસ્થા સ્થાપવામાં આવી છે જેનું મુખ્યમથક કૉલકાતા આવેલું છે. કેન્દ્ર સરકારની 100 % સહાયથી ચાલતી આ સંસ્થા દેશના દરેક રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશોની સરકાર સાથે સહયોગ કરી ગ્રંથાલયોને વિવિધ સહાય આપે છે.

રાજ્ય કક્ષાએ (State Level) :

1. આસામ લાઇબ્રેરી ઍસોસિયેશન

2. આસામ રૂરલ લાઇબ્રેરી ઍમ્પ્લૉઇઝ ઍસોસિયેશન

3. સદાઉ આસોમ ગ્રામ્ય પુથિભારલ્ સંસ્થા (Sadau Asom Gramya Puthibharal Sanstha)

4. ગુવાહાટી લાઇબ્રેરી ઍસોસિયેશન (GLA)

5. ગુજરાત લાઇબ્રેરી ઍસોસિયેશન (ગુજરાત ગ્રંથાલય સેવાસંઘ, GGSS)

6. કર્ણાટક સ્ટેટ લાઇબ્રેરી ઍસોસિયેશન

7. કર્ણાટક યુનિવર્સિટી લાઇબ્રેરી ઍસોસિયેશન

8. કેરાલા લાઇબ્રેરી ઍસોસિયેશન

9. મધ્યપ્રદેશ લાઇબ્રેરી ઍસોસિયેશન

10. બૉમ્બે લાઇબ્રેરી ઍસોસિયેશન

11. બૉમ્બે સાયન્સ લાઇબ્રેરિયન્સ ઍસોસિયેશન (BOSLA)

12. બૉમ્બે યુનિવર્સિટી ઍફિલિયેટેડ કૉલેજ લાઇબ્રેરિયન્સ ઍસોસિયેશન (BUACLA)

13. મહારાષ્ટ્ર કૉલેજ લાઇબ્રેરિયન્સ ઍસોસિયેશન

14. મહારાષ્ટ્ર સ્કૂલ લાઇબ્રેરિયન્સ ઍસોસિયેશન

15. મહારાષ્ટ્ર સ્ટેટ લાઇબ્રેરી ઍસોસિયેશન

16. પંજાબ લાઇબ્રેરી ઍસોસિયેશન

17. મદ્રાસ લાઇબ્રેરી ઍસોસિયેશન

18. ઉત્તરપ્રદેશ લાઇબ્રેરી ઍસોસિયેશન

19. ઑલ બૅંગાલ સ્કૂલ લાઇબ્રેરિયન્સ ઍસોસિયેશન (ABSLA)

20. બૅંગાલ લાઇબ્રેરી ઍસોસિયેશન/બાંગિયા ગ્રંથાગાર પરિષદ (Bangiya Granthagar Parishad)

રાજલ રાજેન્દ્રભાઈ મહેતા

ગ્રંથાલયની વ્યાવસાયિક તાલીમ : ગ્રંથાલય વ્યવસાયને અનુલક્ષીને આપવામાં આવતી તાલીમ. ગ્રંથાલય ક્ષેત્રે વિવિધ સ્તરે તાલીમ આપવાની રહે છે. તે બાબત બધી યુનિવર્સિટીઓને યોગ્ય લાગતાં તેમણે પોતાના વિસ્તારની કૉલેજોનું સર્વેક્ષણ કરીને તેમાં તાલીમ પામેલા ગ્રંથવિદો કેટલા છે, ને ભવિષ્યમાં કેટલાની જરૂર પડશે તેનો અંદાજ કાઢી પોતપોતાના અભ્યાસક્રમો ચાલુ કર્યા. શરૂઆતમાં ભારતની યુનિવર્સિટીઓએ એક વર્ષનો સ્નાતકક્ષાનો અભ્યાસક્રમ શરૂ કર્યો. ગુજરાતમાં મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીએ એક વર્ષનો ડિપ્લોમા ઇન લાઇબ્રેરી સાયન્સનો ઈ. સ. 1956માં અને ત્યારબાદ ગુજરાત યુનિવર્સિટીએ તે જ અભ્યાસક્રમ ઈ. સ. 1964માં શરૂ કર્યો. વિશ્વવિદ્યાલય અનુદાન પંચ(યુ.જી.સી.)ની સૂચનાથી ઈ. સ. 1965થી આ અભ્યાસક્રમનું નામાભિધાન ‘બૅચલર ઑવ્ લાઇબ્રેરી સાયન્સ’ કર્યું. ઈ. સ. 1984થી આ અભ્યાસક્રમ ‘બૅચલર ઑવ્ લાઇબ્રેરી ઍન્ડ ઇન્ફર્મેશન સાયન્સ’ના નવા નામે તેમ જ નવા અભ્યાસક્રમથી શરૂ થયો. આ સમયે કેટલીક યુનિવર્સિટીઓમાં આ અભ્યાસક્રમનું નામ ‘બૅચલર ઑવ્ લાઇબ્રેરી સાયન્સ ઍન્ડ ડૉક્યુમેન્ટેશન’ હતું. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી (1976), સરદાર પટેલ યુનિવર્સિટી (1982), ભાવનગર યુનિવર્સિટી (1982), વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી (1986), ગૂજરાત વિદ્યાપીઠ (1988) અને હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી(1992)માં પણ ‘બૅચલર ઑવ્ લાઇબ્રેરી સાયન્સ’નો અભ્યાસક્રમ શરૂ થયો. ઈ. સ. 1986થી ગુજરાતમાં મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી, ગુજરાત યુનિવર્સિટી અને ગૂજરાત વિદ્યાપીઠમાં અનુસ્નાતકક્ષાનો અભ્યાસક્રમ શરૂ થયો. ગૂજરાત વિદ્યાપીઠમાં વર્ષ 2008–’09થી અને ગુજરાત યુનિવર્સિટીમાં વર્ષ 2009–’10થી બે વર્ષનો સંકલિત અનુસ્નાતક કક્ષાનો અભ્યાસક્રમ પણ શરૂ કરવામાં આવ્યો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી (1987), સરદાર પટેલ યુનિવર્સિટી (1988), ભાવનગર યુનિવર્સિટી (1991) અને હેમચંદ્રાચાર્ય નૉર્થ ગુજરાત યુનિવર્સિટી(1992)માં આ અભ્યાસક્રમની શરૂઆત થઈ. શરૂઆતમાં યુનિવર્સિટીના અભ્યાસક્રમમાં કૉલેજ-ગ્રંથપાલોને જ પ્રવેશ આપવામાં આવતો હતો; પછીથી કૉલેજ-ગ્રંથપાલોની માંગ પૂરી થતાં વિદ્યાર્થીઓને પણ પ્રવેશ આપવાનું ચાલુ થયું.

ગ્રંથાલયવિજ્ઞાનનો વ્યાવસાયિક અભ્યાસક્રમ મધ્યપ્રદેશમાં એક કૉલેજે શરૂ કર્યો હતો. ત્યારબાદ ભોપાલ યુનિવર્સિટી – ભોપાલ, વિક્રમ યુનિવર્સિટી – ઉજ્જૈન, ઇન્દોર યુનિવર્સિટી – ઇન્દોર વગેરે સ્થળોએ આ અભ્યાસક્રમો શરૂ થયા હોવા છતાં પણ કૉલેજનો અભ્યાસક્રમ ચાલુ રહ્યો છે. વ્યાવસાયિક અભ્યાસક્રમ યુનિવર્સિટી દ્વારા ચાલુ છે. કમ્પ્યૂટર-શિક્ષણ જેવા વ્યાવસાયિક અભ્યાસક્રમનું શિક્ષણ કમ્પ્યૂટર-સંસ્થાઓ તથા યુનિવર્સિટીઓ આપે છે. તેવી રીતે ગ્રંથાલયશાસ્ત્રનું શિક્ષણ યુનિવર્સિટી તથા કેટલીક કૉલેજો બાદ કરતાં આવી કોઈ સંસ્થાઓ આપતી નથી. તેનું કારણ એ પણ હોઈ શકે કે યુ.જી.સી. મારફત ઇન્ડિયન લાઇબ્રેરી ઍસોસિયેશને ગ્રંથાલય અને માહિતીવિજ્ઞાનનું શિક્ષણ યુનિવર્સિટી દ્વારા અપાય તેવો આગ્રહ રાખ્યો છે. આ અભ્યાસક્રમ નિયમિત રીતે અપાય તે જોવાની જવાબદારી યુનિવર્સિટીને સોંપી છે. ‘એમ. ફિલ. ઇન લાઇબ્રેરી સાયન્સ’નો અભ્યાસક્રમ ગુજરાતમાં સૌપ્રથમ ઈ. સ. 1991માં સરદાર પટેલ યુનિવર્સિટીમાં શરૂ થયો. પણ 1992–1993માં આ અભ્યાસક્રમ બંધ થયો. વર્ષ 2004માં ફરીથી આ અભ્યાસક્રમ શરૂ કરવામાં આવ્યો. ગૂજરાત વિદ્યાપીઠમાં પણ આ જ અભ્યાસક્રમ ઈ. સ. 1993થી શરૂ થયો. ‘પીએચ.ડી. ઇન લાઇબ્રેરી સાયન્સ’ સરદાર પટેલ યુનિવર્સિટી (1996), ગૂજરાત વિદ્યાપીઠ (1999), હેમચંદ્રાચાર્ય નૉર્થ ગુજરાત યુનિવર્સિટી (2000), સૌરાષ્ટ્ર યુનિવર્સિટી (2000) તથા ગુજરાત યુનિવર્સિટીમાં વર્ષ 2010થી આ અભ્યાસક્રમ શરૂ થયો છે. વર્ષ 2010થી સરદાર પટેલ યુનિવર્સિટીએ PGLNDT (પોસ્ટ ગ્રૅજ્યુએટ કોર્સ ઇન લાઇબ્રેરી નેટવર્કિંગ ઍન્ડ ડિજિટલ ટૅક્નૉલૉજી) અભ્યાસક્રમ પણ શરૂ કર્યો છે. આ ઉપરાંત દૂરવર્તી શિક્ષણમાં ઇન્દિરા ગાંધી નૅશનલ ઓપન યુનિવર્સિટી (IGNOU) – નવી દિલ્હીએ વિવિધ જગ્યાઓએ અભ્યાસકેન્દ્રો સ્થાપીને ‘બૅચલર ઑવ્ લાઇબ્રેરી સાયન્સ’, ‘માસ્ટર ઑવ્ લાઇબ્રેરી સાયન્સ’ તથા ‘પીએચ.ડી. ઇન લાઇબ્રેરી સાયન્સ’ જેવા અભ્યાસક્રમો અંગ્રેજી તથા હિંદી માધ્યમમાં શરૂ કર્યા છે. બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં વર્ષ 2010થી ‘બૅચલર ઑવ્ લાઇબ્રેરી સાયન્સ’નો અભ્યાસક્રમ ગુજરાતી માધ્યમમાં શરૂ કરવામાં આવ્યો છે. કોટા ઓપન યુનિવર્સિટી(1987)માં ‘ડિપ્લોમા ઇન લાઇબ્રેરી ઍન્ડ ઇન્ફર્મેશન સાયન્સ’નો અભ્યાસક્રમ તેમજ નાલંદા ઓપન યુનિવર્સિટી, યશવંતરાય ચવાણ મહારાષ્ટ્ર ઓપન યુનિવર્સિટી અને યુ. પી. રાજર્ષિ ટંડન ઓપન યુનિવર્સિટીમાં ‘બૅચલર ઑવ્ લાઇબ્રેરી સાયન્સ’નો અભ્યાસક્રમ ચાલે છે. આ અભ્યાસક્રમો ગ્રંથપાલો – પોતાની નોકરી ચાલુ રાખીને કરી શકે છે. આ ઉપરાંત સતતશિક્ષણ(continuing education)ના કાર્યક્રમ હેઠળ ચલાવાતા ઓપવર્ગો તેમ જ સંશોધનના પ્રકલ્પો દ્વારા પણ કૉલેજ તથા યુનિવર્સિટીના ગ્રંથપાલો તેમજ ગ્રંથાલય અને માહિતીવિજ્ઞાનના – શિક્ષકોને ગ્રંથાલયના નવા નવા અભિગમોનો ખ્યાલ આપવામાં આવે છે. આવા અભ્યાસક્રમ યુ.જી.સી.ની સલાહથી જે તે યુનિવર્સિટીમાં ચલાવવામાં આવે છે.

સતતશિક્ષણમાં વ્યાવસાયિક મંડળો ફાળો આપી શકે છે. આ પ્રકારના શિક્ષણ માટે યુ.જી.સી. જેની પાસે કમ્પ્યૂટરની સુવિધા હોય તેવી સંસ્થાઓને ઓપવર્ગો માટે વિશેષ સહાય આપે છે.

ગુજરાતમાં ગ્રંથાલયવિજ્ઞાનના પ્રમાણપત્રના વર્ગો તેમજ ‘બૅચલર ઑવ્ લાઇબ્રેરી ઍન્ડ ઇન્ફર્મેશન સાયન્સ’ના વર્ગો પ્રાદેશિક ભાષામાં પણ ચલાવવામાં આવે છે. કેટલીક જગ્યાએ યુનિવર્સિટી ગ્રંથાલયોને ગ્રંથાલય અને માહિતીવિજ્ઞાનના અધ્યક્ષની જવાબદારી સોંપવામાં આવે છે. પરિસંવાદ, વ્યાખ્યાનમાળા, ચર્ચાસભાઓ વગેરે માટે બહારથી અધ્યાપકો બોલાવીને તેમનો લાભ લેવાય છે.

એકૅડેમિક સ્ટાફ કૉલેજ દ્વારા યોજવામાં આવતાં ઓરિયેન્ટેશન પ્રોગ્રામ તથા રિફ્રેશર કોર્સ પણ વ્યાવસાયિક તાલીમમાં મદદરૂપ થાય છે. વળી ગ્રંથાલયશાસ્ત્રના વિદ્યાર્થીઓને તાલીમ મળે તે હેતુથી યુનિવર્સિટી તેમજ કેટલાંક વિશિષ્ટ ગ્રંથાલયો તાલીમાર્થી (ટ્રેની) તરીકે વિદ્યાર્થીઓને પોતાના ગ્રંથાલયમાં નિયુક્ત કરે છે અને ગ્રંથાલયની વિવિધ પ્રકારની કામગીરીની તાલીમ આપે છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓને અભ્યાસક્રમના ભાગ રૂપે ગ્રંથાલયોની મુલાકાત લેવાનું તેમજ પ્રોજેક્ટ વર્ક, થીસિસ વગેરે કરવાનું કાર્ય પણ સોંપવામાં આવે છે.

ગ્રંથાલય અને માહિતીવિજ્ઞાનનાં ભારતમાં પ્રકાશિત ‘એનાલ્સ ઑવ્ લાઇબ્રેરી ઍન્ડ ઇન્ફર્મેશન સ્ટડીઝ’ (ALIS), ‘એનાલ્સ ઑવ્ લાઇબ્રેરી-લિટરેચર’, ‘SALIS (Substance Abuse Librarians & Information Specialists) જર્નલ્સ ઑવ્ લાઇબ્રેરી ઍન્ડ ઇન્ફર્મેશન સાયન્સ’, ‘ડેસીડોક’, ‘ગ્રંથાલોક’, ‘ઇન્ડિયન લાઇબ્રેરી ઍસોસિયેશન બુલેટિન’, ‘ઇન્ડિયન ઍસોસિયેશન ઑવ્ સ્પેશિયલ લાઇબ્રેરીઝ ઍન્ડ ઇન્ફરમેશન – (IASLIC) બુલેટિન’ વગેરે સામયિકોમાં પ્રસિદ્ધ થતા લેખો ગ્રંથાલયશાસ્ત્રના અભ્યાસુઓને ગ્રંથાલયની અદ્યતન માહિતીથી વાકેફ રાખે છે. એ રીતે ગ્રંથાલય-વિજ્ઞાનના ક્ષેત્રે થતાં પરિવર્તનો, સેવાઓનો વ્યાપ, ગ્રંથાલય સૉફ્ટવેર, ગ્રંથાલયને લગતા પ્રશ્ર્નોની ચર્ચા વગેરેની જાણકારી તેમને મળે છે.

ગ્રંથાલયોને વધુ સક્ષમ બનાવવામાં તેમજ તેમની સેવાઓમાં સુધાર લાવવામાં ગ્રંથાલયની વ્યાવસાયિક તાલીમ ખૂબ જ મહત્વનું પ્રદાન કરે છે.

રાજલ રાજેન્દ્રભાઈ મહેતા