ગ્રંથપ્રકાશન-ઉદ્યોગ : પુસ્તકો, ચોપાનિયાં અને છાપાં-સામયિકો જેવી છાપેલી વસ્તુ તૈયાર કરવાની અને વેચવાની પ્રવૃત્તિ. પ્રાચીન કાળમાં નાને પાયે શરૂ થયેલી આ કામગીરી આજે એક વિશાળ અને અટપટા ઉદ્યોગ તરીકે વિકસેલી છે. સંસ્કૃતિ ઉપર તેનો જે પ્રભાવ પડેલો છે તેનો અંદાજ કાઢવાનું શક્ય નથી. નિરક્ષરતાનું ધોરણ નીચું આવતું જાય છે, મનુષ્યને મળતી ફુરસદનું પ્રમાણ વધતું જાય છે તથા તરેહતરેહની માહિતી મેળવવાની તેની જરૂરિયાત વધતી જાય છે. તેને પરિણામે આ ઉદ્યોગ સતત વિકસતો જાય છે.

પ્રકાશનપ્રવૃત્તિનો આધાર માણસે કરેલી ત્રણ શોધો ઉપર રહેલો છે : લિપિ, કાગળ અને મુદ્રણ. ઈ. પૂ. ત્રણ-ચાર હજાર વર્ષના ગાળામાં સુમેરિયન લોકોએ લિપિની શોધ કરી તે અગાઉ માહિતીનો ફેલાવો મોઢેથી બોલીને જ થઈ શકતો હતો. દસ્તાવેજો, પત્રવ્યવહાર અને જાહેરનામાં માટે પ્રાચીન જગતમાં જુદી જુદી જાતની લિપિઓનો વપરાશ શરૂ થયેલો; પણ પુસ્તકો લખવાનું કાર્ય ઘણુંખરું ધર્મસ્થાનકો પૂરતું મર્યાદિત રહેલું. મુખ્યત્વે ધર્મ પર આધારિત ન હોય તેવા સમાજો ફક્ત ગ્રીસ, રોમ અને ચીનમાં વિકસેલા હતા અને ત્યાં સામાન્ય વાચકો માટે કેટલાંક પુસ્તકો તૈયાર થતાં હતાં.

મુદ્રણની શોધ ચીનમાં છઠ્ઠી સદીમાં થઈ જણાય છે. પ્રથમ લાકડાના ડટ્ટા પર અક્ષરો કોતરીને તેના વડે છાપકામ થતું. પછી દરેક અક્ષરનું અલગ અલગ બીબું બનાવીને તેનાથી છાપવાની શોધ પણ ચીનના લોકોએ અગિયારમી સદીમાં કરી. છેક બીજી સદીના આરંભે કાગળની શોધ ચીનમાં થઈ તે અને ત્યાંની બીજી શોધો આરબ વેપારીઓ મારફત દૂર દૂરના યુરોપ ખંડ સુધી પહોંચેલી, પણ છાપકામની શોધનું એવું નથી બન્યું લાગતું. યુરોપમાં મુદ્રણકામની શોધ પંદરમી સદીની અધવચમાં જર્મનીમાં જૉન ગૂટનબર્ગે કરી. જુદાં જુદાં બીબાં, શાહી અને કાગળનો સમન્વય કરીને ગૂટનબર્ગે આખી એક નવી કલાકારીગરી ઊભી કરી અને 50 વર્ષથી ઓછા ગાળામાં તો યુરોપના ઘણાખરા ભાગમાં એ કરામતનો ફેલાવો થઈ ગયો.

છેલ્લાં 500 વર્ષથી યુરોપમાં જે બૌદ્ધિક પ્રવૃત્તિનો વિકાસ થતો રહ્યો છે તેના કેન્દ્રમાં મુદ્રણકલા રહેલી છે. પુરોહિતવર્ગની વાડની બહાર નીકળીને અક્ષરજ્ઞાન નવા પેદા થયેલા મધ્યમવર્ગ સુધી પહોંચેલું. ધર્મસંસ્થા, રાજ્યસંસ્થા, વિદ્યાપીઠો તેમજ સુધારકોએ છાપખાનાનો ઉપયોગ ઝડપભેર કરવા માંડ્યો હતો અને આવા નવીન પ્રકારના માધ્યમ પર કાબૂ મેળવવા હર પ્રકારની કોશિશ કરવામાં આવેલી. છાપખાનાની શોધ થઈ તેની લગભગ સાથોસાથ રોમન કૅથલિક ખ્રિસ્તી ધર્મસંસ્થાએ કેટલાક સુધારકોનાં પુસ્તકો પર પ્રતિબંધ લાદવા માંડેલા. રાજ્યસંસ્થાએ પણ સેન્સરશિપની સત્તાનો ઉપયોગ શરૂ કરી દીધેલો; પરંતુ અઢારમી સદીના અંત સુધીમાં પશ્ચિમ યુરોપ અને ઉત્તર અમેરિકામાં વાણીસ્વાતંત્ર્ય સારા પ્રમાણમાં સ્થાપિત થયું અને સેન્સરશિપ ઘણી ઓછી થઈ ગઈ. ઓગણીસમી સદીમાં છાપકામનાં યંત્રો શોધાયાં અને વીસમી સદીમાં તેનો વધુ વિકાસ થયો. વળી બીજી બાજુ અક્ષરજ્ઞાન વધ્યું અને શિક્ષણનાં ધોરણો ઊંચાં આવતાં ગયાં. પરિણામે, છપાયેલો શબ્દ માનવીના મનને અને તેથી આખા સમાજને અસર કરનાર એક શક્તિશાળી સાધન તરીકે સ્થાપિત થયો.

લખાણની પસંદગી, તેનું સંપાદન અને તેની ગોઠવણી કરવાં, તેના છાપકામ અને વિતરણનો પ્રબંધ કરવો તથા એ આખી કામગીરીની આર્થિક જવાબદારી સંભાળવી, એ પુસ્તક-પ્રકાશકની વિશિષ્ટ પ્રવૃત્તિ ગણાય છે. આરંભકાળમાં તો લેખકની, મુદ્રકની અને પુસ્તક-વિક્રેતાની કામગીરી પણ એની સાથે ભળી જતી હતી. લખનાર એ જ છાપનાર, એ જ પ્રકાશક ને વિતરક પણ એ જ, એવું ઘણી વાર બનતું; પણ પછી એ દરેકે પોતપોતાની વિશિષ્ટ કામગીરીમાં પ્રવીણતા પ્રાપ્ત કરવા માંડી તેમ તેમ પ્રકાશનનો ખાસ અલાયદો વ્યવસાય ઊભો થયો. આજના ઘણાખરા પ્રકાશકો જેમ લેખકો પાસેથી લખાણો મેળવે છે, તેમ કોઈના છાપખાનામાં તે છપાવે છે અને પુસ્તક-ભંડારો મારફત તેમને ગ્રાહકો સુધી પહોંચતાં કરે છે.

પ્રકાશિત સામગ્રીના મુખ્ય પ્રકારો બે છે : સામયિકો અને પુસ્તકો. તેમાં પુસ્તકો તો જૂનામાં જૂની માનવસંસ્કૃતિઓના કાળથી અસ્તિત્વમાં આવેલાં છે. માનવીના વિચારોને કાયમી સ્વરૂપ આપીને માણસની એક મૂળગામી જરૂરિયાત એ પૂરી પાડે છે. દરેક પુસ્તક કાંઈ ચિરંતન મૂલ્યવાળું હોતું નથી. તેમ છતાં કોઈ પણ રાષ્ટ્રની એકંદર ગ્રંથસમૃદ્ધિમાંથી કાળની ચાળણીમાંથી ચળાતાં ચળાતાં જે બાકી રહે તે એનું મુખ્ય સંસ્કારધન ગણી શકાય. કોઈ પ્રજાના સાંસ્કૃતિક વારસાને નાબૂદ કરવા માગતા આક્રમણકારોએ ઘણી વાર તેનાં પુસ્તકોને બાળી મૂકેલાં છે. ઈ. પૂ. 213માં શીહ-હુયાન્ગ-ટીએ ચીનમાં, 1520માં સ્પૅનિશ લોકોએ મેક્સિકોમાં અને વીસમી સદીની ત્રીશી દરમિયાન નાઝીઓએ જર્મનીમાં એમ જ કરેલું.

પુસ્તકની કોઈ સંપૂર્ણ સંતોષકારક વ્યાખ્યા નથી પણ આંકડા એકત્ર કરવાની ર્દષ્ટિએ યુનેસ્કો સંસ્થાએ એવી વ્યાખ્યા આપી છે કે ઓછામાં ઓછાં 49 પાનાંવાળું, સામયિક નહિ તેવું, કોઈ પણ છાપેલું પ્રકાશન પુસ્તક ગણાય.

પુસ્તક કાયમી સ્વરૂપની એવી ચીજ છે જેની સહેલાઈથી હેરફેર થઈ શકે અને તેનો હેતુ પ્રજામાં વિચારોનો પ્રસાર કરવાનો છે. ઇતિહાસનાં પહેલવહેલાં પુસ્તકો મેસોપોટેમિયામાં માટીની પાતળી ઈંટો રૂપે અને ઇજિપ્તમાં પપાઇરસનાં ફીંડલાં રૂપે ઈ. પૂ.ની ત્રીજી સહસ્રાબ્દીમાં જોવા મળે છે. માટીની ઈંટો પર પુસ્તકો આલેખવાનું કદાચ 2,000 વર્ષ સુધી ચાલ્યું હશે. તડકામાં સૂકવેલી કે નીંભાડામાં પકવેલી એ ઈંટો એટલી બધી મજબૂત રહેતી કે ધરતીના પડ પરથી ભૂંસાઈ ગયેલાં શહેરોનાં ખંડેરોમાં હજારો વર્ષ સુધી દટાયેલી રહેલી પુસ્તક-ઈંટો આખી ને આખી મળી આવેલી છે. પુરાતન ઇજિપ્તનાં પપાઇરસનાં ફીંડલાં, નાઈલ નદીની ખીણમાં વ્યાપકપણે ખીલતા એ નામના છોડમાંથી બનતાં હતાં; તે ઈંટના પ્રમાણમાં નાજુક ગણાય, છતાં ઈ. પૂ. 2500ના જમાનાનો તેનો નમૂનો હજી અસ્તિત્વમાં છે.

સુમેરિયનો અને ઇજિપ્તવાસીઓના કરતાં ઘણાં વર્ષ પછી ચીનની પ્રજાએ ઈ. પૂ. 1300ના અરસામાં પણ મોટા પાયા પર પુસ્તકોનું નિર્માણ કરેલું.

પપાઇરસનાં ફીંડલાંને ગ્રીક લોકોએ અપનાવી લીધાં અને રોમન પ્રજા સુધી પહોંચાડ્યાં. ઈ. પૂ. છઠ્ઠી સદીથી ગ્રીસમાં પપાઇરસની વપરાશ થતી હતી અને પંડિતોના સાંકડા વર્તુળ કરતાં વિશાળ વાચકવર્ગ એ દેશમાં ઊભો થયેલો.

રોમનોએ ઠીક ઠીક મોટા પાયા પર પુસ્તક-વેપાર વિકસાવ્યો. રોમન પ્રજાના ઉપલા વર્ગોમાં અનેક લોકો પાસે પોતાની માલિકીનાં પુસ્તકો હતાં. પોતાનો અંગત પુસ્તક-સંગ્રહ ધરાવવો એ એક જાતનો મોભો લેખાતો. હાથોહાથ લખીને પુસ્તકોની વધુ નકલો બનાવવાની ક્રિયામાં તે કાળના ગુલામોનો ઉપયોગ થતો, તેથી પુસ્તકની કિંમત પ્રમાણમાં ઓછી રહેતી.

ખ્રિસ્તી ધર્મે તો પુસ્તકોનો મોટો પ્રવાહ વહેતો કરી દીધો. સમસ્ત રોમન સામ્રાજ્યમાં એ એક જ ધર્મને સર્વવ્યાપી બનાવવાની કામગીરી ત્રણ સૈકા સુધી હજારો કિલોમીટરના ફેલાવામાં ચાલી. તેથી પુસ્તકોનો ઉપયોગ ઘણો વધ્યો. રોમના આથમણા સામ્રાજ્યનું પાંચમી સદીમાં વિસર્જન થયું અને પછી જંગલી પ્રજાઓનાં વિનાશકારી ધાડાંનું વર્ચસ્ સ્થપાયું ત્યારે પુસ્તકના અસ્તિત્વ માટે સંકટ ઊભું થયું. તે કાળના પ્રહારો સામે ખ્રિસ્તી ધર્મસંસ્થા અડીખમ ઊભી રહી. મઠોની અંદર પુસ્તકોને આશ્રયસ્થાન સાંપડ્યું. સમાજમાં ચોમેર વ્યાપેલી અંધાધૂંધીને પરિણામે પુસ્તકો તૈયાર કરવાની અને પુસ્તકાલયો ઊભાં કરવાની જવાબદારી એ મઠો ઉપર આવી. આખા મધ્યયુગ દરમિયાન ધર્મસ્થાનકોમાં પુસ્તકાલયો અને લેખનાલયો પ્રવૃત્ત રહ્યાં, ત્યાં બેઠાં બેઠાં સાધુઓ પુસ્તકની નકલો ઉતારતા અને પોતાના ગ્રંથસંગ્રહમાં ઉમેરો કરતા. પશ્ચિમ યુરોપમાં પુસ્તકો લૅટિન ભાષામાં લખાતાં. છેક ચૌદમી સદીમાં મહત્વની લોકભાષાઓ અસ્તિત્વમાં આવી એટલે પછી અન્ય ભાષાઓનાં પુસ્તકોને મહત્ત્વ મળ્યું.

બારમી સદીમાં યુરોપમાં વિદ્યાપીઠો ઊભી થવા માંડી તેથી પુસ્તકોનું ઉત્પાદન વધ્યું. વિદ્યાનો ફેલાવો થતાં, પુસ્તકોનું ઉત્પાદન કરનારને તેનો આનંદ માણનાર ઘણો મોટો સમૂહ મળી રહ્યો. શહેરોના વેપારીઓ તથા કારીગરો પણ વાંચતાં-લખતાં શીખવા માંડ્યા.

છાપકામની શોધ થઈ તે પહેલાં યુરોપભરમાં હસ્તલિખિત પુસ્તકોની સંખ્યા હજારોમાં ગણી શકાય તેટલી હતી. પણ 1500ની સાલ સુધીમાં, ફક્ત 50 વર્ષના છાપકામ બાદ યુરોપમાં 90 લાખથી વધુ પુસ્તકો થઈ ગયાં હતાં. છાપખાનાવાળો એ જ ઘણી વાર બીબાં બનાવનારો, સંપાદક-પ્રકાશક ને વિક્રેતા પણ રહેતો; ફક્ત કાગળ બનાવવાનું ને પુસ્તકબાંધણીનું કામ તેના ક્ષેત્રની બહાર રહેતું.

મહેન્દ્ર મેઘાણી

ભારતમાં ગ્રંથપ્રકાશન : ભારતમાં અર્વાચીન પદ્ધતિના ગ્રંથ પ્રકાશન વ્યવસાયની શરૂઆત ઓગણીસમી સદીમાં થઈ. તે અગાઉ પોર્ટુગીઝોએ ભારતમાં મુદ્રણયંત્રો લાવીને કેટલાક ગ્રંથો પ્રકાશિત કર્યા હતા; પરંતુ આ પ્રવૃત્તિ વ્યાવસાયિક સ્વરૂપની ન હતી અને તેનો હેતુ ફક્ત ધર્મપ્રચારનો હતો. ભારતમાં બ્રિટિશ સત્તાનાં મૂળ ઊંડાં ઊતર્યાં પછી રાજ્યકારભાર ચલાવવા માટે અંગ્રેજોને બીજી કક્ષાના નોકરવર્ગની જરૂર પડી તેથી તેમણે દેશી ભાષાના માધ્યમવાળી નિશાળો શરૂ કરી; પરંતુ 1833માં મૅકૉલેનો અહેવાલ પ્રસિદ્ધ થયા પછી અંગ્રેજી માધ્યમની નિશાળો શરૂ થઈ. સ્વાભાવિક રીતે અંગ્રેજી-દેશી ભાષાનાં પુસ્તકોની જરૂર ઊભી થઈ તેથી શૈક્ષણિક ગ્રંથોનું પ્રકાશનકાર્ય શરૂ થયું અને સમયાંતરે અન્ય ગ્રંથોના પ્રકાશનની પ્રવૃત્તિ પાંગરવા માંડી.

ભારતમાં 14 ભાષાઓને બંધારણ અનુસાર રાષ્ટ્રીય માન્યતા આપવામાં આવ્યા પછી ભારત સરકારે આ ભાષાઓમાં પ્રકાશન અંગે પ્રોત્સાહન આપવા માંડ્યું તેથી લગભગ 20 જેટલી પ્રકાશનસંસ્થાઓ અસ્તિત્વમાં આવી. સમય જતાં છાપવા માટેના કાગળના દુષ્કાળ તથા મુદ્રણના વધી ગયેલા ભાવના કારણે 1973ના અરસામાં પ્રકાશકોએ ગ્રંથોની કિંમત વધારવા પ્રયત્ન કર્યો; પરંતુ તેના પરિણામે મોંઘી કિંમતનાં પુસ્તકોનું વેચાણ ઘટી ગયું અને પ્રકાશન-વ્યવસાયમાં મંદી આવી ગઈ. વળી ભારતીય ભાષાના ગ્રંથો જે તે ભાષાના વાચકો પૂરતા મર્યાદિત રહેતા હોવાથી તથા સ્વાભાવિક રીતે ગ્રાહકવર્ગનો વ્યાપ મર્યાદિત હોવાથી ગ્રંથોની ખપત ઓછી થવા માંડી. ભારતમાં પ્રકાશકો પણ જોઈએ તેટલા સંગઠિત ન હોવાથી પાશ્ચાત્ય પ્રકાશકોની જેમ તે સંયુક્ત પ્રચાર, જાહેરાત અને વેચાણનું માળખું ગોઠવી શક્યા નહિ તેની પણ અસર પડી.

ભારતની મોટા ભાગની પ્રકાશનસંસ્થાઓ વ્યક્તિગત માલિકી અથવા ભાગીદારી પદ્ધતિની છે તેથી તેમનામાં પાશ્ચાત્ય રાષ્ટ્રોની લિમિટેડ કંપની પ્રકારની વ્યવસ્થાનો લગભગ અભાવ છે. તેથી ગ્રંથપ્રકાશન-વ્યવસાયમાં કંપનીના અધ્યક્ષ, સંચાલક, વિક્રય-વ્યવસ્થાપક, ગ્રંથનિર્માણ-પ્રમુખ, કાયદાકીય સલાહકાર એવી વિવિધ પ્રકારની કાર્યવહેંચણી થઈ શકતી નથી તથા વિસ્તરણની ભાવિ યોજના, હરીફો અંગેની માહિતી વગેરે વિષયો ઉપર ભાગ્યે જ કાળજીપૂર્વક વિચારણા થઈ શકે છે; આમ છતાં, ભારતીય ગ્રંથપ્રકાશન-વ્યવસાય ધીમે ધીમે યોજનાબદ્ધ બનવા લાગ્યો છે. 1973થી દિલ્હી વિશ્વવિદ્યાલયે ‘ગ્રંથપ્રકાશન’ને અનુલક્ષીને પદવી આપવાનું શરૂ કર્યું છે અને અન્ય વિશ્વવિદ્યાલયોએ પણ તેના અંગેના અભ્યાસક્રમ શરૂ કર્યા છે.

ભારતીય ગ્રંથપ્રકાશનને ધીમે ધીમે આંતરરાષ્ટ્રીય મહત્ત્વ મળવા લાગ્યું છે. ભારતમાં પ્રકાશિત થયેલા અંગ્રેજી, સંસ્કૃત વગેરે ભાષાઓના ગ્રંથોની પરદેશમાં માગણી થવા માંડી છે. ભારતમાંથી મુસ્લિમ ધર્મના ગ્રંથોની પશ્ચિમ એશિયાના દેશોમાં નિકાસ થવા માંડી છે. યુનેસ્કોના અહેવાલ પ્રમાણે ગ્રંથપ્રકાશનના ક્ષેત્રે વિશ્વમાં ભારતનો ક્રમ આઠમો છે. ફેડરેશન ઑવ્ બુકસેલર્સ ઍન્ડ પબ્લિશર્સ ઍસોસિયેશન્સ ઇન ઇન્ડિયા નામની સંસ્થા પ્રકાશન-વ્યવસાયના હિતરક્ષણ માટે અસ્તિત્વમાં આવી છે. વળી ફેડરેશન ઑવ્ ઇન્ડિયન પબ્લિશર્સ નામની બીજી એક સંસ્થા પણ આ પ્રકારના ઉદ્દેશથી 1974માં અસ્તિત્વમાં આવી છે. આ ઉપરાંત રાષ્ટ્રીય ગ્રંથ નિધિ (National Book Trust) અને ભારતીય સાહિત્ય અકાદમી તેમજ રાજ્યવાર અકાદમીઓ આ ક્ષેત્રમાં કાર્ય કરી રહી છે.

જયન્તિલાલ પો. જાની

ગુજરાતમાં ગ્રંથપ્રકાશન : ગુજરાતી ભાષામાં પ્રકાશનપ્રવૃત્તિનો પ્રારંભ સને 1812થી થયો. ફરેદૂન મર્ઝબાન નામના એક પારસી સજ્જને ગુજરાતી બીબાંથી સજ્જ એવું છાપખાનું નાખ્યું હતું અને તે વ્યવસાયના અનુસંધાનમાં સને 1812માં પંચાંગ અને સને 1815માં દાબેસ્તાન નામે ફારસી ગ્રંથનો તરજુમો પ્રગટ કર્યો. તેમની કિંમત અનુક્રમે બે તથા પંદર રૂપિયા જેવી (તે જમાનાના રૂપિયાના મૂલ્યને લક્ષમાં લેતાં) અતિ મોંઘીદાટ હોવા છતાં તેની હજારો પ્રતો વેચાઈ. એ પાછળ, એ બંને પ્રકાશનોએ લોકોમાં જન્માવેલ કુતૂહલને કારણભૂત લેખી શકાય. સને 1812થી 1850 લગીના ગાળા દરમિયાન વીસેક પુસ્તકો (મુખ્યત્વે ફારસી ભાષામાંથી ગુજરાતીમાં અનુવાદો) પ્રગટ કર્યાં. તેમણે રચેલા શીતળાના ઉપદ્રવ પર ‘ગોશીતળા’ નામે પુસ્તક પ્રત્યે સરકારનું ધ્યાન ખેંચાતાં, તેની મફત વહેંચણી સારુ સંખ્યાબંધ પ્રતો ખરીદી હતી.

બાદ, પ્રકાશનના વ્યવસાયમાં ત્રણ પેઢીઓ દાખલ થઈ – 1870માં અમદાવાદમાં, ધાર્મિક પુસ્તકોના ધંધાર્થે મહાદેવ રામચંદ્ર જાગુષ્ટે; મુંબઈમાં 1883માં ગુજરાતી પ્રિન્ટિંગ પ્રેસ અને મુંબઈમાં જ 1888માં ગુજરાતી મહાનવલ ‘સરસ્વતીચંદ્ર’નું પ્રકાશન કરનાર એન. એમ. ત્રિપાઠીની કંપની. ગુજરાતી પ્રિન્ટિંગ પ્રેસના સ્થાપક ઇચ્છારામ સૂર્યરામ દેસાઈ મોટા ચિંતક અને લેખક હોવા ઉપરાંત તેમનામાં પ્રકાશક તરીકે રહેલી વિશિષ્ટ ર્દષ્ટિ અને સૂઝ-સમજને કારણે તેમની પ્રકાશનપ્રવૃત્તિનો વિસ્તાર ખૂબ વિશાળ ફલક પર થયો છે. તેમનાં કેટલાંક ગણનાપાત્ર પ્રકાશનોમાં ‘ચંદ્રકાંત’ (ત્રણ ખંડ), ‘બૃહત્ કાવ્યદોહન’ (નવ ખંડ) તથા મહાભારતના અનુવાદનો સમાવેશ થાય છે. તેમણે રચેલા અને પ્રગટ કરેલા ‘હિંદ અને બ્રિટાનિયા’ પુસ્તકે ભારે વિવાદ અને ઊહાપોહ સર્જ્યા હતા. તે એટલી હદે કે તેની સામે કાયદેસરનાં પગલાં લેવાના નિર્ણયની જવાબદારી તત્કાલીન વાઇસરૉય પર છોડી દેવાઈ હતી.

ઓગણીસમી સદીના પૂર્વાર્ધમાં પણ પુસ્તકનો સામાજિક સુધારણાના સાધન તરીકે સ્વીકાર થયો હતો. લોકોને ઓછી કિંમતે પુસ્તકો સુલભ થાય તેવા શુભાશયથી પ્રેરાઈને સૂરત ખાતે જાણીતા સમાજસુધારક દુર્ગારામ મહેતાજીએ પુસ્તક પ્રસારક મંડળી શરૂ કરી. શહેરમાં છાપખાનું નાખવા માટે તેમને સરકારી પરવાનગી ન મળતાં 1830ની સાલમાં શહેરી હદની બહાર મુદ્રણની પ્રવૃત્તિ કરવાની તેમને ફરજ પડેલી.

1848માં ઍલેક્ઝાન્ડર કિન્લૉક ફાર્બસની પ્રેરણાથી ગુજરાત વર્નાક્યુલર સોસાયટી પણ આવા જ આશયથી શરૂ કરાઈ હતી. આ સંસ્થાએ તેની બહુવિધ પ્રવૃત્તિના ભાગ રૂપે 30 વર્ષમાં 81 જેટલાં પુસ્તકો પ્રગટ કર્યાં હતાં; તેમાં સાહિત્ય, આરોગ્ય, શિક્ષણ વગેરે વિષયોનાં પ્રકાશનોમાં મુખ્ય ઝોક સમાજસુધારાનો હતો.

1900ની આસપાસ પ્રકાશકોએ મધ્યકાલીન યુગની અપ્રગટ હસ્તપ્રતો અને ખાસ કરીને કાવ્યરચનાઓ શોધી-મેળવીને પ્રગટ કરવા ભારે જહેમત ઉઠાવી અને એ રીતે સમાજ તથા સાહિત્યની મહત્ત્વની સેવા કરી. આનો આરંભ કર્યો ગુજરાત વર્નાક્યુલર સોસાયટીએ. આ સંસ્થાએ પ્રગટ કરેલ ‘કાવ્યદોહન’ની ટૂંકા ગાળામાં જ 3,000 નકલો વેચાઈ ગઈ. એ જ ધોરણે ગુજરાતી પ્રિન્ટિંગ પ્રેસે પણ પ્રાચીન તથા મધ્યકાલીન કવિતાના 9 ગ્રંથો પ્રગટ કર્યા. ત્યાર બાદ હરગોવિંદદાસ કાંટાવાળા અને નાથાશંકર શાસ્ત્રીએ ‘પ્રાચીન કાવ્યમાળા’ રૂપે જુદા જુદા કવિઓના 30 ગ્રંથો વડોદરાનરેશની આર્થિક સહાયથી પ્રગટ કર્યા. પ્રકાશનપ્રવૃત્તિની આ ઘટના લોકોની કાવ્યરુચિ માટે પણ સૂચક ગણાય.

ઓગણીસમી સદીના અંતભાગમાં રતનજી ફરામજી શેઠનાએ જ્ઞાનપ્રસારક મંડળીના ઉપક્રમે ગુજરાતીમાં સર્વપ્રથમ જ્ઞાનકોશ તૈયાર કર્યો, તેનું પ્રકાશન એ મંડળીએ આર્થિક સાધન ઊભું કરીને કર્યું. ‘જ્ઞાનચક્ર’ નામની આ યોજના પાછળ તેમણે 15 વર્ષ પરિશ્રમ કર્યો અને પ્રથમ ગ્રંથ 1897માં તથા નવમો અને છેલ્લો ગ્રંથ 1910માં પ્રગટ કર્યો.

ગુજરાતી પ્રિન્ટિંગ પ્રેસ જેવી પ્રકાશનસંસ્થાઓનાં પ્રકાશનો વેપારી ધોરણે હાથ ધરાતાં હોઈ તેમની કિંમત ઠીક ઠીક ઊંચી રહેતી. એક ગીતાવિષયક પ્રકાશનની ભારે કિંમત જાણીને ભિક્ષુ અખંડાનંદજીને ભારે આઘાત લાગ્યો અને તેમાંથી જ તેમને સસ્તી કે નામની કિંમતે પુસ્તકો પ્રગટ કરવાની પ્રેરણા મળી. આથી 1907માં સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલયના નેજા હેઠળ વ્યાપક ઉપયોગિતા ધરાવતાં પુસ્તકો પ્રગટ કરવાનું મિશન આરંભાયું. પુસ્તકની કિંમત બને તેટલી ઓછી રાખવાના આશયથી તેમણે લેખકના મહેનતાણા સહિત અનેક બાબતોમાં ભારે કરકસર કરવાની નીતિ રાખી હતી. તેમણે વિવિધ ગ્રંથમાળાઓ શરૂ કરી લોકોને વાર્ષિક લવાજમના ધોરણે ઘેર બેઠાં પુસ્તકો પહોંચાડવાનો નવતર અભિગમ અપનાવ્યો.

ગાંધીજીના આગમનથી પ્રકાશનક્ષેત્રે પણ નવા વહેણનો પ્રારંભ થયો. 1919માં તેમણે અમદાવાદમાં ‘નવજીવન’ નામનું સાપ્તાહિક શરૂ કર્યું. ગાંધીજીના કેટલાક નવજુવાન અનુયાયીઓને સાહિત્ય તથા પુસ્તકો વિશે રુચિ હતી. આથી પ્રારંભમાં તેમણે ગાંધીસાહિત્યના પ્રસારનું કાર્ય અપનાવ્યું અને પાછળથી પ્રકાશનપ્રવૃત્તિનો વ્યવસાય અપનાવ્યો. તેમાંથી નવજીવન ટ્રસ્ટની પ્રકાશનસંસ્થા ચાલુ થઈ.

ગાંધીજીની એક કૃતિ મરાઠીમાં જોવા મળતાં અને ગુજરાતીમાં તે અપ્રગટ હોવાની જાણ થતાં, તે (‘મારો જેલનો અનુભવ’) પ્રગટ કરવા સારુ સને 1921માં ગાંડીવ સાહિત્યમંદિરની શરૂઆત થઈ. ગાંધીજીનાં ત્રણેક પુસ્તકોના પ્રકાશન બાદ પોતાનું લક્ષ બાળસાહિત્ય તેમજ સ્ત્રીઓ માટેના સાહિત્યનાં પુસ્તકો પ્રગટ કરવા પર કેન્દ્રિત કર્યું હતું. ગાંધીસાહિત્યનાં પુસ્તકોની ફેરી કરતાં કરતાં તેના પ્રચારમાં પલોટાયેલા બે ભાઈ – શંભુભાઈ અને ગોવિંદભાઈ દ્વારા પાછળથી ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયની સ્થાપના થઈ. તે જ અરસામાં નવયુગ સાહિત્ય મંદિર, આર. આર. શેઠની કંપની., પ્રસ્થાન કાર્યાલય, ભારતી સાહિત્ય સંઘ જેવી સંસ્થાઓ સ્થપાઈ. ત્યારથી વ્યાવસાયિક ધોરણે પ્રકાશનપ્રવૃત્તિનો આરંભ થયો લેખાય. એ રીતે ગણો તો ગાંધીજીને પગલે ગુજરાતમાં પુસ્તક પ્રકાશનપ્રવૃત્તિએ વ્યવસ્થિત રૂપ ધારણ કર્યું.

ગાંધીવિચાર અને ગાંધીસાહિત્યના પ્રસાર તથા પ્રોત્સાહન માટે 1924માં નવજીવન સાહિત્ય મંદિરે આ ક્ષેત્રે પ્રવેશ કર્યો. શરૂઆતમાં ગાંધીજીનાં ‘હિંદ સ્વરાજ’ તથા ‘દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ’ એ બે પુસ્તકો પ્રગટ કર્યાં. ત્યારબાદ બીજા અનેક લેખકોનાં શિક્ષણ, રાષ્ટ્રીય ચળવળ, સમાજસુધારણા વગેરે જેવા વિષયોનાં પુસ્તકો પણ પ્રગટ કર્યાં. આમ કિશોરલાલ મશરૂવાળા, મહાદેવભાઈ દેસાઈ તથા કાકા કાલેલકર, ઉપરાંત નરહરિભાઈ પરીખ, કેદારનાથજી, આચાર્ય કૃપાલાની, મોરારજી દેસાઈ, પં. જવાહરલાલ નહેરુ જેવા અનેક અગ્રણીઓનાં અન્ય ભાષાનાં પુસ્તકો પણ ગુજરાતીમાં સુલભ થયાં.

ગાંધીજીના શિક્ષણવિષયક વિચારોને વ્યવહારમાં મૂકવા સ્થપાયેલ ગૂજરાત વિદ્યાપીઠે પણ એ ઉદ્દેશ પાર પાડવા લગભગ આ જ ગાળામાં પ્રકાશનપ્રવૃત્તિ અપનાવી. તેનાં પ્રકાશનો પણ નવજીવન સાહિત્ય મંદિરનાં પ્રકાશનો જેવાં પણ ગાંધીજીની મુખ્ય પ્રવૃત્તિરૂપ લોકશિક્ષણને લગતાં સવિશેષ રહ્યાં હતાં.

વિલીનીકરણ પૂર્વેનાં ભાવનગર, લીંબડી અને વડોદરા જેવાં કેટલાંક દેશી રાજ્યોના રાજવીઓ પણ પ્રશંસનીય સાહિત્યિક અભિરુચિ ધરાવતા હતા. સયાજીરાવ ગાયકવાડની ગામેગામ પુસ્તકાલય વસાવવાની આદર્શ યોજનાના પરિણામે લોકોની વાચનભૂખ સંતોષાવા ઉપરાંત પુસ્તક પ્રકાશન અને વેચાણને પણ પરોક્ષ પ્રોત્સાહન મળ્યું. જૂના વડોદરા રાજ્યમાં આવાં 2,000 પુસ્તકાલય હતાં. વળી સયાજી સાહિત્યમાળા અને સયાજી બાલસાહિત્યમાળા નિમિત્તે તેમણે શિષ્ટ-સંસ્કારપોષક વાચનસામગ્રી સુલભ કરી આપી.

આ ક્ષેત્રે ગોંડળનરેશ ભગવતસિંહજીનું પ્રદાન ખૂબ મૂલ્યવાન નીવડ્યું છે. રાજવી હોવા છતાં, કોશકારને છાજે એવાં તમામ ખંત, જહેમત અને ચીવટ દાખવીને 30 વર્ષના અથાક પરિશ્રમ પછી તેમણે 9 ભાગમાં પ્રગટ કરેલો ‘ભગવદગોમંડળ’ અનેકાર્થી શબ્દકોશ ગુજરાતીમાં અનન્ય લેખાય છે. એની પ્રથમ આવૃત્તિની માત્ર 500 નકલો પ્રગટ થઈ હતી અને તે વાચકોને અલ્પ કિંમતે સુલભ થઈ હતી.

લોકોનો વાચનશોખ પોષવાની સાથોસાથ તેમની જ્ઞાનજિજ્ઞાસા સંતોષવાની મુંબઈના પરિચય ટ્રસ્ટની પ્રકાશનપ્રવૃત્તિ વિશેષ ઉલ્લેખનીય છે. અઘરા વિષયો વિશે પણ નિષ્ણાતો પાસે સુગમ ભાષામાં લખાવીને મહિને બે પુસ્તિકાઓ પ્રગટ કરવાની આ પ્રકાશનપ્રવૃત્તિ ખૂબ લોકપ્રિય નીવડી છે. લોકમિલાપ ટ્રસ્ટ (ભાવનગર) પણ નિષ્ઠા અને સેવાભાવનાથી પ્રેરાઈને ઉચ્ચ કોટિનાં પુસ્તકો પડતર કિંમતે સુલભ કરી આપે છે. તેની વિવિધ યોજનાઓ દ્વારા લોકોની વાચન માટેની સુરુચિ કેળવાઈ છે.

આ ઉપરાંત ગુજરાતી સાહિત્ય પરિષદ, ગુજરાત સાહિત્ય સભા, ગુજરાત વિદ્યાસભા, ફાર્બસ ગુજરાતી સભા, ભો. જે. વિદ્યાભવન, ચૂનીલાલ ગાંધી વિદ્યાભવન (સૂરત) તથા ગુજરાતની યુનિવર્સિટીઓ અને ગુજરાત સાહિત્ય અકાદમી તેમજ યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ તરફથી વિવિધ વિષયનાં સર્જન-વિવેચનનાં વિદ્વદભોગ્ય પ્રકાશનો પ્રગટ થતાં રહે છે.

વનરાજ માલવી