ગોલ્ડસ્ટાઇન, કુર્ત

February, 2011

ગોલ્ડસ્ટાઇન, કુર્ત (જ. 6 નવેમ્બર 1878 [Kattowitz], પ્રોવિન્સ ઑવ્ સિલેશિયા, જર્મની; અ. 19 સપ્ટેમ્બર 1965, ન્યૂયૉર્ક) : જર્મનીના ન્યુરૉલૉજી અને સાઇકિયાટ્રીના વિદ્વાન. લોઅર સિલેસિયાની બ્રેસલાઉ યુનિવર્સિટીમાંથી તબીબી વિદ્યાશાખાની ડિગ્રી 1903માં મેળવ્યા બાદ તેમણે, ફ્રાંકફૂર્ત યુનિવર્સિટીના ‘ન્યુરૉલૉજિકલ ઇન્સ્ટિટ્યૂટ’માં ન્યુરૉલૉજી અને સાઇકિયાટ્રીના પ્રોફેસર તેમજ નિયામક તરીકે કામ કર્યું. પહેલા વિશ્વયુદ્ધ દરમિયાન મગજની ઈજા પામેલા સૈનિકોની સારવાર માટેની લશ્કરી હૉસ્પિટલમાં તેમણે સેવાઓ આપી હતી. 1930માં તે બર્લિન યુનિવર્સિટીમાં અધ્યાપક તરીકે નિયુક્ત થયા. હિટલરના શાસન દરમિયાન તેમને કેદ રાખવામાં આવ્યા. અને જર્મની છોડી દે તે શરતે મુક્ત કરવામાં આવતાં 1935માં ગોલ્ડસ્ટાઇન અમેરિકા ગયા અને ન્યૂયૉર્ક સાઇકિયાટ્રિક ઇન્સ્ટિટ્યૂટમાં તેમણે સેવાઓ આપી. તેઓ કોલમ્બિયા, હાર્વર્ડ તેમજ બ્રેન્ડિસ યુનિવર્સિટીઓ સાથે પણ સંકળાયેલા હતા.

કુર્ત ગોલ્ડસ્ટાઇન

ગોલ્ડસ્ટાઇનનાં મહત્વનાં પુસ્તકોમાં, ‘ધી ઑર્ગેનિઝમ’ (1939), ‘હ્યુમન નેચર ઇન ધ લાઇટ ઑવ્ સાઇકોપૅથૉલૉજી’ (1940), ‘આફ્ટર-ઇફેક્ટ્સ ઑવ્ બ્રેઇન ઇન્જરીઝ ઇન વૉર’ (1942) તેમજ ‘લૅંગ્વેજ ઍન્ડ લૅંગ્વેજ ડિસ્ટર્બન્સીઝ’(1948)નો સમાવેશ થાય છે.

ગોલ્ડસ્ટાઇનના સહુથી વધુ મહત્વના અભ્યાસો મૂર્ત (concrete) અને અમૂર્ત (abstract) વર્તન અંગેના છે. વ્યક્તિની અમૂર્ત વર્તનની ક્ષમતાને અવરોધે તેવી બાબતોની જાણકારી મેળવવા માટેની કેટલીક કસોટીઓ ગોલ્ડસ્ટાઇન અને તેમના સાથીઓએ તૈયાર કરી છે. ચિકિત્સાક્ષેત્રે ખાસ કરીને મગજની ઈજાનું પ્રમાણ વ્યક્તિમાં કેટલું છે તે જાણવા માટે આ કસોટી ઉપયોગી જણાઈ છે.

મગજના અગ્ર ખંડો (frontal lobes)ને ઈજા થવાથી વ્યક્તિઓમાં અમૂર્ત વલણ કે વર્તનમાં કેટલીક નીચે દર્શાવેલી ક્ષતિઓ જણાય છે :

(1) દર્દીઓ ઘણી વાર આંતરિક અનુભવો અને બાહ્ય જગત વચ્ચે ભેદ પાડી શકતા નથી; દા. ત., બહાર વરસાદ પડતો હોય ત્યારે મગજની ઈજા પામેલા દર્દીઓ ‘સૂર્ય પ્રકાશે છે’ તે વાક્યનું પુનરાવર્તન કરવા તૈયાર થતા નથી.

(2) મગજની ઈજાવાળા દર્દીઓને ઘડિયાળ બતાવવામાં આવે ત્યારે સમય દર્શાવી શકે છે પણ ઘડિયાળના કાંટા ફેરવીને અમુક ચોક્કસ સમય દર્શાવવાનું કહેવામાં આવે તો તેઓ તેમ કરી શકતા નથી.

(3) આવા દર્દીઓ વિગતો વચ્ચનો ભેદ (discrimination) અમુક સમયગાળાથી વધુ સમય માટે મનમાં ધારણ કરી શકતા નથી; દા.ત., છાપેલા પત્રકમાંથી અમુક ચોક્કસ અક્ષર ઉપર ચોકડી મૂકવાનું કહેવામાં આવે તો શરૂઆતમાં તે તેમ કરી શકે છે. પણ થોડા સમય પછી બધા અક્ષરો ઉપર તે ચોકડી મૂકતા જાય છે.

(4) આવા દર્દીઓ એક પ્રકારનું કામ કરતા હોય; પછી તરત જ બીજા પ્રકારનું કામ કરી શકતા નથી; દા. ત., એકથી શરૂ કરીને આગળના આંકડા ગણવાનું કહેવામાં આવે તો તે તેમ કરી શકે છે પણ પછી કોઈ બીજો આંકડો આપીને તેના પછી આવતા આંકડા ગણવાનું કહેવામાં આવે તો તે તેમ કરી શકતા નથી.

(5) રજૂ કરેલા પદાર્થોનાં સર્વસામાન્ય લક્ષણો તેઓ જુદાં તારવી શકતા નથી, તેઓ પ્રતીકાત્મક વિચારણા કરી શકતા નથી. ભવિષ્યમાં ઘટના બનવાની સંભાવના વિશે વિચારી શકતા નથી. અને તેથી કોઈ આયોજન કરી શકતા નથી. તે એક સ્થળેથી બીજે સ્થળે જઈ શકે છે. પણ ત્યાં કેવી રીતે પહોંચ્યા તેનો નકશો રજૂ કરી શકતા નથી. તે અંગેનું વૃત્તાંત આપી શકતા નથી.

ગોલ્ડસ્ટાઇનના મતે અમૂર્ત વલણ અંગેની ક્ષતિ સમગ્ર વ્યક્તિત્વમાં પરિવર્તન લાવે છે. ગોલ્ડસ્ટાઇનનો અભિગમ સમગ્રવાદી (holistic) છે. સજીવતંત્ર(organism)ને જુદા જુદા સ્વતંત્ર વિભાગોના સરવાળા તરીકે ઘટાવવાનો અભિગમ ગોલ્ડસ્ટાઇનને માન્ય નથી, કારણ કે સજીવતંત્રના એક ભાગમાં જે બને છે તે સમગ્ર સજીવતંત્રને પ્રભાવિત કરે છે.

ગોલ્ડસ્ટાઇન વ્યક્તિના વર્તનને વિશિષ્ટ ઉદ્દીપકો સામે થતી વિશિષ્ટ પ્રતિક્રિયા તરીકે યાંત્રિક રીતે સમજવાની પદ્ધતિ સ્વીકારતા નથી. સજીવતંત્રનાં કેટલાંક મૂળતત્વો (principles) છે; જેવાં કે, શક્તિસમતુલા, સ્વ-વાસ્તવીકરણ (self-actualization), મૂર્ત વિરુદ્ધ અમૂર્ત વલણ, વાતાવરણ સાથે કામ પાડવાની રીતો વગેરે. આવાં મૂળતત્વોને આધારે વ્યક્તિના વર્તનની સમગ્રલક્ષી સમજૂતી ઉપર ગોલ્ડસ્ટાઇન ભાર મૂકે છે; તેથી જ ગોલ્ડસ્ટાઇન મનોવિજ્ઞાનને જૈવીય વિજ્ઞાન તરીકે ઘટાવીને ભૌતિક પદાર્થોનાં વિજ્ઞાનોથી તેને જુદું સમજે છે. પ્રયોગોને બદલે જીવનના વાસ્તવિક સંદર્ભોમાં વ્યક્તિના અવલોકનની પદ્ધતિને તેમજ વ્યક્તિ-ઇતિહાસ (case history) પદ્ધતિને તે વધુ મહત્વ આપે છે; દા. ત., ગોલ્ડસ્ટાઇને મગજની ઈજા પામેલા એક પ્રૌઢ દર્દીનો ઘણાં વર્ષો સુધી અવલોકનાત્મક અભ્યાસ કર્યો હતો. આ દર્દી પણ અમૂર્ત વર્તન અંગેની ખામીથી પીડાતો હતો. તેથી જ તે ત્રણ બારીવાળો કસોટી માટેનો ખંડ ઓળખી શકતો પણ એ ખંડ ક્યાં છે તે કહી શકતો નહિ. બીજા દર્દીઓ સાથે તે કોઈ દુકાને જઈ શકતો પણ જો તે તેમનાથી છૂટો પડી ગયો હોય તો તે સ્થળ શોધી શકતો નહિ. સમય અને અવકાશ-અભિમુખતા અંગેના વિક્ષેપો તેમજ વાસ્તવિકતા અને કલ્પના વચ્ચેનો ભેદ પાડવાની અશક્તિ આ દર્દીમાં જોવા મળી હતી. અવિષમ (normal) માણસોમાં જે સ્થિર અને વિશ્વસનીય દેશ-કાળગત સંદર્ભ-માળખું (frame of reference) સ્થપાયું હોય તે આ દર્દીમાં પડી ભાગ્યું હોવાથી તેનું વર્તન તેનું અવલોકન કરનારને ખૂબ જ વિચિત્ર લાગે તે સ્વાભાવિક છે.

ગોલ્ડસ્ટાઇનના શક્તિના સમાનતાસ્થાપન(equalization of energy)ના તત્વ (principle) પ્રમાણે સજીવતંત્રમાં શક્તિનું પ્રમાણ સ્થિર હોય છે અને સમ્યક રીતે વહેંચાયેલું હોય છે. દરેક સજીવતંત્રમાં તણાવ(tension)ની અમુક સરેરાશ અવસ્થા પ્રવર્તતી હોય છે. સજીવતંત્રના વ્યાપારોમાં શક્તિનો નાશ થતો નથી કે તેનો નિ:શેષ વ્યય થઈ શકતો નથી. સરેરાશ તણાવની સ્થિતિ આંતરિક કે બાહ્ય ઉદ્દીપકોથી વિક્ષિપ્ત થતાં પ્રાણી તે સ્થિતિની પુન:સ્થાપના માટે પ્રવૃત્ત બને છે; દા.ત., ભૂખ્યું પ્રાણી ખોરાક ખાઈને, ભયભીત પ્રાણી પલાયનાત્મક વર્તનથી કે હુમલા સામે આક્રમણ કરીને સરેરાશ તણાવની મૂળ સ્થિતિ ફરી પ્રાપ્ત કરે છે. આ શક્તિની સમાનતા-સ્થાપનની ક્રિયા છે. સંપૂર્ણ તણાવ-મુક્તિ તરીકે આ ક્રિયાને ગોલ્ડસ્ટાઇન સમજાવતા નથી, કારણ કે સજીવતંત્રમાં સતત કોઈ ને કોઈ તણાવ પ્રવર્તતો જ હોય છે. તેને અમુક સીમામાં રાખવા પ્રાણી પ્રવૃત્ત થાય છે. પ્રાણીને ટકી રહેવા માટેની જરૂરી ક્ષમતા અતિશય ઉદ્દીપન કે અતિન્યૂન ઉદ્દીપનથી શક્ય બનતી નથી. તેને માટે ઇષ્ટતમ (optimum) તણાવની આવશ્યકતા રહે છે.

ગોલ્ડસ્ટાઇન જીવતંત્રનાં બે મહત્વનાં કાર્યોનો નિર્દેશ કરે છે અને આ બંનેમાં શક્તિ-સમતુલા કે સમાનતાસ્થાપનનું તત્વ પ્રવર્તે છે. સ્વ-વાસ્તવીકરણ અને વાતાવરણ સાથે સમાયોજન (adjustment) એવાં આ બે કાર્યો પ્રાણીને ટકી રહેવા માટે ઉપકારક નીવડે છે. માનવજીવનની અંતર્ગત જ પૂર્ણતાની ઝંખના પડેલી છે અને તે મનુષ્યના વર્તનનું મહત્વનું પ્રેરક તત્વ (motive) હોય છે. અન્ય પ્રેરણાઓ ધારવાની કે તેમની યાદી બનાવવાની ગોલ્ડસ્ટાઇનને આવશ્યકતા જણાતી નથી. વ્યક્તિની વિકાસ અને સુધારણાની ક્ષમતા તેની અભિરુચિઓ (intrests), પસંદગીઓ (preferences) અને અભિયોગ્યતાઓ (aptitudes) દ્વારા વ્યક્ત થાય છે. વ્યક્તિમાં અપ્રગટ ક્ષમતાઓને સાકાર કરવાની પ્રેરણા એટલે કે સ્વ-આવિષ્કાર કે આત્માભિવ્યક્તિની પ્રેરણા ગોલ્ડસ્ટાઇન પ્રમાણે એકમાત્ર પ્રેરણા છે.

વ્યક્તિની સ્વ-વાસ્તવીકરણની ઝંખના વ્યક્તિએ પોતાના વાતાવરણ સાથે આંતરક્રિયા કરીને મૂર્ત કરવાની હોય છે. વાતાવરણ સાથે પ્રતિક્રિયા કરવામાં કેટલીક લવચીકતા (flexibility) અપેક્ષિત છે. સ્વસ્થ સમધારણ (normal) વ્યક્તિઓ અમૂર્ત વલણની કે વિચારની ક્ષમતા ધરાવતી હોવાથી વાતાવરણ પ્રત્યે યાંત્રિક રીતે કેવળ પ્રત્યાઘાતો જ આપતી નથી પણ પહેલ કરીને સક્રિય બનીને વાતાવરણ સાથે સુમેળ સાધવાનું કે સંગતિ સ્થાપવાનું કાર્ય સિદ્ધ કરે છે. ગોલ્ડસ્ટાઇને દર્શાવ્યું છે તેમ મગજની ઈજા પામેલ વ્યક્તિઓમાં અમૂર્ત વર્તનની ખામીને લીધે વાતાવરણ સાથે વિવિધ રીતે સમાયોજિત થવાનું ખૂબ જ મુશ્કેલ બને છે.

મનોવિજ્ઞાનમાં સજીવતંત્રવાદી સિદ્ધાંત(organismic theory)ના મુખ્ય પ્રવક્તા તરીકે ગોલ્ડસ્ટાઇનનું વિશિષ્ટ યોગદાન રહ્યું છે. સમર્દષ્ટિવાદી મનોવિજ્ઞાન(gestalt psychology)ની કેટલીક વિભાવનાઓ અપનાવનાર જીવતંત્રવાદી સિદ્ધાંતની કેટલીક સ્થાપનાઓ નીચે મુજબની છે :

(1) અવિષમ (normal) વ્યક્તિત્વમાં એકત્વ, સંગઠન, સુસંગતતા અને અખંડિતતા જોવા મળે છે.

(2) સજીવતંત્રના જુદા જુદા વિભાગોનો અલગ અલગ અભ્યાસ કરવા અણુવાદી (atomistic) ર્દષ્ટિબિંદુ સજીવતંત્રવાદી મનોવિજ્ઞાનમાં માન્ય કરવામાં આવતું નથી.

(3) અનેક પ્રેરણાઓની અલગ અલગ યાદી બનાવવાને બદલે સજીવતંત્રવાદી મનોવિજ્ઞાન સ્વ-આવિષ્કારની એક અને માત્ર એક જ સર્વવ્યાપી પ્રેરણા સ્વીકારે છે.

(4) સજીવતંત્રવાદી મનોવિજ્ઞાન વાતાવરણના ઘટકોને સર્વોપરી મહત્વ આપવાને બદલે સજીવતંત્ર(organism)ની પોતાની જ સુષુપ્ત શક્તિઓને તેના વિકાસમાં સક્રિય થતી જોવાનો અભિગમ અપનાવે છે.

(5) સજીવતંત્રવાદી મનોવિજ્ઞાન સમગ્રતાવાદી મનોવિજ્ઞાન છે પણ તેથી તે કેવળ સમર્દષ્ટિવાદી મનોવિજ્ઞાન (gestalt psychology) બની જતું નથી. સમર્દષ્ટિવાદી મનોવિજ્ઞાન પ્રત્યક્ષીકરણ(perception)ને અભ્યાસના કેન્દ્રમાં મૂકે છે ત્યારે સજીવતંત્રવાદી અભિગમ સમગ્ર સજીવતંત્રની તમામ પ્રવૃત્તિને પોતાના ક્ષેત્રમાં સમાવી લે છે.

મધુસૂદન બક્ષી