ગોરખ મૂંડી : દ્વિદળીના યુક્તદલાના કુળ Compositae-(Asteraceae)નો પથરાતો છોડ. (સં. मुण्डिका, श्रावणी; ગુ. ભુરાંડી કલાર; Bhurandi). તેના સહસભ્યોમાં કલહાર, ગાડરુ, ઉત્કંટો, સોનકી વગેરે છે. તેનું લૅટિન નામ Sphaeranthus indicus છે.
જમીન ઉપર પથરાતાં પ્રકાંડ અને શાખા સપક્ષ અને રોમમય ગ્રંથિવાળાં હોય છે. અદંડી, સાદાં અધોગામી પર્ણોની કિનારી કંટકમય હોય છે. તેનાં ફળ અને ફૂલો ઑક્ટોબરથી એપ્રિલ સુધી ફાલે છે. સૂકી ભીનાશવાળા ખાડાઓમાં ચોમાસા પછી તે પાંગરે છે. લાલાશ પડતાં જાંબલી અદંડી પુષ્પો અંડાકાર કે ગોળાકાર સંયુક્ત રૂપે સોપારી જેવડાં મુંડકમાં ગોઠવાયેલાં હોય છે. દ્વિશાખી પરાગાસાન; રોમવલય ફળવાળાં હોય છે. છોડની વાસ ઉગ્ર હોય છે. છોડમાં ઘેટું જાય તો તે આંધળું થઈ જાય છે તેવું આચાર્ય પદેજીએ નોંધ્યું છે.
આયુર્વેદ અનુસાર તે અસરકારક ઔષધિ છે. તેનું તેલ શરીર સાફ કરી પસીના અને પેશાબ વાટે બહાર આવે છે. તેની વિશિષ્ટ પ્રકારની સુગંધ પણ છે. તે ચામડીના અને મૂત્રાશયના તમામ રોગોને દૂર કરે છે.
રક્તશોધન એનો પ્રધાનગુણ છે. યકૃત, પાંડુતા, રક્તવિકાર અને મૂત્રદોષ જેવા રોગોમાં અસર કરે છે – ‘રક્ત એવં પ્રાણ:’ના સૂત્ર પ્રમાણે શુદ્ધ રક્તમાંથી બંધાતી તમામ ધાતુઓમાં તે પોષકતા ઉમેરે છે. કાયમ નીકળતાં ગૂમડાં, ગાંઠ અને લોહીવિકારના અન્ય રોગોમાં તે ગુણકારી ગણાય છે. કડવા અને કટુપૌષ્ટિક ગુણને લીધે એ કૃમિજન્ય રોગો દૂર કરે છે.
પ્રાગજી મો. રાઠોડ
ઈન્દુમતી શાહ