ગોડ્ડા (Godda) : ઝારખંડ રાજ્યના ઈશાન કોણમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 24° 50´ ઉ. અ. અને 87° 13´ પૂ. રે.ની આજુબાજુનો 2,110 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની વાયવ્યમાં અને ઉત્તરે બિહારના બંકા અને ભાગલપુર જિલ્લા, ઈશાન અને પૂર્વ તરફ સાહિબગંજ અને પકૌર જિલ્લા, દક્ષિણ તરફ ડુમકા જિલ્લો તથા પશ્ચિમે બંકા જિલ્લો આવેલા છે. જિલ્લામથક ગોડ્ડા જિલ્લાના મધ્ય ભાગમાં આવેલું છે.

ગોડ્ડા જિલ્લો

ભૂપૃષ્ઠજંગલોઆબોહવાજળપરિવાહ : આ જિલ્લો ઊંચાણવાળું, લાંબી ડુંગરધારો તથા થાળાંઓવાળું, અસમતળ ભૂપૃષ્ઠ ધરાવે છે. રાજમહાલ ટેકરીઓના પૂર્વ-પશ્ચિમ ભાગો આ જિલ્લામાંથી પસાર થાય છે. આ ટેકરીઓની હારમાળાઓ વચ્ચે આશરે 5000 ચોકિમી.નો પહાડી વિભાગ આવેલો છે. અગાઉ અહીં આવેલાં ગાઢ જંગલો હવે સાફ થઈ ગયાં છે; તેમ છતાં અહીં સાલ, સાગ, જૅકફ્રૂટ, સિમલ, વાંસ જેવાં વૃક્ષો જોવા મળે છે. અહીંની વન્ય પેદાશોમાં લાખ અને સબાઈ ઘાસ મુખ્ય છે. વળી અહીં રેશમના કોશેટાનું ઉત્પાદન લેવાય છે. જંગલો કપાઈ જવાથી જંગલી પ્રાણીઓની સંખ્યા પણ ઘટી ગઈ છે. જિલ્લો દરિયાથી દૂર આવેલો હોવાથી તે વિષમ આબોહવા ધરાવે છે. અહીંના ઉનાળા ગરમ અને શિયાળા ઠંડા હોય છે. નજીકમાં ઉત્તર તરફ આવેલી ગંગા અહીંની મુખ્ય નદી છે. આ જિલ્લામાં આશરે 20 હેક્ટર ભૂમિવિસ્તારને આવરી લેતું મોટું તળાવ બસંતરાય ગામ ખાતે આવેલું છે; મકરસંક્રાંતિ વખતે જિલ્લાના તેમજ અન્ય જિલ્લાઓના ઘણા લોકો તેમાં સ્નાન કરે છે.

ખેતીપશુપાલન : જિલ્લાના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે. ડાંગર અને મકાઈ અહીંના મુખ્ય પાકો છે. શાકભાજી અને અળસીનું વાવેતર પણ મોટા પાયા પર થાય છે. જ્યાં સિંચાઈ ઉપલબ્ધ થઈ શકે છે ત્યાં શેરડીનો પાક પણ લેવાય છે. કૂવા સિંચાઈ માટેનો મુખ્ય સ્રોત છે.

ગાયો, ભેંસો, આખલા, બળદ, ઘેટાં-બકરાં અને ડુક્કર અહીંનાં મુખ્ય પાલતુ પશુઓ છે. મરઘાં-બતકાંનો ઉછેર પણ થાય છે. અહીંનાં પશુઓની ઓલાદ ઊતરતી કક્ષાની હોવાથી ઓલાદ-સુધારણા માટે આયોજન કરાયું છે.

ઉદ્યોગો–વેપાર : જિલ્લાના નિવાસીઓ સાંથાલ અને પહાડી જાતિના ગરીબ લોકો છે. તેઓ હાથસાળ પર વણાટનું કામ કરે છે. કેટલાક લોકો માટીનાં વાસણો અને પાત્રો બનાવે છે. વળી વાંસની ટોપલીઓ, નેતરકામ પણ અહીં થાય છે. અહીં કોઈ મોટા ઉદ્યોગો વિકસ્યા નથી.

જિલ્લામાંથી ડાંગર, ગોળ અને શાકભાજીની નિકાસ તથા દવાઓ, કપડાં અને કોલસાની આયાત થાય છે. અહીં બેકરી અને માટલાંનું ઉત્પાદન લેવાય છે.

પરિવહનપ્રવાસન : આ જિલ્લામાં રેલમાર્ગની સુવિધા ઉપલબ્ધ નથી; પરંતુ પાકા રસ્તાઓથી ગોડ્ડા નગર જિલ્લાનાં સ્થળો સાથે તેમજ ગોડ્ડા જિલ્લો ભાગલપુર, સાહિબગંજ, ડુમકા, દેવઘર સાથે સંકળાયેલો છે. જિલ્લામાં કોઈ વિશિષ્ટ મહત્વ ધરાવતાં ધાર્મિક, ઐતિહાસિક કે પુરાતત્વીય સ્થળો નથી. ઘણા જૂના સમયમાં અહીં બસંતરાય નામના ઉદાર રાજવીએ 20 હેક્ટર ભૂમિમાં પથરાયેલું તળાવ બંધાવેલું, જે પવિત્ર ગણાય છે; ગામનું નામ પણ બસંતરાય છે. જિલ્લામાં વર્ષના જુદા જુદા તહેવારોએ અહીં મેળા ભરાય છે.

વસ્તીલોકો : 2001 મુજબ આ જિલ્લાની વસ્તી 8,61,182 જેટલી છે, તે પૈકી પુરુષો અને સ્ત્રીઓની સંખ્યા લગભગ સરખી છે. જિલ્લામાં 95 % ગ્રામીણ અને 5 % શહેરી વસ્તી છે. જિલ્લામાં હિન્દી ભાષા બોલાય છે. અહીં મોટા ભાગની વસ્તી હિન્દુઓની છે. શહેરોમાં સાક્ષરતાનું પ્રમાણ 75 % છે, જ્યારે ગામડાંમાં તે માત્ર 35 % જેટલું છે. પ્રાથમિક-માધ્યમિક શાળાઓનું પ્રમાણ ગામડાંમાં ઓછું અને શહેરોમાં તે મધ્યમસરનું છે. ગોડ્ડામાં ત્રણ કૉલેજો છે. વહીવટી સરળતાની ર્દષ્ટિએ જિલ્લાને માત્ર એક ઉપવિભાગમાં અને 8 સમાજવિકાસ ઘટકોમાં વહેંચેલો છે. અહીં 1 નગર (ગોડ્ડા) અને 2304 (705 વસ્તીવિહીન) ગામડાં આવેલાં છે.

ઇતિહાસ : 1981માં વસ્તીગણતરી કરવામાં આવી ત્યારે આ જિલ્લાનો વિસ્તાર અવિભાજિત સાંથાલ પરગણા જિલ્લાનો એક ભાગ હતો. ત્યારબાદ સાંથાલ પરગણાનો ગોડ્ડા વિભાગ જુદો પાડવામાં આવ્યો અને ગોડ્ડા ઉપવિભાગનો નવો જિલ્લો બનાવાયો. તેનો જૂનો ઇતિહાસ સાંથાલ પરગણાના ઇતિહાસ સાથે સંકળાયેલો છે.

ગિરીશભાઈ પંડ્યા

શિવપ્રસાદ રાજગોર