ગૉડવિન ઑસ્ટીન (K2 ગિરિશિખર)

February, 2011

ગૉડવિન ઑસ્ટીન (K2 ગિરિશિખર) : હિમાલય પર્વતની કારાકોરમ હારમાળાનું શિખર. તે કાશ્મીરના ઈશાન ભાગમાં આવ્યું છે. વિશ્વનાં ઊંચાં ગિરિશિખરોમાં માઉન્ટ એવરેસ્ટ (8848 મીટર) પછી ઊંચાઈમાં એની બીજા નંબરે ગણતરી થાય છે.

ગૉડવિન ઑસ્ટીન (K2 ગિરિશિખર)

એની ઊંચાઈ 8,611 મીટર છે. 1858માં ‘ટૉપૉગ્રાફિકલ સર્વે ઑવ્ ઇન્ડિયા’ની કચેરીએ તેના સંગૃહીત ક્રમાંકમાં એને ‘K2’ નામ આપ્યું છે. 1861માં કર્નલ હેન્રી હાવરશામ ગૉડવિન ઑસ્ટીને મશહૂર બ્રૂમ પર્વતમાળાની કાચી રૂપરેખા દોરી. તેમણે પર્વતમાળાને શોધવા સૌપ્રથમ પ્રવાસ ખેડ્યો હતો. એટલે એને ગૉડવિન ઑસ્ટીન કહે છે. આની જાણ અને વર્ણન પણ સૌપ્રથમ ઑસ્ટીને કરેલાં.

આ શિખર ગાઢ હિમથી ઢંકાયેલું રહે છે. આથી આ વિસ્તારમાં 50થી 65 કિમી. લાંબી હિમનદીઓ આવેલી છે. એનાં છાગોરી અને ‘ડાપસાંગ’ જેવાં સ્થાનિક નામો છે. 1861થી આ શિખર પર ચડવાના પ્રયાસો થતા હતા. છેક 1954માં ઇટાલિયન ટુકડીએ પ્રોફેસર આરદિતો ડેસિયો(પ્રોફેસર ઑવ્ જિયૉલૉજી, મિલાન યુનિવર્સિટી)ની આગેવાની હેઠળ, દોરડા માર્ગે કરેલ ચઢાણ સફળ થયું હતું.

જૈનાબસુલતાના અહમદ સૈયદ