ગેરુ (rust) : ઘઉં, જવ, બાજરી, મકાઈ, કઠોળ જેવા પાકોમાં જાતજાતની ફૂગ દ્વારા થતો મુખ્ય રોગ. ગેરુ ફૂગની આશરે 4,000 જેટલી પ્રજાતિઓ જુદી જુદી આવૃતબીજધારી વનસ્પતિઓમાં ફૂગનો રોગ પેદા કરે છે. કાટ જેવી કથ્થાઈ, બદામી કે પીળા રંગની ફોલ્લીઓ ચાંદા રૂપે પાન કે દાંડી પર ગેરુ તરીકે જોવા મળે છે. ફોલ્લીઓ નાની કે મોટી ગોળાકાર કે અનિયમિત આકારની હોય છે. ગેરુ યજમાન વનસ્પતિના કોષોમાં વૃદ્ધિ પામે છે અને બીજાણુદંડ (sporophore) બનાવી તેના પર બીજાણુ પેદા કરે છે. ગેરુ રોગની શોધ સૌપ્રથમ 1665માં રૉબર્ટ હૂક નામના વૈજ્ઞાનિકે કરી. ગેરુ કાં તો એક જ યજમાનના શરીરમાં જીવનચક્ર પૂરું કરે છે અથવા અન્ય કેટલાક બે યજમાન પર આધાર રાખે છે.

ઘઉંમાં ત્રણ પ્રકારના ગેરુના રોગ જોવા મળે છે :

(1) દાંડીનો કાળો ગેરુ : આ રોગ માટે જવાબદાર ફૂગ Puccinia graminis triticiનું જીવનચક્ર ઘઉં અને દારુહળદર (barberry) આમ બે યજમાનના શરીરમાંથી પસાર થાય છે.

(2) પાનનો બદામી કે નારંગી ગેરુ Puccinia recondia તરીકે ઓળખાય છે.

(3) પીળો ગેરુ P. striiormesના નામે ઓળખાય છે.

ચણામાં Uromyces ciceris arietini અને વટાણામાં U. fabae દ્વારા ગેરુ રોગ થાય છે.

ભારતમાં ગેરુના રોગને લીધે 1946–47 અને 1956–57માં ઘઉંનો પાક નિષ્ફળ જતાં દુકાળ પડ્યો હતો. ગેરુની ફૂગ થડ, પાન, કંટી અને દાણા પર આક્રમણ કરી ત્યાં ફૂગની ખાસિયત મુજબ કાળા, પીળા, નારંગી રંગના ફોલ્લા જેવા ઊપસેલા ડાઘા પેદા કરે છે. તે વનસ્પતિના કોષોમાં વિકાસ પામી ખાસ પ્રકારના બીજાણુદંડ મારફત બીજાણુઓ રૂપે વનસ્પતિની સપાટી ઉપર આવે છે અને આ બીજાણુઓ પવન મારફત ફેલાઈ દ્વિસ્તરીય આક્રમણ કરી ઝડપથી રોગને ફેલાવે છે. ફૂગની અવસ્થા મુજબ તે એકકોષી કે દ્વિકોષી બીજાણુ પેદા કરે છે અને આ બીજાણુ તેના જે તે અવસ્થાના બીજા યજમાન કે તે જ યજમાનમાં રોગ કરી જીવનચક્ર આગળ ચલાવે છે.

જે તે વિસ્તારની રોગ-પ્રતિકારક જાતની વાવણી કરવાથી અને ઝીનેબ કે મૅન્કોજેબ 2 ગ્રામ/1 લિટર પાણીમાં ભેળવી રોગ આવ્યે તરત છંટકાવ કરવાથી રોગનિયંત્રણ શક્ય બને છે.

હિંમતસિંહ લાલસિંહ ચૌહાણ

પ્રમોદ રતિલાલ શાહ