ગૂટનબર્ગ, જોહાન

February, 2011

ગૂટનબર્ગ, જોહાન (જ. 1398, મેઇન્ઝ, જર્મની; અ. 3 ફેબ્રુઆરી 1468, મેઇન્ઝ, જર્મની) : મુદ્રણકળાના આદ્ય શોધક. પિતા મેઇન્ઝ નગરના ધર્માધ્યક્ષ. નાનપણથી જ તેમણે ધાતુકામ અંગે કૌશલ પ્રાપ્ત કર્યું હતું. 1430માં નગરની વ્યાપારી સંસ્થાઓ અને ધર્માધ્યક્ષો વચ્ચે સંઘર્ષ થતાં નગર છોડીને સ્ટ્રૅસબર્ગમાં આવીને સ્થિર થયા. 1434 સુધીનાં ચાર વર્ષમાં તેમણે કુશળ ઔદ્યોગિક કારીગર તરીકે ત્યાં નામના પ્રાપ્ત કરી. 1438માં ત્રણ જણ સાથે તેમણે ભાગીદારીનો કરાર કર્યો અને તે દ્વારા ભાગીદારોને મુદ્રણકળા અંગે પોતાની શોધખોળ વિશે વાકેફ કરતા રહેવાનું વચન આપ્યું. 1440માં મુદ્રણની નવી પદ્ધતિ અંગે સ્ટ્રૅસબર્ગમાં તમણે પ્રથમ સફળ પ્રયોગ કર્યો. 1450 સુધીમાં મુદ્રણની આ નવી શોધ સંપૂર્ણ થઈ ચૂકી હતી અને વ્યાપારી ધોરણે તેનો ઉપયોગ કરી શકાય તેવી ક્ષમતા તેને પ્રાપ્ત થઈ હતી. બીબાંની મદદથી મૂળ નકલની અનેક પ્રતિકૃતિઓ છાપવાની કળાનું ગૂટનબર્ગે નિર્દેશન કરી બતાવ્યું. તે ર્દષ્ટિએ તે અક્ષરછપાઈનું પૂર્વરૂપ ગણાય. છપાઈકામ અંગે તેમણે કરેલી શોધનો ઉપયોગ છેક વીસમી સદી સુધી કોઈ પણ પ્રકારના સુધારાવધારા વિના થતો રહ્યો છે. ધાતુનાં બનેલાં બીબાં દ્વારા છપાઈ કરી શકાય તેવી ખાસ પ્રકારની શાહી બનાવવામાં પણ એમને સફળતા મળી હતી. ધાતુનાં બનેલાં બીબાંનું મોટા જથ્થામાં ઝડપથી અને સસ્તી કિંમતે મુદ્રણ કરવાની કળાની ભેટ આજની દુનિયાને ગૂટનબર્ગે આપી છે. પોતાનું છાપખાનું ઊભું કરવા માટે 1450–52 દરમિયાન તેમણે પ્રયત્નો કરેલા પણ તેમાં સફળતા મળી નહોતી. તેમ કરવા જતાં તે દેવાદાર બન્યા હતા. પરિણામે ઉછીનાં નાણાં આપનાર જ્હૉન ફસ્ટે તેમનું છાપખાનું જપ્ત કરાવેલું. પાછળથી અંધત્વને લીધે ગૂટનબર્ગને આ વ્યવસાયમાંથી સ્વૈચ્છિક નિવૃત્તિ લેવી પડી હતી.

ગૂટનબર્ગ, જોહાન

તેમણે ઊભા કરેલા છાપખાનામાં 1455માં લૅટિન ભાષાનું બાઇબલ છપાયું હતું. આ બાઇબલ ‘ગૂટનબર્ગ બાઇબલ’ કે ‘42 લીટીનું બાઇબલ’ તરીકે ઓળખાય છે. તે સિવાય તેમના છાપખાનામાં ‘36 લીટીનું બાઇબલ’ પણ છપાયું હોય તેવી શક્યતા છે. આ બાઇબલને ‘બૅમબર્ગ બાઇબલ’, ‘શેલહૉન્સ બાઇબલ’, ‘ફિશર્સ બાઇબલ’ એવાં જુદાં જુદાં નામ અપાયેલાં છે. 1454માં તેમણે ‘લેટર્સ ઑવ્ ઇન્ડલજન્સ’નું છાપકામ કર્યું હતું. ડૉ. કૉનરાડ હોમેનીએ આપેલાં ઓજારો અને ટાઇપોની મદદથી 1460માં ગૂટનબર્ગે ‘કેથૉલિકૉન’ નામક ગ્રંથ છાપ્યો હતો તેના પુરાવા સાંપડ્યા છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે