ગૂંદી : દ્વિદળીના ઇહરેશિયેસી કુળનો છોડ. હિં. लसुडे, અં. Lasora/sebestan, લૅટિન પ્રજાતિ Cordia sp. પ્રારંભમાં કુળ Boraginaceaeમાં તેનો સમાવેશ થયેલ પરંતુ પછી ગૂંદી-Cordia, કજિયાળી, Ehretia રૂડિયો  —Kotula અને કારવાસ — Sericostomma એ ચાર વનસ્પતિઓનું જુદું કુળ રચાયું છે. Cordiaની સાત જાતિઓ ગુજરાતમાં મળે છે.

તે પૈકી વડ ગૂંદો, મોટો ગૂંદો (C. dichotoma Forst) સર્વત્ર, ગોડાડિયો સાગ (C. domestica Roth) પંચમહાલ અને છોટા ઉદેપુરમાં, નાની ગૂંદી (C. gharaf Ehrenb) અને ક્વચિત્ જોવા મળતા દહીવી (C. macleodi Hk) ડાંગનાં જંગલોના સૂકા ભાગોમાં, કાઠગૂંદી (C. monoica Roxb.) સૌરાષ્ટ્ર અને કચ્છમાં વાડોમાં અને જંગલી ગૂંદી (C. perottietii Wt.) ઉત્તર ગુજરાતમાં જોવા મળે છે. જવલ્લે જ જોવા મળતો C. wallichii G. D.નો પ્રકાર છોટાઉદેપુર પાસે નોંધાયો છે.

ગૂંદી એ કોંકણનો ફળપાક છે. તે વાંકાચૂકા થડવાળું, ઉપર લીસી અને નીચે આછી રુવાંટી ધરાવતું પર્ણપાતી વૃક્ષ છે. તેનાં ગોળ અથવા લંબગોળ ફળ માર્ચ પછી બેસે છે. કાચાં હોય ત્યારે ઘેરાં-લીલાં, મે-જૂન દરમિયાન મળે. પાકેલાં ફળ પીળા અથવા આછા ગુલાબી રંગનાં હોય છે. એમાં એક જ બીજ હોય છે. તેની આસપાસ ચીકણો અને સ્વાદિષ્ટ ગર બીજોપાંગ (aril) હોય છે.

કાચાં ફળોનું ભરેલું શાક રંધાય છે. લીલા રંગનાં વિકસિત ફળ કેરી સાથે અથાણામાં અને જેલીમાં વપરાય છે.

ગૂંદીનું પ્રસર્જન બીજથી કે રોપાથી થાય છે, ઉપરાંત ઈથરેલનો પટ આપવાથી ને મૂળ ઉપર આંખ-કલમ કરવાથી કલમ સારી રીતે જામે છે. ડાળીઓની છાંટણી (pruning) કરવાથી શાખાઓનો વિકાસ સારો થાય છે. ફળનો ઉતારો વૃક્ષની ઉંમર, જમીનની જાત, આબોહવા, વાવેતરની પદ્ધતિ અને માવજત પર આધાર રાખે છે.

તેનાં ફળો સૂકવી બનાવેલા ચૂર્ણનું નિયમિત સેવન કમર અને સાંધામાં શક્તિ પૂરે છે. તેનાં ફળ માંહેનો રસ ગુંદર તરીકે વપરાય છે. આવા ઉપયોગ આડઅસર કરતા નથી. પણ હવે ભુલાતા જાય છે.

રોપણી : પદ્ધતિસરનું વાવેતર કરવાનું હોય તો 5 × 5 મીટરના અંતરે ઉનાળા દરમિયાન 60 × 60 × 60 સેમી. માપના ખાડા કરી ચોમાસામાં 4થી 5 માસના રોપાઓથી રોપણી થઈ શકે.

ખાતર : સામાન્ય રીતે છાણિયા ખાતર સિવાય અન્ય કોઈ ખાતર નાખવામાં આવતું નથી. પુખ્ત વયના ઝાડને ફળદાયી રાખવા માટે ઝાડદીઠ સામાન્ય રીતે 50 કિલો છાણિયું ખાતર, 500 ગ્રામ એમોનિયમ સલ્ફેટ, 300 ગ્રામ સુપરફૉસ્ફેટ તથા 80 ગ્રામ મ્યુરેટ ઑવ્ પોટાશ અપાય છે.

પિયત : મોટા ઝાડને પાણીની ખાસ જરૂરિયાત રહેતી નથી. શરૂઆતનાં દોઢ-બે વર્ષ સુધી માસ દોઢ માસના ગાળે પિયત આપવું જરૂરી હોય છે.

જ. પુ. ભટ્ટ