ગુહા, બી. એસ. (જ. 15 ઑગસ્ટ 1894, શિલોંગ, આસામ; અ. 20 ઑક્ટોબર 1961, [બિહાર] ઘટશિલા જમશેદપુર) : ભારતમાં માનવશાસ્ત્રનો પાયો નાખનારા વિદ્વાન. ડૉ. બિરજાશંકર ગુહા 1915માં ફિલૉસૉફી વિષય સાથે કોલકાતા યુનિવર્સિટીમાંથી એમ.એ. થયા. 1922માં હાર્વર્ડ યુનિવર્સિટીમાં માનવશાસ્ત્રમાં એમ.એ. અને 1924માં ‘ધ રેસિયલ બેઝીઝ ઑવ્ ધ કાસ્ટ સિસ્ટમ ઇન ઇન્ડિયા’ મહાનિબંધ દ્વારા પીએચ.ડી.ની ડિગ્રી પ્રાપ્ત કરી. તે પછી કૉલકાતા યુનિ.માં માનવશાસ્ત્ર વિભાગમાં અધ્યાપનનું કામ કર્યું. 1936માં ઇન્ડિયન ઍન્થ્રોપોલૉજિકલ ઇન્સ્ટિટ્યૂટ, 1938માં નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ સૉશિયલ સાયન્સીઝ ઑવ્ ઇન્ડિયા, અને 1939માં બંગાળની રૉયલ એશિયાટિક સોસાયટીની સ્થાપના કરી તેના ફેલો, માનદ મંત્રી તથા પ્રમુખ પણ રહ્યા. આ કાર્ય બદલ તેમને એનૉલ્ડ સુવર્ણચંદ્રક પણ મળ્યો. તે પછી ઍન્થ્રોપોલૉજિકલ સરવે ઑવ્ ઇન્ડિયાના પ્રથમ નિયામક બન્યા. નિવૃત્તિ પછી બિહાર આદિવાસી સંશોધન તાલીમ કેન્દ્રની સ્થાપના કરી અને તેના નિયામક તરીકે કામ કર્યું.

બી. એસ. ગુહા

ડૉ. ગુહાનું સંશોધનક્ષેત્ર ઘણું વિશાળ હતું. 1931માં તેમણે ‘ભારતની પ્રજાતીય લાક્ષણિકતાઓ’ પર અત્યંત મહત્ત્વનું સંશોધન કર્યું જેથી દેશ-પરદેશમાં તેમની ખ્યાતિ થઈ. ઉપરાંત 1921માં ન્યૂ મેક્સિકો અને કૉલોરાડોમાં, ઉત્તર બલૂચિસ્તાનના ચિત્રલ પ્રદેશમાં તથા ભારતમાં જૉન્સન બાવરના ‘ખાસા રજપૂતો’ અંગે વિશાળ પ્રજાતીય ક્ષેત્રકાર્ય કર્યું. ગાર્ડનર મરફીના સહકારમાં ‘ભારતમાં તંગદિલી’ એ વિષયનો અભ્યાસ પણ કર્યો.

અરવિંદ ભટ્ટ