ગુવેરા, ચે. (જ. 14 જૂન 1928, આર્જેન્ટિના; અ. 9 ઑક્ટોબર 1967, બોલિવિયા) : દક્ષિણ અમેરિકાના ડાબેરી વિચારસરણી ધરાવતા ક્રાન્તિકારી તથા ગેરીલા યુદ્ધપદ્ધતિનો પ્રચાર કરી તેનો અમલ કરનાર નેતા. તેમના પિતા સ્થપતિ હતા. બુએનૉસ ઍરિસમાં તેમણે તબીબી શિક્ષણ લીધું હતું. વિદ્યાભ્યાસ દરમિયાન તે દક્ષિણ અમેરિકાના વિવિધ દેશોની મુલાકાત લેતા રહ્યા હતા. આર્જેન્ટિનાના સરમુખત્યાર પેરૉન સામે તેમણે માથું ઊંચક્યું હતું. પણ તેમાં સફળ ન થતાં મેક્સિકોમાં ફિડલ કૅસ્ટ્રો સાથે જોડાયા હતા (1956–1959) અને તેમના મુખ્ય સલાહકાર બન્યા હતા. ક્યૂબાની બાટિસ્ટા સરકારને ઉથલાવીને 1 જાન્યુઆરી 1959ના રોજ કૅસ્ટ્રોની સરદારી નીચે નવી ક્રાન્તિકારી સરકારની સ્થાપના થઈ તેમાં ગુવારાએ સક્રિય સાથ આપ્યો હતો.

ચે. ગુવેરા

ત્યારબાદ તે ક્યૂબાની કૅસ્ટ્રો સરકારમાં જોડાયા હતા અને થોડો સમય ક્યૂબાની નૅશનલ બૅન્કના પ્રમુખ તરીકે કામ કરીને ઉદ્યોગપ્રધાન (1961–65) બન્યા હતા. ગેરીલા યુદ્ધપદ્ધતિના પ્રચાર અર્થે તે બોલિવિયા ગયા હતા જ્યાં એ સાન્ટાક્રૂઝ ખાતે પકડાઈ ગયા હતા અને તેમનો વધ કરવામાં આવ્યો હતો (1967).

તેમની ટૂંકી પણ યાદગાર કારકિર્દી દરમિયાન તેમણે દક્ષિણ અમેરિકામાં ગેરીલા યુદ્ધનો જોરશોરથી પ્રચાર કર્યો હતો તથા ‘ગેરીલા વૉરફેર’ નામનું પુસ્તક પણ લખ્યું હતું.

ગુવેરાના અવસાનના ચાર દાયકા બાદ સપ્ટેમ્બર 2007માં તેનું જીવનચરિત્ર જેકોબો મેકોવરે લખ્યું છે. લેખક મેકોવરના આ પુસ્તકનું શીર્ષક ‘ધ હિડન ફેસ ઑવ્ ચે’ છે. તેમાં ‘અગણિત દેશદ્રોહીઓના હત્યારા’ તરીકે ગુવેરાના ચહેરા પરનો નકાબ હટાવી તેને ઉઘાડો પાડવાનો પ્રયાસ કરાયો છે. લેખકના મતે ગુવેરાના સમર્થકો આ હકીકત જાણતા હોવા છતાં તેઓ હકીકતો પ્રત્યે આંખમીંચામણા કરે છે. અલબત્ત, ગુવેરા પોતે અચ્છો રોજનીશીકાર હતો. તેની ડાયરીના પાનાંઓમાં તેણે આવી હત્યાઓની વાત વિવિધ સંદર્ભમાં રજૂ કરી છે, આ હત્યાઓને તેની ડાયરીના પાનાંઓમાં ‘ન્યાયી કૃત્યો’ તરીકે ઓળખાવવામાં આવે છે. આમ આ નવા પુસ્તકમાં ગુવેરા ‘કઠોર હત્યારા’ તરીકે રજૂ કરાયો છે.

દેવવ્રત પાઠક