ગુવાર : દ્વિદળી વર્ગમાં આવેલા પેપિલિયોનેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Cyamopsis tetragonoloba (Linn) Taub. Syn. C. psoralioides DC. (સં. ગૌરાણી, ગોરક્ષાફલિની; હિં. ગ્વાર; મ. ગોંવારી, બાંવચ્યા; ત. ગોરચિકુડુ, અં. ક્લસ્ટર બીન) છે. તેના સહસંબંધીઓમાં બાવચી, ઈકડ, અગથિયો, ભળતું જેઠીમધ, તણછ, તારછોડ વગેરે છે.

સ્વરૂપ : તેના છોડ એકવર્ષાયુ, ઊભા, રોમિલ અને 0.9 મી.–3 મી. ઊંચા હોય છે. તેનું પ્રકાંડ ઊભી તિરાડોવાળું હોય છે. પર્ણો ત્રિપર્ણિકાયુક્ત, સંયુક્ત હોય છે. પુષ્પો આછા ભૂરા રંગનાં હોય છે. તેઓ એકગુચ્છી (monodelphous) પુંકેસરો ધરાવે છે. ફળ શિંબ પ્રકારનાં, 3.8–10 સેમી. લાંબાં, જાડાં અને ગુચ્છમાં બેસે છે. પ્રત્યેક ફળમાં 5–12, ચોખંડાં દબાયેલાં ભૂખરાં-કાળાં બીજ હોય છે. પુષ્પ અને ફળ બારેમાસ આવે છે.

ગુવારની જાતો : તે ભારતની વતની છે. તે ઓછી શાખાઓ અને મોટાં પર્ણો ધરાવે છે. આ છોડ વન્ય સ્થિતિમાં મળી આવતો નથી અને લગભગ સમગ્ર દેશમાં વાવવામાં આવે છે. પુસા મોસમી, પુસા સદાબહાર, પુસા નવબહાર, એસ 301–16, એસ 279–6, માખણિયો વગેરે ગુવારની સુધારેલી જાતો છે. તેની કેટલીક જાતો છોડની ઊંચાઈ અને ફળના કદ તથા આકાર ઉપરથી વર્ગીકૃત કરવામાં આવી છે. વામન જાત ગુજરાતમાં અને ઊંચી જાત પંજાબ અને ઉત્તરપ્રદેશમાં વધારે જાણીતી છે. પંજાબમાં થતી બે જાતો પૈકી એક લીસી હોય છે, જે શાકભાજી તરીકે ઉપયોગમાં લેવાય છે. બીજી બરછટ જાત બધા ભાગો ઉપર નાના કડક રોમ ધરાવે છે અને સામાન્ય રીતે તેનો ચારા માટે ઉપયોગ થાય છે. પંજાબમાં FOSII સુધારેલી જાત ચારાના હેતુ માટે ઉગાડવામાં આવે છે. તેનું ઉત્પાદન 15–20 % જેટલું હોય છે; જે બીજી જાતો કરતાં વધારે છે. મુંબઈમાં ત્રણ જાતો થાય છે. પરદેશી જાત 1.8 મી. જેટલી ઊંચી હોય છે. તે મુખ્યત્વે શિંગો માટે ઉછેરવામાં આવે છે, જેનો શાકભાજી માટે ઉપયોગ થાય છે. સોટિયા ગુવાર 2.4 મી.–3.0 મી. ઊંચી હોય છે; જે છાયા માટે તથા લીલા ખાતર માટે ઉપયોગી છે. તેની શિંગો શાકભાજી માટે વપરાય છે. દેશી જાત 1.35–1.5 મી. જેટલી ઊંચી હોય છે. તે મુખ્યત્વે બીજ માટે સૂકા પાક તરીકે ઉગાડવામાં આવે છે.

ગુવારની પુષ્પ અને ફળ સહિતની શાખા

વાવણી : ગુવાર સહિષ્ણુ અને શુષ્કતારોધી છોડ છે. તે ઊંડી કાંપમય મૃદા અને રેતાળ ગોરાડુ મૃદા પર સારી રીતે ઊગે છે તથા સામાન્ય રીતે મિશ્ર પાક તરીકે વાવવામાં આવે છે. ઉત્તર ભારતમાં તેની મે-જૂનમાં વાવણી થાય છે અને સપ્ટેમ્બર-ઑક્ટોબરમાં લણણી કરવામાં આવે છે. કેટલાક વિસ્તારોમાં તેની વાવણી સપ્ટેમ્બર-ઑક્ટોબરમાં અને લણણી ફેબ્રુઆરીમાં થાય છે. બીજ મોટે ભાગે છૂટી વાવણી દ્વારા વાવવામાં આવે છે; જ્યારે શુષ્ક કૃષિ-વિસ્તારોમાં તેની ડ્રિલ દ્વારા વાવણી થાય છે. પ્રતિહેક્ટર બીજની વાવણી લગભગ 18 કિગ્રા.થી માંડી 36-40 કિગ્રા. જેટલી કરવામાં આવે છે.

ગુવારના રોગો : મુખ્યત્વે મૂળનો સૂકો સડો, ભૂકી-છારો, પાનનો ઝાળ અને જીવાણુથી થતા પાનનાં ટપકાંના રોગ.

(1) મૂળનો સૂકો સડો : Macrophomina phasedina નામની ફૂગ ગુવાર ઉગાડતા દરેક પ્રદેશમાં આ રોગ પેદા કરે છે. કઠોળ વર્ગના બીજા પાકોમાં પણ આ ફૂગ રોગ કરે છે. આ રોગના આક્રમણનું પ્રથમ લક્ષણ પાનના પીળા થવાથી જણાય છે. એક-બે દિવસમાં પાન પીળાં થઈ નમી જાય છે અને છોડ એકાદ અઠવાડિયામાં સુકાવા લાગે છે. આવા છોડને ઉપાડીને તપાસતાં થડની નજીકના ભાગમાં કાળા જખમો જોવા મળે છે. થડનો જમીનની અંદરનો ભાગ અને મુખ્ય મૂળની છાલમાં સૂકો સડો જોવા મળે છે. આક્રમિત કોષો મૃત્યુ પામતાં પેશીઓ સડી જવાથી સહેલાઈથી તૂટી જાય છે. આગળની અવસ્થામાં સડેલી પેશીઓમાં કાળા ગોળ જલાશ્મો પેદા થાય છે.

આ ફૂગ મૂળના કોષોમાં અને પેશીઓમાં પ્રવેશ કરી ઝડપથી વૃદ્ધિ પામી તેનો નાશ કરે છે. આ ફૂગ જમીનમાં છોડના અવશેષોમાં મૃતોપજીવી તરીકે વર્ષો સુધી જીવન ટકાવી રાખે છે અને યજમાન પાકો પર પરોપજીવી તરીકે વૃદ્ધિ પામી તેના પર જાતીય બીજાણુઓ પેદા કરે છે. આ ફૂગ પાણી અને આંતરખેડ દરમિયાન એક છોડથી બીજા છોડ સુધી ફેલાય છે.

આ ફૂગ જમીનમાં થતી હોઈ તેને કાબૂમાં લેવાનું ખૂબ જ ખર્ચાળ છે તેમ છતાં શરૂઆતમાં રોગવાળા છોડની ફરતે બોર્ડોમિશ્રણ રેડવાથી રોગની માત્રા ઓછી કરી શકાય છે. રોગવાળા છોડ ઉપાડી તેમનો બાળીને નાશ કરવો જરૂરી છે.

(2) ભૂકી-છારો : આંતર પરોપજીવી Laveillula taurica નામની ફૂગ ભૂકી-છારાનો રોગ પેદા કરે છે. આ ફૂગ કોષમાં દાખલ થઈ વૃદ્ધિ કરી પાનમાં પીળાં ધાબાં કરે છે. આક્રમિત કુમળાં પાન કિનારીથી વળી જઈ નાનાં રહે છે. પાન પર ભૂખરા કે સફેદ રંગની છારી જોવા મળે છે. અન્ય પાકોની ભૂકી-છારાની પરોપજીવી ફૂગોની સરખામણીમાં આ ફૂગ આંતરકોષીય પરોપજીવી હોઈ જુદી પડે છે. સામાન્ય રીતે નવી કૂંપળો અને પાન પર તીવ્ર આક્રમણ થતાં નવી કૂંપળો અને પાન કરમાઈ ઝાંખાં થઈ ખરી પડે છે તથા છોડની વૃદ્ધિ અટકી જાય છે.

સર્વદેહી ફૂગનાશકો જેવાં કે કાર્બનડાઝીમ કે ટ્રૉયડેમોફનાના બેથી ત્રણ છંટકાવથી રોગ કાબૂમાં આવે છે.

(3) અલ્ટરનેરિયા ફૂગનો ઝાળ : આ રોગ Alternaria cyamopsidis નામની ફૂગથી થાય છે. તે ગુવાર ઉગાડતા દરેક પ્રદેશમાં જોવા મળે છે.

રોગની શરૂઆત અનિયમિત ગોળ ભૂખરાં અથવા ઘેરાંભૂખરાં બદામી ટપકાંથી થાય છે. ટપકાંમાં ગોળ રેખાઓ સ્પષ્ટ જોવા મળે છે. સમય જતાં અનેક ટપકાં ભેગાં થઈ મોટું ધાબું કે પાનનો સુકારો પેદા કરે છે. તીવ્ર આક્રમણમાં આખું પાન સુકાઈ જાય છે. કેટલીક વાર નવી કૂંપળોમાં આક્રમણ થતાં તે સુકાઈ જઈ છોડની નવી વૃદ્ધિ અટકી જાય છે. સામાન્ય રીતે ફૂગ આંતરકોષીય કે પેશીઓમાં વૃદ્ધિ પામે છે. આ ફૂગ કઠોળ અને અન્ય પાકો તેમજ અન્ય સમાંતર યજમાન ઉપર જીવનચક્ર ટકાવી રાખે છે.

ઝીનેબ અથવા મેનેબ અથવા કાર્બનડાઝીમ દવાના બેથી ત્રણ છંટકાવથી રોગને કાબૂમાં રાખી શકાય છે.

(4) બૅક્ટેરિયાથી થતો ટપકાંનો રોગ : આ રોગના બૅક્ટેરિયા Xanthomonas campestris Pv. cymopsidis જમીનની ઉપરના છોડના દરેક ભાગ પર પાણીપોચાં ટપકાં કરે છે. પાન પર આ ટપકાં ગોળ કે લંબગોળ પટ્ટી જેવાં થાય છે તથા ડાળી અને શિંગ પર જખમો અથવા લાંબી પટ્ટી જેવાં હોય છે. પાન પર જખમો ચળકતા ભૂખરા અને પ્રકાશની સામે પારદર્શક જણાય છે. ડાળી અને શિંગ પર જખમો પાણીપોચા ભૂખરા રંગના હોય છે.

આ બૅક્ટેરિયા પાકના રોગિષ્ઠ અવશેષો કે રોગિષ્ઠ બીજ પર જીવંત રહે છે, જે નવા પાકની વાવણી કરતાં પ્રથમ આક્રમણ કરે છે. બૅક્ટેરિયા વરસાદ, પિયતનું પાણી અને ભેજવાળા પવન મારફત ફેલાય છે.

રોગના ફેલાવાનું નિયંત્રણ કરવા વાવણીનું વધુ અંતર, સારો નિતાર, નીંદામણમુક્ત પાક અને સમજપૂર્વકનું પિયત હિતાવહ છે. બેથી વધુ વર્ષની પાકની ફેરબદલીથી રોગની માત્રા ઘટાડી શકાય છે.

ગુવારના પાકને મોલોમશી (aphids) નામની જીવાતનો રોગ લાગુ પડે છે.

લણણી : વાવણી પછી 3–3.5 મહિને પુષ્પનિર્માણ થાય છે. લીલા ખાતર અને ચારા માટે પુષ્પનિર્માણ અવસ્થાએ કે શિંગ બેસવાની શરૂઆત થઈ હોય ત્યારે અને બીજ માટે શિંગો પાકે ત્યારે પાકની લણણી કરવામાં આવે છે. અસિંચિત (unirrigated) સ્થિતિમાં પાકની લણણી કરવામાં આવે છે. ચારાનું પ્રતિહેક્ટરે ઉત્પાદન આશરે 11,230 કિગ્રા. અને બીજનું 674–898 કિગ્રા. જેટલું થાય છે; તથા સિંચિત સ્થિતિમાં ઉત્પાદન લગભગ બે ગણું થાય છે.

બંધારણ અને ઉપયોગ : લીલી શિંગોનું પોષણમૂલ્ય વધારે હોય છે. તેનો શાકભાજી તરીકે ઉપયોગ થાય છે. તેની સુકવણી કરી મીઠું ચઢાવીને લાંબા સમય માટે જાળવી શકાય છે. તેની સુકવણી તળીને ખવાય છે. શિંગોનું એક રાસાયણિક વિશ્લેષણ આ પ્રમાણે છે : પાણી 82.5 %, પ્રોટીન 3.7 %, લિપિડ (ઈથર નિષ્કર્ષ) 0.2 %, રેસો 2.3 %, કાર્બોદિતો 9.9 %, ખનિજદ્રવ્ય 1.4 %, કૅલ્શિયમ 0.13 %, ફૉસ્ફરસ 0.05 %, લોહ 5.8 મિગ્રા./100 ગ્રા., કૅરોટિન (વિટામિન A તરીકે ગણતાં) 330 આઈ.યુ./100 ગ્રા., વિટામિન C 49 મિગ્રા./100 ગ્રા.

વનસ્પતિનો ઢોરો અને ઘોડા માટે પોષક લીલા ચારા તરીકે ઉપયોગ થાય છે. જોકે કાષ્ઠમય ઠૂંઠાં કર્ણપટલશોથ (tympanites) માટે જવાબદાર હોવાનું માનવામાં આવે છે. તેના સરેરાશ સૂકા ચારામાં અશુદ્ધ પ્રોટીન 25.21 %, રેસો 13.82 %, નાઇટ્રોજનમુક્ત નિષ્કર્ષ 43.59 %, ઈથર નિષ્કર્ષ 0.87 %, કુલ ભસ્મ 16.51 % હોય છે.

ઢોરોના ચારા તરીકે બીજ ઊંચું પોષણમૂલ્ય ધરાવે છે. તેથી ઢોરોનાં દૂધ-ઘીમાં વધારો થાય છે. તેની દાળ બનાવી રાંધી અને થોડાક રાઈના તેલ સાથે ખવરાવવામાં આવે છે. લીલા ચારામાં પચનીય (digestible) દ્રવ્યો આ પ્રમાણે છે : પ્રોટીન 6.63 %, કાર્બોદિતો 40.73 % અને ઈથર નિષ્કર્ષ 0.67 %, પોષણ ગુણોત્તર 6.4 બીજમાં પચનીય પોષકદ્રવ્યો આ પ્રમાણે છે : પ્રોટીન 33.23 %, કાર્બોદિતો 39.93 %, ઈથર નિષ્કર્ષ 2.96 %, પોષણ ગુણોત્તર 1.4. કૃષ્ણા ગુવારના છોડ વધારે પ્રમાણમાં ખાવાથી ઢોરને આફરો ચઢે છે.

ગુવાર-ગુંદર બીજના ભ્રૂણપોષમાંથી મેળવાય છે. તેનું કર્ષણ ભારત અને પાકિસ્તાનમાં થાય છે. ગુંદરનો જલવિલેય ભાગ ગ્વારન તરીકે ઓળખાય છે. તે મુખ્યત્વે ગૅલેક્ટોમેનન ધરાવે છે; જેમાં 34.5 % d-ગૅલેક્ટોઝ એનહાઇડ્રાઇડ અને 63.4 % મેનોઝ એન-હાઇડ્રાઇડ હોય છે. ગવાર-ગુંદર આઇસક્રીમ જેવા ખાદ્ય પદાર્થોમાં પૂરક તરીકે, વજન જાળવી રાખવા માટેનાં ઔષધોમાં, કાપડને ખેળ (sizing) ચઢાવવા અને કાગળ-ઉદ્યોગમાં ઉપયોગી છે.

આયુર્વેદ અનુસાર ગુવારની શિંગો રુક્ષ, વાતકર, મધુર, ગુરુ, સારક, કફકર, અગ્નિદીપક અને પિત્તનાશક છે. દાદર ઉપર ગુવારના પાનનો અને લસણના રસનો લેપ કરવામાં આવે છે. નાડીવ્રણ ઉપર ગુવારના પાનના રસમાં રૂની દિવેટ ભીંજવી વ્રણમાં દાખલ કરવામાં આવે છે. સગર્ભા અને સ્તનપાન કરાવતી સ્ત્રીઓએ ગુવારની ભાજી ખાવી ન જોઈએ; કારણ કે તેમના બાળકને આંકડીનો રોગ થવાની શક્યતા રહે છે.

જ. પુ. ભટ્ટ

હિંમતસિંહ લાલસિંહ ચૌહાણ

બળદેવભાઈ પટેલ