ગુરુદત્ત (જ. 9 જુલાઈ 1925, બૅંગાલુરુ, કર્ણાટક; અ. 20 ઑક્ટોબર 1964, મુંબઈ) : ભારતીય ચલચિત્ર જગતની એક આગવી કલાકાર-દિગ્દર્શક પ્રતિભા. મૂળ કન્નડભાષી છતાં મુંબઈને કર્મભૂમિ બનાવી હિંદી ચલચિત્રોમાં દિગ્દર્શન અને અભિનયમાં નવી ભાત પાડી.

ગુરુદત્ત

પૂરું નામ ગુરુદત્ત શિવશંકર પદુકોણ. બાળપણ અને શાળાકીય શિક્ષણ કોલકાતા ખાતે. 1941માં મૅટ્રિકની પરીક્ષા પસાર કરી તેઓ 1942–44 દરમિયાન ઉદયશંકર આર્ટ એકૅડેમીમાં નૃત્યના શિક્ષણ માટે જોડાયા. 1944માં તેઓ પુણે ખાતેની પ્રભાત ફિલ્મ કંપનીમાં સિનેનિર્માણના તાલીમાર્થી તરીકે જોડાયા. અહીં દેવાનંદ સાથે પરિચયમાં આવ્યા; એ સંબંધ આગળ જતાં દિગ્દર્શક-અભિનેતાની જોડીમાં પરિણમ્યો.

પ્રભાતના ‘લાખારાણી’(1945)માં અભિનય કરવા સાથે તે દિગ્દર્શક વિશ્રામ બેડેકરના સહાયક નિર્દેશક બન્યા. પ્રભાતના ‘હમ એક હૈં’(1946)માં નૃત્યનિર્દેશક સંતોષી સાથે સહાયક દિગ્દર્શકનું કાર્ય કર્યું. ફેમસ પિક્ચર્સના ‘મોહન’(1947)માં એ. બેનર્જીના તે સહનિર્દેશક રહ્યા. લોકમાન્ય પ્રોડક્શન્સના ‘ગર્લ્સ સ્કૂલ’(1949)ના દિગ્દર્શક અમીય ચક્રવર્તીના તે મુખ્ય સહાયક દિગ્દર્શક બન્યા. બૉમ્બે ટૉકિઝના ‘સંગ્રામ’(1950)માં સપન મુકર્જીના સહાયક નિર્દેશકની જવાબદારી પણ અદા કરી.

નવકેતન ફિલ્મ્સના ‘બાઝી’ (1951) ચિત્રની પટકથાનું તેમણે અભિનેતા બલરાજ સહાની સાથે સહલેખન કર્યું અને પ્રથમ વાર સ્વતંત્ર રીતે તેનું દિગ્દર્શન કર્યું. અભિનેતા દેવાનંદ તથા અભિનેત્રી ગીતા બાલીની ભૂમિકાવાળા આ ચિત્રમાં તેમની આગવી પ્રતિભા ઝળકી ઊઠી. આ ચિત્રપટ ખૂબ સફળ નીવડ્યું. તેનાથી દેવાનંદને ખ્યાતિ અને તારકપદ મળ્યાં અને અભિનેત્રી ગીતા બાલી પણ વધુ પ્રકાશમાં આવી. ગીતા રૉયને કંઠે ગવાયેલ એક ગીત ‘તદબીર સે બીગડી હુઈ તકદીર બના લે, અપને પેં ભરોસા હૈ તો એક દાવ લગા લે’ સિનેરસિકોમાં લોકપ્રિય બન્યું હતું.

ત્યારબાદ ફેમસ આર્ટ્સના ‘જાલ’ (1952)નું તેમણે દિગ્દર્શન કર્યું. 1953માં એચ. જી. ફિલ્મના ‘બાઝ’ના નિર્દેશન સાથે પહેલી વાર તેમણે નાયકની મુખ્ય ભૂમિકા ભજવી. 1954માં તેમણે પોતાની નિર્માણસંસ્થા ‘ગુરુદત્ત ફિલ્મ્સ’ની સ્થાપના કરી અને તે જ વર્ષે ‘આરપાર’ ચલચિત્રનું નિર્માણ તથા દિગ્દર્શન કર્યું, સાથે અભિનય કર્યો. 1955માં ‘મિસ્ટર ઍન્ડ મિસિસ 55’ નામના ચિત્રનું ‘ગુરુદત્ત ફિલ્મ્સ’ના નેજા હેઠળ પોતાની મુખ્ય ભૂમિકા સાથે નિર્માણ અને દિગ્દર્શન કર્યું. ત્યારપછી 1956માં તેમણે અમર ફિલ્મને ઉપક્રમે ‘સૈલાબ’ ચિત્રનું દિગ્દર્શન પણ કર્યું.

પરંતુ તેમની સર્જક પ્રતિભા તેમના દ્વારા અભિનીત, દિગ્દર્શિત અને નિર્મિત સિનેકૃતિઓ ‘પ્યાસા’ અને ‘કાગઝ કે ફૂલ’માં સ્પષ્ટ રૂપે નિખરી આવેલી. ‘પ્યાસા’ એક સંવેદનશીલ યુવાન શાયરની કથા આલેખે છે. જે પ્રસ્થાપિત મૂલ્યો ટકાવવા માગે છે. સમાજ દ્વારા હડધૂત કરાયેલ એક સંવેદનશીલ ગણિકાના હાથમાં તે શાયરની કૃતિઓ આકસ્મિક રીતે આવી પડતાં તે શાયરને શોધવા પ્રયાસ કરે છે. બંનેનું કવિતાના માધ્યમ દ્વારા આકસ્મિક મિલન સર્જાય છે. ત્યારબાદ શાયર, પ્રકાશકને પરણી ચૂકેલી શાયરની પ્રેમિકા, કદરદાન ગણિકા અને પ્રકાશક – આમ મુખ્ય ચાર પાત્રો વચ્ચેની આંતરક્રિયામાં કથા આગળ ધપે છે. ઉર્દૂ શાયર સાહિર લુધિયાનવીનાં સચોટ ઊર્મિગીતો અને સંવાદો પ્રવર્તમાન મૂડીવાદી વ્યવસ્થા પર અસરકારક ટીકા બની રહે છે. ચલચિત્રમાંનાં ઊર્મિગીતોનાં ર્દશ્યોને દિગ્દર્શક ગુરુદત્ત પોતાની કલ્પનાશીલ માવજતથી અસરકારક બનાવી ચિત્રને કલાકૃતિની ઊંચાઈએ લઈ ગયા છે.

‘કાગઝ કે ફૂલ’માં કીર્તિ અને તારકપદનો દશકો વટાવી ચૂકેલા એક સમયના સફળ અને હાલ ભુલાઈ ગયેલ તથા મિત્રોથી ત્યજાયેલ બેહાલ સિને દિગ્દર્શકની કથા રજૂ કરાઈ છે. ગુરુદત્ત દ્વારા નિર્મિત-દિગ્દર્શિત આ ફિલ્મ ટૅકનિકલ ર્દષ્ટિએ ભારતની સર્વપ્રથમ સિનેમાસ્કોપ ફિલ્મ હતી. અહીં શ્યસંયોજનનો ઉપયોગ અને ફિલ્મની ગ્રાફિક ગુણવત્તા નોંધપાત્ર હતાં. કૈફી આઝમી જેવા સંવેદનશીલ શાયર દ્વારા રચાયેલ તથા ગીતા દત્તને કંઠે ગવાયેલ ગીતો અભિવ્યક્તિની ર્દષ્ટિએ પરિપૂર્ણ બની રહ્યાં હતાં. ગુરુદત્તના મૌલિક સ્પર્શને કારણે ‘કાગઝ કે ફૂલ’ ઉત્તમ કલાકૃતિ બની હતી.

સિનેકૃતિ ‘પ્યાસા’ના ગણિકાના મહત્ત્વના પાત્ર માટે આંધ્રપ્રદેશની તેલુગુભાષી અભિનેત્રી વહીદા રહેમાનને હિંદી સિનેજગતને ભેટ ધરવાનો યશ ગુરુદત્તને ફાળે જાય છે; પાછળથી સત્યજિત રાયે પણ પોતાની ફિલ્મમાં તેમની શક્તિનો લાભ લીધો હતો.

ત્યારબાદ ગુરુદત્તે ‘ચૌદવી કા ચાંદ’ (1960) અને ‘સાહિબ, બીબી, ગુલામ’ (1962) જેવી કૃતિઓનું નિર્માણ-દિગ્દર્શન કર્યું અને તેમાં અભિનય પણ કર્યો. 39 વર્ષની યુવાન વયે આ પ્રતિભાશાળી સર્જકે આત્મહત્યા કરી.

ઉષાકાન્ત મહેતા