ગુરુદયાલસિંહ (જ. 10 જાન્યુઆરી 1933, ભૈયાનીફતેહ, સંગરુર, પંજાબ; અ. 16 ઑગસ્ટ 2016, ભટીંડા, પંજાબ) : પંજાબી વાર્તાકાર. પંજાબના પતિયાલા જિલ્લાના નાભા શહેરમાં પ્રાથમિક તથા માધ્યમિક શિક્ષણ લીધેલું. ઉચ્ચશિક્ષણ અમૃતસરમાં લીધેલું. ત્યાંથી પંજાબી અને અંગ્રેજી વિષયો લઈને બી.એ. તથા એમ.એ. થયા. કૉલેજમાં હતા ત્યારથી જ જુદાં જુદાં સામયિકોમાં એમની વાર્તાઓ પ્રગટ થતી ગઈ અને એને સારો આવકાર મળ્યો. એમના વાર્તાસંગ્રહો છે – ‘ઓપેરા ઘર’ (1960), ‘સંગીફુલ્લ’ (1962), ‘કુત્તા તે આદમી’ (1967) તથા ‘પક્કા ઠિકાના’ (1989). એમની વાર્તાઓએ પંજાબી વાર્તાઓને આદર્શવાદથી યથાર્થ તરફ વળાંક આપ્યો. એમના છેલ્લા સંગ્રહમાં રાજકીય, સામાજિક, આર્થિક, મનોવૈજ્ઞાનિક એમ વિવિધ વિષયની રચનાઓ છે તથા શૈલીમાં પણ પ્રચુર વૈવિધ્ય છે; જેમ કે કથનાત્મક, પૂર્વદીપ્તિ, પત્રશૈલી, આત્મનિવેદન ઇત્યાદિ.

એમણે નવલકથાઓ પણ લખી છે અને એમાં પણ એમણે પંજાબી નવલકથાને સંકીર્ણતામાંથી મુક્ત કરી વિશાળ અને વૈવિધ્યપૂર્ણ કથાપટ આપ્યો. ‘મારી દા દીવા’ (1964), ‘અન હોયેં’ (1964), ‘રેતે દી મુઠ્ઠી’ (1971) તથા ‘આધ ચાંદની રાત’ (1979) અને ‘અન્ને ધોરે દા દાન’ (1976), ‘પર્સ’ (1991) એ તેમની નવલકથાઓ છે.

‘આધ ચાંદની રાત’ (1972) નામક નવલકથા બદલ તેમને 1975ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ આપવામાં આવ્યો. તે પહેલાં તેમને પંજાબ રાજ્ય સરકારના ઍવૉર્ડ (4 વખત –1966, 1967, 1968, 1972) પ્રાપ્ત થયા. પંજાબ સાહિત્ય અકાદમી ઍવૉર્ડ 1979, 1989 અને સોવિયેત લૅન્ડ નહેરુ ઍવૉર્ડ 1986, શિરોમણિ સાહિત્યકાર ઍવૉર્ડ 1992થી તેમને વિભૂષિત કરવામાં આવ્યા છે.

તેમણે બાળસાહિત્યક્ષેત્રે ‘મસ્તી બોટ’ (1978), ‘બેગાના પિંડ’ (1982), ‘ગોપિઓં દા પેઓ’ (1989), ‘બાબા ખેમા’ (1990) જેવા ગ્રંથો આપ્યા છે. ‘ફારિદા રાતીં વાડિયાં’ (1984), ‘વિદાયગી તોં પિક્યોગ’ (1984) તેમનાં નાટકો છે. મોટા ભાગની તેમની કૃતિઓ અંગ્રેજી અને અન્ય ભારતીય ભાષાઓમાં અનૂદિત કરાઈ છે. તેમણે સંખ્યાબંધ અંગ્રેજી અને હિંદી કૃતિઓ પંજાબીમાં અનૂદિત કરી છે.

તેઓ 1979–1989 સુધી કેન્દ્રીય પંજાબી લેખક સભાના ઉપપ્રમુખ, 1988–92 સુધી પંજાબી સાહિત્ય અકાદમી નવી દિલ્હીના સલાહકાર બોર્ડના સભ્ય અને 1993–97 સુધી સાહિત્ય અકાદમીના જનરલ કાઉન્સિલના સભ્ય રહી ચૂક્યા છે.

તેમને 1998માં પદ્મશ્રી તેમ જ 1999માં જ્ઞાનપીઠ ઍવોર્ડ પ્રાપ્ત થયા છે.

પ્રમીલા મલ્લિક