ગુપ્ત, મૈથિલીશરણ (જ. 3 ઑગસ્ટ 1886, ચિરગાંવ, ઉત્તરપ્રદેશ; અ. 12 ડિસેમ્બર 1964, ચિરગાંવ, ઉત્તરપ્રદેશ) : હિન્દીના રાષ્ટ્રીય કવિ. ઝાંસીની પાસે ચિરગાંવમાં વૈષ્ણવ કુટુંબમાં જન્મ. એમના પિતા શેઠ રામચરણ રામભક્ત હતા. એમણે કિશોરવયમાં કાવ્યરચનાની શરૂઆત કરેલી અને એમને મહાન હિન્દી સાહિત્યકાર આચાર્ય મહાવીરપ્રસાદ દ્વિવેદીનું માર્ગદર્શન મળેલું, તેથી એમનો ઉત્તરોત્તર વિકાસ થતો ગયો. એમના કવિતાના 40 ગ્રંથો પ્રગટ થયા છે તથા ચાર અનુવાદિત કાવ્યગ્રંથો પ્રગટ થયા છે. એમનો પ્રથમ કાવ્યસંગ્રહ ‘રંગમેં ભંગ’ 1910માં પ્રગટ થયો. એમના ‘ભારતભારતી’ (1912) કાવ્યસંગ્રહમાં આલેખાયેલી પ્રબળ રાષ્ટ્રપ્રીતિની ભાવનાએ લોકોમાં એવો રાષ્ટ્રપ્રેમ જગાડ્યો કે એમને રાષ્ટ્રકવિ તરીકેની ખ્યાતિ મળી.

મૈથિલીશરણ ગુપ્ત

રામભક્તિ એમને વારસામાં મળી હતી. તુલસીદાસના ‘રામચરિતમાનસ’ પછી રામકાવ્યનો હિન્દી મહાન ગ્રંથ એમનો ‘સાકેત’ (1932) છે. એમાં રામકથાને નવી ર્દષ્ટિથી રજૂ કરી છે. એમાં વિરહિણી ઊર્મિલાની વિરહવેદના હૃદયદ્રાવક રીતે આલેખાઈ છે, જે ગુરુદેવ રવીન્દ્રનાથના કાવ્ય ‘કાવ્યેર ઉપેક્ષિતા’નું સ્મરણ કરાવે છે. કાવ્યનો મુખ્ય રસ વિપ્રલંભશૃંગાર છે, પણ ‘કૈકેયીપશ્ચાત્તાપ’માં કરુણરસ તથા લંકાયુદ્ધમાં વીરરસનું નિરૂપણ પણ એમની કાવ્યપ્રતિભાની ઝાંખી કરાવે છે. ઊર્મિલા ઉપરાંત એમણે પતિવિયોગથી ઝૂરતી બીજી બે સ્ત્રીઓની કરુણ દશાનું ચિત્રણ કર્યું છે. તે છે ‘યશોધરા’ કાવ્યમાં બુદ્ધની પત્ની યશોધરા (1922) તથા ‘વિષ્ણુપ્રિયા’ કાવ્યની નાયિકા શ્રી ચૈતન્યની પત્ની વિષ્ણુપ્રિયા. પતિ કહ્યા વગર ચાલી ગયા તેથી યશોધરા ખૂબ દુ:ખી છે; પરંતુ એને શ્રદ્ધા છે કે બુદ્ધ એક દિવસ આવશે જ. એની પ્રબળ ઝંખનાનાં આંદોલનો બુદ્ધ સુધી પહોંચે છે અને એ આવે છે, યશોધરા રાહુલને અર્પણ કરે છે. ‘જયભારત’(1926)માં એમણે ‘મહાભારત’ની કથા એમની મૌલિક રીતે રજૂ કરી છે. એમાં રસ અને પાત્રનિરૂપણરીતિમાં વૈવિધ્ય છે; તથા પાત્રોનું પણ નવસર્જન કર્યું છે. એમનાં એ કાવ્યો હિન્દીમાં પ્રબન્ધકાવ્યો કહેવાય છે. તે કાવ્ય પ્રકારનો આરંભ પણ એમણે જ કર્યો. આ ઉપરાંત એમણે ઊર્મિગીતો તથા ત્રણ નાટ્યકાવ્યોની પણ રચના કરી છે. એમનાં બધાં કાવ્યોમાં ભારત પ્રત્યેની એમની ભક્તિનાં દર્શન થાય છે અને એથી જ એમને લોકોએ રાષ્ટ્રીય કવિનું આપેલું બિરુદ સાર્થક છે.

ગીતા જૈન