ગુપ્તચર તંત્ર (intelligence network) : યુદ્ધના કે શાંતિના ગાળા દરમિયાન દેશના સંરક્ષણની ર્દષ્ટિએ ઉપયુક્ત ગણાતી માહિતી ગુપ્ત રાહે પ્રાપ્ત કરવાની કાર્યરીતિ. તેમાં આંતરિક અને બાહ્ય બંને પ્રકારની માહિતીનો સમાવેશ થતો હોવા છતાં વિદેશો વિશેની અને તેમાં પણ જે દેશો સાથે રાજદ્વારી સંબંધો સારા ન હોય અથવા વણસ્યા હોય તેવા દેશોની સરકારોની લશ્કરી ર્દષ્ટિએ મહત્વની ગણાતી માહિતી પર વિશેષ ભાર મૂકવામાં આવે છે. આવી માહિતી મેળવવા ઉપરાંત ઉપલબ્ધ માહિતીનું સંકલન અને વિશ્લેષણ કરી સરકારના સંબંધિત ઘટકોને તે આપવામાં આવે છે. યોગ્ય સમયે તેના ઉપયોગની વ્યૂહરચના અને યુદ્ધનીતિ તથા વિદેશી સત્તાઓ દ્વારા આપણા દેશ વિશે એવી માહિતી પ્રાપ્ત કરવાના પ્રયાસો સામે વળતાં પગલાં (counter-intelligence) વગેરે બાબતોનો પણ તેમાં સમાવેશ થાય છે.

ગુપ્તચરોનો ઉપયોગ તથા યુદ્ધબંદીઓની પૂછપરછ(inter-rogation and screening)ની પ્રથા જૂના જમાનાથી અમલમાં છે. આવી માહિતી વિવિધ સ્રોતો અને ઘટકો પાસેથી પ્રાપ્ત કરવામાં આવે છે અને તેમાં ભાગેડુઓ, સ્થાનિક નિવાસીઓ, કબજે કરેલા દસ્તાવેજો અને અન્ય સામગ્રી, જમીન પરથી તેમજ વિમાનમાંથી કરવામાં આવતું નિરીક્ષણ (reconnaissance) તથા છાયાંકનનો સમાવેશ થાય છે. સૈનિકો, સંકેત-સેવા (signal service), વિમાનો તથા ગુપ્તચર સેવા દ્વારા આવી માહિતી પ્રાપ્ત કરવામાં આવે છે; પરંતુ શાંતિના સમય દરમિયાન આમાં વિદેશી સરકારોનાં આંકડાકીય અને આર્થિક બાબતોને લગતાં પ્રકાશનો, વૃત્તપત્રો, ટૅકનિકલ પ્રગતિની માહિતી પ્રસારિત કરતાં માધ્યમો, વિદેશી તાલીમનો ખ્યાલ આપતી પુસ્તિકાઓ (manuals), ભૂગોળને લગતાં પ્રકાશનો તથા ગુપ્તચર ખાતાં અને ઘટકો મારફત મેળવેલ માહિતીનો સમાવેશ થાય છે.

આવી માહિતી પ્રસ્તુત, સમયસરની અને તાત્કાલિક આપવામાં આવેલી હોય તથા ત્વરિત પગલાં લઈ શકાય તેવા સ્વરૂપે હોય તો જ વ્યવહારમાં એ લાભદાયી નીવડી શકે છે. ગુપ્તચર વિભાગને મળતી અને તે દ્વારા ઉપયોગમાં લેવાતી માહિતીમાં શત્રુની હરોળ પાછળ તથા તેના વિસ્તારમાં ચાલતી પ્રવૃત્તિઓ, સૈનિકોની સંખ્યા અને તેમની છાવણીઓ/પડાવ, શત્રુની સંચારવ્યવસ્થા એટલે કે રસ્તાઓ, રેલવ્યવહારનો પ્રબંધ, જળમાર્ગો, વિમાન-મથકો, દરિયાઈ તાર (cable) અને ટેલિગ્રાફનું સંયોજન, ઉપગ્રહ મારફત થતો સંદેશાવ્યવહાર વગેરે તેમજ શત્રુના દેશની આંતરિક પરિસ્થિતિ, તેની માનવશક્તિ અને ભૌતિક સાધનોનો સમાવેશ થાય છે.

પ્રતિ-જાસૂસીતંત્ર(couter-intelligence)નાં કાર્ય અને તેની ફરજો યુદ્ધ અને શાંતિમાં સરખાં જ હોય છે. પોતાના દેશના આંતરિક વિસ્તારોમાં તેની હકૂમત હેઠળ તાલીમબદ્ધ પોલીસ, બંદરો તથા વિમાન-મથકો પર નિયંત્રણ, સંદેશાવ્યવહારનાં સાધનો અને માધ્યમો, નાગરિક પ્રશાસન, સામાન્ય નાગરિકો, હોટલોમાં નોંધણી (registration) વગેરે પર નિયંત્રણ, સમાચારબંધી (Press censorship) જેવી અનેક બાબતો તેમાં આવરી લેવાતી હોય છે.

ગુપ્ત બાતમીનું ત્રણ વિભાગમાં વર્ગીકરણ કરવામાં આવે છે : વ્યૂહાત્મક (strategic intelligence), યુદ્ધનીતિને લગતું (tactical intelligence) તથા પ્રતિ-જાસૂસીતંત્ર. વ્યૂહાત્મક બાતમીતંત્રમાં વિદેશી સત્તાઓની યુદ્ધ અંગેની ક્ષમતા તથા તેમના ઇરાદાઓની બાતમીનો સમાવેશ થાય છે. યુદ્ધનીતિ બાતમીતંત્ર દ્વારા પ્રાપ્ત માહિતી યુદ્ધભૂમિ પરના સેનાપતિઓ માટે ઉપયોગી હોય છે તથા પ્રતિ-જાસૂસીતંત્ર પોતાના દેશને લગતી માહિતીનું તથા બાતમીતંત્રનું રક્ષણ કરવા માટે, તેની ગોપનીયતા જાળવવા માટે તથા શત્રુપક્ષને ગેરરસ્તે દોરવા માટે હોય છે – જે મહદંશે પોલીસના કાર્યક્ષેત્રની બાબત હોય છે. આધુનિક સમયમાં વ્યૂહાત્મક અને યુદ્ધનીતિને લગતી બાતમી વચ્ચેની ભેદરેખા લગભગ નહિવત્ રહી છે, કારણ કે શત્રુ અંગેની જે બાતમી દેશના રાજકર્તાઓ માટે પ્રસ્તુત હોય છે તે જ બાતમી મહદંશે યુદ્ધભૂમિ પરના સેનાપતિઓ માટે ઉપયોગી નીવડી શકે છે.

દેશનું ગુપ્ત બાતમીતંત્ર મુખ્યત્વે ત્રણ રીતે વિદેશી સત્તાઓ કે લશ્કરને લગતી બાતમી મેળવતું હોય છે : જમીન પરથી તથા વિમાનમાર્ગે થતા સર્વેક્ષણ દ્વારા, બગ્ઝ જેવાં પ્રચ્છન્ન શ્રવણનાં ઇલેક્ટ્રૉનિક સાધનો દ્વારા તથા પરંપરાગત ગુપ્તચરો દ્વારા. આજની સરકારો ગુપ્ત બાતમીતંત્ર પર ગંજાવર ખર્ચ કરતી હોય છે અને પ્રાપ્ત માહિતીના વિશ્લેષણ અને વર્ગીકરણનું કાર્ય તાલીમબદ્ધ સંશોધન-નિષ્ણાતો દ્વારા થતું હોય છે.

ભારતમાં રામાયણ અને મહાભારતના સમયથી અત્યાર સુધી ગુપ્ત બાતમીતંત્રે રાજ્યના કારોબારમાં મહત્વનો ભાગ ભજવ્યો છે. મેક્સિકોમાં મય પ્રજાઓમાંથી રાવણ ભારતમાં (અમરકંટક પાસે ત્રિકૂટ પર્વતના શિખર ઉપર) લંકામાં વસ્યો, તેનો મોટો ભાઈ કુબેર હિમાલયમાં વસ્યો, કુંભકર્ણ છ મહિનાની રાત્રિવાળા નૉર્વે દેશમાં વસ્યો એવા પુરાવા મળી આવ્યા છે. ત્યારે મય સંસ્કૃતિમાં ગુપ્તચર સંસ્થાનો હતાં તેવાં ઉત્ખનન પ્રમાણ અને ઉલ્લેખ મળી આવ્યાં છે. ભવભૂતિ કવિએ ‘ઉત્તરરામ ચરિત’માં લખ્યું છે કે મંથરા રાવણના મામા અને મંત્રી મય રાક્ષસે કેકય પ્રદેશમાં મોકલેલી જાસૂસ હતી, જે કૈકેયી સાથે દશરથ રાજાના રાજ્યમાં અયોધ્યા (સાકેત) આવી હતી. નાગલોકો જાસૂસ તરીકે કૌરવ-પાંડવના પ્રદેશમાં ફરી વળ્યાનો ઉલ્લેખ મહાભારતમાં છે. ઈ. પૂ. 2000 વર્ષ પહેલાંની મળી આવેલી માટીની એક તકતીમાં રણપ્રદેશમાંથી હુમલો લઈ જનાર સેનાપતિ બેન્નુમને મેરી નામે પ્રદેશમાં પોતાના સરસેનાપતિને મોકલેલ સંદેશો આલેખાયેલો છે. ઈ. પૂ. 1370ની સાલમાં મિસ્રના રાજા તુતેનખામેનની વિધવાએ એ પ્રદેશ ઉપર ઘેરો નાખી પડેલ હિત્તાઇટને પરણવા માટે મોકલેલ સંદેશામાં ચાલબાજી હોવાની શંકાથી હિત્તાઇટ રાજકુમારે પોતાના જાસૂસ હટ્ટુ-જિતિસને જાસૂસ તરીકે મોકલ્યાનો પુરાવો પિરામિડમાં મળ્યો છે. હજરત મૂસાના 12 જાસૂસોનું દળ આગળ જઈ તે પ્રદેશના ખબર ગુપ્ત રાહે મેળવતું હોવાનો ઉલ્લેખ પણ મળે છે. મૂસાના મૃત્યુ પછી ઈ. પૂ. 1200માં જોસુઆએ જેરિકો શહેરસ્થિત જાસૂસ રહાબ નામે વેશ્યાને ત્યાં પ્રતિ-જાસૂસીની જાળ ગૂંથી હતી. ચાણક્યના ‘અર્થશાસ્ત્ર’માં જાસૂસી માટે વિષકન્યાના પ્રયોગ થયાનો ઉલ્લેખ છે. સમ્રાટ અશોકે તેમજ અજાતશત્રુ, ગણરાજ્ય લિચ્છવી અને મિથ્રિડેટીઝ, જૂલિયસ સીઝર, માર્લબરો – વેલિંગ્ટન વગેરે સેનાપતિઓએ જાસૂસસેવાનો ઉપયોગ કર્યો હતો.

ચંગીઝખાન, હલાકૂ, નાદિરશાહ, મહારાણી ઇલિઝાબેથ પહેલી, ઑલિવર ક્રૉમવેલ, ફ્રેડરિક મહાન, નેપોલિયન બોનાપાર્ટ, બિસ્માર્ક અને બોઅર યુદ્ધમાં દક્ષિણ આફ્રિકાના કર્નલ જ્યૉર્જ, ડેવિડ હૅન્ડરસન, પ્રથમ વિશ્વયુદ્ધમાં બ્રિટનની મિલિટરી ઇન્ટેલિજન્સ-5, જર્મન શાસક કૈસર, હિટલરનું ગેસ્ટાપો સંગઠન અને બીજા વિશ્વયુદ્ધમાં ભાગ લેનાર દરેક દેશે બંને પક્ષે ગુપ્તચર સંસ્થાઓ દ્વારા કેટલીક સિદ્ધિ હાંસલ કર્યાનો ઇતિહાસ છે.

1857ના સ્વાતંત્ર્યયુદ્ધ દરમિયાન બ્રિટિશ અને ભારતીય રાજવીઓ બંને પક્ષે જાસૂસી તંત્રો વિકસ્યાં હતાં. 1945 સુધી ભારતની આઝાદીની ચળવળમાં એ પ્રવૃત્તિ ભૂગર્ભમાં રહેલા દેશપ્રેમીઓએ કરી અંગ્રેજોને હંફાવ્યા હતા. મહાત્મા ગાંધીજીની અહિંસક લડતની સાથોસાથ આ ભૂગર્ભ ચળવળે પણ ભારતને આઝાદ કરવામાં ગણનાપાત્ર ભાગ ભજવ્યો છે.

સનઝુએ ઈ. પૂ. આશરે 400માં લખેલા તેમના ગ્રંથ ‘પિંગ ફા’ (The Art of War)માં સક્ષમ બાતમીતંત્ર પર ભાર મૂક્યો છે તથા ગુપ્તચરોના પાંચ પ્રકારો વર્ણવ્યા છે : સ્થાન પરના ગુપ્તચરો, દ્વિમુખી ગુપ્તચરો (double agents), ગેરમાર્ગે દોરનાર ગુપ્તચરો (deceptive agents), ધનના પ્રલોભનથી ખરીદી શકાતા (expendable) ગુપ્તચરો તથા વેધક કે અંત:પ્રવેશી ગુપ્તચરો (penetrating agents). મધ્ય યુગમાં પશ્ચિમ યુરોપમાં ગુપ્ત બાતમીતંત્રનો વ્યાપક ઉપયોગ શરૂ થયો. તેરમી સદીમાં મોગલ અગ્રણી સૂબાતાઈએ અત્યંત કાર્યક્ષમ રીતે આયોજિત બાતમીતંત્રનો યોગ્ય ઉપયોગ કરીને યુરોપ પર કરેલા આક્રમણમાં વિલક્ષણ સફળતા મેળવી હતી. ઇંગ્લૅન્ડની રાણી ઇલિઝાબેથ પહેલીએ વ્યાપક પ્રમાણમાં ગુપ્ત બાતમીતંત્રની રચના કરી હતી. તેના પ્રમુખ રાજ્યસચિવ સર વાલસિંઘામનું વર્તમાન બાતમીતંત્ર ઊભું કરવામાં મોટું પ્રદાન છે. બિસ્માર્કના એક સરદાર વિલ્હેમ સ્ટીબરને સર્વપ્રથમ વ્યાપક બાતમીતંત્ર રચવાનો જશ અપાય છે. તેમણે આ તંત્રના કાર્યક્ષેત્ર હેઠળ ખેડૂતો, દુકાનદારો, હોટલના નોકરો, દાસીઓ વગેરે પાસેથી મેળવેલ માહિતીને આધારે પ્રશિયા દ્વારા હાથ ધરવામાં આવેલ ઑસ્ટ્રિયા (1866) તથા ફ્રાન્સ (1870) પરના આક્રમણની યોજનાઓ ઘડી હતી.

પ્રથમ વિશ્વયુદ્ધમાં યુરોપના મોટા ભાગના દેશો અપૂરતા બાતમી-તંત્રનો ભોગ બન્યા હતા. આથી બે વિશ્વયુદ્ધો વચ્ચેના ગાળામાં લગભગ બધા જ દેશોએ પોતપોતાના દેશ માટે વિસ્તૃત બાતમીતંત્રની રચના કરી હતી. તેમ છતાં, પ્રાપ્ય ગુપ્ત બાતમીનો યથાયોગ્ય ઉપયોગ ન કરવાથી જ 1941નો પર્લ હાર્બર પરનો હુમલો, તે જ વર્ષમાં જર્મનીએ તત્કાલીન સોવિયેટ સંઘ પર કરેલ આક્રમણ, 1944નું ‘બૅટલ ઑવ્ બલ્જ’ યુદ્ધ, મિત્રરાષ્ટ્રો દ્વારા જર્મની પર કરવામાં આવેલા હવાઈ હુમલા દરમિયાન જર્મનીની સ્વસ્થ પ્રતિક્રિયા વગેરેના સાચા રહસ્યની આગાહી કરવામાં મિત્રરાષ્ટ્રોને પૂરતી સફળતા મળી ન હતી.

બીજા વિશ્વયુદ્ધ પછીના ગાળામાં મહાસત્તાઓ વચ્ચેના શીતયુદ્ધ દરમિયાન બંને પક્ષોનાં ગુપ્ત બાતમીતંત્રે લડાયક ભૂમિકા અખત્યાર કરી હતી. અમેરિકાની સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ એજન્સી (સી.આઈ.એ.), ઇંગ્લૅન્ડની એમ.આઈ.–5 (મિલિટરી ઇન્ટેલિજન્સ) અને એમ.આઈ. સોવિયેટ સંઘના કે.જી.બી. (Komitet Gosudarst-vennoi Baz-opasnosti) તથા જી.આર.યુ. (Ex. USSR) (Glavnoye Razvedy vetelnoye Upravleniye = Central Intelligence Office), ફ્રાન્સનું એસ.ડી.ઈ.સી.ઈ. (Service de documentation  et de contre espionage) counter-intelligence agency), ચીનનું સોશિયલ ઍફેર્સ ડિપાર્ટમેન્ટ, ઇઝરાયલનું શિન બેટ, ભારતનું રિસર્ચ ઍન્ડ એનાલિટિકલ વિંગ (RAW) અને પાકિસ્તાનનું આઇ.એસ.આઇ. (ISI – Inter Services Intelligence) : આ બધી ગુપ્ત બાતમી પ્રાપ્ત કરવા માટેની જાણીતી સંસ્થાઓ છે.

ભારતની ગુપ્તચર સંસ્થા સી.બી.આઇ. (સેન્ટ્રલ બ્યૂરો ઑવ્ ઇન્વેસ્ટિગેશન) ભારતમાંની અન્ય રાષ્ટ્રોની એલચી કચેરીઓ દ્વારા વિદેશી જાસૂસીતંત્ર સામે પ્રતિ-જાસૂસી કરી દેશનું રક્ષણ કરે છે. લારકિન્સ બંધુઓ જેવા લશ્કરના નિવૃત્ત અમલદારોને ફોડીને કે તેની નબળી કડી જાણી લઈને કે ધમકી આપીને વિદેશી સરકારોએ ભારતના સંરક્ષણ આયોજનના નકશા મેળવ્યા ત્યારે સી.બી.આઇ.એ તેનો પર્દાફાશ કરી દેશના રક્ષણમાં મહત્વનો ભાગ ભજવ્યો હતો. 1993માં મુંબઈમાં થયેલ બૉમ્બ-ધડાકા, શેરકૌભાંડ, બોફોર્સ તોપોના સોદામાં અપાયેલ લાંચ વગેરેની તપાસ પણ સી.બી.આઇ.એ કરી છે.

સી.આઇ.. : અમેરિકાની આ કેંદ્રીય ગુપ્તચર સંસ્થા છે. આ સંસ્થાનું મુખ્ય મથક લેંગલેમાં ફેયર બક રિસર્ચ સેન્ટર જેવા છૂપા નામે આવેલું છે. બીજા વિશ્વયુદ્ધમાં તે ફેડરલ બ્યૂરો ઑવ્ ઇન્ટેલિજન્સ  – એફ.બી.આઇ.ના એક વિભાગ તરીકે કામ કરતું હતું. તેનો આ વિભાગ 1942માં ઑફિસ ઑવ્ સ્ટ્રૅટેજિક સર્વિસ નામે ઓળખાતો. હિટલરની સત્તા હેઠળના જર્મનીના જાસૂસી તંત્ર ‘ગેસ્ટાપો’ જેવું તે રૂપ લે નહિ એટલે તેનો પ્રેસિડન્ટ ટ્રુમૅને નાશ તો કર્યો પણ પછી પોતાને કે અન્યને માહિતીઓ ન મળતાં રીઅર ઍડમિરલ સિડની સોએર્સના નેતૃત્વ હેઠળ 1947માં સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ ગ્રૂપ બનાવ્યું અને તેને સી.આઇ.એ. નામ આપ્યું.

બીજા વિશ્વયુદ્ધ વખતે પર્લ હાર્બર ઉપર જાપાની હુમલો થશે તેવી સંભાવના આ સંગઠને દર્શાવી હતી. હવે તે સંસ્થા એક સમાંતર સરકારની જેમ કામ કરે છે. રાષ્ટ્રપતિ કેનેડીની હત્યામાં તેનો હાથ હોવાનું વિશ્વના ઘણા દેશો માને છે. ઈરાન સામે પ્રતિબંધ છતાં છૂપી રીતે તેને હથિયાર વેચી, તેના નફામાંથી નિકારાગુઆના કૉન્ટ્રા-વિદ્રોહીઓને તેમણે મદદ કરી હોવાનું કહેવાય છે. વિયેટનામ યુદ્ધ વખતે વિયતકાંગ ગેરીલાઓની હત્યા માટે તેણે ‘ગ્રીન બેરેટ’ નામે હત્યારી કમાન્ડો બૅટેલિયન ઊભી કરી હતી. ચીલીમાં એલેંદે સરકારને ઉથલાવવામાં તેનો હાથ હતો. અફઘાનિસ્તાનના સોવિયેટ સમર્થક પ્રમુખ મુજીબ સાથે લડવા તેણે મુજાહિદ્દીન ગેરીલાઓને પાકિસ્તાન દ્વારા હથિયાર અને તાલીમ આપ્યાં હતાં. વિશ્વનું એવું કોઈ આંતરરાષ્ટ્રીય સંગઠન કે દેશની સરકારો નહિ હોય જેમાં સી.આઇ.એ.ના એજન્ટોએ ઘૂસણખોરી ન કરી હોય. સોવિયેટ સંઘ પર લશ્કરી, રાજનૈતિક, આર્થિક દબાવ લાવી તેનું વિભાજન કરી સામ્યવાદી ચળવળ તેણે જ તોડી છે એવું કહેવાય છે. સી.આઇ.એ.ના પ્રથમ નિયામક રોસ્કો હિબેન કોએટર (1947) હતા. અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જ્યૉર્જ બુશ પણ એક વાર સી.આઇ.એ.ના વડા હતા. સી.આઇ.એ. નીચે ‘કિઓસ’ (CIOS) નામે સંસ્થા દેશવિદેશના અમેરિકન નાગરિકો ઉપર જાસૂસી કરે છે. તેના કમ્પ્યૂટર પાસે 3 લાખ નાગરિકોની વિગતો જમા છે. અમેરિકામાં પ્રજાકીય અને યુદ્ધવિરોધી આંદોલન ચલાવનાર નાગરિકો તેમાં મુખ્યત્વે છે. અમેરિકાની યુદ્ધપરસ્ત નીતિને બળ આપવા આ સંસ્થા આ નાગરિકોની નબળાઈ જાણી તેને દ્બાવી યુદ્ધ/જોહુકમી વગેરે નીતિઓનું સમર્થન મેળવી લેતી.

ઇલેક્ટ્રૉનિક જાસૂસી માટે નૅશનલ સિક્યૂરિટી એજન્સી 1952થી કામ કરવા માટે તત્કાલીન પ્રમુખ ટ્રુમૅન દ્વારા બનાવાઈ છે. સી.આઇ.એ.થી ઘણા વધારે – 70 હજાર કર્મચારી મેરીલૅન્ડમાં ફૉર્ટ મીડેમાં આ સંસ્થા માટે કામ કરે છે. તે તટસ્થ, મિત્ર અને શત્રુ રાજ્યના ગુપ્ત સંદેશા અધવચ્ચે પકડી લેવાની ક્ષમતા ધરાવે છે. સી.આઇ.એ. સાથે કે તેની હકૂમત નીચે રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ જેવી અન્ય સંસ્થાઓ છે. (જે અન્ય દેશોમાં સામ્યવાદી જેવા પક્ષો ન ચૂંટાય તેવાં પગલાં સામ, દામ, દંડ, ભેદ વડે લે છે.)

‘ડિફેન્સ ઇન્ટેલિજન્સ એજન્સી’ એવી રીતે અમેરિકામાંથી લશ્કરી વિગતો ચોરાઈ ન જાય તેનું ધ્યાન રાખે છે.

એફ.બી.આઇ.(Federal Bureau of Investigation) સમગ્ર અમેરિકામાં ઘૂસેલા અને અમેરિકાની બહાર કાર્ય કરતા અમેરિકાના હિત વિરુદ્ધ બોલનારા માટે કાર્ય કરે છે. 1895થી કાર્યરત આ સંસ્થામાં કામ વધતાં એના એક વિભાગને સી.આઇ.એ. બનાવી તેમાં ગોઠવ્યો. આંતરરાજ્ય ગુનાઇત કાર્યો અને ગુનેગારોને કાબૂમાં રાખવા આ સંગઠનની રચના થઈ છે. તેમાં 8,000 કર્મચારી અને 6,000 સ્પેશિયલ એજન્ટ કામ કરે છે. 1922–72ના ગાળામાં જે. ઍડગર હુવર એના વડા રહ્યા. એ સિવાય એફ.બી.આઇ. વિદેશી જાસૂસો અને નાઝી કે સામ્યવાદી વિચારસરણી ઉપર પણ ધ્યાન રાખે છે. બ્રિટનની મિલિટરી સર્વિસ–5માં પેઠેલા ડબલ એજન્ટોને એફ.બી.આઇ.એ પકડાવ્યા હતા. અમેરિકાનું ઍટમિક રહસ્ય રશિયાએ કેવી રીતે ચોરાવ્યું તે પણ આ સંસ્થાએ ખોળી કાઢ્યું હતું. આવાં કાર્ય માટે આ સંસ્થાએ 1942થી 1960 સુધીમાં 238 પ્રકારની માહિતીની ચોરી કરી હતી. 1978થી વિલિયમ વેબસ્ટર તેના વડા છે.

કે.જી.બી. (Komitet Gosudarst-vennoi Bazopasnosti) સોવિયેટ સંઘની આ ખૂંખાર જાસૂસી સંસ્થાનો જન્મ બૉલ્શેવિક ક્રાંતિ પછી 1917માં થયો. ભૂતપૂર્વ સોવિયેટ સંઘમાં છેલ્લે તેના સાડાસત્તર લાખ એજન્ટો કામ કરતા હતા અને વિદેશોમાં, એલચી કચેરીઓમાં પત્રકારો, સોવિયેટ વાયુસેવા ઍરોફ્લોતના કર્મચારી રૂપે ત્રણ લાખ એજન્ટો કામ કરતા હતા. આ સંસ્થાની આવડી વિશાળ જાળને કારણે વિશ્વના સૌથી મોટા ભૌગોલિક ક્ષેત્રવાળા આ દેશની 25 કરોડથી વધારે પ્રજા સામ્યવાદમાં માનવા, તે રીતે જીવવા મજબૂર થઈ હતી. સ્ટૅલિનની વિચારધારાના વિરોધી ટ્રૉટ્સ્કીની હત્યા, બીજા વિશ્વયુદ્ધમાં જાપાન, રશિયા તરફે 1942થી હુમલો નહિ કરે જેથી મૉસ્કોનું રક્ષણ કરવા બધું જ લશ્કર તે મોરચે રાખી શકાય, તે માહિતી; નિકારાગુઆમાં કૉન્ટ્રા વિદ્રોહીઓ સામે એડિનિષ્ટા સરકારને હથિયાર આપવા, ચેકોસ્લોવાકિયામાં દુબચેક સરકાર ઉથલાવવા, મલેશિયાના વકીલ સિરોજ મારફત બ્રિટિશ ગુપ્તચર સંસ્થા એમ.આઇ.–5ની વિગતો મેળવવા અમેરિકામાંથી અણુ રહસ્ય ચોરવા, સામ્યવાદ સામે યુરોપીય સંગઠન ‘નાટો’(નૉર્થ આટલાંટિક ટ્રીટી ઑર્ગેનિઝેશન)ના આમાંથી સાઇડવિંડર મિસાઇલ (જેની લંબાઈ કાર કરતાં પણ મોટી – લગભગ 3 મીટરની હતી.) કારમાં ચોરી લાવવા વગેરે કાર્યો તેણે કર્યાં છે. રાષ્ટ્રસંઘની કચેરીમાં કામ કરતા 1,700 રૂસી કર્મચારીમાં 200 કે.જી.બી. એજન્ટ હતા. તેમને દૂર કરાવતાં અન્ય દેશોના જાસૂસીતંત્રને મુશ્કેલી પડી હતી. વર્ષો સુધી તેમણે વિશ્વની આ મોટી સંસ્થાનો ગેરઉપયોગ કર્યો હતો. રશિયાના હાલ(1994)ના પ્રમુખ યેલ્તસીને 1992માં કે.જી.બી. વિખેરી નાખી હતી.

અફઘાનિસ્તાનની મુહમ્મદ દાઉદની સરકારને ઉથલાવી સામ્યવાદી સરકાર સ્થાપવાનું કાર્ય તેની ‘સ્પર્શ’ નામે સંસ્થાએ કર્યું હતું. ગદ્દાર જાસૂસો કે અન્ય સોવિયેટ હિતની આડે આવનારને મારી નાખતાં આ સંસ્થા અચકાઈ નહોતી. સોવિયેટ લશ્કરી સિક્રેટ સર્વિસ (જી.આર.યુ.) પણ તેની નીચે કામ કરે છે. આ સંસ્થાએ ઇંગ્લૅન્ડમાં ક્રિશ્ચન કિલર જેવી રૂપાળી સ્ત્રીઓ અને યુવકોનો કામક્રીડામાં ઉપયોગ કરીને અનેક વિદેશી રાજકારણીઓને બદનામ કરી ધાર્યાં કામ કર્યાં હતાં. તેમાંથી જ ઇંગ્લૅન્ડમાં પ્રોફ્યૂમો કૌભાંડ સર્જાયું હતું. ‘નાટો’ના રિપોર્ટ મુજબ દસ હજારથી વધારે ઑફિસરો આ રીતે બ્લૅકમેઇલિંગના શિકાર બન્યાનું તેણે કબૂલ્યું હતું. ક્યૂબામાં ડી.જી.આઇ. (ડિરેક્ટર-જનરલ ’દ ઇન્ટેલિજન્સ) આવાં કાર્યો કરતી. યુગોસ્લાવિયા સિવાય અન્ય સર્વ સામ્યવાદી દેશોમાં કે.જી.બી.એ સંસ્થાઓ સ્થાપી પોતાનો કાબૂ જમાવ્યો હતો.

પૂર્વ જર્મનીની એચ.વી.એ.(હાઉપ્ટ, વેરવૉલ્ટરી ઔફકલામિંગ)એ પશ્ચિમ જર્મની સાથે પૂર્વ જર્મની ન ભળે તે માટે ખૂબ ખોફનાક પણ નિષ્ફળ રસ્તા અપનાવ્યા હતા.

બ્રિટનની ગુપ્તચર સંસ્થાઓ : એમ.આઇ.–5, એમ.આઇ.–6, જે.આઇ.ઓ. સ્પેશિયલ બ્રાંચ (આઇરિશ), અલ્ટ્રા, ડી. નોટિસ કમિટી વગેરે સંસ્થાઓ દ્વારા જ બ્રિટનનો સૂર્ય કદી આથમતો નહોતો. અન્ય ગુપ્તચર સંસ્થાઓ કરે છે તેવાં કાર્યો ઉપરાંત માનવી પડે તેવી અફવાઓ ફેલાવવી, ઇલેક્ટ્રૉનિક્સનો જાસૂસી ઉપયોગ, અન્ય દેશોમાં નિજ હેતુ માટે અંધાધૂંધી ફેલાવવી વગેરે કાર્યોમાં આ એજન્સીઓ ખૂબ ચડે છે. નાઝીઓ સામે લડવામાં તેનો જોટો નહોતો.

મોંસાદ : વિશ્વમાંથી યહૂદીઓને ઇઝરાયલ લાવી તેમનું દેશમાં તથા વિદેશમાં રક્ષણ કરનાર આ સંસ્થાએ યુગાન્ડામાં એન્ટેબી હવાઈ મથકેથી વિમાનહરણ કરનારને કબજે કરી હવાઈ જહાજ છોડાવી લાવવાની કથની (1976) હેરતભરી છે. ઇરાક ઍટમિક રિઍક્ટરને બરબાદ કર્યાની અને નાઝી હત્યારા આઇકમૅનને રિઓડીજાનેરા બ્રામિવમાંથી પકડ્યાની કથા ભુલાય તેવી નથી. વિશ્વમાં તેના એજન્ટો સ્થળે સ્થળે રહી સ્વાતંત્ર્ય માટે લડનારાઓને છાપો મારવાની ગેરીલા તાલીમ પણ આપે છે.

અન્ય દેશોની આવી સંસ્થાઓમાં બી.એન.ડી. (બુન્દેસાત કૂર વેરફસ્સુગશ્વન) (ગેહલન), પશ્ચિમ જર્મની સીક્રેટ સર્વિસ – ગુપ્તચર સંસ્થા એચ.વી.એ. (Hauptver Waltung); પૂર્વ જર્મનીની સીક્રિટ સર્વિસ – ગુપ્તચર સંસ્થા (ચીફ ઍડમિનિસ્ટ્રેશન-ઇન્ટેલિજન્સ) – ડી.જી.એસ.ઈ.; ફ્રાંસ સીક્રેટ સર્વિસ – ગુપ્તચર સંસ્થા (Direction General De Securite Exterievr); એ.એસ.આઇ.ઓ.; ઑસ્ટ્રેલિયન ગુપ્તચર સંસ્થા (સિક્યૂરિટી ઍન્ડ ઇન્ટેલિજન્સ ઑર્ગેનિઝેશન); કૅનેડાની ગુપ્તચર સંસ્થા – સિક્યૂરિટી ઇન્ટેલિજન્સ સર્વિસ માઉન્ટીઝ; મિસ્રની ગુપ્તચર સંસ્થા મુખબરાત – જનરલ ઇન્ટેલિજન્સ એજન્સી. સાવાક; ઈરાનની ગુપ્તચર સંસ્થા; ચીનની ગુપ્તચર સંસ્થા સેન્ટ્રલ ઍક્સ્ટર્નલ લેજાં ડિપાર્ટમેન્ટ; જાપાન સિક્રેટ સર્વિસ (કૅબિનેટ રિસર્ચ ઑફિસ) નાઇયો; ક્યૂબાની ગુપ્તચર સંસ્થા ડી.જી.આઇ.; બ્યૂરો ઑવ્ સ્ટેટ સિક્યૂરિટી દક્ષિણ આફ્રિકાની ગુપ્તચર સંસ્થા બી.ઓ. એજન્સી; (બ્યૂરો ઑવ્ સ્ટેટ સિકયૂરિટી); ઇરાકી ગુપ્તચર સંસ્થા. અલ-મુખબરાત (ધ લિસ્ટિંગ પોસ્ટ); સ્પેનની સિક્રેટ સર્વિસ – ગુપ્તચર સંસ્થા સી.એસ.આઇ.ડી. (Centro Supperior De Information Dela Defensa) તથા રશિયાની ગુપ્તચર સંસ્થા ‘રશિયન ફૅડરેશન ફૉરેન ઇન્ટેલિજન્સ સર્વિસ વગેરેનો ઉલ્લેખ કરી શકાય.

તાજેતરનાં વર્ષો દરમિયાન ઉપગ્રહ દ્વારા, ટેલિફોન ટેપિંગ દ્વારા તથા ‘બગ્ઝ’ (bugs) દ્વારા પણ જાસૂસી કરવાના વ્યાપક પ્રયાસ થઈ રહ્યા હોવાના પુરાવા સાંપડ્યા છે.

પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન જર્મની વતી જાસૂસી કરનાર અને મહિલા જાસૂસ તરીકે વિશ્વભરમાં પર્યાયી બનેલી ફ્રેંચ નર્તકી માતાહારી, બીજા વિશ્વયુદ્ધ પછીના ગાળામાં અમેરિકાનાં અણુરહસ્યો તત્કાલીન સોવિયેટ સંઘને જાસૂસી દ્વારા પૂરાં પાડવાના આરોપસર ફાંસીના માંચડે ચડેલા જુલિયસ અને એથેલ રોઝેમ્બર્ગ દંપતી શીતયુદ્ધના ગાળામાં સોવિયેટ સંઘ વતી ઇંગ્લૅન્ડમાં જાસૂસી કરનાર ઇંગ્લૅન્ડના ગુપ્તચર વિભાગના ઉચ્ચ અધિકારી ડબલ એજન્ટ જેમ્સ ફિલ્બી, વિદેશી સત્તાને ભારતીય લશ્કરનાં રહસ્યો પૂરાં પાડવા માટે જન્મટીપની સજા પામેલા ભારતીય પાયદળ અને હવાઈદળના બે ઉચ્ચ અધિકારીઓ લારકિન્સ બંધુઓ તથા 1985થી રશિયા વતી અમેરિકામાં જાસૂસી કરવાના આરોપસર ફેબ્રુઆરી 1994માં પકડાયેલા સી.આઇ.એ.ના ઉચ્ચ અધિકારી અલ્ડ્રિચ હેઝન એમ્સ તથા તેની પત્ની મારિયા ડેલ રોઝારિયો કૅસસ ઍમ્સના કિસ્સાઓ કમકમાટી ઉપજાવે તેવા છે.

પુષ્કર ગોકાણી

હસમુખ માણેકલાલ પટેલ

અનુ. બાળકૃષ્ણ માધવરાવ મૂળે