ગુજરાત અર્થશાસ્ત્ર મંડળ

February, 2011

ગુજરાત અર્થશાસ્ત્ર મંડળ : અર્થશાસ્ત્રના સિદ્ધાંતો તથા આર્થિક સમસ્યાઓ પ્રત્યે ચર્ચા-વિચારણા દ્વારા સભાનતા કેળવતી સંસ્થા. સ્થાપના 1969. ભારતના વિખ્યાત અર્થશાસ્ત્રી પ્રો. સી. એન. વકીલ તેના સ્થાપક પ્રમુખ હતા. જાણીતા અર્થશાસ્ત્રી ડૉ. ડી. ટી. લાકડાવાલા પણ તેના પ્રમુખ ચૂંટાયા હતા. મંડળના ઉદ્દેશોમાં આર્થિક બાબતોને સ્પર્શતું સંશોધન કરવું, ચર્ચાસભાઓ, પરિષદો તથા ઓપ વર્ગોનું આયોજન કરવું, ગ્રંથો, અહેવાલો, સંશોધનલેખો, સામયિકોમાં છપાતા સાહિત્યનું અને અર્થશાસ્ત્રની પરિષદોની કાર્યવાહીનું ગુજરાતીમાં ભાષાંતર કરી એ મુદ્રિત કરવું, ગુજરાતની યુનિવર્સિટીઓ, સંશોધન સંસ્થાઓ, ઉચ્ચશિક્ષણની સંસ્થાઓ વગેરેના સહકારથી અર્થતંત્ર અને આર્થિક પ્રશ્નો અંગે ચર્ચાઓ ગોઠવવી વગેરેનો સમાવેશ થાય છે. મંડળના નેજા હેઠળ દર વર્ષે અધિવેશન યોજાય છે. તેમાં અગાઉથી નક્કી કરેલા ત્રણ વિષયો પર સર્વાંગી ચર્ચા કરવામાં આવે છે. આવા ત્રણ વિષયોમાં એક અર્થશાસ્ત્રના સિદ્ધાંતોને સ્પર્શતો વિષય અને બાકીના બે પ્રયુક્ત (applied) સ્વરૂપના વિષયો હોય છે.

મંડળના ઉપક્રમે સંસ્થાના ભૂતપૂર્વ પ્રમુખ ડૉ. લાકડાવાલાની સ્મૃતિમાં પ્રતિવર્ષ સ્મૃતિવ્યાખ્યાન યોજવાનું નક્કી થયું છે. તેનું પ્રથમ વ્યાખ્યાન 1993માં જાણીતા અર્થશાસ્ત્રી વી. એમ. દાંડેકરે આપેલું. સંસ્થાએ ‘ડૉ. ડી. ટી. લાકડાવાલા ફેલિસિટેશન ફંડ’ની રચના કરી છે. તેમાંથી ગુજરાતમાં અર્થશાસ્ત્ર વિષય પર પીએચ.ડી. કરનારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન તથા આર્થિક સહાય પૂરાં પાડવાનો ઉપક્રમ છે.

જાણીતા અર્થશાસ્ત્રી અને કેન્દ્રસરકારના રાજ્યકક્ષાના પૂર્વમંત્રી યોગેન્દ્ર અલઘ હાલ (2009) તેના પ્રમુખ છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે