ગુજરાતી દલિત સાહિત્ય

February, 2011

ગુજરાતી દલિત સાહિત્ય : 1975ની આસપાસ ગુજરાતમાં જન્મેલું દલિત સાહિત્ય. આમ તો એનું ઉદભવસ્થાન મહારાષ્ટ્ર. 1981માં ગુજરાતમાં અનામત આંદોલન થયું. ત્યારપછી દલિત સાહિત્યના સાચા અર્થમાં પગરણ મંડાયાં. મહારાષ્ટ્રમાં ડૉ. બાબાસાહેબ આંબેડકરની ઝુંબેશના પરિણામે દલિત સાહિત્ય અસ્તિત્વમાં આવ્યું. મહારાષ્ટ્રમાં જે દલિત સાહિત્ય રચાયું તેની સભાનતાના પરિપાક રૂપે ગુજરાતમાં દલિત સાહિત્યમાં સભાનતા આવેલી જોવા મળે છે.

દલિત સાહિત્યનો જન્મ સામાજિક અસમાનતા, અસ્પૃશ્યતા, ધર્માંધતા, શોષણ, અપમાન, અત્યાચાર વગેરે જે અનિષ્ટો હતાં તેની સામે આક્રોશ પ્રગટ કરવાના ભાગ રૂપે થયો. સ્વરાજ્યની પ્રાપ્તિ મળ્યા પછી પણ હરિજનો અને આદિવાસીઓના થતા રહેલા શોષણને પરિણામે જે શિક્ષિત દલિત સમાજ હતો તેમનામાં તીવ્ર અસંતોષ પ્રગટ્યો. દલિત શિક્ષિત સમાજે દલિત સાહિત્યના પ્રશ્નોને તેમના સાહિત્યમાં સ્થાન આપ્યું. મહારાષ્ટ્રના દલિત સાહિત્યકારોના વિચારચિંતનમાંથી પ્રેરણા લઈને ગુજરાતમાં પણ દલિત સાહિત્યે પોતાનું સ્થાન લીધું.

એ વખતે દલિત સાહિત્યને કેન્દ્રમાં રાખીને જે સામયિકો પ્રસિદ્ધ થતાં તેમાં નાગજીભાઈ આર્યનું ‘દલિત ગુજરાત’, જેઠાલાલ જાદવનું ‘આર્તનાદ’ – આ સામયિકોમાં જે કાવ્યરચનાઓ આવતી તેમાં દલિતોનાં દુ:ખદર્દ પ્રગટ થયેલાં જોવા મળે છે. 1975માં ગુજરાતના દલિત પૅન્થરનું ‘પૅન્થર’ માસિક શરૂ થયું, જેમાં દલિત કવિતા નિયમિત પ્રગટ થતી. 1979માં દલપત ચૌહાણ અને પ્રવીણ ગઢવી દ્વારા ‘કાળો સૂરજ’ અનિયતકાલિક ‘પ્રતિબદ્ધ કવિતાપત્ર’ પણ પ્રસિદ્ધ થયું.

ગુજરાતી દલિત સાહિત્યની શરૂઆત કવિતાથી થાય છે. સામાજિક વર્ણવ્યવસ્થાના ભાગ રૂપે દલિત કવિતાનો જન્મ થયો. દલિત કવિતાના સંચયો પણ પ્રગટ થયા. દલિત કવિતાના વિષય તરીકે વ્યથા, પાયમાલી, યંત્રણા અને વિનાશ જેવા વિષયોને ગણાવી શકાય. દલિત કવિતાનો પ્રથમ સંચય 1981માં પ્રગટ થયો. તે ઉપરાંત મંગળ રાઠોડનો ‘બાગમાં’, શંકર પેન્ટરનો ‘બૂંગિયો વાગે’, કિસન સોસાનો ‘અનસ્ત સૂર્ય’ અને સાહિલ પરમારનો ‘વ્યથાપચીસી’ વગેરે કાવ્યસંગ્રહો 1982થી 1986 દરમિયાન મળ્યા છે. આ ઉપરાંત ‘વિસ્ફોટ’, ‘અસ્મિતા’, ‘શ્રમિક કવિતા’ અને ‘એકલવ્યનો અંગૂઠો’ જેવી પસંદ કરેલી દલિત કવિતાનાં સંપાદનો પણ મળ્યાં છે. બબલદાસ બી. ચાવડા, બિપિન ગોહેલ, નીલેશ કાથડ, કાંતિલાલ મકવાણા, મધુવીર સોલંકી, મહેશચંદ્ર પંડ્યા વગેરે કવિઓએ દલિત કવિતાને વધારે પુષ્ટ કરી છે.

દલિત કવિતાથી પ્રેરાઈને દલિત વાર્તા અને દલિત નવલકથા પણ મળે છે. અન્યાય સામે આક્રોશ, સવર્ણો દ્વારા થતું દલિતોનું શોષણ, અસ્પૃશ્યતા, સામાજિક અસમાનતા, આર્થિક અસલામતી, નારી-શોષણ, નારી-સંવેદના વગેરે દલિત સાહિત્યના મૂળભૂત વિષયો છે. આમાંના પ્રશ્નોને કેન્દ્રમાં રાખીને દલિત વાર્તાઓ અને નવલકથાઓ લખાઈ છે, જેમાં જૉસેફ મેકવાનની નવલકથા ખાસ ધ્યાન ખેંચે તેવી છે. ‘આંગળિયાત’ નવલકથામાં સવર્ણ અને દલિત વચ્ચેનો સંઘર્ષ અને વાસ્તવિકતા તેમણે સરસ રીતે આલેખી આપ્યાં છે. તો તેમની ‘દરિયા’ નવલકથામાં ભંગી કોમની વાત સરસ રીતે નિરૂપી છે. દલપત ચૌહાણની ‘ઝલક’, ‘ગીધ’, ‘ભળભાંખળું’ ઉલ્લેખપાત્ર છે. એમની આ નવલકથાઓમાં દલિતનો ઇતર વર્ગ સાથેનો વ્યવહાર, પ્રણયત્રિકોણ વગેરે વિષયો કેન્દ્રસ્થાને રહ્યા છે. મોહન પરમારની ‘પ્રિયતમા’માં દલિત સમાજના રીતરિવાજોનું વાસ્તવિક ચિત્ર વાંચવા મળે છે. આ ઉપરાંત હરીશ મંગલમ્, બી. કેશરશિવમ્, દીનુ ભદરેસરિયા, પ્રાગજીભાઈ ભાંભી આ બધાએ નવલકથાઓમાં દલિત સમાજ, પ્રણયત્રિકોણ, વર્ગભેદ, દલિતવર્ગની કરુણ દશા, વેદના, વ્યથા, અન્યાય, આક્રોશ વગેરેને કેન્દ્રમાં રાખીને નવલકથાઓ આપી છે.

જૉસેફ મેકવાન ઉપરાંત હરિ પાર, અરવિંદ વેગડા, પથિક પરમાર, મધુકાન્ત ‘કલ્પિત’, નરસિંહ પરમાર, યશવંત વાઘેલા, હરીશકુમાર મકવાણા, રમણ વાઘેલા, ભી. ન. વણકર વગેરે દલિત વાર્તાકારો છે. તેમની વાર્તાઓમાં દલિતોની વ્યથા આલેખાયેલી છે. તેમની વાર્તાઓમાં અનુભૂતિની તીવ્રતા વિશેષ રીતે આલેખાયેલી જોવા મળે છે. દલિત નાટકો પણ લખાયેલાં મળે છે પણ દલિત સમાજના પ્રશ્નોને કેન્દ્રમાં રાખીને જે રીતે કવિતા લખાઈ છે તે રીતે નાટકો બહુ નથી લખાયાં.

દલિત નિબંધો અને દલિતો વિશેનાં ચરિત્રો પણ ધ્યાન ખેંચે છે. ડૉ. બાબાસાહેબ આંબેડકરના જીવન ઉપરથી ઘણા લેખકોએ ચરિત્રો પણ લખ્યાં છે. જૉસેફ મેકવાનની કલમ રેખાચિત્રોમાં પણ ચાલી છે. તેમણે કેટલાંક સુંદર રેખાચિત્રો આપ્યાં છે.

દલિત-શોષિત-પીડિત સમાજને કેન્દ્રમાં રાખીને ઝવેરચંદ મેઘાણી, સ્નેહરશ્મિ, સુન્દરમ્, ઉમાશંકર જોશી જેવા અનેક કવિઓએ સ્મરણીય કાવ્યો આપ્યાં છે. સુન્દરમની ‘કોયા ભગતની કડવી વાણી અને ગરીબોનાં ગીતો’માં એ પ્રકારની રચનાઓ છે. દલિતેતર સર્જકોમાં અન્ય અનેક સર્જકોએ કાવ્ય તેમજ કાવ્યેતર સ્વરૂપોમાં એ દલિત સમાજની અનુભૂતિને આત્મસાત્ કરીને પ્રગટ કરી છે. વળી દલિત સમાજના પ્રશ્નને કેન્દ્રમાં રાખીને નાટકો લખનારમાં દલિતેતર લેખકોનો પણ ઉલ્લેખ કરી શકાય. ઉમાશંકર જોશીનું ‘ઢેડના ઢેડ ભંગી’, ચંદ્રભાઈ કા. ભટ્ટનું ‘એકલવ્ય’ અને જશવંત ઠાકરનું ‘અછૂતનો ભવાઈવેશ’ વગેરે તુરત યાદ આવશે.

દલિત સમાજને કેન્દ્રમાં રાખીને લખાતી નવલકથા કે વાર્તામાં દલિત ચેતના પ્રગટ થયેલી હોવી જોઈએ. એમાં દલિત પરિવેશ હોવો જોઈએ. ગ્રામીણ બોલી, તળપદી ભાષા પણ તેનું એક આવશ્યક અંગ બની રહેવું જોઈએ. એનાં પાત્રો પણ દલિત સમાજનાં જ હોવાં જોઈએ અને તેમ છતાં ગુજરાતમાં પણ દલિત સાહિત્ય જુદાં જુદાં સ્વરૂપોમાં ખેડાણ પામ્યું છે.

1985 પછી કવિતાનાં પૂર ઓસરવા માંડ્યાં અને દલિત લેખકો ગદ્ય તરફ વળ્યા. દલિત વાર્તાકારોની વાર્તાઓ ગુજરાત બહાર પણ ગઈ. દલિત સાહિત્યમાં એકાંકી, નાટક, શેરીનાટક અને પ્રવાસવર્ણન પણ લખાવા માંડ્યાં છે. ‘હયાતી’ જેવા સામયિકમાં દલિત સર્જકતાના કેટલાક ધ્યાનપાત્ર નમૂનાઓ વાંચવા મળે છે.

નલિની દેસાઈ