ગીર : મિશ્ર પર્ણપાતી વૃક્ષો અને સિંહની વસ્તી ધરાવતું, 20° 40´થી 21° 50´ ઉ. અ. અને 70° 50´થી 70° 15´ પૂ. રે. વચ્ચે આવેલું જંગલ. આ જંગલ જૂનાગઢ, અમરેલી અને ભાવનગર જિલ્લાઓમાં વહેંચાયેલું છે. ભાવનગર જિલ્લાના સાવરકુંડલા તાલુકામાં તે વાલાકગીર તરીકે ઓળખાય છે. અમરેલી જિલ્લામાં ધારી અને ખાંભા તાલુકાઓમાં તેનો વિસ્તાર 250.11 કિમી. છે. આ જંગલ 64 કિમી. લાંબું અને 32 કિમી. પહોળું છે. વધુમાં વધુ પહોળાઈ 48 કિમી. છે. જૂનાગઢ જિલ્લામાં તેની વધુમાં વધુ લંબાઈ 69.20 કિમી. અને વધુમાં વધુ પહોળાઈ 38.62 કિમી. છે. જૂનાગઢનો ગીર વિસ્તાર ઊના અને વિસાવદર તાલુકામાં છે. ઊના તાલુકામાં આ જંગલથી સમુદ્રકિનારો 29.14 કિમી. દૂર છે. ગીરનો બૌદ્ધ ગુફાઓ ધરાવતો સાણા ડુંગર વહાણવટીઓને માર્ગદર્શક તરીકે જાણીતો છે.

ગીરના જંગલમાં પોતાના ઢોરઢાંખર સાથે માલધારીઓ

ગીરની ઉત્તર સરહદે વિસાવદર, ધારી અને ખાંભા છે. પૂર્વ તરફ ધારી, ખાંભા અને રાજુલા તાલુકાઓ છે. દક્ષિણે ઊના, પાટણ, તલાળા અને કોડીનાર તાલુકાઓ છે અને પશ્ચિમે તલાળા અને મેંદરડી મહાલ છે. દેવળિયા બ્લૉકમાં સિંહનું અભયારણ્ય છે. મધ્યગીરમાં સાસણ ખાતે સિંહદર્શનની ચોમાસા સિવાય વ્યવસ્થા હતી. બકરું કે શિકાર બાંધીને સિંહોને ખૂબ જ નજદીકથી જોઈ શકાતા હતા. હવે બારે માસ સિંહ તથા અન્ય પ્રાણીઓ જોઈ શકાય તેવી વ્યવસ્થા કરાઈ છે.

ગીરમાં સાગનું પ્રમાણ વધારે છે પણ ગુજરાત અને ભારતના અન્ય ભાગને મુકાબલે આ સાગનાં વૃક્ષો વાંકાંચૂકાં ને વધુ ડાળીવાળાં છે. આ સિવાય ખાખરો, ટીમરવો, સાદડ, શીમળો, સરસૂડી, સેવન, ગરમાળો, બહેડો, બિયોખેર અને કાંટાળાં વૃક્ષો છે. આ વૃક્ષો 12થી 15 મીટર ઊંચાં છે. ગીરમાં ઘાસની વિપુલતાને કારણે ચારણ, આહીર, રબારી વગેરે માલધારી વસે છે. આ સિવાય સીદીનું પણ એક ગામ છે.

આ જંગલમાં વાંદરા, સિંહ, દીપડા, ચીતળ, નીલગાય કે રોઝ, જંગલી ડુક્કર, નાર, શિયાળ, લોંકડી, શાહુડી, જરખ, સિંકારા, સાબર, ચૌસિંગાં હરણ વગેરે પ્રાણીઓ છે. ગીર એ એશિયાઈ સિંહોનું એકમાત્ર આશ્રયસ્થાન છે. જંગલમાંથી કડાયો, સર્પગંધા, અનંતમૂળ, શિરીષ, ખેર, જળધાવડી, ગરમાળાની શિંગ, કેસૂડાં વગેરે ઔષધિઓ આપતાં વૃક્ષો છે.

ગીરના સિંહ

આ જંગલ વચ્ચે તુલસીશ્યામ, કનકાઈમાતા, સતાધાર વગેરે તીર્થસ્થાનો આવેલાં છે. તુલસીશ્યામ પાસે ગરમ પાણીના ઝરા છે. સાસણ ખાતે જંગલખાતાનું સરકારી વિશ્રામગૃહ છે. નક્કી કરેલા દિવસે સિંહદર્શન માટે વાહન અને ભોમિયાની પણ સાસણ ખાતે સગવડ છે.

ગીરના ડુંગરો પૈકી નાંદીવેલો 530.65 મીટર અને સરસિયા બ્લૉકમાં સાકરલા 641.60 મી. ઊંચો છે. ગીરમાંથી રાવળ, હિરણ, મચ્છુંદરી વગેરે નદીઓ નીકળે છે. ગીરમાં હિરણ નદી ઉપર મગર ઉછેરકેન્દ્ર છે.

શિવપ્રસાદ રાજગોર