ગિરિપ્રવચન : બાઇબલના ઉત્તરાર્ધ, નવા કરારમાં પહેલા પુસ્તક માથ્થીના શુભસંદેશમાંનાં પાંચથી સાત સુધીના ત્રણ અધ્યાયો. ગિરિપ્રવચન બાઇબલના ધર્મસંદેશનો અર્ક અને સાર છે. તેમાં માનવજીવન વિશેની સર્વોત્કૃષ્ટ ભાવના, ઉચ્ચ આદર્શો તથા પ્રભુમય જીવન વિશે પ્રેરક ઉપદેશ આપવામાં આવ્યો છે. સાદી, સચોટ અને મર્મવેધક ભાષામાં અપાયેલો આ સંદેશ નીતિમત્તા, ધર્મ અને આધ્યાત્મિકતાનો માર્ગ ચીંધે છે.

હિંદુ ધર્મપરંપરા તેમજ ભગવદગીતાએ પ્રબોધેલા ત્રણ માર્ગોની માફક ખ્રિસ્તી પરંપરામાં પણ જ્ઞાનમાર્ગ, ભક્તિમાર્ગ અને કર્મમાર્ગનું મહત્વ સ્વીકારાયું છે. ગિરિપ્રવચનનું હાર્દ વિશ્વપિતૃત્વની અનુભૂતિમાં સમજાય છે. માનવીમાં અનેક દુર્વૃત્તિઓ હોવા છતાં તે પોતાનાં બાળકોનું ભરણપોષણ પ્રેમથી કરે છે, તો બધા પિતૃત્વના આધાર પરમેશ્વર પિતાનું વિશ્વવાત્સલ્ય એનાથી અનેકગણું ચડિયાતું હોવું જોઈએ. (6 : 25–34). ભગવાનના વિશ્વપિતૃત્વની અનુભૂતિનું બીજું પાસું છે વિશ્વબંધુત્વની અનુભૂતિ. જેને આ બંને અનુભૂતિઓ થઈ હોય તે જ બહિષ્કૃત, ગરીબ તથા દુશ્મનો ઉપર પ્રેમ રાખવાની ઈસુની શિખામણ સમજી શકે (5 : 38–48).

આવું જ્ઞાન એકાંતિક ભક્તિ તરફ આપણને દોરે છે. ઈસુ કહે છે : ‘‘કોઈ પણ માણસ બે માલિકોની સેવા કરી ના શકે… તમે પરમેશ્વરને અને પૈસાને એકીસાથે સેવી ના શકો’ (6 : 24). ભગવાનની આગળ સંપૂર્ણ શરણાગતિ સ્વીકારી, નાનાં બાળકોની જેમ નિશ્ચિત અને નિર્ભય જીવન ગાળવા ઈસુ શીખવે છે (6 : 24-34).

જ્ઞાન વગરની ભક્તિ જેમ આંધળી છે તેમ કર્મ વગરની ભક્તિ પોકળ છે. તેથી ઈસુ કહે છે : ‘‘જે કોઈ મને ‘પ્રભુ, પ્રભુ’ કરે છે તે બધા ઈશ્વરના રાજ્યમાં પ્રવેશ પામવાના નથી; પરંતુ જે કોઈ મારા ‘પરમપિતાની ઇચ્છા અનુસાર ચાલશે તેને જ પ્રવેશ મળશે’’ (7 : 21). પણ ઈસુ કર્મકાંડનો વિરોધ કરીને અનુરોધે છે : ‘‘એટલે વેદી ઉપર નૈવેદ્ય ધરાવતાં તને યાદ આવે કે તારા ભાઈને તારી સામે કંઈ ફરિયાદ છે તો તારું નૈવેદ્ય વેદી આગળ રહેવા દઈ… તારા ભાઈ સાથે સમાધાન કરજે’’ (5 : 23).

ગિરિપ્રવચન જેમ ધર્મસંદેશ છે તેમ તે ઉચ્ચ પ્રકારની આચારસંહિતા પણ છે. તેની મહત્તા સમજીને ગાંધીજીએ તેને ગીતાની સાથે સરખાવ્યું હતું. તેની સુપ્રસિદ્ધ ઉક્તિઓ જેવી કે ‘લૂણ અલૂણું થાય તો તેને સલૂણું કેમ કરી શકાય ?’, ‘તમને જમણે ગાલે તમાચો મારે તો તેની આગળ બીજો ધરવો’ અને ‘લોકો તમારી સાથે જે રીતે વર્તે એમ તમે ઇચ્છતા હો તે જ રીતે તમે પણ તેમની સાથે વર્તો એ જ ધર્મસંહિતા અને પયગંબરોની વાણીનો સાર છે.’ અવિસ્મરણીય રહેવા સર્જાઈ છે. સ્વામી આનંદે તેનો તળપદી ગુજરાતી ભાષામાં અનુવાદ કરેલો છે.

ઈશાનંદ