ગાયત્રી : વેદના સાત પ્રમુખ છંદોમાંનો સર્વપ્રથમ છંદ અને તે છંદના અનેક મંત્રોમાંનો એક શ્રેષ્ઠ ઉપાસનામંત્ર. વ્યુત્પત્તિ અનુસાર ગાયત્રી શબ્દનો गायन्तं त्रायते (गायत् + त्रै) ગાનારનું — જપ કરનારનું ત્રાણ — રક્ષણ કરનાર દેવતા એવો થાય. બ્રાહ્મણોમાં તેની વ્યુત્પત્તિ गां त्रायते (गो + त्रै) આપેલી છે, કેમ કે આ મંત્રની દેવતા गो — વાણીને રક્ષે છે, વાણીને શુદ્ધ કરે છે. ગાયત્રી છંદ અને વિશ્વામિત્રષ્ટ સાવિત્ર મંત્ર બંનેયને આ વ્યુત્પત્તિ લાગુ પડે છે, વિશેષે સાવિત્ર મંત્રને. દેવ સવિતાની સ્તુતિનો तत्सवितुर् એ મંત્ર સાવિત્ર મંત્ર કહેવાય છે. સવિતા તે નિત્ય શુદ્ધબુદ્ધમુક્ત પરમપુરુષ છે. તેની ઈક્ષા(ર્દષ્ટિ)માત્રથી, વિચારવિમર્શમાત્રથી સૃષ્ટિનો ઉદભવ થાય છે. તેની પ્રેરેલી બુદ્ધિ જ

ગાયત્રી

બ્રહ્મસાક્ષાત્કાર કરવા સમર્થ બને છે. બુદ્ધિ, કલ્પના, વિચાર, ઇચ્છા, ધી, ધારણા, ભક્તિ, યજ્ઞ એવા અર્થોમાં ધી શબ્દ પ્રયોજાય છે. બુદ્ધિ આદિ સર્વ મનુષ્યની કૃતિશક્તિનાં પ્રેરક બળો છે. દેવ સવિતા કૃપા કરી આ પ્રેરક બળોને યુક્તમાર્ગે પ્રેરે તો જ જીવાત્મા જે વસ્તુત: શિવસ્વરૂપ – બ્રહ્મસ્વરૂપ છે પણ આત્મવિસ્મૃતિને લીધે જે પશુસમો રહ્યો છે તે શિવસ્વરૂપ થવા પ્રેરાય અને જીવ-શિવનું ઐક્ય અનુભવાય. સવિતા દેવની પ્રેરેલી ધી માત્ર બુદ્ધિ જ ન રહેતાં ધ્યાન-ધારણા-સમાધિમાં પરિણમે અને જીવને શિવપણાનો અનુભવ થાય અને આ અનુભવ પછી ‘‘भिद्यते हृदयग्रन्थि: छिद्यन्ते सर्वसंशया: । क्षीयन्ते चास्य कर्माणि तस्मिन् दृष्टे परावरे ।।  તે પરબ્રહ્મનું દર્શન થતાં મનુષ્યના હૃદયમાં રહેલી વણઊકલી આગ્રહ-ગ્રન્થિ છૂટી જાય છે, બધા સંશયો નષ્ટ થાય છે અને તેનાં સંચિત અને ક્રિયમાણ એ બધાંય કર્મોનો ક્ષય થાય છે. તેમનું પરિણામ ભોગવવાનું રહેતું નથી એ ઔપનિષદ સત્યની અનુભૂતિ થાય છે. આ મંત્રના દ્રષ્ટા ઋષિ વિશ્વામિત્ર દેવ સવિતાની કૃપાથી જ બ્રહ્મર્ષિ બન્યા હતા.

મનુસ્મૃતિ અનુસાર ઋક્, યજુ અને સામ એ ત્રણ પ્રકારના વૈદિક મંત્રોનું દોહન કરીને પ્રજાપતિએ ગાયત્રી મંત્રનું નિર્માણ કર્યું છે. ગાયત્રીજપથી ત્રણેય વેદોના અધ્યયનનું ફળ મળે છે. અથર્વવેદમાં તેને ‘વરદાયિની વેદમાતા’નું બિરુદ આપવામાં આવ્યું છે. ત્રિકાળ સંધ્યામાં આ મંત્રનો નિત્ય જપ કરવાનું શાસ્ત્રવિધાન છે. ઉપનયન સંસ્કારમાં આચાર્ય આ મંત્રનો ઉપદેશ કરે પછી જ બટુને વેદાધ્યયનનો અધિકાર પ્રાપ્ત થાય છે.

ઋગ્વેદ સંહિતાનું તૃતીય મંડળ જે વિશ્વામિત્રનું કુલમંડળ કહેવાય છે તેના બાસઠમા સૂક્તનો દસમો મંત્ર એ સાવિત્ર ગાયત્રી મંત્ર છે. વેદોની બધીય સંહિતાઓમાં આ મંત્ર મળે છે. તેનો પાઠ આ પ્રમાણે છે : ‘‘तत् सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि । धियो यो न: प्रचोदयात् ।। અખિલ વિશ્વના પ્રસવિતા (ઉત્પન્ન કરનાર) અથવા ચરાચર જગતને ચાલના આપનાર અને દ્યોતમાન સ્વરૂપવાળા પરમપુરુષના તે અભિલષણીય અને દુરિતદાહક તેજનું અમે ધ્યાન કરીએ, જેથી તે સવિતા દેવ અમારાં ધ્યાન-ધારણા-સમાધિને — અમારી ઉપાસનાને યોગ્ય માર્ગે પ્રેરે.’’ ઉપાસકો અને વિચારકોએ આ મંત્રનાં અનેક અર્થઘટનો કર્યાં છે. મંત્રના ત્રીજા પાદના य: એ પુંલિંગના રૂપને यत् એવા નપુંસકલિંગી રૂપનો લિંગવ્યત્યય ગણીને તેને वरेण्यं भर्ग: પદના સર્વનામ તરીકે ઘટાવીને ‘તે પરમપુરુષનું જે તેજ અમારી ઉપાસનાને — અમારી ધીને — વિચારપ્રવૃત્તિને પ્રેરે’ એવો અર્થ પણ કરાયો છે. બધાંય અર્થઘટનોમાં અર્થ તો લગભગ તેનો તે જ રહ્યો છે.

જપવિધિમાં સાવિત્ર મંત્ર પૂર્વે ૐકાર અને भू: भुव: स्व: એ ત્રણ મહાવ્યાહૃતિઓ જોડવી જોઈએ. મનુએ ૐકાર અને મહાવ્યાહૃતિ સહિતના સાવિત્ર મંત્રને પરબ્રહ્મનું મુખ કહ્યો છે એટલે કે આ મંત્ર દ્વારા બ્રહ્માનુભવ થાય છે. ૐકાર સર્વદેવમય છે. भू: એ પૃથ્વીવાચક, भुव: એ આકાશવાચક અને स्व: એ સ્વર્ગવાચક મહાવ્યાહૃતિઓ છે. સકલ વિશ્વમાં પૃથ્વી અંતરિક્ષ કે સ્વર્ગ કોઈ પણ સ્થળની ત્રણેય લોકની શક્તિ એવો તેનો સમૂહગત ભાવ છે. સવિતાદેવ ત્રણેય લોકમાં રહેલા દેવ છે અને ચરાચર સર્વસૃષ્ટિના આત્મા છે એવો ભાવ આ મહાવ્યાહૃતિઓનો છે. ગાયત્રી સર્વ દુરિતોનો નાશ કરે છે. તેથી લાંબો સમય ચાલે એવાં પુરશ્ચરણો દ્વારા પણ આ ઉપાસના થાય છે. તેને અમૃતમંત્ર કહ્યો છે, પ્રાણ કહ્યો છે અને બ્રાહ્મણોમાં તથા ઉપનિષદોમાં તેની ઉપાસનાને પ્રાણોપાસના કહી છે. છાન્દોગ્ય ઉપનિષદમાં પ્રાણોપાસનાનું નિરૂપણ છે. નિત્યોપાસનામાં પ્રાત: સંધ્યામાં આ મંત્રની દેવતા ગાયત્રી છે, મધ્યાહ્ન સંધ્યામાં સાવિત્રી અને સાયં સંધ્યામાં સરસ્વતી છે. વસ્તુત: આ ત્રણેય દેવીઓ એક જ છે એમ પુરાણોમાં કહ્યું છે.

વેદેતર જૈન સંપ્રદાયમાં આ મંત્ર સ્વીકારાયો છે અને જૈનોના પ્રથમ તીર્થંકર ઋષભદેવ આદિનાથને આ ધ્યાનમંત્રના દેવ ગણી તત્પરક અર્થ કરાયો છે. આ મંત્રની લોકપ્રિયતાને લીધે તેના અનુકરણમાં અનેક જુદા જુદા દેવોની ઉપાસના માટેના મંત્રો રચાયા છે.

પુરાણોમાં ગાયત્રી વિશેની બે કથાઓ ધ્યાન ખેંચે એવી છે. એક કથા અનુસાર ગાયત્રી દેવી સુપર્ણીના રૂપે સ્વર્ગમાં જઈ અગ્નિના રખવાળામાં રહેલ સોમરસને ભૂમિ પર લઈ આવી. ગરુડે સ્વર્ગમાં સુરક્ષિત અમૃતકુંભ ભૂમિ પર આણ્યો એ આખ્યાયિકાને આ વાત મળતી આવે છે. બીજી એક કથામાં ગાયત્રીને બ્રહ્મદેવની પત્ની કહી છે. બ્રહ્માએ પુષ્કરતીર્થમાં યજ્ઞ આરંભ્યો. આ યજ્ઞમાં બ્રહ્મદેવની પત્ની સાવિત્રી યજમાન-પત્ની તરીકે બેસવાની હતી. સ્ત્રીસ્વભાવ અનુસાર સાવિત્રી વસ્ત્રાભૂષણ અને શૃંગાર સજવામાં રહી અને સમયસર યજ્ઞમંડપમાં આવી નહિ. બ્રહ્માના કહેવાથી ઇન્દ્ર એક ગોપકન્યાને લઈ આવ્યો. બ્રહ્માએ તેની સાથે વિવાહ કરી તેને યજમાન-પત્નીના આસને બેસાડી. તે ગાયત્રી હતી. ગાયત્રી મંત્ર અને છંદ એ બંનેની લોકપ્રિયતાને લીધે ગાયત્રી દેવીની રૂપકલ્પના થઈ અને તદનુસાર તેની મૂર્તિઓ થઈ. ગાયત્રી એકમુખી ચતુર્ભુજા કે પંચમુખી દશભુજા અને હંસવાહિની કે મયૂરવાહિની કે પદ્માસનસ્થા એમ વિવિધ રૂપે કલ્પાઈ છે. તે રક્તવર્ણા, શુભ્રવર્ણા કે પીતવર્ણા અને વર, અભય, અંકુશ, કશા, કપાલ, પાશ, શંખ વગેરે આયુધો ધારણ કરે છે. આ સર્વ રૂપોની મૂર્તિઓ મળે છે.

નટવરલાલ યાજ્ઞિક