ગાયકવાડ, લક્ષ્મણ (જ. 23 જુલાઈ 1956, ધનેગાંવ, મહારાષ્ટ્ર) : મરાઠી સાહિત્યકાર. તેમની કૃતિ ‘ઉચલ્યા’ને ભારતીય સાહિત્ય અકાદમીનો 1988ના વર્ષનો પુરસ્કાર અપાયો હતો. વ્યવસાયે તેઓ સામાજિક કાર્યકર અને લેખક છે અને જુદી જુદી સંસ્થાઓ મારફત તેઓ મહારાષ્ટ્રની વિમુક્ત અને વિચરતી જાતિઓમાં સામાજિક જાગૃતિ પ્રગટાવવા કાર્ય કરી રહ્યા છે.

1977માં લખાયેલા એક કથાકાવ્યથી તેમની સાહિત્યિક કારકિર્દીનો આરંભ થયો. તેમાં શોષિત પ્રજાની વ્યથાપૂર્ણ કથા આલેખાઈ છે. ત્યારપછી વિવિધ મરાઠી સામયિકોમાં તેમના કેટલાક લેખો પ્રગટ થયા છે.

પુરસ્કૃત કૃતિ આત્મકથાત્મક નવલકથા છે. તેમાં કચડાયેલા સમાજના સભ્ય તરીકેના તેમના અનુભવો આલેખાયા છે. એ રીતે તેમાં સામાજિક અસમાનતા પરત્વેના નિખાલસ એકરાર તેમજ વેધક કટાક્ષનું નિરૂપણ થયું છે. આ કૃતિને બીજા 3 મરાઠી સાહિત્યિક પુરસ્કારો મળેલા છે; જેમાં પાનઘંટી, મુકાદમ તથા સમતા પુરસ્કારનો સમાવેશ થાય છે.

‘ઉચલ્યા’નો શાબ્દિક અર્થ થાય છે છેતરપિંડી. શોષિત વર્ગની ચવાઈ ગયેલી કથાઓથી આ કથા જુદી છે. તેમાં સમાજમાંના નાનામોટા અપરાધો કરીને જીવતા એક વર્ગની પ્રતિનિધિરૂપ કથા છે. આત્મદયા કે આપવડાઈથી મુક્ત આ નવલકથામાં શૈલીની તાજગી જોવા મળે છે. એક વ્યક્તિ તથા તેના સમાજની આ કથાની તાકાત તેની સ્વાભાવિક શૈલીમાં વરતાય છે. વળી આ કૃતિ એક મૂલ્યવાન સામાજિક, મનોવૈજ્ઞાનિક દસ્તાવેજ તરીકે પણ નીવડી આવી છે.

મહેશ ચોકસી