ગાય

શ્રેણી સમખુરી (artiodactyla) અને કુળ બોવિડેનું વાગોળનારું સસ્તન પ્રાણી. દુધાળા ઢોર તરીકે જાણીતી ગાય ભારતમાં પવિત્ર ગણાય છે. ગાયનો સમાવેશ બૉસ પ્રજાતિમાં થાય છે અને તેની બે જાતો છે : (1) ભારતીય ગાય (Bos indicus) (2) વિદેશી ગાય (Bos taurus). ભારતીય ગાય બ્રાહ્મણ અથવા zebu તરીકે ઓળખાય છે, જ્યારે વિદેશી ગાયને ટૉરસ કહે છે. બ્રાહ્મણ ગાયમાં ખૂંધ(hump)નો વિકાસ સારી રીતે થયેલો હોય છે, જ્યારે ટૉરસમાં ખૂંધ અલ્પવિકસિત કે અવિકસિત રહે છે. આર્થિક ર્દષ્ટિએ બ્રાહ્મણ ગાય દૂધઉત્પાદન અને સારી ઓલાદ માટે ઉપયોગી છે. ભારતીય ગાયોના કાન લાંબા અને લબડતા હોય છે, જ્યારે વિદેશી ગાયોના નાના હોય છે. વિદેશી ગાયોના વાળ ઠંડીમાં લાંબા થાય છે. ભારતીય ગાયો તીવ્ર ગરમી સહન કરી શકે છે અને પરોપજીવી કીટકોનો સામનો કરી શકે છે, તેથી ભારતીય ગાયોની પરદેશમાં નિકાસ થાય છે. સંકરણ દ્વારા વધુ દૂધ આપનાર ગૌવંશ માટે તેમજ ખેતી માટે તેનો ઉછેર થાય છે.

ભારતમાં પાલતુ પશુઓમાં ગાયનું આર્થિક અને ધાર્મિક મહત્વ અનોખું છે. પશુધન ગણતરી મુજબ ગાયની સંખ્યા ગુજરાતમાં 62.6 લાખ, ભારતમાં 19.6 કરોડ અને દુનિયામાં 128.1 કરોડ છે (એફ. એ. ઓ; 1989). ગાયનો વંશ આશરે દસ લાખ વર્ષ પહેલાંનો માનવામાં આવે છે. એશિયા તેનું ઉદભવસ્થાન મનાય છે. જંગલી વર્ગના બળદ જુદી જુદી આબોહવામાં ઊછરી શકે છે. કેટલીક જાતો ગાઢ જંગલ વિસ્તારથી માંડી 5૦૦૦થી 6૦૦૦ મીટરની ઊંચાઈવાળા પર્વતાળ પ્રદેશોમાં પણ ઊછરે છે. વાગોળનારાં પશુ હોવાથી તેમનો મુખ્ય ખોરાક વનસ્પતિ છે. ઘાસ, ઝાડપાન અને દાણ ઉપર તેમનો નિભાવ થાય છે. થોડા અપવાદ બાદ કરતાં ગાયનાં મોટા ભાગનાં પશુઓ સમૂહમાં રહેવાનું પસંદ કરે છે. ઝીબૂ વર્ગની ગાય ઉત્તમ પ્રકારની દુધાળી જાતિ છે. તે મેસોપોટેમિયા અને ભારતમાં ઈ. પૂ. 4૦૦૦ પહેલાંથી પાલતુ પશુ તરીકે જાણીતી થયેલી છે.

ઉપયોગિતાની ર્દષ્ટિએ આજે ગાય વર્ગની ઊંચી ઓલાદો સંવર્ધન કરી તૈયાર કરવામાં આવી રહી છે. તે મુખ્યત્વે દૂધ, માંસ અને ખેતીકામ માટે ઉપયોગી બની રહે છે. વધુમાં જુદી જુદી આબોહવા, જમીન અને ખોરાકને અનુરૂપ વૃદ્ધિ અને ઉછેર કરવામાં આવે છે. ડેરી ઉદ્યોગને અનુરૂપ ડેરી ઓલાદો પણ તૈયાર કરવામાં આવી છે. શૉર્ટહૉર્ન, જર્સી, હૉલ્સ્ટીન ફ્રીઝિયન વગેરે યુરોપિયન જાતો છે, જ્યારે દેશી ઓલાદોમાં બ્રાહ્મણ, હરિયાણા, કાંકરેજ મુખ્ય જાતો છે. તે ઉપરાંત સંકરીકરણ દ્વારા ઉદભવેલી અમેરિકન બ્રાહ્મણ, સાંતા ગરગ્રૂડીસ અને બ્રાંગસ જાતો છે.

ભારતીય લોકજીવનમાં ગાયની હત્યા મહાપાતક ગણાય છે. કારણ કે બીજાં પશુઓના પ્રમાણમાં ગાયની ઉપયોગિતા અત્યંત મહત્વની છે. કૃષિપ્રધાન દેશ ભારતમાં ગાય પાળેલાં પશુઓમાં મહત્વનું સ્થાન ધરાવે છે. ગાયનું દૂધ, ઘી, છાણ તથા મૂત્રને પવિત્ર માનીને હિંદુઓમાં ધાર્મિક વિધિઓ અને પ્રસંગોએ ખાસ ઉપયોગ થાય છે. ગાયનું દૂધ પચવામાં હલકું હોવાથી નાનાં બાળકોને તેમની માતાનું દૂધ મળતું ન હોય ત્યારે સંપૂર્ણ આહાર તરીકે આપવાની ભલામણ ડૉક્ટરો કરે છે. દૂધમાં રહેલાં પોષક તત્વોની સરખામણી સારણી 1માં આપવામાં આવી છે.

સારણી 1 : દૂધનું પૃથક્કરણ (ટકામાં)

પોષક તત્વો ગાય મનુષ્ય ભેંસ બકરી
પાણી 87.2૦ 88.૦૦ 83.૦૦ 87.9૦
પ્રોટીન 3.5૦ 1.3૦ 3.8૦ 2.9૦
કેસીન 2.9૦ ૦.4૦ 3.24 2.47
ચરબી 3.7૦ 3.5૦ 7.4૦ 3.8૦
લૅક્ટોઝ 4.9૦ 7.5૦ 4.9૦ 4.1૦
કૅલ્શિયમ ૦.12 ૦.૦3 ૦.18 ૦.13
ફૉસ્ફરસ ૦.૦9 ૦.૦2 ૦.12 ૦.1૦
શક્તિ-કિ.કૅલરી /

1૦૦ ગ્રામ

 

73.૦૦

 

7૦.૦૦

 

1૦9.૦૦

 

7૦.૦૦

વિટામિન –

એઆઇયુ / લિટર

 

156૦

 

117૦

 

2૦24

 

148૦

થાયામિન

મિલીગ્રામ / લિટર

 

૦.4૦

 

૦.17

 

૦.51

 

૦.68

રાયબોફ્લેવિન

મિગ્રા. / લિટર

 

1.75

 

૦.26

 

1.૦5

 

2.1૦

એસ્કૉર્બિક ઍસિડ

મિગ્રા. / લિટર

 

21.૦૦

 

36.૦૦

 

21.૦૦

 

2૦.૦૦

સારણીમાં આપેલાં પોષક તત્વો ઉપરથી જણાય છે કે ગાય, બકરી અને મનુષ્યના દૂધમાં ઘણું સામ્ય છે; જ્યારે ભેંસના દૂધમાં પ્રોટીન, ચરબી તેમજ શક્તિનું પ્રમાણ વધારે હોય છે. ચરબી નાનાં બાળકોને પચવામાં ભારે હોય છે. ડેરી-ઉદ્યોગ દેશના અર્થતંત્રમાં મહત્વનું સ્થાન ધરાવે છે. વિકસિત દેશોમાં ડેરી-ઉદ્યોગ ગાયોના દૂધઉત્પાદન ઉપર નિર્ભર છે. ડેરી-ઉદ્યોગની પેદાશો પોષણની ર્દષ્ટિએ અમૂલ્ય એવા સંપૂર્ણ આહારરૂપ પ્રાણીજન્ય પ્રોટીન પૂરું પાડે છે. આમ માનવ માટે એ અગત્યનો ખોરાક છે. ગાયનું છાણ તથા મૂત્ર કુદરતી ખાતર તરીકે ખેતીવાડી ક્ષેત્રે મહત્વનો ફાળો આપે છે. ચર્મઉદ્યોગ માટે પણ મૃત ગાયો ઉપયોગી છે. તેનાં હાડકાંના ભૂકાનું ક્ષારમિશ્રણ પશુઆહાર તેમજ મરઘાંઆહારના ઉપયોગમાં લેવાય છે. આમ ગાયો રાષ્ટ્રીય સંપત્તિમાં મોખરાનું સ્થાન ધરાવે છે.

પુખ્ત દેશી ગાયોનું સરેરાશ વજન 35૦થી 45૦ કિગ્રા. હોય છે. દેશી ગાયો સરેરાશ 3.5થી 4.5 વર્ષે એક વાછરડાને જન્મ આપે છે. જન્મ સમયે વાછરડાનું સરેરાશ વજન 2૦થી 25 કિગ્રા. હોય છે. ગર્ભાવસ્થાનો સમયગાળો 27૦થી 28૦ દિવસનો હોય છે. દેશી ગાય સરેરાશ દૈનિક 3.૦થી 1૦.૦ લિટર સુધી દૂધ આપે છે, જ્યારે વિદેશી ઓલાદની ગાયો 1૦થી 25 લિટર દૂધ આપે છે. દેશી ગાયોનું એક વેતરનું સરેરાશ દૂધઉત્પાદન 5૦૦થી 15૦૦ લિટર અને વિદેશી ગાયોનું સરેરાશ દૂધઉત્પાદન 25૦૦થી 45૦૦ લિટર છે. વેતરનો સમય સરેરાશ 3૦૦થી 32૦ દિવસનો હોય છે. સામાન્યત: દર વર્ષે વિયાણ થાય છે. ગાયો સરેરાશ પોષણક્ષમ દૂધઉત્પાદન 5થી 6 વેતર સુધી આપે છે. ગાયનું આયુષ્ય 18થી 2૦ વર્ષ હોય છે. ગાયની જુદી જુદી ઓલાદોમાં દૂધ આપવાની ક્ષમતા જુદી જુદી હોય છે.

આકૃતિ 1

ગાયનો કુદરતી ખોરાક ઘાસચારો છે. તે તેના શરીરના વજનના સરેરાશ 2.5 % જેટલો ઘાસચારો ખાય છે. એક પુખ્ત ગાય 1૦થી 12 કિગ્રા. જેટલો સૂકો ઘાસચારો ખાય છે. ગાયને દૂધઉત્પાદન માટે વધારાનું ખાણદાણ આપવામાં આવે છે. ગાયના નિભાવ માટે એક કિલોગ્રામ દાણ ઉપરાંત દર 2.5 લિટર દૂધઉત્પાદન માટે એક કિગ્રા. વધારાનું દાણ આપવામાં આવે છે. ગાયના ખોરાકમાં લીલો ચારો જેવો કે રજકો, ચોળા, ગુવાર ઉપરાંત ધાન્ય વર્ગના લીલા ચારામાં મકાઈ, બાજરી, ઓટ તેમજ ઘાસચારાના અન્ય પાકો જેવા કે ગજરાજ, ગીની ઘાસ, પેરા ઘાસ પણ ખવડાવવામાં આવે છે. સૂકા ચારામાં ધાન્ય વર્ગના પાકમાંથી મળતાં કડબ, પૂળા, પરાળ અને કઠોળ વર્ગનું ગોતર પણ ખવડાવવામાં આવે છે.

આકૃતિ 2 : દેશી ગાયની અગત્યની ઓલાદો

ગાયોની ઓલાદ : ભારતમાં ગાયોની 26 મહત્વની જાતો છે. આ ઉપરાંત સ્થાનિક જાતોની દેશી ગાયો પણ છે. જે તે પ્રદેશની જરૂરિયાત મુજબની વંશાનુગત પસંદગી પદ્ધતિને કારણે આ બધી જાતનો વિકાસ થયો છે. સર આર્થર ઑલ્વરે ગાયની જાતોનું છ વર્ગમાં વર્ગીકરણ કર્યું છે (સારણી 2).

સારણી 2 : ગાયોનું વર્ગીકરણ

       પ્રથમ વર્ગ

મૈસૂરની લાંબાં શિંગડાંવાળી ગાય

દક્ષિણ ભારતની મુખ્ય જાતોમાં અમૃત-

મહાલ, હાલીકર, કાંગાયમ, ખિલારી,

કૃષ્ણાવેલી, બરગુર અને આલમબાદી છે.

       બીજો વર્ગ

પશ્ચિમ ભારત (રાજસ્થાન,

ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર)

અને સૌરાષ્ટ્રની ગાયો

પશ્ચિમ ભારતમાં લાંબા કાનવાળી

ગીર, દેવની, કાંગી, મેવાતી અને

નિમારી જાત છે.

       ત્રીજો વર્ગ

વાયવ્ય ભારતની જાતો

(પંજાબ, હરિયાણા, ઉત્તરપ્રદેશ,

રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશ)

સફેદ રંગની ઊંચા કાઠાની અને ભારે

વજનની ગાયો છે. મુખ્ય ઓલાદોમાં

કાંકરેજ, માલવી, નાગોરી, થરપારકર,

બચુર, પોનવરજા, ગાવલી, હરિયાણી,

હંસી અંગોલ અને રાથ જાતની ગાયોનો

સમાવેશ કરવામાં આવ્યો છે.

       ચોથો વર્ગ

પંજાબની સફેદ અને

લાલ રંગ મિશ્રિત ગાયો

આ જાત અફઘાન જાતની ગાયમાંથી

પેદા થયેલી છે. દા.ત., શાહીવાલ અને

સિંધી

       પાંચમો વર્ગ

ધની જાતની ગાયો

વાયવ્ય ભારતની એક સ્વતંત્ર જાત છે.
       છઠ્ઠો વર્ગ

ભારતના પહાડી વિસ્તારની ગાયો

દાર્જિલિંગની સીરી, સિંધ અને

બલૂચિસ્તાનની લોહાની અને ઉત્તર-

પ્રદેશના પીલીભીત જિલ્લાની પોનવર

જાતોની ગાય

ગાયનું ઉપયોગિતાની ર્દષ્ટિએ પણ વર્ગીકરણ કરવામાં આવેલું છે, જેમાં ત્રણ વર્ગ મુખ્ય છે (સારણી 3).

સારણી 3 : ગાયોનું વર્ગીકરણ : ઉપયોગ મુજબ

ક્રમ ઉપયોગ ગાયની જાત
1. દુધાળ જાત

(milch breed)

ફક્ત દૂધ મેળવવાના હેતુથી ઉછેરવામાં

આવે છે. દા.ત. સિંધી

2. ઉભય રીતે ઉપયોગી

જાત (dual purpose)

ગાયોનો દૂધઉત્પાદન માટે અને બળદોનો

ખેતીકામમાં ઉપયોગની ર્દષ્ટિએ ઉછેર

કરવામાં આવે છે. દા.ત., ગીર, કાંકરેજી,

હરિયાણી

3. ખેતીકામ માટેની જાત

(draft type)

ફક્ત કામની ઉપયોગિતા એટલે કે ખેતી-

કામોમાં ઉપયોગી. દા.ત., અમૃતમહાલ

અને વિલાર

દેશી ગાયની અગત્યની ઓલાદો

ગીર : સૌરાષ્ટ્રમાં આવેલો ગીર પ્રદેશ આ જાતની ગાયોનું મૂળ રહેઠાણ છે. ગીર પ્રદેશ ઉપરથી આ જાતનું નામ આપવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રમાં આ ગાયો દેસાણ અને સૌરાષ્ટ્ર બહાર કાઠિયાવાડી ગાયોના નામે ઓળખાય છે. આ જાત ખેતી તેમજ દૂધ એમ બંને કામ માટે એટલે કે ઉભય રીતે ઉપયોગી છે. પરદેશોમાં ખાસ કરીને બ્રાઝિલ તેમજ ઑસ્ટ્રેલિયામાં તેની નિકાસ કરવામાં આવી છે.

ગીર ગાયોનો રંગ ગોરો, ધોળો, કાબરો અને કાળો હોય છે. માથું મોટું, આંખો પ્રમાણમાં ઝીણી, ચહેરો મધ્યમ લાંબો અને સાંકડો પણ સપ્રમાણ તથા નસકોરાં પહોળાં અને મોટાં હોય છે. કાન લાંબા, મોઢા ઉપર ઢળકતા, અંદર વળી ગયેલા અને વચમાં પહોળા થતા જોવા મળે છે. શિંગડાં મોટાં, જાડાં ને મોડિયામાંથી નીકળી ઉપરના ભાગમાં જાય છે અને પછી પાછળ જતાં વળેલાં જોવા મળે છે. ખૂંધ ભરાવદાર, પગ ટૂંકી નળીવાળા અને ખરીઓ ઘણી જ મજબૂત હોય છે તેથી ડુંગરાળ પ્રદેશમાં પગ તળવાઈ જતા નથી. ચામડી મુલાયમ અને ઢીલી હોય છે. ગોદડી મોટી લબડતી હોય છે. આઉ અથવા બાવલું મોટું હોય છે. આંચળ પણ મોટા, સરખી જાડાઈવાળા હોય છે. દૂધની નસ મોટી અને આગળના પગના મૂળમાંથી નીકળેલી જણાય છે.

ગાયનું સરેરાશ વજન 34૦થી 41૦ કિગ્રા. તથા ખૂંટ અને બળદનું 5૦૦થી 545 કિગ્રા. તથા ગાયની સરેરાશ લંબાઈ 139.7 સેમી. અને ખૂંટની 152.7 સેમી. હોય છે. જન્મ વખતે નાના વાછરડાનું વજન 25 કિગ્રા. અને વાછરડીનું વજન 21 કિગ્રા. જેટલું હોય છે. પ્રથમ વિયાણ સરેરાશ 4.5 વર્ષની ઉંમરે હોય છે. સરેરાશ વેતરનું દૂધઉત્પાદન 125૦થી 135૦ લિટર હોય છે. દૂઝણા દિવસો 28૦થી 3૦૦ અને વસૂકેલા દિવસો 9૦થી 12૦ હોય છે. ચરબીનું પ્રમાણ 4.5થી 5.5 % હોય છે.

કાંકરેજ : આ ઓલાદની ગાયો વઢિયાર, વાગડ વગેરે નામથી પણ ઓળખાય છે. ઉત્પત્તિસ્થાન ઉત્તર ગુજરાત, કચ્છ અને સિંધ મનાય છે. ખાસ કરીને ડીસા, રાધનપુર, પાલનપુર, બનાસકાંઠા અને કચ્છના બન્ની પ્રદેશના વિસ્તારમાં આ ઓલાદ સારા પ્રમાણમાં જોવા મળે છે.

આ જાતને શુદ્ધ સ્વરૂપમાં સાચવી રાખવામાં અને વિકસાવવામાં માલધારી ભાઈઓનો ઘણો મોટો ફાળો છે.

કાંકરેજી ગાય ભારતની અન્ય ઓલાદોની સરખામણીમાં સૌથી મોટા કદની છે. ગાયોનો રંગ સફેદ દૂધ જેવો અથવા રૂપાના જેવો એટલે સફેદ સાથે કાળાશ પડતો રાખોડિયો હોય છે. સાંઢ રાખોડી અને સફેદ રંગના હોય છે, પરંતુ મોટી ઉંમરના સાંઢ મોટે ભાગે શરીરે કાળા રંગના થઈ જાય છે. માથું વિશિષ્ટ પ્રકારનું હોય છે. આ ઓલાદનું કપાળ રકાબી આકારનું હોય છે. ચહેરો ટૂંકો, કપાળ પહોળું અને વચમાં ખાડો હોય છે. આંખો ચળકતી, કાન લાંબા, અણીદાર અને નીચે ઝૂકતા તથા ચંચળ હોય છે. શિંગડાં મધ્યમ જાડાં, અર્ધચંદ્રાકાર વળેલાં અને લાંબા કુંડલાકાર હોય છે. ડોકની નીચે સાધારણ કદની ગોદડી હોય છે. ખૂંધ વિકાસ પામેલી હોય છે. પગ મજબૂત અને લાંબા હોય છે. આ ઓલાદ તેની ચાલ માટે પ્રખ્યાત છે, જેને સવાઈ ચાલ કહેવામાં આવે છે. આ ઓલાદનાં ઢોર ચપળ, સ્વભાવે તીખાં અને ભડકણ હોય છે. આખલા વધારે જુસ્સાદાર અને તોફાની હોય છે. આ એક આદર્શ ઉભય રીતે ઉપયોગી ઓલાદ છે. આ ઓલાદની ખામી એક જ છે કે તેની ખરીઓ પોચી હોવાથી પહાડી પ્રદેશમાં આ બળદ તળવાઈ જાય છે.

ગાયનું સરેરાશ વજન 41૦થી 5૦૦ કિગ્રા. અને સાંઢનું વજન 54૦થી 73૦ કિગ્રા. જેટલું હોય છે. જન્મ વખતે વાછરડાનું વજન 23 કિગ્રા. અને વાછરડીનું વજન 21 કિગ્રા. હોય છે. ગાયની લંબાઈ 14૦ સેમી. અને સાંઢની લંબાઈ 16૦ સેમી. હોય છે. ગાયની ઊંચાઈ 13૦ સેમી. અને સાંઢની ઊંચાઈ 15૦ સેમી. જેટલી હોય છે. પ્રથમ વિયાણની ઉંમર 3થી 4 વર્ષની હોય છે. એક વેતરનું સરેરાશ દૂધઉત્પાદન 12૦૦થી 13૦૦ લિટર જેટલું હોય છે. દૂધમાં ચરબીનું પ્રમાણ 4થી 5 % હોય છે. દૂઝણા દિવસો 25૦થી 3૦૦ અને વસૂકેલા દિવસો 15૦થી 2૦૦ હોય છે.

ખિલારી : આ ઓલાદ હાલીકર અને અમૃતમહાલ નામની ઓલાદોમાંથી પેદા થઈ છે. આ ઓલાદમાં મુખ્યત્વે ચાર પેટા જાતો જોવામાં આવે છે : (1) આતરપાડી મહાલ અથવા હનામ, (2) મહાસ્વાદ, (3) તાપ્તી ખિલારી અથવા થિલારી અને (4) નકલી ખિલારી.

ખિલારી જાનવરો ખડતલ, મજબૂત બાંધાનાં અને શરીર સાથે ચુસ્ત રીતે જોડાયેલી ચામડીવાળાં હોય છે. કપાળ લાંબું, સાંકડું અને શિંગડાં તરફ સાધારણ બહિર્ગોળ હોય છે. કપાળની વચ્ચે હળના ચાસ જેવો ખાડો હોય છે. ચહેરો પાતળો, લાંબો અને ચામડી સુંવાળી પણ તંગ હોય છે. બીજી ઓલાદોની સરખામણીમાં આંખો નાની, સ્પષ્ટ તરી આવતી, સહેજ ઊપસેલી તેમજ કાન નાના, અણીવાળા અને હંમેશાં બાજુએ રાખેલા પરંતુ સીધા તથા શિંગડાં લાંબાં અને અણીવાળાં હોય છે.

આ ઓલાદની ગાયોની ગરદન ટૂંકી, ગોદડી નાની, ખૂંધ સખત અને ભારે, પેટ નળાકાર, આઉ નાનું અને પેટ સાથે ચોંટેલું, આંચળ નાના પણ સરખા ગોઠવાયેલા અને દુગ્ધશિરાઓ ઘણી નાની હોય છે.

ખિલારી એ ખેતીકામ માટેની જાત છે. આ ઓલાદની ગાયોનું સરેરાશ વજન 32૦થી 36૦ કિગ્રા. અને સાંઢનું વજન 5૦૦થી 55૦ કિગ્રા. જેટલું હોય છે. જન્મ વખતે વાછરડાનું વજન 18થી 2૦ કિગ્રા. અને વાછરડીનું વજન 17થી 19 કિગ્રા. જેટલું હોય છે. ગાયની લંબાઈ 11૦ સેમી. અને સાંઢની લંબાઈ 135 સેમી. હોય છે. ગાયની ઊંચાઈ 125 સેમી. અને સાંઢની ઊંચાઈ 14૦ સેમી. જેટલી હોય છે. પ્રથમ વિયાણ 3.25થી 3.5૦ વર્ષની ઉંમરે હોય છે. બે વિયાણ વચ્ચે 12થી 15 માસનું અંતર હોય છે. વેતરનું સરેરાશ દૂધઉત્પાદન 4૦૦ લિટર જેટલું હોય છે.

થરપારકર : પાકિસ્તાનમાં આવેલા સિંધના થરપારકર જિલ્લા ઉપરથી આ ઓલાદનું નામ આપવામાં આવ્યું છે. આ જાત થરી અથવા કચ્છી તરીકે પણ ઓળખાય છે.

આ ઓલાદનાં ઢોર સફેદ અથવા ભૂરાં હોય છે. બળદ તેમજ સાંઢના પગ અને ખૂંધનો રંગ વધારે ઘેરો હોય છે. પીઠની બાજુમાં ઝાંખા ભૂરા રંગની પટ્ટી હોય છે. ચામડી કોમળ અને મુલાયમ તેમજ માથું મધ્યમ કદનું હોય છે. કપાળ પહોળું અને સપાટ, ચહેરો પાતળો અને મઝલની પાસે રકાબી જેવો તથા નસકોરાં પહોળાં હોય છે. આંખો ભરાવદાર અને તેજસ્વી હોય છે. શિંગડાં એકબીજાંથી દૂર ધીમે ધીમે ઊંચે આવી બહારની બાજુ વળેલાં અને ટોચે અંદરની બાજુ વળેલાં પરંતુ બુઠ્ઠાં હોય છે. ગોદડી મધ્યમ કદની અને ઢીલી હોય છે. આઉ મોટું અને બધી બાજુથી સારો વિકાસ પામેલું હોય છે અને આંચળ 8થી 1૦ સેમી. લાંબા અને સરખા અંતરે ગોઠવાયેલા હોય છે. પગ સરખામણીમાં ટૂંકા પણ શરીરના પ્રમાણમાં માપસર હોય છે.

થરપારકર એ ઉભય રીતે ઉપયોગી ઓલાદ છે. ગાયોનું સરેરાશ વજન 36૦થી 4૦૦ કિગ્રા. અને સાંઢનું વજન 45૦થી 55૦ કિગ્રા. હોય છે. ગાયની લંબાઈ 135 સેમી. અને સાંઢની લંબાઈ 14૦ સેમી. જેટલી હોય છે. ગાયની ઊંચાઈ 125 સેમી. અને સાંઢની ઊંચાઈ 135 સેમી. જેટલી હોય છે. જન્મ વખતે વાછરડાનું વજન 25 કિગ્રા. અને વાછરડીનું વજન 24 કિગ્રા. જેટલું હોય છે.

પ્રથમ વિયાણ 47થી 5૦ મહિનાની ઉંમરે હોય છે અને બે વિયાણ વચ્ચેનું અંતર 17થી 18 મહિના હોય છે. સરેરાશ વેતરનું દૂધઉત્પાદન 16૦૦થી 17૦૦ લિટર અને દૂઝણા દિવસો 3૦૦થી 311 તેમજ વસૂકેલા દિવસો 23૦થી 25૦ જેટલા હોય છે. દૂધમાં ચરબીનું પ્રમાણ 4.2 % જેટલું હોય છે.

હરિયાણી : ઉત્તર ભારતની આ એક ઘણી જ મહત્વની ઓલાદ છે. એવું માનવામાં આવે છે કે ઋગ્વેદ સમયના આર્યો ભારતમાં આવ્યા ત્યારે પોતાની સાથે આ જાતને લાવ્યા હતા. હરિયાણા નામના પ્રદેશ ઉપરથી આ ઓલાદનું નામ આપવામાં આવ્યું છે.

આ ઓલાદનાં ઢોર રંગે સફેદ અથવા ઝાંખા ભૂરાં હોય છે. કેટલાક સાંઢમાં માથું, ગરદન, ખૂંધ અને પગ ઘેરા ભૂરા રંગનાં હોય છે. ખસી કર્યા પછી બળદોનો રંગ સફેદ હોય છે. આ ઓલાદનાં ઢોર તેમનું માથું ઊંચું રાખે છે. તે ઘણો જ સારો નમણો દેખાવ આપે છે. ચહેરો લાંબો અને પાતળો હોય છે. કપાળ સપાટ અથવા સહેજ ઊપસેલું અને નિંબોરી સ્પષ્ટ તરી આવે છે, મઝલ કાળું અને નસકોરાં પહોળાં હોય છે. આંખો મોટી અને તેજસ્વી હોય છે. કાન નાના અને સહેજ લબડતા હોય છે. શિંગડાં નાનાં 1૦થી 23 સેમી. લાંબાં અને ગાયનાં શિંગડાં પાતળાં હોય છે. ગોદડી નાની અને કરચલી વિનાની અને પગ મધ્યમ લાંબા, પાતળા અને મજબૂત હોય છે. પીઠ લાંબી, પહોળી અને ખાસ કરીને ગાયોની બાબતમાં વળાંકવાળી હોય છે. આઉ સુવિકસિત, આગળની બાજુએ વધુ લંબાયેલું અને દુગ્ધશિરા સારી વિકસેલી હોય છે. આંચળ મધ્યમ લાંબા પરંતુ આગલા આંચળ પાછલા આંચળ કરતાં લાંબા હોય છે. ચામડી પાતળી, શરીરને ચોંટેલી અને કાળી હોય છે.

આ ઓલાદની ગાયોનું વજન 27૦થી 36૦ કિગ્રા. અને સાંઢનું વજન 36૦થી 5૦૦ કિગ્રા. હોય છે. ગાયની સરેરાશ લંબાઈ 135 સેમી. અને સાંઢની લંબાઈ 15૦ સેમી. તથા ગાયની ઊંચાઈ 13૦થી 135 સેમી. અને સાંઢની ઊંચાઈ 14૦ સેમી. જેટલી હોય છે. વેતરનું સરેરાશ દૂધઉત્પાદન 9૦૦થી 135૦ લિટર અને દૂઝણા દિવસો 3૦૦ તેમજ વસૂકેલા દિવસો 125 હોય છે. ઉત્તર ભારતની આ ઉભય રીતે ઉપયોગી એક મુખ્ય ઓલાદ છે. આ ઓલાદનાં ઢોર ખડતલ છે અને દરેક આબોહવામાં જીવી શકે છે.

નેલોર અથવા ઓંગોલ : ગુન્તુર અને નેલોર જિલ્લામાં આ ઓલાદનો ઉછેર થાય છે. આ બંને નામ ઉપરથી આ ઓલાદનું નામ ઓંગોલ અથવા નેલોર આપવામાં આવ્યું છે.

આ ઓલાદનાં ઢોર મોટા કદનાં અને રંગે સફેદ હોય છે. શિંગડાં ટૂંકાં, જાડાં અને બુઠ્ઠાં તથા બહારની બાજુ ઊગી અંદરની તરફ વળેલાં હોય છે. કપાળ સહેજ ઊપસેલું અને બે આંખો વચ્ચે પહોળું અને ચહેરો લાંબો હોય છે. મઝલ વિકસિત, કાળા રંગનું, આંખો સાધારણ મોટી, ચળકતી અને આંખની આજુબાજુ કાળા રંગની કડી જોવા મળે છે. કાન સાધારણ નમતા અને લાંબા હોય છે. ગોદડી ડૂંટી સુધી લંબાયેલી હોય છે. શરીર લાંબું, ભરાવદાર અને આવલું પ્રમાણમાં મોટું, પહોળું અને બધી બાજુ વિકાસ પામેલું હોય છે તથા દુગ્ધનસ મોટી, ફાંટાવાળી અને આંચળ સાધારણ કદના અને સરખા અંતરે ગોઠવાયેલા હોય છે.

આકૃતિ 3, 4 : દેશી ગાયની કેટલીક ઓલાદો

ગાયની સરેરાશ લંબાઈ 14૦ સેમી. અને સાંઢની 17૦ સેમી. તથા ગાયની ઊંચાઈ 137 સેમી. અને સાંઢની 15૦ સેમી. હોય છે. ગાયનું વજન 43૦થી 45૦ કિગ્રા. અને સાંઢનું 54૦થી 68૦ કિગ્રા. હોય છે. પ્રથમ વિયાણ 3.5થી 4.5 વર્ષની ઉંમરે અને બે વિયાણ વચ્ચેનું અંતર 16 માસનું હોય છે. વેતરનું સરેરાશ દૂધઉત્પાદન 117૦ લિટર હોય છે. આ ઉભય રીતે ઉપયોગી ઓલાદ છે. દૂધ અને કામ બંને સારાં આપે છે.

શાહીવાલ : આ જાતનાં બીજાં નામો મૉન્ટગોમરી, લમ્બીબાર અને લોલા છે. આ ઓલાદનાં ઢોરને ગીર વર્ગનાં ઢોરના વર્ગમાં મૂકવામાં આવે છે. આ ઓલાદનું ઉત્પત્તિસ્થાન મૉન્ટગોમરી જિલ્લો છે. આ ઓલાદનાં ઢોર પંજાબના બધા જ પ્રદેશમાં જોવા મળે છે. શાહીવાલ ગાયો ઉત્તમ દુધાળ ઓલાદ છે.

આ ઓલાદની ગાયો રતાશ પડતી હોય છે. લાલ રંગ સાથે ઘણી વાર સફેદ રંગનાં ધાબાં હોય છે. કપાળ માદામાં મધ્યમ; પરંતુ નરમાં ભરાવદાર અને મોટું હોય છે. શિંગડાં ટૂંકાં જાડાં અને 8 સેમી. જેટલાં લાંબાં હોય છે. આંખો તેજસ્વી અને સામાન્ય, કાન મધ્યમ કદના તથા ગોદડી મોટી ને ભરાવદાર હોય છે. ગાયનું સરેરાશ વજન 41૦ કિગ્રા. અને સાંઢનું 45૦થી 54૦ કિગ્રા. હોય છે. ગાયની સરેરાશ ઊંચાઈ 12૦ સેમી. અને સાંઢની 135 સેમી. તથા ગાયની લંબાઈ 135 સેમી. અને સાંઢની 16૦ સેમી. જેટલી હોય છે. પ્રથમ વિયાણ 2.5થી 3 વર્ષની ઉંમરે અને બે વિયાણ વચ્ચેનું અંતર 15 માસનું હોય છે. વેતરનું દૂધઉત્પાદન સામાન્ય પરિસ્થિતિમાં સરેરાશ 13૦૦ લિટર અને ફાર્મ ઉપર 23૦૦થી 3૦૦૦ લિટર હોય છે. દૂઝણા દિવસો 3૦૦ અને વસૂકેલા દિવસો 14૦ જેટલા હોય છે.

નિમારી : આ ઓલાદ સોનખરી નામથી પણ ઓળખાય છે. જન્મસ્થાન મધ્યપ્રદેશ અને મધ્યભારત છે. આ ઓલાદ રંગે લાલ હોય છે તેમજ સફેદ ટપકાં જોવામાં આવે છે. મઝલ રતૂમડું અને શિંગડાં પણ ઘણી વખત રતૂમડાં હોય છે. ગોદડી અને મૂત્રાશય મધ્યમ લબડેલાં હોય છે. કાન મધ્યમ કદના હોય છે. ગાયનું સરેરાશ વજન 32૦થી 36૦ કિગ્રા. અને સાંઢનું 41૦થી 45૦ કિગ્રા., ગાયની ઊંચાઈ 13૦ સેમી. અને સાંઢની 155 સેમી. તથા ગાયની લંબાઈ 12૦ સેમી. અને સાંઢની 145 સેમી. જેટલી હોય છે. એક વેતરનું સરેરાશ દૂધઉત્પાદન 5૦૦ લિટર જેટલું હોય છે. સરેરાશ દૂઝણા દિવસો 2૦૦ અને વસૂકેલા દિવસો 18૦ હોય છે. પ્રથમ વિયાણ 3.5થી 4.5 વર્ષની ઉંમરે અને બે વેતર વચ્ચે 18 માસનો ગાળો હોય છે.

ગવલી : આ ઓલાદનું મૂળ વતન વર્ધા, નાગપુર અને છિંદવાડા જિલ્લા છે. આ ઓલાદ મધ્યમ કદની તથા સાધારણ રીતે હલકા બાંધાની હોય છે અને તેનું શરીર લાંબું અને સાંકડું હોય છે. નરના શરીરનો રંગ સફેદથી રાખોડી અને માદાનો સફેદ હોય છે. નરનાં ખૂંધ, ગરદન અને પગ મુંજડાં એટલે રાખોડી રંગનાં હોય છે. ચહેરો સાંકડો, લાંબો અને મઝલ તરફથી ઊપસી આવેલો હોય છે. કપાળ સપાટ અને બહારની બાજુએ તરતું તથા શિંગડાં ટૂંકાં અને બુઠ્ઠાં હોય છે. આંખ બદામ આકારની, કાન મધ્યમ કદના ઊભા, ગોદડી સુવિકસિત, પગ મજબૂત અને સીધા અને ખરી મધ્યમ કદની મજબૂત અને ડુંગરાળ પ્રદેશ માટે અનુકૂળ હોય છે. ગાયનું સરેરાશ વજન 34૦ કિગ્રા. અને સાંઢનું 43૦ કિગ્રા. તથા ગાયની લંબાઈ 1૦5 સેમી. અને સાંઢની 12૦ સેમી. તથા ગાયની ઊંચાઈ 125 સેમી. અને સાંઢની 145 સેમી. હોય છે. સરેરાશ વેતરનું દૂધઉત્પાદન 8૦૦ લિટર અને દૂઝણા દિવસો 25૦ હોય છે. પ્રથમ વિયાણ 3.5થી 4 વર્ષની ઉંમરે અને બે વિયાણ વચ્ચેનો સમય 15 માસ હોય છે.

સિંધી : સિંધ પ્રદેશ આ ઓલાદનું મૂળ જન્મસ્થાન છે. હાલમાં આ ઓલાદ ભારતના બધા ભાગમાં જોવામાં આવે છે. ગાયો રાતી અથવા પીળાશ પડતી રાતી; કદ નાનું; સ્વભાવે શાંત; શિંગડાં મૂળમાંથી જાડાં, કદમાં નાનાં અને બુઠ્ઠાં; ચામડી અને વાળ ચળકતાં; કપાળ સપાટ, કાન મધ્યમ કદના અને આવલું સુવિકસિત પરંતુ લબડતું હોય છે.

ગાયનું સરેરાશ વજન 36૦થી 41૦ કિગ્રા. અને સાંઢનું 45૦થી 5૦૦ કિગ્રા. તથા ગાયની ઊંચાઈ 115થી 12૦ સેમી. અને સાંઢની 135થી 137 સેમી. તથા ગાયની લંબાઈ 13૦થી 14૦ સેમી. અને સાંઢની 142થી 147 સેમી. હોય છે. જન્મ વખતે વાછરડાનું વજન 18થી 2૦ કિગ્રા. અને વાછરડીનું 19થી 22 કિગ્રા. હોય છે. પ્રથમ વિયાણ 3થી 3.5 વર્ષની ઉંમરે. સરેરાશ વેતરનું દૂધઉત્પાદન 125૦થી 18૦૦ લિટર. દૂઝણા દિવસો 25૦થી 3૦૦. વસૂકેલા દિવસો 13૦ અને બે વિયાણ વચ્ચેનો સમય 13થી 15 માસનો હોય છે.

ડાંગી : આ ઓલાદનું નામ ગુજરાતમાં આવેલા ડાંગ પ્રદેશ ઉપરથી ડાંગી, કોંકણ પ્રદેશમાં કોંકણી અને પશ્ચિમઘાટના પહાડોમાં ઘાટી પણ કહેવાય છે.

આ ઓલાદનાં ઢોર સ્વભાવે નમ્ર, સહેજ આળસુ પરંતુ દેખાવે ઘણાં શક્તિશાળી હોય છે. ચામડી જાડી, મુલાયમ અને ચળકતા વાળવાળી હોય છે અને ચામડીમાંથી તૈલી પદાર્થ ઝરે છે, જે તેની કુદરતી બક્ષિસ છે; એથી વરસાદનું પાણી શરીર પર ટકતું ન હોઈ ડાંગી બળદો ચાલુ વરસાદમાં પણ ખેતરોમાં કામ કરી શકે છે. કપાળ મોટું અને નિંબોરી સ્પષ્ટ તરી આવે છે. કાન ટૂંકા, પહોળા અને અંદરથી કાળા હોય છે. શિંગડાં ટૂંકાં, જાડાં અને બુઠ્ઠાં; ગોદડી જાડી, કરચલીવાળી અને લબડતી; પગ બરાબર ગોઠવાયેલા, સીધા તથા મધ્યમ લાંબા હોય છે. આ ઉભય રીતે ઉપયોગી ઓલાદ કહેવાય છે. પ્રથમ વિયાણ 4થી 5 વર્ષની ઉંમરે. વેતરનું સરેરાશ દૂધઉત્પાદન 5૦૦થી 6૦૦ લિટર, દૂધમાં ચરબીનું પ્રમાણ 4.3 ટકા, બે વિયાણ વચ્ચેનો સમય 18થી 2૦ માસનો હોય છે.

કાંગાયામ : આ ઓલાદનું મૂળ સ્થાન તમિળનાડુ રાજ્યના કોઈમ્બતૂર જિલ્લાનો દક્ષિણ અને અગ્નિ પ્રદેશ છે.

આ જાતનાં ઢોર મજબૂત, ચપળ, બાંધી દડીનાં સાધારણ કદનાં, શક્તિશાળી હોય છે અને તેમનો રંગ રાખોડી જેવો સફેદ હોય છે. પગ ટૂંકા, સશક્ત અને ખરીઓ મજબૂત; શિંગડાં પહોળાં, સીધાં, પાછળ સહેજ વળાંકવાળાં; માથું મધ્યમ કદનું; કપાળ સહેજ ઊપસેલું; કાન ટૂંકા, સીધા અને અણીદાર; આંખો ખાસ તરી આવતી અને કાળી હોય છે. સામાન્યત: દૂધ ઓછું હોય છે. પ્રથમ વિયાણ 3.5 વર્ષની ઉંમરે. જન્મ વખતે વાછરડાનું વજન 21 કિગ્રા. અને વાછરડીનું 19 કિગ્રા. હોય છે. સરેરાશ વેતરનું દૂધઉત્પાદન 1૦૦૦થી 12૦૦ લિટર, દૂઝણા દિવસો 25૦ અને બે વેતર વચ્ચેનું અંતર 15 માસ હોય છે.

કેનવારિયા અથવા કેનકથા : આ ઓલાદનું ઉત્પત્તિસ્થાન વિંધ્ય ટેકરીઓનો પ્રદેશ અને જમના નદીનો અગ્નિભાગ તથા બુંદેલખંડનો કેન નદીના કાંઠાનો પ્રદેશ છે. કેનવારિયા ઢોર નાનાં, મજબૂત તથા શક્તિશાળી હોય છે. પેટ ઉપર ભૂરો અને બાકીના શરીર ઉપર કાળો- ભૂરો રંગ હોય છે. માથું ટૂંકું અને પહોળું; કપાળ રકાબી આકારનું; શિંગડાં મૂળમાંથી બહારના ખૂણામાંથી આગળ પડતાં નીકળે છે અને છેડે અણીદાર હોય છે. કાન છેવાડે તીક્ષ્ણ અણીદાર, પગ ટૂંકા, મજબૂત અને ખરી કઠણ હોય છે. ખૂંધ સુવિકસિત, ગોદડી સાધારણ ભારે, પૂંછડી મધ્યમ લંબાઈની તથા કાળા ગુચ્છાવાળી હોય છે.

ખેરીગઢ : આ ઓલાદનું ઉત્પત્તિસ્થાન ખેરી જિલ્લાની ઉત્તરે મોહન નદી છે, જે આ જિલ્લાને નેપાળથી જુદો પાડે છે. ગાયોનો રંગ સફેદ અથવા ભૂરો, ચહેરો નાનો, સાંકડો, શિંગડાં પાતળાં અને ઊભાં હોય છે. કાન નાના, આંખો તેજસ્વી, ગોદડી પાતળી લબડતી, પેટ પહોળું અને ઊંડું, પગ હલકા અને પૂંછડી લાંબી તથા છેડે ગુચ્છ હોય છે. પ્રથમ વિયાણ 5 વર્ષની ઉંમરે થાય છે. ગાયો દૂધ ઘણું ઓછું આપતી હોઈ તેના ઉપર બહુ ધ્યાન આપવામાં આવ્યું નથી.

માલવી : આ જાતનું ઉત્પત્તિસ્થાન મધ્યપ્રદેશમાં માલવા અને વિંધ્યપર્વતનો ડુંગરાળ પ્રદેશ છે. આ ઢોરનું કદ મધ્યમ તથા મજબૂત અને ભરાવદાર બાંધો તેમજ પગ મજબૂત અને ટૂંકા હોય છે. ગોદડી સુવિકસિત; માથું ટૂંકું, પહોળું; કપાળ રકાબી જેવું; આંખની ભમર અને પાંપણના વાળ કાળા રંગના; મઝલ પહોળું, કાળા રંગનું; શિંગડાં મજબૂત અને અણીદાર કુંડલાકાર; પૂંછડી સાધારણ લંબાઈની કાળા ગુચ્છાવાળી હોય છે. ગાયનો રંગ ભૂરો અને સાંઢનો રંગ વધારે કાળાશ પડતો લોખંડ જેવો હોય છે. ગામડાંમાં સરેરાશ દૂધઉત્પાદન ઘણું ઓછું પરંતુ ફાર્મ ઉપર 1૦૦૦ લિટર હોય છે. પ્રથમ વિયાણ 3.25 વર્ષની ઉંમરે, વસૂકેલા દિવસો 175 અને બે વેતર વચ્ચેનો ગાળો 16થી 18 માસનો હોય છે. ગાયનું વજન 27૦થી 34૦ કિગ્રા. અને સાંઢનું વજન 32૦થી 41૦ કિગ્રા. હોય છે.

બચુર : બિહાર રાજ્યના સીતામઢી જિલ્લામાં આ જાત જોવામાં આવે છે. આ જાતનાં ઢોર ચુસ્ત બાંધાનાં હોય છે. રંગ રાખોડી અથવા રાખોડી-ભૂરો; પેટ ગોળ અને પીઠ સીધી; ગરદન ટૂંકી; ખભા ભરાવદાર; કપાળ પહોળું અને સપાટ, સહેજ ખાડાવાળું; આંખો મોટી અને ભરાવદાર; શિંગડાં સાધારણ કદનાં, બુઠ્ઠાં; કાન મધ્યમ કદના લબડતા; ખૂંધ મધ્યમ કદની, ચુસ્ત અને મજબૂત; ગોદડી હલકી અને મધ્યમ કદની; પગ મજબૂત તેમજ પૂંછડી ટૂંકી અને જાડી હોય છે. દૂધઉત્પાદન ઘણું ઓછું હોય છે.

કૃષ્ણાવેલી : ઉત્પત્તિસ્થાન સહ્યાદ્રિ ડુંગરની હારમાળાનો પ્રદેશ છે. મહારાષ્ટ્ર, મૈસૂર અને આંધ્રપ્રદેશમાં પણ આ ઓલાદ જોવા મળે છે. આ જાતનાં ઢોર મોટા કદનાં, ભરાવદાર કાઠાનાં અને ભારે વજનદાર હોય છે. રંગ રાખોડી તથા ભૂરો અને સાંઢના પગ વધુ કાળા હોય છે. છાતી ઊંડી, પહોળી; ગરદન ટૂંકી, જાડી; કપાળ ઊપસેલું; શિંગડાં નાનાં તથા વળેલાં; ગોદડી લબડતી સુવિકસિત તથા કાન ટૂંકા, અણીદાર અને બહુ લટકતા હોતા નથી.

પ્રથમ વિયાણ 4 વર્ષની ઉંમરે. વેતરનું સરેરાશ દૂધઉત્પાદન 95૦ લિટર, દૂઝણા દિવસો 271 અને વસૂકેલા દિવસો 193 હોય છે.

મેવાતી : આ ઓલાદનું ઉત્પત્તિસ્થાન મેવાતનો પ્રદેશ દિલ્હીની દક્ષિણે છે. મેવાતી ઢોર મજબૂત, શક્તિશાળી, શાંત સ્વભાવનાં અને રંગે સફેદ હોય છે તેમજ ગરદન, ખભા અને પગ ઉપર કાળા રંગની છાયા હોય છે. ચહેરો લાંબો, સાંકડો; કપાળ સહેજ ઊપસેલું; આંખો મોટી; મઝલ પહોળું, કાળા રંગનું; કાન ટૂંકા અને લબડતા; ગોદડી કઠણ અને લબડતી; પગ ગોળાકાર, સુંદર તથા ખરીઓ મોટી, મજબૂત અને આઉ સુવિકસિત હોય છે. પ્રથમ વિયાણ 4 વર્ષની ઉંમરે. વેતરનું સરેરાશ દૂધઉત્પાદન 12૦૦ લિટર હોય છે.

નાગોરી : રાજસ્થાનનો નાગોર પ્રદેશ ઉત્પત્તિસ્થાન છે. આ જાતનાં ઢોર સુંદર, મોટા કદનાં, ચપળ, રુઆબદાર, સારા સ્વભાવનાં હોય છે અને રંગ સફેદ, ભૂરો; ચહેરો લાંબો, સાંકડો તથા કપાળ સપાટ, નાનું હોય છે. આંખો નાની, કાન મોટા લબડતા, શિંગડાં સાધારણ કદનાં, મૂળના બહારના ખૂણામાંથી નીકળી બહાર નમતાં હોય છે. ગોદડી નાની, દેખાવડી, ખૂંધ સુવિકસિત, પગ મજબૂત ભરાવદાર, સીધા; ખરીઓ ચુસ્ત, મજબૂત, નાની; ચામડી સુંદર, સહેજ ઢીલી; આઉ સુવિકસિત અને આંચળ મોટા હોય છે. પ્રથમ વિયાણની ઉંમર 3.5થી 4 વર્ષની. જન્મ વખતે વાછરડીનું વજન 1૦ કિગ્રા. અને વાછરડાનું 18 કિગ્રા. હોય છે. સરેરાશ વેતરનું દૂધઉત્પાદન 8૦૦થી 9૦૦ લિટર, દૂઝણા દિવસો 225 અને બે વેતર વચ્ચેનું અંતર 46૦ દિવસ હોય છે.

રાથ : રાજસ્થાનના અલવરની ઉત્તર અને પશ્ચિમનો પ્રદેશ આ ઓલાદનું પ્રાપ્તિસ્થાન છે. આ જાતનાં ઢોર મધ્યમ કદનાં અને મજબૂત હોય છે તથા છાતી ઊંડી અને પાંસળીઓ સારી ફેલાયેલી હોય છે. રંગ સફેદ અથવા ભૂરો; ચહેરો સીધો, સાંકડો, મધ્યમ કદનો; કપાળ સફેદ; મઝલ પહોળું અને કાળું; આંખો પહોળી તથા ઉઘાડી અને પાંપણો કાળી; શિંગડાં નાનાં, અંદરની બાજુ અણીએથી વળાંકવાળાં; કાન ટૂંકા અને લબડતા; ગોદડી હલકી અને ખૂંધ સામાન્ય કદની; ગરદન સામાન્ય લાંબી; પૂંછડી ટૂંકી, ગુચ્છો કાળો અને પગ વિકાસ પામેલા હોય છે. ગાય દૈનિક સરેરાશ 6 લિટર દૂધ આપે છે.

દેવની : જૂના હૈદરાબાદ રાજ્યનો વાયવ્ય પ્રદેશ આ જાતનું ઉત્પત્તિસ્થાન છે.

દેવની ઢોર મધ્યમ કદનાં અને ગીર જાતને ઘણાં જ મળતાં આવે છે. રંગ સફેદ, કાળાં ધાબાંવાળો તથા ચહેરો કાળો અને સફેદ ધાબાંવાળો હોય છે. કપાળ ઊપસેલું, કાન લાંબા, મોઢા ઉપર ઢળકતા; શિંગડાં મોટાં, જાડાં ને મોડિયામાંથી નીકળી ઉપર જઈ પાછળ જતાં વળેલાં; ચામડી ઢીલી, સાધારણ જાડી; ગોદડી ભારે, મુતરણું લબડતું; આઉ સુવિકસિત; પગ ભારે, મજબૂત અને શક્તિશાળી; ખરીઓ સુડોળ અને કાળા રંગની હોય છે. પ્રથમ વિયાણ 4 વર્ષની ઉંમરે, વેતરનું સરેરાશ દૂધઉત્પાદન 11૦૦ કિગ્રા.. જન્મ વખતે વાછરડીનું વજન 18 કિગ્રા. અને વાછરડાનું 2૦ કિગ્રા. હોય છે. બે વેતર વચ્ચેનું અંતર 447 દિવસ હોય છે.

અમૃતમહાલ : કર્ણાટક રાજ્યનો ધારવાડ જિલ્લો આ જાતનું ઉત્પત્તિસ્થાન છે. ગાયોનો રંગ સફેદ અને સફેદ ભૂરો તથા મઝલ, પગ અને પૂંછડીનો ગુચ્છો કાળો હોય છે. માથું સુડોળ અને લાંબું, મઝલ તરફ સાંકડું થતું હોય છે. કપાળ સહેજ ઊપસેલું, વચમાં સાંકડું, ખાડાવાળું; શિંગડાં મોટાં, ભાલા જેવાં અણીદાર તથા શિંગડાંની અણીઓ કાળી અને ભેગી થયેલી હોય છે. આંખો રાતી; કાન ટૂંકા, છેડે અણીદાર, અંદરથી પીળા; ગોદડી પાતળી, નાની; ગરદન મજબૂત, સાધારણ લાંબી; પીઠ સીધી; પગ લાંબા માપસર; ખરીઓ સખત, નાની અને ચામડી પાતળી, સુંવાળી, મેંશ જેવી કાળી અને વાળ ટૂંકા સુંવાળા હોય છે. સ્વભાવે જંગલી, ભડકણ અને મારકણી, અજાણ્યા માટે ભયકારક હોય છે. દૂધઉત્પાદન ઘણું ઓછું હોય છે.

હાલીકર : કર્ણાટક રાજ્યના ટુમકર, હસન અને મૈસૂર જિલ્લામાં આ ઢોરનો ઉછેર કરવામાં આવે છે. આ જાતનો રંગ ભૂરો કે ઘેરો ભૂરો હોય છે. શિંગડાં બંને બાજુ નીકળે છે. અણીઓ ધારદાર અને કાળી હોય છે અને ઢોર નીચું માથું રાખી ખાય ત્યારે શિંગડાં ખૂંધ પાસે ગરદનને અડી જાય છે. કપાળ ભરાવદાર, સહેજ ઊપસેલું અને વચમાં ચાસ હોય છે. ચહેરો લાંબો, મઝલ તરફ ઢળતો; ગરદન લાંબી, પાતળી; મઝલ કાળું; આંખો નાની; કાન મધ્યમ કદના, સહેજ લટકતા; ગોદડી પાતળી, અવિકસિત; પગ મજબૂત અને ખરીઓ નાની, કાળી; પીઠ સીધી તથા મજબૂત અને પૂંછડી પાતળી, લાંબી કાળા ગુચ્છાવાળી હોય છે. દૂધઉત્પાદન ઘણું જ ઓછું હોય છે.

પોનવર : આ જાત ઉત્તરપ્રદેશ રાજ્યના પીલીભીત જિલ્લામાં જોવામાં આવે છે. આ ઓલાદની ગાયો રંગે કાળી અને સફેદ હોય છે તથા શરીર ઉપર કાળા અને સફેદ રંગનાં ધાબાં; ચહેરો નાનો, સાંકડો; કપાળ સહેજ ખાડાવાળું અને તેમાં સફેદ ટીલું, કાન નાના તથા આંખો મોટી અને ચળકતી હોય છે. શિંગડાં લાંબાં, ઊભાં ભાલા જેવાં; ગરદન મજબૂત, ટૂંકી; મુતરણું ટૂંકું, ચુસ્ત અને ગોદડી હલકી, પાતળી અને છેડે સફેદ ગુચ્છો હોય છે. ગાયનું વજન 27૦થી 3૦૦ કિગ્રા. અને સાંઢનું 32૦થી 36૦ કિગ્રા. હોય છે. ગાયો દૂધ ઘણું જ ઓછું આપે છે.

વિદેશી ગાયો

યુરોપીય ગાયોની 2૦૦ ઉપરાંત ઓલાદો છે. જુદા જુદા દેશોમાં ભાષા પ્રમાણે તેમનાં અનેક નામ છે. યુરોપ સિવાય બીજા ખંડોમાં, આ ગાયોનો ફેલાવો મુખ્યત્વે ગ્રેટ બ્રિટન, ડેનમાર્ક, હોલૅન્ડ અને ફ્રાન્સની ગાયોમાંથી થયો છે. આ ગાયોની ઉપયોગિતા પ્રમાણે ત્રણ વિભાગ પડે છે. (જુઓ સારણી)

સારણી 4 : વિદેશી ગાયોના ઉપયોગ મુજબ પ્રકાર

ક્રમ ઉપયોગ ગાયની જાત
1. દૂધઉત્પાદન માટેની ગાયો જર્સી, ગરન્સી, હૉલ્સ્ટીન ફ્રીઝિયન,

આયર-શાયર, બ્રાઉન સ્વિસ, રેડ ડૉન

અને શૉર્ટહૉર્ન જાતો જાણીતી છે.

2. માંસ માટેની ગાયો હેરિફર્ડ, ગૅલોવે, માંસ માટેની

શૉર્ટહૉર્ન એબરડીન, એગન્સ તથા

સ્કૉટલૅન્ડની ડુંગરાળ પ્રદેશની ગાયો

3. ઉભય ઉપયોગ (માંસ

અને દૂધ) માટેની ગાયો

બધી જ ગાયોનો માંસ માટે ઉપયોગ

થાય છે તેથી આ વિભાગમાં ખાસ

જાતો તરી આવતી નથી, પણ ઓછા

દૂધવાળી શૉર્ટહૉર્ન તથા હૉલ્સ્ટીન

તેમજ બ્રાઉન સ્વિસ ગણી શકાય.

જર્સી : ઇંગ્લૅન્ડથી 112 કિમી. દક્ષિણે અને ફ્રાન્સથી 1૦ કિમી. ઉત્તરે આવેલ જર્સી ટાપુ આ ઓલાદનું મૂળ વતન છે.

વિદેશી ગાયોની અગત્યની દુધાળ ઓલાદોમાં જર્સી સૌથી નાના કદની ગાય છે. ફાચર આકારનું શરીર, કદના પ્રમાણમાં મોટું પેટ, સુવિકસિત આઉ અને આંચળ તથા ગાય દૂઝણી હોય ત્યારે શરીર પર વધારાની સહેજ પણ ચરબી જામ્યાનો અભાવ એ આ ઓલાદની વિશિષ્ટ ખાસિયતો છે. જર્સી ઓલાદની ગાયનો રંગ બદામી તથા માથા પર અને પેટની નીચે કાળા રંગની ઝાંય હોય છે. આ ઢોરનું માથું નાનું, કપાળ બેઠેલું; શિંગડાં નાનાં, પાતળાં અને સહેજ આગળ પડતાં હોય છે. કાળાં નસકોરાં ફરતું સફેદ રંગનું કૂંડાળું હોય છે. ગાયની પીઠ સીધી હોય છે. પુખ્ત વયની ગાયનું વજન 36૦થી 4૦૦ કિગ્રા. અને સાંઢનું વજન 54૦થી 77૦ કિગ્રા. હોય છે. જન્મ સમયે બચ્ચાનું વજન 22થી 25 કિગ્રા. હોય છે.

આર્થિક ર્દષ્ટિએ : આ ઓલાદની વાછરડીઓની વય પ્રથમ વિયાણ વખતે 22થી 26 મહિના હોય છે. ગાયો વેતરમાં સરેરાશ 25૦૦થી 35૦૦ લિટર દૂધ આપે છે. દૂધમાં ચરબીનું સરેરાશ પ્રમાણ 5.૦થી 5.3 % જેટલું હોય છે. બે વિયાણ વચ્ચેનો સરેરાશ ગાળો 13થી 14 મહિના હોય છે. અન્ય વિદેશી દુધાળ ગાયોની સરખામણીમાં, ખોરાકમાં રહેલ પીળા રંગદ્રવ્ય કૅરોટીનનું પ્રજીવક ‘એ’માં રૂપાંતર કરવાની અલ્પ ક્ષમતાને લીધે દૂધનો રંગ પ્રમાણમાં વધુ પીળો હોય છે. સ્વભાવ સહેજ તેજ અને ભડકણ હોય છે. આ ઓલાદની ગાયો બીજી વિદેશી ઓલાદની ગાયોની સરખામણીમાં લાંબું જીવે છે. આ ઓલાદની ગાયો ગરમ આબોહવાના પ્રદેશમાં સારું ઉત્પાદન આપે છે. તેથી ઉષ્ણ કટિબંધના દેશોમાં શુદ્ધ ઓલાદ તરીકે ઉછેરવામાં અને સંકરણ કાર્ય માટે જર્સી ગાયો અને સાંઢ આયાત કરવામાં આવે છે.

હૉલ્સ્ટીન ફ્રીઝિયન : આ ઓલાદ ડચ ગાયો તરીકે પણ ઓળખાય છે. વિદેશી દુધાળ ગાયોની ઓલાદો પૈકી હૉલ્સ્ટીન ફ્રીઝિયન ખૂબ જ જાણીતી ઓલાદ છે. યુરોપ ખંડના હોલૅન્ડ દેશમાં ખાસ કરીને ફ્રીઝલૅન્ડ પરગણું આ ઓલાદનું વતન છે. વિદેશી દુધાળ ગાયોમાં હૉલ્સ્ટીન ગાય સૌથી વધુ વજનદાર છે. આ ઓલાદની ગાયો મોટે ભાગે કાળા રંગની અને સફેદ રંગનાં ધાબાંવાળી હોય છે. ગાયોનાં કાન અને શિંગડાં નાનાં, બુઠ્ઠાં તેમજ સહેજ આગળ નમતાં હોય છે. તેમની છાતી પહોળી, ભરાવદાર, ઊંડો કોઠો; પાંસળીઓ ઊપસેલી અને પીઠ સીધી હોય છે. તાજા જન્મેલા બચ્ચાનું વજન 4૦થી 45 કિગ્રા. અને પુખ્ત વયના સાંઢ અને ગાયોનું વજન અનુક્રમે 8૦૦થી 1૦૦૦ કિગ્રા. અને 6૦૦થી 8૦૦ કિગ્રા. હોય છે. આ ઓલાદની ગાયોની પ્રથમ વિયાણની વય 25થી 3૦ મહિના અને બે વિયાણ વચ્ચે 13થી 14 મહિનાનો ગાળો હોય છે. ગાયો એક વેતરમાં સરેરાશ 45૦૦થી 55૦૦ લિટર જેટલું દૂધ આપે છે. દૂધમાં ચરબીનું પ્રમાણ સરેરાશ 3.5 % હોય છે. ચરબીના કણ ઝીણા હોય છે અને દૂધનો રંગ સફેદ હોય છે. પનીર બનાવવા માટે આ દૂધ વધુ અનુકૂળ મનાય છે. વાછરડાં મોટા કદનાં, મજબૂત અને ખડતલ હોય છે અને માંસ માટે અનુકૂળ છે. આ ઓલાદનાં જાનવરો વધુ ગરમ આબોહવામાં સારી રીતે ઊછરી શકતાં નથી એવી માન્યતા છે. આ ઓલાદની ગાયો વધુ દૂધઉત્પાદનને કારણે દુનિયાના ઘણા દેશોમાં વસાવવામાં આવી છે. ભારતમાં દેશી ગાયોના સંકરણ કાર્યક્રમમાં આ ઓલાદનાં ઢોરનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

ગરન્સી : આ ઓલાદની જન્મભૂમિ ગરન્સી ટાપુ છે. આ જાતની ગાયો મધ્યમ કદની હોય છે. ગાયનું વજન 36૦થી 54૦ કિગ્રા., જ્યારે સાંઢનું વજન 57૦થી 1૦૦૦ કિગ્રા. જેટલું હોય છે. શિંગડાં અનિયમિત આકારનાં હોય છે. રંગ લાલાશ પડતો પીળો, લીંબુ અથવા નારંગી અને સફેદ છાંટવાળો હોય છે અને મોઢા ઉપર, ધાબળી, પગ અને પૂંછડા ઉપર વધુ પડતી છાંટ હોય છે. નાકનો રંગ સફેદ હોય છે. ગાયો મૃદુ સ્વભાવની હોય છે. આ દૂધઉત્પાદન માટેની ઓલાદ છે. સરેરાશ વેતરનું દૂધઉત્પાદન 36૦૦થી 4૦૦૦ લિટર હોય છે. દૂધમાં ચરબી 4.8 ટકા છે. દૂધનો રંગ વધુ પડતા સોનેરી રંગનો પીળો હોય છે, જે પરદેશી ઓલાદોમાં દૂધના રંગ માટે જાણીતો છે. ચરબીના કણ બીજી બધી ઓલાદોના દૂધ કરતાં મોટા હોય છે.

વિદેશી ગાયની કેટલીક ઓલાદો

આયરશાયર : આ ઓલાદની ગાયોની જન્મભૂમિ સ્કૉટલૅન્ડનું આયર નામનું પરગણું છે. ગાયો કદમાં ભરાવદાર અને મધ્યમ હોય છે. ગાયનું સરેરાશ વજન 5૦૦ કિગ્રા.થી 64૦ કિગ્રા. અને સાંઢનું 65૦થી 95૦ કિગ્રા. રંગ લાલ ટપકાંવાળો અથવા જુદા જુદા પ્રમાણમાં ભૂખરો અને સફેદ હોય છે. આ ઓલાદની ગાયો ચપળ હોય છે. પ્રથમ વિયાણ 27થી 3૦ મહિનાની ઉંમરે હોય છે. સરેરાશ 32૦૦થી 35૦૦ લિટર દૂધઉત્પાદન એક વેતરમાં આપે છે. સરેરાશ ચરબી 4 % હોય છે. ચરબીના કણ નાના તેમજ માખણનો રંગ આછો પીળો હોય છે. ચીઝઉત્પાદન માટે દૂધ સારું ગણાય છે, કારણ કે ચરબીના કણ નાના હોય છે.

બ્રાઉન સ્વિસ : આ ગાયની ઓલાદનું વતન સ્વિટ્ઝર્લૅન્ડ માનવામાં આવે છે. શરીર ઓછું ભરાવદાર હોય છે. માથું અને ગરદન મોટાં હોય છે. આઉ સરખે ભાગે ગોઠવાયેલું હોય છે. ગાયનું વજન 55૦થી 7૦૦ કિગ્રા. અને સાંઢનું વજન 75૦થી 1૦5૦ કિગ્રા. જેટલું હોય છે. ગાયોનો રંગ ભૂખરો હોય છે. નાક અને જીભ કાળા રંગનાં હોય છે. ગાયો માયાળુ સ્વભાવની હોય છે. ગાયોનું સરેરાશ દૂધઉત્પાદન 36૦૦થી 45૦૦ લિટર હોય છે તેમજ દૂધમાં 3.6થી 4 % ચરબી હોય છે.

ડચ બેલ્ટેડ : ઉત્પત્તિસ્થાન ઉત્તર હોલૅન્ડ છે. આ ઓલાદની ખાસિયતમાં શરીરના મધ્ય ભાગ ઉપર સફેદ પટ્ટો આવેલો હોય છે. ગાયનું સરેરાશ વજન 6૦૦ કિગ્રા. અને સાંઢનું વજન 9૦૦ કિગ્રા., વેતરનું સરેરાશ દૂધઉત્પાદન 25૦૦ લિટર અને દૂધમાં 3.4 % ચરબી હોય છે.

ફ્રેન્ચ કૅનેડિયન : ઉત્પત્તિસ્થાન ફ્રાન્સ છે. આ ઓલાદની ગાયોનું કદ જર્સી અને ગરન્સી ઓલાદને મળતું આવે છે. ગાયનું વજન 35૦થી 48૦ કિગ્રા. તથા ગાયના શરીરનો રંગ કાળો અથવા નારંગી હોય છે. જર્સી ગાયોના જેટલું દૂધ આપે છે. દૂધમાં ચરબીની ટકાવારી 4થી 5 % જેટલી હોય છે.

કેરી : ડેરી ઓલાદોમાં આ સૌથી નાની ગાયની ઓલાદ છે. ગાયનો રંગ કાળો હોય છે. ગાયનું સરેરાશ વજન 45૦ કિગ્રા. અને સાંઢનું 5૦૦ કિગ્રા. છે. વાર્ષિક દૂધઉત્પાદન 25૦૦થી 3૦૦૦ લિટર જેટલું હોય છે.

ડેકચર : આ ઓલાદ ઉભય રીતે ઉપયોગી છે. પગ ટૂંકા, શરીર સરખી રીતે માથા સાથે ગોઠવાયેલું હોય છે. ગાયના શરીરનો રંગ ઘાટો કાળો, વજન 3૦૦થી 35૦ કિગ્રા., વાર્ષિક દૂધઉત્પાદન 4૦૦૦ લિટર જેટલું અને દૂધમાં ચરબી 4 % છે.

દેવોસ : બ્રિટનમાં જૂનામાં જૂની ઓલાદ છે. ગાયનું વજન 45૦ કિગ્રા.; સશક્ત, મજબૂત શરીર; ગાઢો લાલ રંગ, પેટ તેમજ આઉ ઉપર સફેદ છાંટ જોવા મળે છે. શિંગડાં લાંબાં તેમજ ઉપર અને પાછળ જતાં હોય છે. વાર્ષિક દૂધઉત્પાદન 25૦૦ લિટર તેમજ દૂધની ચરબીની ટકાવારી 4.15 જેટલી હોય છે.

રેડ ડેનિશ : ડેનમાર્કની જાણીતી ગાયની ઓલાદ છે. સરેરાશ વધુ દૂધઉત્પાદન માટે પ્રખ્યાત થયેલી છે.

શૉર્ટહૉર્ન : ઉત્પત્તિસ્થાન ઈશાન ઇંગ્લૅન્ડમાં ડરબન, યૉર્કશાયર છે. માંસ માટેની ઓલાદોમાં ભારેમાં ભારે છે. નાનાં શિંગડાંવાળી ઓલાદ તરીકે જાણીતી છે. પુખ્ત ગાયનું વજન 6૦૦થી 65૦ કિગ્રા. હોય છે. ગાયો સફેદ, લાલ કે મિશ્ર રંગની હોય છે. જન્મ સમયે બચ્ચાનું વજન 35થી 4૦ કિગ્રા., વાર્ષિક સરેરાશ દૂધઉત્પાદન 25૦૦થી 3૦૦૦ લિટર તેમજ દૂધમાં 4.25 % ચરબી. વેતર દરમિયાન એકધારું દૂધઉત્પાદન જળવાતું નથી.

રેડપોલ : જન્મભૂમિ પૂર્વ ઇંગ્લૅન્ડમાં છે. આ જાતને જન્મથી શિંગડાં હોતાં નથી. આ જાતની ઓલાદ માંસ માટેની ઓલાદોમાં ભારે છે. ગાયનું વજન 6૦૦થી 65૦ કિગ્રા. અને સાંઢનું 9૦૦થી 115૦ કિગ્રા. હોય છે. ગાયનો રંગ ઘેરો લાલ હોય છે. સરેરાશ દૂધઉત્પાદન 25૦૦થી 3૦૦૦ લિટર એક વેતરમાં થાય છે.

સંકર ગાય : આપણા દેશમાં અને પરદેશમાં થયેલાં સંશોધનો પરથી એમ માલૂમ પડ્યું છે કે પરદેશી દુધાળી ગાયોની સરખામણીએ સંકર ગાય આપણા દેશની ગરમ આબોહવામાં વધુ ફાયદાકારક રીતે ઉછેરી શકાય છે અને છેલ્લાં લગભગ 25 વર્ષના ગાળામાં આપણા દેશમાં જુદા જુદા પાંચેક મોટા વિસ્તારોમાં મોટા પાયા પર સંકર ઢોર ઉછેરવામાં આવ્યાં છે. હરિયાણા રાજ્યના કર્નાલમાં આવેલ રાષ્ટ્રીય ડેરી સંશોધન સંસ્થામાં શાહીવાલ અને બ્રાઉન સ્વિસ ઓલાદના સંકરણથી ‘કરણસ્વિસ’ તથા થરપારકર અને હૉલ્સ્ટીન ફ્રીઝિયન ઓલાદોના સંકરણથી ‘કરણફ્રીઝ’ નામની બે નવી સંકર દુધાળ ઓલાદો પેદા કરવામાં આવી છે. કેરળ રાજ્યમાં સુનંદિની ઓલાદ ઉત્પન્ન કરવામાં આવી છે.

આ સંકર ગાયોએ વેતરે સરેરાશ 2૦૦૦થી 3૦૦૦ લિટર દૂધ આપ્યાનું નોંધાયું છે. સંકર ઓલાદોની ગાયો સરેરાશ 3૦થી 31 માસની ઉંમરે પ્રથમ વાર વિયાઈ છે. દેશી ઢોરના સંકરણ માટે આપણા દેશમાં મોટા ભાગે જર્સી, હૉલ્સ્ટીન અને બ્રાઉન સ્વિસ ઓલાદો ઉપયોગમાં લેવામાં આવે છે. જર્સી ગાયો શરીરના કદ અને વજનમાં આપણી ગાયો જેવી જ હોય છે. જન્મ વખતે જર્સીનાં સંકર વાછરડાં પ્રમાણમાં નાનાં હલકાં હોય છે. આ કારણે જર્સી સાથે સંકરણ કરવાથી સંકર વાછરડાંના જન્મ વખતે તકલીફ થતી નથી. વળી જર્સી ગાયોના દૂધમાં ચરબીનું પ્રમાણ પણ વધુ હોય છે. વિદેશી લોહીનું જુદું જુદું પ્રમાણ ધરાવતી સંકર ગાયોના ઉત્પાદનના અભ્યાસ ઉપરથી એમ લાગે છે કે પચાસ ટકા વિદેશી ગાયોનું લોહી ધરાવતી સંકર ગાયો આપણી પરિસ્થિતિને વધુ અનુકૂળ રહેશે.

ગો : હિન્દુ ધર્મમાં પ્રાચીન કાળથી પરમ પવિત્ર પશુ તરીકે ‘ગો’(ગાય)ની પ્રતિષ્ઠા છે. યજ્ઞો અને નિત્યનૈમિત્તિક દેવપૂજા આદિ વિધિઓમાં ગોવિકારો – ગાયનાં દૂધ, દહીં, ઘૃત, ગોમૂત્ર અને ગોબરનો ઉપયોગ થાય છે. દૈનિક અગ્નિહોત્રના સાયંપ્રાતર્હોમમાં ગાયના દૂધનો હોમ થાય છે. યજ્ઞોમાં ગોઘૃતની આહુતિ અપાય છે. કેવળ યજ્ઞીય ઉપયોગ માટે જ ઉપયુક્ત ગાય હોમધેનુ કહેવાય છે. વસિષ્ઠ ઋષિની નન્દિની ગાય હોમધેનુ હતી. તે દેવગવી સુરભિની પુત્રી હતી.

‘ગો’ વેદોમાં દેવતા ગણાઈ છે. પ્રાત:કાલીન ઉષાનાં કિરણો ‘ગો’ કહેવાય છે. ગાયોનાં રૂપે તે કિરણો ઉષાના રથને વહે છે. સૂર્યનાં કિરણો પણ ‘ગો’ કહેવાય છે. ત્રણ વૈદિક દેવીઓ – ઇડા, ભારતી અને સરસ્વતી—માંની ઇડા ‘ગો’ કહેવાઈ છે. મરુત દેવોની માતા પૃશ્નિ અને દેવમાતા અદિતિ ‘ગો’ કહેવાઈ છે. દેવો માટે ‘गोजाता:’ એવું સાર્થક વિશેષણ પણ છે. દેવગવી સુરભિ તેના પ્રભાવે કરીને કામદુધા — સર્વકામનાઓને પૂરનારી — છે.

વૈદિક નિઘણ્ટુ કોશમાં ‘ગો’ શબ્દના ઉસ્ત્રિયા, મહી, અદિતિ, ઇલા, જગતી, શર્કરી – એવા પર્યાય છે. તેમાં અદિતિ અને ઇલા કે ઇડા એ પ્રસિદ્ધ વૈદિક દેવતાઓના વાચક શબ્દો છે. અમર વગેરે સંસ્કૃત કોશોમાં આપેલા ‘ગો’ શબ્દના પર્યાયો – સૌરભેયી. સુરભિની પુત્રી અહન્યા (અવધ્ય) જેને ન હણવી જોઈએ તે, માહેન્દ્રી – ઇન્દ્રની ગાય, ઇજ્યા – યજ્ઞધેનુ, સુરભિ, સરસ્વતી – વૈદિક ઇડાની સાથે સ્તવાયેલી વિદ્યાની દેવી – એ બધા શબ્દો ગાયનું દેવત્વ સૂચવનારા છે.

ઇન્દ્રે પર્વતોને ભેદી મુક્ત કરેલાં જળ ‘गावः’ : ગાયો છે. ખળખળ વહેતી નદીને ભાંભરતી વત્સોત્સુકા ગાય કહી છે. ગાય અવધ્ય ગણાઈ છે. આચાર્ય ઋત્વિક્ વગેરેનો મધુપર્કથી સત્કાર કરાય ત્યારે તેમને અપાતી ગાય વિશેના મંત્રમાં –

‘‘ગાય રુદ્રોની માતા છે, વસુઓની પુત્રી છે, આદિત્યોની ભગિની છે અને અમૃતનું ઊગમસ્થાન છે. મધુપર્ક સ્વીકારનારને હું કહું છું કે દેવમાતા અદિતિરૂપ નિરપરાધ ગાયને હણશો નહિ.’’ એમ કહેવાયું છે. હિન્દુ પરંપરામાં પરાપૂર્વથી ગાય અવધ્ય, પૂજ્ય અને મંગલરૂપ ગણાઈ છે. દેવલ સ્મૃતિએ ગણાવેલાં આઠ મંગલ તત્વોમાં બ્રાહ્મણ, ગાય, યજ્ઞનો અગ્નિ, સુવર્ણ, ઘૃત, સૂર્ય, જલ અને રાજા – એ આઠ મંગલકારી છે. પુરાણોમાં ‘ગો’નું દેવત્વ, સર્વદેવમયતા, પાવનત્વ આદિના ઘણા ઉલ્લેખો છે. ગાય પવિત્રતાનું પ્રતીક છે, વૃષભ બલ અને શુદ્ધિનું તથા બળદ બલ અને વહનનું પ્રતીક ગણાયા છે.

પૂનમભાઈ તળપદા

જયાનંદ દવે