ગામા (જ. 1878, દતિયા, મધ્યપ્રદેશ; અ. 23 મે 196૦, લાહોર, પાકિસ્તાન) : અવિભાજિત ભારતના વિશ્વમશહૂર કુસ્તીબાજ. મૂળ નામ ગુલામ મહંમદ. કુસ્તીમાં દંતકથારૂપ બની ગયેલા પહેલવાન ગામા વિશ્વવિજેતા પદ મેળવનાર સર્વપ્રથમ ભારતીય છે તેમજ વિશ્વવિજેતા તરીકે અપરાજિત રહેનાર એકમાત્ર કુસ્તીબાજ છે. પોતાના જીવનકાળ દરમિયાન 12૦૦થી પણ વધુ કુસ્તીમાં તે વિજેતા બન્યા હતા. એમના પિતા અઝીઝ પહેલવાન દતિયા રાજ્યના દરબારી પહેલવાન હતા. 8 વર્ષની ઉંમરે પોતાના કાકા અને મામા પાસે વ્યાયામની શરૂઆત કરી અને કુસ્તીના અઘરા દાવ અને ખૂબીઓ શીખ્યા. કુસ્તી કારકિર્દીના મધ્યાહને તેમની ઊંચાઈ 167 સેમી. હોવા છતાં એમનું વજન 118 કિગ્રા. હતું. 33 સેમી. જેટલા બાવડાના ગોટલા ફૂલતા અને 62.5 સેમી. જેટલા ભરાવદાર સાથળ હતા. વહેલી સવારે ત્રણ વાગ્યે ઊઠીને ચારેક હજાર બેઠક કર્યા પછી થોડો આરામ અને નાસ્તો લઈને બે હજાર દંડ કરતા, 6.4 કિમી. દોડ લગાવતા અને ત્રણ-ચાર કલાક કુસ્તી ખેલતા. 191૦માં ઇંગ્લૅન્ડમાં યોજાયેલી જ્હૉન બુલ વિશ્વ ચૅમ્પિયનશિપમાં ભાગ લેવા ગયેલા; પરંતુ આયોજકોએ તેમને ‘અયોગ્ય’ ઠેરવીને બાકાત રાખ્યા. પરિણામે પહેલવાન ગામાએ બે પડકાર ફેંક્યા. એમનો પહેલો પડકાર હતો એક કલાકમાં એક પછી એક 2૦ કુસ્તીબાજોને ચીત કરી દેવાનો અને બીજો હતો એમની

પહેલવાન ગામા

સામે પાંચ મિનિટથી વધુ કુસ્તી ખેલી શકનારને ઇનામ આપવાનો. પહેલી રાતે બીજો પડકાર ઝીલીને ત્રણ કુસ્તીબાજો આવ્યા, પણ બેથી વધુ મિનિટ ટક્યા નહિ. પછીની રાતે 12 કુસ્તીબાજોએ પહેલો પડકાર સ્વીકાર્યો; પરંતુ આંખના પલકારામાં ગામાએ તેમને ચત્તાપાટ કરી દીધા. આથી પોલૅન્ડના વતની અને વિશ્વચૅમ્પિયન ઝિબિસ્કો ગામા સાથે કુસ્તી ખેલવા ઊતર્યા. ગામાએ ઝિબિસ્કોને એવા તો થકવી નાખ્યા કે પછીના દિવસે એ મેદાનમાં ઊતર્યા નહિ અને ગામાને વિશ્વવિજેતાનો રત્નજડિત સુવર્ણપટ્ટો એનાયત કરવામાં આવ્યો. એ પછી લંડનમાં અમેરિકન કુસ્તીબાજ બી. એફ. રોલરને 13 મિનિટમાં રગદોળી નાખ્યો. ભારત પાછા ફર્યા બાદ અલ્લાહાબાદમાં રહીમ સુલતાનીવાલા નામના પહેલવાન સાથે કુસ્તી લડીને તેમણે ‘રુસ્તમ-એ-હિન્દ’નો ખિતાબ મેળવ્યો. 1928માં પતિયાળાના મહારાજાના નિમંત્રણથી ભારતમાં કુસ્તી ખેલવા આવેલા ઝિબિસ્કોને ગામાએ માત્ર 21 સેકંડમાં હાર આપી. પછીના વર્ષે સ્વીડનના કુસ્તીબાજ પીટર્સનને 1 મિનિટ 45 સેકંડમાં માત કર્યો. 1953માં આફ્રિકાના પ્રવાસેથી પાછા ફર્યા બાદ દમના વ્યાધિના કારણે પરેશાન ગામાને આર્થિક મુશ્કેલી અનુભવવી પડી. વિજયના પ્રતીકરૂપે મળેલી સાતમાંથી છ ગદા તથા બીજા અકરામો વેચીને ગુજારો ચલાવ્યો. ભાગલા પછી પાકિસ્તાન ગયેલા ગામાને 196૦માં પાકિસ્તાન દિનની ઉજવણી પ્રસંગે ‘સિતારા-એ-ઇમ્તિંગ’નો ઇલકાબ તથા પ્રમુખનો ગૌરવ ચંદ્રક એનાયત કરવામાં આવ્યો. વધુમાં તેને રૂ. 5૦૦૦ની બક્ષિસ અને માસિક રૂ. 1૦૦૦ નિવૃત્તિવેતન બાંધી આપવામાં આવ્યું. 196૦ની 23 મેના રોજ લાહોરની મેયો હૉસ્પિટલમાં ગામાનું અવસાન થયું. ગામાની દોરવણી હેઠળ તેના ભત્રીજાઓ ભોલ્લુ, અસલામ, ગોગુ અને અકરમ નામાંકિત પહેલવાનો બન્યા.

કુમારપાળ દેસાઈ