ગાંધી સ્મૃતિ સંગ્રહાલય : મહાત્મા ગાંધીની સ્મૃતિ પ્રજામાં અકબંધ રાખવા 1955માં અસ્તિત્વમાં આવેલું ભાવનગર ખાતેનું મ્યુઝિયમ.

ગાંધી સ્મૃતિ સંગ્રહાલય, ભાવનગર

1948માં સરદાર પટેલે ઇચ્છા વ્યક્ત કરેલી કે ભાવનગરમાં મહાત્મા ગાંધીની સ્મૃતિનું વર્ધન કરવા માટે એક અલાયદું મ્યુઝિયમ સ્થપાવું જોઈએ. આ ઇચ્છાની પૂર્તિ કરવા માટે ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ પાંચ લાખ રૂપિયાનું દાન આપ્યું, તથા અબ્દુલ હુસેન મર્ચન્ટ તથા માસૂમ અલી મર્ચન્ટે ભાવનગર ખાતે વિશાળ જમીન ભેટ આપી. પરિણામે ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ 1955ના નવેમ્બરની પહેલીએ આ મ્યુઝિયમનું ઉદઘાટન કર્યું. મ્યુઝિયમના આદ્ય ટ્રસ્ટીઓમાં હતા બળવંતરાય મહેતા, જગુભાઈ પરીખ અને વિઠ્ઠલભાઈ ઝવેરી.

ગાંધી જન્મ 1869થી ગાંધી નિર્વાણ 1948 સુધી વિવિધ પ્રસંગોને વ્યક્ત કરતા ગાંધીજીના 200થી વધુ ફોટોગ્રાફ્સ આ મ્યુઝિયમમાં કાયમી ધોરણે પ્રદર્શિત છે. તેમાં પોરબંદર ખાતેના જન્મસ્થળ, પ્રાથમિક માધ્યમિક શાળાઓ – આલ્ફ્રેડ હાઈસ્કૂલ, ભાવનગરની શામળદાસ કૉલેજ, દક્ષિણ આફ્રિકાનો ટૉલ્સ્ટૉય આશ્રમ, તે આશ્રમના રોજિંદા જીવન, દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહો-લડતો, ભારતમાં ગાંધીજીનું આગમન, સાબરમતી આશ્રમ, દાંડીકૂચ, વિવિધ મહાનુભાવો સાથે ગાંધીજીની મુલાકાતો, ગાંધીજીના અંગત જીવન, તેમના સુખ-દુ:ખ જેવી અંગત ક્ષણોને કંડારતી અનેક ક્ષણોનું નિરૂપણ જોવા મળે છે.

ગાંધી સ્મૃતિ સંગ્રહાલયમાં આ ઉપરાંત અહીં ગાંધી સ્મૃતિ ગ્રંથાલય છે; જેમાં 1956માં 2645 પુસ્તકો–સામયિકો હતાં, આજે તેમાં 30,000થી વધુ પુસ્તકો-સામયિકો છે. ગ્રંથાલય ચાર વિભાગોમાં વહેંચાયેલું છે :

(1) ગાંધી સંશોધન સંગ્રહ : અહીં ગાંધીએ લખેલા તમામ ગ્રંથો ઉપરાંત ગાંધી ઉપર દુનિયાના વિવિધ લેખકોએ લખેલા તમામ મહત્વના ગ્રંથો અને લેખોનો સંગ્રહ છે. ગાંધી દ્વારા સંપાદિત સામયિકો ‘હરિજનબંધુ’, ‘યંગ ઇન્ડિયા’, ‘નવજીવન’ની સંપૂર્ણ ફાઇલો, અમૃતલાલ શેઠનાં સામયિકો ‘સૌરાષ્ટ્ર’ અને ‘રોશની’ તથા ‘કુમાર’, ‘કૌમુદી’, ‘ગ્રંથ’, ‘મિલાપ’, ‘સંસ્કૃતિ’, ‘ગુજરાત’, ‘નૅશનલ જ્યોગ્રૉફિક’ સામયિકોની પણ ફાઇલો છે.

(2) મહિલા પુસ્તકાલય : મહિલાઓ વાંચી શકે તેવા હળવાફૂલ વિષયો – ગૃહશોભા, બાળઉછેર, ધર્મ, આરોગ્ય, સમાજશાસ્ત્ર, જીવનચરિત્રો જેવા વિષયોનાં લગભગ 7,000 પુસ્તકો અહીં છે.

(3) બાળ પુસ્તકાલય : બાળકોના ચારિત્ર્યઘડતરમાં ઉપયોગી થઈ પડે તેવાં લગભગ 4,000થી વધુ પુસ્તકો આ વિભાગમાં છે. આ પુસ્તકો મોટા ટાઇપમાં છપાયેલાં છે. તેમાં સાહસકથાઓ, વાર્તાઓ, ચરિત્રો, ઇતિહાસ, રમૂજ, વિજ્ઞાન, નાટકો જેવા વિષયોનો સમાવેશ છે.

(4) વાચનાલય : રોજ સવારે 9થી 12 તથા સાંજે 3થી 6 સુધી ખુલ્લા રહેતા આ વિભાગમાં કુલ 8 અખબારો તથા 100 સામયિકો નિયમિત આવે છે.

ગાંધી સંગ્રહાલયને આરંભમાં જયંત મેઘાણી જેવા વિદ્યાપ્રેમી ગ્રંથપાલ સાંપડ્યા હતા. પછીથી નલિન સોની, લાભશંકર ભટ્ટ, સુધીર શાહ, હેમંત દવે, અમૃત મારુ જેવા કાબેલ ગ્રંથપાલો સાંપડ્યા છે.

જ. મૂ. નાણાવટી

અમિતાભ મડિયા