ગાંધી, સંજય (જ. 14 ડિસેમ્બર 1946, મુંબઈ; અ. 23 જૂન 1980, દિલ્હી) : ઇન્દિરા અને ફિરોઝ ગાંધીના નાના અને અત્યંત મહત્વાકાંક્ષી પુત્ર. તે કૉલેજ શિક્ષણ પૂરું કરી શક્યા નહિ. ઇન્દિરા ગાંધીએ દેશમાં કટોકટી જાહેર કરી ત્યારે સંજય ગાંધી 27 વર્ષની નાની વયે માતાની પડખે ઊભા રહ્યા. દિલ્હીમાં તુર્કમાન ગેટ અને અન્ય જગ્યાએ ગેરકાયદેસર દબાણ દૂર કરી ત્યાં ઉપયોગી બાંધકામો કર્યાં, જેમાંનું એક કૉનોટ પ્લેસ સર્કલનું પાલિકા બજાર એ ભારતનું સૌપ્રથમ ભૂગર્ભ માર્કેટ છે.

સંજય ગાંધી

તેમણે મારુતિ ઉદ્યોગ કંપની લિમિટેડની સ્થાપના કરી અને વિદેશી બજારમાં હરીફાઈમાં ઊતરી શકે તેવી ભારતની સર્વપ્રથમ મોટર બહાર પાડવામાં અગત્યનો ભાગ ભજવ્યો. આ ઉપરાંત કુટુંબનિયોજન, વૃક્ષારોપણ, યુવાનેતૃત્વ વગેરે ઉપયોગી પ્રવૃત્તિઓ તેમણે જોશભેર હાથ ધરી હતી. તેમણે શિસ્ત અને સમયપાલન માટેનાં કડક પગલાં લઈ વહીવટી તંત્રને ઝડપી અને લોકપ્રિય બનાવ્યું હતું.

ઈ. સ. 1979ની લોકસભાની મધ્યસત્ર ચૂંટણીમાં તે ઉત્તરપ્રદેશના અમેઠી લોકસભા મત વિસ્તારમાંથી કૉંગ્રેસના ઉમેદવાર તરીકે જંગી બહુમતીએ ચૂંટાઈ આવ્યા હતા. અખિલ ભારતીય કૉંગ્રેસ સમિતિના મહામંત્રી પણ થયા હતા. 23 જૂન 1980ના રોજ એ દિલ્હી ફ્લાઇંગ ક્લબમાંથી વિમાન લઈ નીકળ્યા ત્યારે અચાનક વિમાન તૂટી પડતાં તેમનું અકાળે અવસાન થયું. મેનકા ગાંધી સાથે તેમનાં પ્રેમલગ્ન થયાં હતાં. વરુણ ગાંધી તેમનું એકમાત્ર સંતાન છે.

ધર્મેન્દ્રસિંહ દિ. ઝાલા