ગાંધી વિદ્યાપીઠ, વેડછી : ગાંધીવાદી કેળવણીકાર જુગતરામભાઈની 40 વર્ષની સાધના અને આરાધનાને પરિણામે આકાર પામેલી સંસ્થા. 1967માં તેની સ્થાપના થઈ તેના ચાર દાયકા પહેલાં આદિવાસીઓના સર્વાંગીણ વિકાસ માટે ચૂનીભાઈ મહેતા અને જુગતરામભાઈ દવેએ વેડછીમાં આશ્રમ સ્થાપી ખાદી અને બુનિયાદી શિક્ષણનાં માધ્યમો દ્વારા આદિવાસીઓમાં શિક્ષણ અને સ્વાવલંબનનું સંસ્કાર-સિંચન કરવા માંડ્યું હતું.

ગાંધી-વિનોબાની જેમ જુગતરામભાઈના જીવન સાથે પણ આશ્રમજીવન જડાયેલું હતું. શિક્ષણક્ષેત્રે ગાંધીમૂલ્યો ચરિતાર્થ કરવા વેડછીમાં જુગતરામભાઈએ ‘આશ્રમ ઉદ્યોગશાળા’ સ્થાપીને ત્યાં કાંતણ, વણાટ, ગણિત, ભાષા વગેરે વિષયોનો બે વર્ષનો અભ્યાસક્રમ શરૂ કર્યો. સફાઈ – ખાસ કરીને મળસફાઈ આશ્રમનું મહત્વનું અંગ ગણાતું. 1937માં વર્ધા શિક્ષણ યોજના અમલમાં આવી. ઉદ્યોગ દ્વારા શિક્ષણ એ યોજનાનું મુખ્ય અંગ હતું. સ્વાવલંબન એની તેજાબી કસોટી હતી. એ આદર્શોને લક્ષમાં લઈ વેડછી આશ્રમે બે વર્ષની જગ્યાએ ચાર વર્ષનો અભ્યાસક્રમ તૈયાર કર્યો. એમાં કાંતણવણાટ ઉપરાંત ખેતીકામ, સુથારીકામ, પશુપાલન, નામું વગેરે વિષયો હતા. બીજા વિષયોમાં ગુજરાતી, હિંદી, સંસ્કૃત વગેરે ભાષાઓ, ગણિત અને ટૅક્નિકલ વિષયોનું જ્ઞાન અને સામાન્ય જ્ઞાનના વિષયો ઉમેરાયા. સ્વતંત્રતા બાદ વેડછી વિસ્તારમાં બુનિયાદી શિક્ષણનો ફેલાવો ઉત્તરોત્તર વધતો જ ગયો.

1948માં વેડછી આશ્રમે ઉત્તર બુનિયાદી તાલીમના વર્ગો શરૂ કર્યા. 1952માં અધ્યાપન મંદિર સ્થપાયું, તેમાં પ્રાથમિક શિક્ષકો માટેની બે વર્ષની તાલીમમાં મુખ્ય ઉદ્યોગ કાંતણ અને વણાટનો છે અને ગૌણ ઉદ્યોગમાં ખેતી અને પૂઠાંકામ શીખવવામાં આવે છે. આવું જ અધ્યાપન મંદિર બોરખડીમાં પણ સ્થપાયું. એ અધ્યાપન મંદિરોએ અનેક આશ્રમશાળાઓમાં અને બુનિયાદી શાળાઓમાં શિક્ષકો પૂરા પાડ્યા. શિક્ષિત આદિવાસી ભાઈબહેનોએ જ એ શાળાઓમાં શિક્ષણકાર્ય શરૂ કર્યું. બુનિયાદી અને ઉત્તર બુનિયાદી વિદ્યાલયો વેડછી વિસ્તારમાં જેમ જેમ વધતાં ગયાં તેમ તેમ તેમાંથી વધુ ને વધુ વિનીતો વર્ષોવર્ષ બહાર પડતા ગયા. એમને આગળ શિક્ષણ આપવા ઉચ્ચ શિક્ષણની સંસ્થા સ્થાપવાનો વિચાર વેડછીના કાર્યકરોને આવ્યો. આ ક્ષેત્રના વિદ્વજ્જનો તરફથી પણ એ માટે પ્રોત્સાહન મળ્યું એટલે એ સાહસ પણ એમણે ખેડ્યું. એ કામમાં સ્થાનિક આગેવાનોએ પણ ટેકો આપ્યો. જંગલ સહકારી મંડળીઓએ પોતાના યુવકો માટેના આ પુરુષાર્થને વધાવી લીધો અને પાંચ વર્ષ સુધી એક એક લાખ રૂપિયાની મદદ પહોંચાડવાની તૈયારી બતાવી એટલે વેડછી આશ્રમથી દોઢ કિમી. દૂર વાલોડની સરહદમાં આવેલ 45.2 હેક્ટર જમીન ખરીદી ત્યાં 1967માં ગાંધી વિદ્યાપીઠ સ્થાપવામાં આવી. તેના પ્રથમ કુલપતિ કાકાસાહેબ કાલેલકર અને ઉપકુલપતિ જુગતરામભાઈ બન્યા. 1971માં જુગતરામભાઈ કુલપતિ બન્યા અને દિલખુશભાઈ દીવાનજી ઉપકુલપતિ બન્યા. 51 સભ્યોની સાધારણ સભા બની અને 15 સભ્યોની કાર્યવાહક સમિતિની રચના થઈ.

ગાંધી વિદ્યાપીઠના સમાજશાસ્ત્ર મહાવિદ્યાલયના ગ્રામસેવા વિદ્યાલય દ્વારા કૃષિના ડિગ્રી અને ડિપ્લોમા અભ્યાસક્રમો ચાલે છે. ગાંધી વિદ્યાપીઠે 1968માં ઉત્તર બુનિયાદી વિદ્યાલયનાં શિક્ષક-શિક્ષિકાઓની તાલીમ માટે સ્નાતકોનું અધ્યાપન મંદિર ખોલ્યું. શાંતિસેનાનું કામ પણ વેડછીના કાર્યકરો જ કરતા હતા. વિદ્યાપીઠ શરૂ થઈ એટલે શાંતિસેના વિદ્યાલય તેની અગત્યની શાખા બની. શરૂઆતમાં વિદ્યાપીઠની ભૂમિ પર જ એ વિદ્યાલય ચાલ્યું, પણ પાછળથી એ કરાડી ખસેડવામાં આવ્યું.

આદિવાસી યુવકોને ખેતીકામમાં તથા સુથારી, લુહારી વગેરે કામોમાં નવાં નવાં કાર્યક્ષમ ઓજારો બનાવવાનું અને સમારવાનું શિક્ષણ મળે એ આશયથી ગાંધી વિદ્યાપીઠની સંમતિથી બારડોલીમાં તા. 25–6–70ના રોજ યંત્રવિદ્યાલય ખોલવામાં આવ્યું. આમ સમય, સંજોગો, કાર્યકર્તાઓ અને કાર્યક્ષેત્રનો ઠીક ઠીક ઉપયોગ કરી ગાંધી વિદ્યાપીઠે એની વિદ્યાશાખાઓ વિસ્તારી.

ગાંધી વિદ્યાપીઠ નિવાસી ગ્રામ વિદ્યાપીઠ છે. ત્યાં અધ્યાપકો અને વિદ્યાર્થીઓ કૅમ્પસ પર જ રહે છે. મોટા ભાગના વિદ્યાર્થીઓ નબળા વર્ગનાં જૂથોમાંથી આવે છે. વિદ્યાપીઠનું જીવન સ્વનિર્ભરતા અને જાતમહેનતના સિદ્ધાંત પર આધારિત છે. વિદ્યાર્થીઓ પોતે વિદ્યાપીઠનું સંકુલ અને કૉલેજનાં મકાનો તથા વર્ગો સાફ કરે છે. તેઓ રોજના રસોઈકામમાં પણ ભાગ લે છે, તેમનાં વાસણો સાફ કરે છે અને પોતાનાં કપડાં ધુએ છે. વિદ્યાપીઠના સ્નાતક અધ્યાપન મંદિરના ઉદ્દેશો આ પ્રમાણે છે :

(1) શિક્ષકોમાં પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણના બધા સ્તરોએ શિક્ષણ આપવાની બુદ્ધિમત્તા પેદા કરવી. (2) શિક્ષક ગ્રામ-પુનર્રચના માટે કામ કરી શકે તે માટે તેમને તૈયાર કરવા. (3) તાલીમાર્થીઓમાં શરીરશ્રમ અને બૌદ્ધિક સામર્થ્યની નિપુણતા વિકસાવવી. (4) અધ્યાપકો સ્વનિર્ભર બને, નવા કાર્યક્રમો માટે પહેલ કરી શકે, સમૂહમાં કામ કરવાની આવડત કેળવે, પ્રયોગો કરવાનું વલણ ધરાવે અને તેમનામાં દેશસેવાની ભાવના વિકસે એ રીતે તેમને તૈયાર કરવા. (5) તાલીમાર્થીઓ પોતે જીવનભરના વિદ્યાર્થીઓ બને અને સ્વપ્રયત્ને શિક્ષણ મેળવે એવી પ્રેરણા એમને આપવી.

અહીં ચીલાચાલુ વ્યાખ્યાનોને બદલે પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ આપવાનું ગોઠવાયું છે. એ માટે વિદ્યાપીઠે ખાસ અભ્યાસ અને પ્રવૃત્તિનો ઓરડો તૈયાર કર્યો છે, જેમાં પુસ્તકો હોય, સામયિકો હોય અને કેટલાંક શિક્ષણ-સહાયક સાધનો હોય. એ અભિગમનાં મુખ્ય લક્ષણો છે : (1) એક પણ વ્યાખ્યાન નહિ. (2) જૂથકાર્ય અને જૂથચર્ચા સહિત સ્વ-સંચાલિત અભ્યાસ. (3) સમસ્યાનું સ્વતંત્ર પૃથક્કરણ અને સ્વતંત્ર તારણ.

ગાંધી વિદ્યાપીઠમાં રોજ સાંજે પ્રાર્થના બાદ દિવસભરની પ્રવૃત્તિનાં લેખાંજોખાં થાય છે, જેમાં બધા વિદ્યાર્થીઓ અને શિક્ષકો ભાગ લે છે.

અધ્યાપકોની ભરતી માટે વિદ્યાશાખાઓમાં એવા માણસોને પસંદ કરવામાં આવે છે કે જેમને તે તે વિષયોનું જ્ઞાન અને નિપુણતા ઉપરાંત ગાંધીજીવન, તત્વજ્ઞાન અને શિક્ષણમાં સાચો રસ હોય.

ગાંધી વિદ્યાપીઠમાં વિદ્યાર્થીઓ અને અધ્યાપકોનો સંબંધ અનૌપચારિક હોય છે. બંને કૅમ્પસ પર રહેતા હોવાથી વિદ્યાર્થીઓને જ્યારે જરૂર જણાય ત્યારે અહર્નિશ અધ્યાપકોનું માર્ગદર્શન મળતું રહે છે. અહીં સિદ્ધાંત અને વ્યવહાર બંનેમાં જીવનભરના શિક્ષણની પ્રક્રિયા ર્દષ્ટિગોચર થાય છે. શ્રી નારાયણ દેસાઈ અહીંના સંપૂર્ણ ક્રાંતિ વિદ્યાલયના આચાર્ય છે.

રમણભાઈ મોદી