ગરનાતા : સ્પેન કે ઉન્દુલુસમાં આવેલ પ્રાચીન રાજ્ય. વર્તમાન સ્પેનના એક સૂબા ગરનાતાનું પાટનગર આ જ નામે જાણીતું છે. સમુદ્રસપાટીથી 550 મી.ની ઊંચાઈએ આવેલું રમણીય શહેર છે. તે 42° ઉ. અ. અને 4° પૂ. રે. ઉપર આવેલું છે. હદ્દારા તથા શુનીબ નદીઓની વચ્ચે આવેલો આ ફળદ્રુપ પ્રદેશ ખેતીવાડી, ફળફૂલ અને ધંધારોજગારના ક્ષેત્રે પ્રગતિ પામ્યો છે.

ગરનાતા કે ગ્રેનેડા ઉપર તેના રહીશો ખૂબ ગર્વ લેતા અને પોતાના આ પ્યારા વતનને ઇજિપ્ત, ઇરાક કે સીરિયા કરતાં ચડિયાતું ગણતા.

અગિયારમી સદીમાં શહર અલબીરા કે ઇલીબેરીની જગ્યાએ આ નગર વસાવવામાં આવ્યું. બનુ ઝેરીએ આને પાટનગરનો દરજ્જો આપ્યો, તેની ફરતે કોટ અને ભવ્ય ઇમારતો બંધાવ્યાં. ઇબ્ન બતૂતાની નોંધ મુજબ આ શહેર તે વખતે 64 કિમી.ના ઘેરાવામાં હતું. ગરનાતાનું સૌથી મોટું આકર્ષણ અલહમરા(રાતા મહલ)ની અદભુત ઇમારતો છે. તેનાં રંગીન નળિયાં અને ટાઇલ્સ વરસો પછી પણ આજે એવાં જ સુંદર રહ્યાં છે.

મોહિયુદ્દીન બૉમ્બેવાલા