ગરગડી (pulley) : દોરડાં, સપાટ પટ્ટા, વી-પટ્ટા અથવા સાંકળની સાથે યોગ કરીને ગતિ અને શક્તિનું સંચારણ કરવા વપરાતું ચપટ, ગોળ અથવા ખાંચેદાર કોરવાળું ચક્ર.

ગરગડી બીડના લોખંડ, પોલાદ, પિત્તળ અથવા લાકડામાંથી બનાવવામાં આવે છે. પ્રથમ આકૃતિમાં સાદી ગરગડી હૂક વડે લટકાવેલી દર્શાવેલ છે.

આકૃતિ 1 : સાદી સ્થિર ગરગડી

આકૃતિ 1 પ્રમાણે સ્થિર ગરગડીમાં વચ્ચે ધરી હોય છે અને તેની આસપાસ ગરગડી છૂટથી ફરી શકે તેવી ગોઠવણ કરેલી હોય છે. ગરગડીની ઉપર દોરડું લટકાવવામાં આવે છે. તે દોરડાની એક બાજુ વજન લટકાવ્યું હોય અને તેની બીજી બાજુને હાથમાં પકડી તેના ઉપર બળ આપવામાં આવે તો વજન ઊંચકાય છે. ગરગડી એ પહેલા પ્રકારનું ઉચ્ચાલન છે. જો ગરગડી વાપરવામાં ના આવે તો વજનને ઊંચકવા દોરડાને ઉપરની દિશામાં ખેંચવું પડે. પરંતુ ગરગડીથી પ્રયાસ(બળ)ની દિશા બદલી શકાય છે અને તેથી બળ નીચેની દિશામાં કરવું પડે છે. જોકે આ પ્રકારની ગરગડીથી યાંત્રિક લાભ મર્યાદિત થાય છે. તેથી તેમાં થોડો ફેરફાર કરીને બીજી આકૃતિમાં દર્શાવ્યા મુજબની રચના કરીને ચલિત (ગતિમય) ગરગડીનો ઉપયોગ કરવાથી યાંત્રિક ફાયદો વધે છે.

આકૃતિ 2 પ્રમાણેની રચનામાં દોરડાના એક છેડાને ઉપરની બાજુ ઉપર એક જગ્યાએ બાંધી, તેને છૂટી ગરગડી ઉપરથી પસાર કરવામાં આવે છે. આ દોરડું બીજી સ્થાયી ગરગડી ઉપરથી પસાર કરવામાં આવે છે. સ્થિર ગરગડી પરના દોરડાના લટકતા છેડે બળ (પ્રયાસ) આપવામાં આવે છે અને છૂટી ગરગડી ઉપર વજન લટકાવવામાં આવે છે. દોરડા અને ગરગડી વચ્ચેનું ઘર્ષણ નહિવત્ ગણવામાં આવે તો આ પ્રકારની રચનાથી યાંત્રિક ફાયદો બમણો થાય છે, પરંતુ વજનની ગતિમાં ઘટાડો થાય છે.

આકૃતિ 2 : ચલિત અને સ્થિર ગરગડી

આકૃતિ 3 : ગરગડીનો પ્રથમ પ્રકાર

આકૃતિ 3 પ્રમાણે સ્થાયી અને ગતિમય (ચલિત) ગરગડીનો ઉપયોગ કરીને ત્રણ પ્રકારની રચના કરવામાં આવે છે. આ ત્રણેય પ્રકાર અલગ અલગ આકૃતિમાં દર્શાવ્યા છે.

પ્રથમ પ્રકારની ગરગડીની રચનામાં 1 નંબરની ગરગડી સ્થાયી છે. જ્યારે ગરગડી નં. 2, 3 અને 4 ચલિત પ્રકારની છે. યાંત્રિક લાભ ચલિત ગરગડીની સંખ્યા ઉપર આધાર રાખે છે અને તેનું સૂત્ર યાંત્રિક લાભ = 2n છે. n = ચલિત ગરગડીની સંખ્યા. પરંતુ આ પ્રકારની ગરગડીની ગોઠવણીનો વ્યવહારમાં ઉપયોગ ઘણો ઓછો થાય છે, કારણ કે આ રચનામાં દોરડાની ગોઠવણી મુશ્કેલ છે અને થોડા અંતર સુધી વજન ઉપાડવા માટે બળ ઘણા લાંબા અંતર માટે લગાડવું પડે છે.

આકૃતિ 4 : ગરગડીનો દ્વિતીય પ્રકાર

ગરગડીનો દ્વિતીય પ્રકાર : આકૃતિ 4માં દર્શાવેલ આ પ્રકારની રચનામાં ધરી ઉપર સ્વતંત્ર રીતે ફરતી ગરગડીનાં બે જૂથ ગોઠવવામાં આવે છે. આમાં ફક્ત એક જ દોરડું વાપરવામાં આવે છે અને તે દરેક ગરગડીની ઉપરથી પસાર થાય છે. ઘણું કરીને વ્યવહારમાં આ પ્રકારની ગરગડીનો ઉપયોગ વધારે થાય છે.

આકૃતિ 5 : ગરગડીનો તૃતીય પ્રકાર

આકૃતિ 5 પ્રમાણે ગરગડીની તૃતીય પ્રકારની રચનામાં જેટલી ગરગડીઓ હોય તેટલાં દોરડાં હોય છે. દરેક દોરડાનો એક છેડો વજન સાથે બાંધેલો હોય છે. આમાં ગરગડી નં. 1 સ્થિર છે, જ્યારે 2, 3 અને 4 નંબરની ગરગડી ચલિત હોય છે. આ રચનાથી યાંત્રિક લાભની ગણતરી (2n – 1) એ સૂત્રથી થઈ શકે છે, અહીં n એ ગરગડીની સંખ્યા છે. આ પ્રકારની રચના પણ વ્યવહારમાં ઘણી ઉપયોગી છે.

યાંત્રિકી ઇજનેરીમાં ગરગડીની ગણના સાદા યંત્રમાં કરવામાં આવે છે.

હરેશ જયંતીલાલ જાની