ગયૂર હસન (જ. 1939, શ્રીનગર) : કાશ્મીરી શિલ્પકાર. ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ મ્યૂઝિક ઍન્ડ ફાઇન આર્ટ્સ, શ્રીનગરના વડા તરીકે સેવાઓ આપેલી. વડોદરાની મ. સ. યુનિવર્સિટીમાંથી શિલ્પ વિષય સાથે સ્નાતક થયેલા. જમ્મુ અને કાશ્મીર અકાદમી તરફથી તેમને શિષ્યવૃત્તિ પ્રાપ્ત થયેલી. રાષ્ટ્રીય કલા પ્રદર્શનોમાં 1973–76 દરમિયાન ભાગ લીધો. તેમનાં શિલ્પ અમૂર્તલક્ષી (abstract) રહ્યાં છે. તીક્ષ્ણ પાસાદાર અને ગોળાટનો સુંદર સુમેળ સાધી તે પ્રતીકાત્મક પરિકલ્પનાઓ રજૂ કરે છે. અખિલ ભારતીય સર્જનાત્મક અક્ષરલેખન કલામાં તેમને 1977માં પારિતોષિક પ્રાપ્ત થયેલું. દિલ્હીના સમકાલીન કલાસંગ્રહાલય તથા લલિત કલા અકાદમીમાં અને જમ્મુ-કાશ્મીર કલ્ચરલ અકાદમીમાં તેમનાં ચિત્રો સ્થાન પામ્યાં છે. તેઓ કાશ્મીર આર્ટિસ્ટ ગિલ્ડના સ્થાપક સભ્ય છે તથા અ. ભા. કલાકાર શિબિરોમાં સક્રિય રસ લીધો છે.

કનુ નાયક